Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > પટેલનું રૂપાળું બજેટ : ગરીબ-ખેડૂત-મધ્યમવર્ગલક્ષી અંદાજપત્ર

પટેલનું રૂપાળું બજેટ : ગરીબ-ખેડૂત-મધ્યમવર્ગલક્ષી અંદાજપત્ર

27 February, 2020 12:14 PM IST | Mumbai Desk

પટેલનું રૂપાળું બજેટ : ગરીબ-ખેડૂત-મધ્યમવર્ગલક્ષી અંદાજપત્ર

પટેલનું રૂપાળું બજેટ : ગરીબ-ખેડૂત-મધ્યમવર્ગલક્ષી અંદાજપત્ર


ગઈ કાલથી શરૂ થયેલા વિધાનસભાના બજેટ સત્રમાં નાયબ મુખ્ય પ્રધાન અને નાણાપ્રધાન નીતિન પટેલે ગુજરાત સરકારનું નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧નું ૨,૧૭,૨૮૭ કરોડનું બજેટ રજૂ કર્યું હતું જેમાં પોલીસ સહિત અન્ય વિભાગોમાં ૧૧ હજારની નવી ભરતી, ખેડૂતો-પશુપાલકો-ગરીબો સહિત સમાજના તમામ વર્ગો માટે સમતુલિત વિકાસ માટે નાણાકીય ફાળવણી કરીને ખેડૂતો અને પશુપાલકો માટે નવી સહાય યોજના સહિત મધ્યમ વર્ગને મોંઘવારીને ધ્યાનમાં રાખીને ખુશ કરવાના પ્રયાસરૂપે પ્રત્યેક પરિવારને ૧૨ કિલો તુવેરદાળ આપવાની નવી જાહેરાત કરી હતી. ગૌપ્રેમી સરકારે ગાય, ગામડું અને ગોડાઉન પર ભાર મૂકીને પ્રાથમિક શાળામાં ૭ હજાર નવા ઓરડાઓ બનાવવા ૬૫૦ કરોડની ફાળવણી સહિત શિક્ષણ માટે ૩૧ હજાર કરોડ, સૌની યોજના માટે ૧૭૧૦ કરોડ, નિરાધાર વૃદ્ધના પેન્શનમાં ૨૫૦ રૂપિયાનો વધારો સહિત નવી અનેક યોજનાઓનો પટારો ખોલીને સમાજના સૌને ખુશ રાખવાના અને તમામના દિલ જીતવાના પ્રયાસરૂપે અનેક પ્રજાલક્ષી નવી જાહેરાતો કરવામાં આવી છે જેમાં મધ્યમ વર્ગ, ગ્રામીણ વિસ્તાર, ખેડૂતો, પશુપાલકો અને નાના વેપારીઓને આવરી લીધા છે. ખેડૂતોને માલ વહન કરવા માટે થતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને ભારત સરકારની જેમ જ કિસાન પરિવહન યોજનાની જાહેરાત કરી છે જેમાં પ્રાથમિક તબક્કે ૩૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નવા ૮૫ હજાર આવાસોના નિર્માણ માટે ૧૧૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મનરેગા માટે ૪૯૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવા બજેટમાં દિનકર યોજના નામની નવી જાહેરાત કરવામાં આવી છે.

તેમણે રાજ્યમાં નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના હેઠળ ૭૫ વર્ષથી વધુના વૃદ્ધોને ૭૫૦ને બદલે ૧૦૦૦ રૂપિયાની સહાય ચૂકવવાની જાહેરાત કરી હતી જ્યારે ૮૦ ટકાથી વધુ માનસિક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓને માસિક ૬૦૦ની જગ્યાએ ૧૦૦૦ રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. રાજ્યમાં આવેલા વૃદ્ધાશ્રમોની નિભાવ ગ્રાન્ટ માસિક ૧૫૦૦થી વધારી ૨૧૬૦ રૂપિયા કરવામાં આવશે. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ મજબૂત બને અને રાજ્યના યુવાનોને રોજગારી સાથે પોલીસમાં સેવા કરવાની તક મળે એ માટે પોલીસ વિભાગમાં વિવિધ સંવર્ગમાં ૧૧ હજાર નવી ભરતી કરવામાં આવશે.



ગુજરાત સરકારે ૨૬ ફેબ્રુઆરીએ રજૂ કરેલા બજેટ ૨૦૨૦-૨૧માં અનેક નવી યોજનાઓ જાહેર કરી છે જેમાં ગૌપાલન માટે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળે એવી નવી યોજનામાં ખેડૂતને એક ગાયદીઠ નિભાવખર્ચ માસિક ૯૦૦ એટલે કે વાર્ષિક ૧૦,૮૦૦ રૂપિયા સહાય આપવામાં આવશે. આ યોજનામાં ૫૦ હજાર ખેડૂતોને આવરી લઈને ૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.


વિદેશમાં વસતા ગુજરાતના યુવાનો રાજ્યની મુલાકાતે આવતા રહે એ માટે અલગ-અલગ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. આપણી માતૃભાષા, સંસ્કૃતિ અને ભવ્ય વારસાનો પરિચય મેળવી શકે એ માટે ગુજરાતને જાણો નામની નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે માન્યતા ધરાવતા પત્રકારોને કુદરતી અવસાન થવાના કેસમાં ૫૦ હજારનું વીમાકવચ આપવામાં આવતું હતું, જેને રાજ્ય સરકારે વધારીને ૧ લાખનું કર્યું છે.

મુખ્ય પ્રધાન મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત ગ્રામીણ અને શહેરી વિસ્તારની મહિલાઓ, મહિલા ઉત્કર્ષ જૂથ બનાવી ૧ લાખ સુધીનું ધિરાણ મેળવે તો એનું સંપૂર્ણ વ્યાજ રાજ્ય સરકાર દ્વારા સીધેસીધું બૅન્કોને આપવામાં આવશે. આ યોજના હેઠળ વ્યાજ સહાય આપવા કુલ ૧૯૩ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.


તેમણે આઠમી વાર બજેટ રજૂ કરીને વજુભાઈ વાળા પછીનો બીજો ક્રમ મેળવ્યો છે. હાલમાં કર્ણાટકના રાજ્યપાલ તરીકે ફરજ બજાવતા વાળા ગુજરાત સરકારનું ૧૮ વખત બજેટ રજૂ કરવાનો રેકૉર્ડ ધરાવે છે.

નવસારી, પોરબંદર, રાજપીપળા ખાતે મેડિકલ કૉલેજ બનશે
કેન્દ્ર સરકારે આરોગ્ય સેવાઓને વધુ સઘન બનાવવા તેમ જ એમ.બી.બી.એસની હયાત સીટમાં વધારો કરવા ગુજરાતમાં આ વર્ષે ત્રણ નવી મેડિકલ કૉલેજોની જાહેરાત કરી છે જેમાં નવસારી, રાજપીપળા અને પોરબંદર ખાતે શરૂ કરવાની મંજૂરી આપી છે. એથી હવે રાજ્યમાં કુલ ૩૨ મેડિકલ કૉલેજો થશે. આ ત્રણેય શહેરોની હયાત સરકારી હૉસ્પિટલોને મેડિકલ કૉલેજ સમકક્ષ બનાવવા અને નવી કૉલેજ, હૉસ્ટેલ વગેરેