આજે સાંજે દેશભક્તિને કબાટમાં પૂરી દેશોને?

Published: Jan 26, 2020, 17:51 IST | kana bantwa | Mumbai Desk

Come On જિંદગી! : આપણો રાષ્ટ્રપ્રેમ સીઝનલ છે. વર્ષમાં બે વખત વાપરવાની વસ્તુ છે. સોશ્યલ મીડિયા પરનો દેખાડો છે. બાય ધ વે, રાષ્ટ્રીય તહેવારોએ રજા શા માટે હોવી જોઈએ? આ દિવસોએ તો વધુ કામ કરીને દેશના વિકાસમાં સહભાગી બનવું જોઈએ...

આજે સાંજે દેશભક્તિને ગડી વાળીને કબાટમાં મૂકી દેશોને? હવે છેક પંદરમી ઑગસ્ટે કાઢશોને? ગડી ખોલીને ફરી એક દિવસ માટે પહેરી લેશો. આજે તો સોશ્યલ મીડિયા પર તમે બરાબર રંગાઈ ગયા હશોને દેશભક્તિના રંગે? કેટલાય મેસેજ કર્યા હશે. કેટલાય ત્રિરંગા મોકલ્યા હશે. ફોટોને ત્રણ રંગમાં રંગી નાખ્યા હશે. અક્ષર પણ ત્રણ રંગમાં રંગીને હૅપપી રિપબ્લિક ડે વિશ કર્યા હશેને? બીજા કોઈથી ઊતરતા દેશભક્ત ન દેખાઈ જાઓ એ માટે તનતોડ મહેનત કરી હશેને સોશ્યલ મીડિયા પર?

જરા ખરાબ લાગશે, પણ આ હકીકત છે. આપણો દેશપ્રેમ સીઝનલ છે. ૨૬મી જાન્યુઆરી કે પંદરમી ઑગસ્ટ આવે ત્યારે આપણો દેશપ્રેમ અચાનક ઊભરાઈ આવે છે. વર્ષના ૩૬૫ દિવસમાંથી આ બે રાષ્ટ્રીય પર્વોએ જ આપણે રાષ્ટ્રભક્તિને બહાર કાઢીએ છીએ, ઝાટકીને ખંખેરીએ છીએ અને એક દિવસ માટે પહેરી લઈએ છીએ. દેશભક્તિ કાંઈ વર્ષમાં બે વખત પહેરવાનાં કપડાં છે? દેશભક્તિ કોઈ સીઝનલ બીમારી છે? આજે એક દિવસ ત્રિરંગાને સલામ ઠોકીને આપણે સંતોષ માની લઈએ છીએ એ દંભ છે. દેશદાઝ તો ચોવીસે કલાક, બારે મહિના, ત્રણસો પાંસઠ દિવસ બતાવવાની ચીજ છે. રાષ્ટ્રીય તહેવારોએ એને વિશેષ રૂપે દર્શાવો એ સારી બાબત છે, પણ ૨૭મી જાન્યુઆરીએ વતનભક્તિ કપૂરની જેમ ઊડી જાય છે એ સમસ્યા છે. માતૃભૂમિ તરફનો પ્રેમ માત્ર સોશ્યલ મીડિયાના ફૉર્વર્ડ પૂરતો સીમિત થઈ ગયો છે એ સમસ્યા છે. આજે જન-ગણ-મન ગાઈને રાષ્ટ્રધ્વજને સૅલ્યુટ મારનાર આવતી કાલે આરામથી લાંચ લેશે. રસ્તા પર થૂંકશે. ગાડીનો કાચ ખોલીને કચરો રસ્તા પર ફેંકશે. વેપારી હશે તે જીએસટીની ચોરી કરશે. કોઈ સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડશે. કોઈ બસની સીટ ચીરશે. આ બધું કરતી વખતે તેને યાદ નહીં આવે કે ગઈ કાલે રાષ્ટ્રભક્તિ દર્શાવતા ઢગલાબંધ મેસેજ કર્યા છે. દેશપ્રેમ ત્યારે ભૂલી જવાશે.
સોશ્યલ મીડિયા પર રાષ્ટ્રીય પર્વ નિમિત્તે આપણે મેસેજનો જે ધોધ વહાવીએ છીએ એ ખરાબ નથી, પણ એ રાષ્ટ્રભક્તિય નથી જ. એ દેશદાઝનો દેખાડો માત્ર છે. તમે પણ દેશ પ્રત્યે અખૂટ લાગણી ધરાવો છો એવું બીજાને બતાવવા માટે આ મેસેજ થાય છે. કોઈ તમને ઓછા દેશભક્ત ન સમજી લે એ માટેનો પ્રયાસ છે. અત્યારની પરિસ્થિતિમાં તો ઓછા દેશભક્ત કે દેશપ્રેમ રહિત સમજવા માટે સોશ્યલ મીડિયા જ એકમાત્ર માપદંડ રહ્યો છે એ પણ હકીકત છે. દેખાદેખીને લીધે ફૉર્વર્ડ અને લાઇક્સ થાય છે. દેશભક્તિ સોશ્યલ મીડિયામાં મેસેજિસ થકી દેખાડો કરવાની ચીજ નથી, એ આચરણમાં મૂકવાની ચીજ છે. અમલ કરવાની ચીજ છે. દેશભક્તિ જીવવાની હોય, જતાવવાની ન હોય. દેશપ્રેમ શ્વાસ જેટલો અનાયાસ હોય, એ એક વિશ્વાસ હોય, આયાસપૂર્વક ઢંઢેરો પીટવાનો ન હોય દેશપ્રેમનો.
દેશદાઝ, રાષ્ટ્રભક્તિ શું છે? એને માટે સરહદ પર લડવા જવું અનિવાર્ય નથી. એના માટે કોઈ સલામતી દળમાં જોડાવું અનિવાર્ય નથી. એના માટે કોઈ પદ પર હોવું જરૂરી નથી. એના માટે કોઈ વિશેષ સુવિધાની જરૂર નથી. એના માટે કોઈ સાધન, શસ્ત્ર, સરંજામથી સજ્જ થવાની જરૂર નથી. એના માટે કોઈ શિક્ષણ-પ્રશિક્ષણની આવશ્યકતા નથી. એના માટે સ્નાયુબદ્ધ શક્તિશાળી હોવું જરૂરી નથી. એના માટે કોઈ ચોક્કસ કોમ, જ્ઞાતિ, નાતના હોવું અનિવાર્ય નથી. એ કોઈનો ઇજારો નથી અને કોઈ ચોક્કસ વર્ગની જ ફરજ નથી. એના માટે કોઈ ગણવેશ-વર્દી જરૂરી નથી. એના માટે સરકારની મંજૂરીની આવશ્યકતા નથી.
દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ દિલમાંથી પ્રગટે છે. બારેમાસ વહે છે. ખુમારી આપે છે. સંતુષ્ટિ આપે છે. તેજ આપે છે. તાકાત આપે છે. એ સંસ્કારમાં સીંચાય છે. રાષ્ટ્રગીત સાંભળતી વખતે તમને ઊભા થઈ જવાની અદમ્ય ઇચ્છા થઈ આવે છે? તમે સાવધાન થઈ જાઓ છો? તમારાં રૂંવાડાં ઊભાં થઈ જાય છે? રક્તપ્રવાહ ઝડપી થઈ જાય છે? એ તમારી માતૃભૂમિ, તમારા નેશન પ્રત્યેની તમારી લાગણી દર્શાવે છે. આ લાગણી કર્મમાં પરિવર્તિત થવી જોઈએ. એ જીવવી જોઈએ, નહીંતર વ્યર્થ જાય.
ભારતનો સામાન્ય માનવી દેશપ્રેમી છે. ભારતના નાગરિકોને મા ભારતી પ્રત્યે અનંત આદર છે, કારણ કે આ પ્રજાએ ગુલામી જોઈ છે. ભારતમાતાના પગમાં બેડીઓ પડેલી જોઈ છે. આઝાદીની કિંમત આ પ્રજાએ ચૂકવી છે, પણ ૭૦ વર્ષે ઘણું ભુલાઈ ગયું છે. ઘણું આભાસી થઈ ગયું છે. દેશપ્રેમ છે, પણ એ દર્શાવવાના રસ્તા નથી જાણતા એટલે સસ્તા અને સરળ ઉપાયો-પોસ્ટ ફૉર્વર્ડ કરવા જેવા અજમાવે છે. આ દંભ નેતાઓમાંથી પ્રજામાં ઊતર્યો છે. પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન કરતા નેતાઓ નર્યો દંભ જ કરે છે. મીડિયા પૂછે ત્યારે વંદે માતરમની ચાર કડી પણ ગાઈ શકતા નથી. અરે, જન-ગણ-મનના સર્જકનું નામ પણ નેતાશ્રીઓને યાદ નથી હોતું. તેઓ સફેદ કપડાં પહેરીને સલામ ઠોકે છે, ભાષણો કરે છે, ઉપદેશ આપે છે, શુભેચ્છા આપે છે, સંદેશા આપે છે. વર્ષોની આ ઘટમાળ જોઈને પ્રજા પણ એવું જ કરતાં શીખી ગઈ છે. નેતાઓના દંભની નકલ પ્રજા કરવા માંડી છે.
આ પ્રજાસત્તાક પર્વે વિચારજો કે દેશ ચલાવવાની સત્તા તમને મળી છે, તમે કેટલું કર્યું દેશ માટે? વિચારજો કે તમને રાષ્ટ્રએ જે આપ્યું છે એનો બદલો વાળવા માટેનું કોઈ કામ તમે કરો છો ખરા? ભારતમાતાના ખોળે પેદા થવું એ આપણું સૌભાગ્ય છે, પણ એ જનની જન્મભૂમિ માટે કશું ન કરવું એ આપણું અભાગ્ય છે. વિચારશો તો અમલ પણ કરશો, કરાવશો. ‘દેશ તો આઝાદ થતાં થઈ ગયો, તેં શું કર્યું’ની જેમ કોઈ પૂછે કે માતૃભૂમિ માટે કંઈ કરો છો ખરા? તો જવાબ આપવા પૂરતું તો કંઈક હોવું જોઈએને. ભારત ૧૯૫૦ની ૨૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાક બનવાની ઘોષણા કરે છે, પણ ભારતના નાગરિકો દેશને સાચા અર્થમાં રિપબ્લિક બનાવી શક્યા નથી. આ જરાય ઓવર સ્ટેટમેન્ટ નથી. ભારતમાં પ્રજા નિષ્ફળ ગઈ છે અને નેતાઓ સફળ થયા છે. નેતાઓનું રાજકારણ તો જ સફળ થાય, જો પ્રજા નિષ્ફળ જાય. દોષનો ટોપલો જનતા પર ઢોળી દેવાનો અહીં ઉદ્દેશ નથી, પણ વાતે-વાતે ફરિયાદ કરનારા, આપણે ભારતના નાગરિકોએ પ્રજાતંત્રનું રક્ષણ કરવા માટે શું કર્યું? બેઝિક સવાલ એ છે કે પ્રજાતંત્ર–ગણતંત્ર–પ્રજાસત્તાક એટલે શું એ આપણામાંના કેટલા સાચેસાચું જાણે છે? તમે જાણો છો ડિયર રીડર? ભારતનો નાગરિક ક્યારેક વિચારે છે ખરો કે પ્રજાસત્તાક અંતે કઈ ચીજનું નામ છે? આજની પેઢીને તો વારસામાં આઝાદી મળી ગઈ છે એટલે તેમને મન આઝાદી હક છે. એટલે કેટલાક લોકો સ્વાતંત્ર્ય પર્વ અને પ્રજાસત્તાક પર્વ વચ્ચેનો ભેદ નથી જાણતા. જેઓ ભેદ પણ નથી જાણતા તેણે પ્રજાસત્તાક એ શું છે એવું વિચાર્યું ન જ હોય અને વિચારે પણ શું કામ? શું પડી છે તેમને? તેમનો દેશપ્રેમ તો બસ વોટ્સઍપ-મેસેજ મોકલવામાં અને રાજકીય પક્ષ તેને ગાળો દેવા પૂરતો જ સીમિત છે. દેશભક્તિ આ દેશમાં માત્ર સોશ્યલ મીડિયા પર દેખાય છે. દેશભક્તિનાં આંદોલનો ચાલે છે સોશ્યલ મીડિયા પર. લાઇક અને ડિસલાઇક, ફૉર્વર્ડ અને ફાસ્ટ ફૉર્વર્ડ દેશભક્તિના માપદંડ છે. જય હો પ્રજાસત્તાક. છેલ્લાં ૬૭ વર્ષમાં ‘વી ધ પીપલ ઑફ ઇન્ડિયા’ (આવું જ લખાયું હતુંને બંધારણના આમુખમાં?)એ રિપબ્લિકને ફેલ કરવાના તમામ પ્રયાસ કર્યા છે. એવી દલીલ ન કરશો કે ભારતમાં ક્યાં રાજાશાહી આવી ગઈ છે એ પ્રજાસત્તાક નિષ્ફળ ગયું કહી શકાય? અમલદારોની રાજાશાહી. શાહુકારોની રાજાશાહી. રાજકારણીઓની રાજાશાહી. ઉદ્યોગપતિઓની રાજાશાહી. આઝાદી પહેલાં તો ભારતમાં સાડાપાંચસો જેટલા રાજા હતા, અત્યારે ગણ્યા ગણાય નહીં એટલા છે અને તોયે ‘મારા ભારત’ નામની ટોપલીમાં સમાય છે. તાજ વગરના બાદશાહો, મુગટ વગરના રાજાઓ, ડંકા-નિશાન વિનાના સમ્રાટો રાજ કરે છે આ દેશ પર. રાજ પરિવારો છે.
 કેટલાક નોકરિયાતોને તો એ પણ ફરિયાદ હશે કે ૨૬મી જાન્યુઆરી રવિવારે આવી. એક રજા પાણીમાં ગઈ. ક્લોઝ હૉલિડે રવિવારે આવે એટલે કેટલાકનો તો ગરાસ લૂંટાઈ ગયો હોય એવા થઈ જાય. પ્રજાસત્તાક દિન રવિવારને બદલે ચાલુ દિવસે હોત તો એક–બે રજાઓ ક્લબ કરીને ક્યાંક ફરવા ઊપડી જઈ શકાયું હોતને. કેમ કોઈને વિચાર નથી આવતો કે રાષ્ટ્રીય પર્વના દિવસે રજા ન હોવી જોઈએ. કેમ કોઈ કહેતું નથી કે આ દિવસે તો સામાન્ય દિવસ કરતાં વધુ બે કલાક કામ કરવું જોઈએ? કેમ કોઈને વિચાર નથી આવતો કે આખો દેશ એક આખો દિવસ કામ ન કરે એનાથી કેટલું નુકસાન થાય છે? કેમ કોઈ હિસાબ માંડતું નથી? કેમ કોઈ પ્રસ્તાવ નથી લાવતું કે રાષ્ટ્રીય તહેવારના દિવસે બે કલાક વધુ કામ કરીને તેની આવક દેશને સમર્પિત કરીએ? શા માટે રાષ્ટ્રીય તહેવારની રજા હોવી જોઈએ? સવારે ધ્વજવંદન ફરજિયાત હોવું જોઈએ અને એ પછી આખો દિવસ કામ કરવું જોઈએ. રજાઓ ઓછી છે આ દેશમાં? ચાલુ નોકરીએ પણ કામચોરી કરવાની આદત આ દેશને પડી ગઈ છે એમાં રજાઓની સંખ્યા ઘટાડવી આવશ્યક થઈ જાય છે. જો દેશ પર નાઝ હોય, માભોમ પ્રત્યે લાગણી હોય, જો વતન માટે ગૌરવગાથા હોય તો રાષ્ટ્રીય પર્વોએ રજા ન રાખવી જોઈએ. આપણે હજી વિકસવાનું છે એટલે વધુ કામ કરવાનું છે. ભારતને ફાઇવ ડે વીક ન પોસાય, કારણ કે આપણે વિશ્વનું  સૌથી મજબૂત અર્થતંત્ર બનવાનું છે. આ દેશને ખરેખર સોનાની ચીડિયા બનાવવો હશે તો મહેનત કરવી પડશે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK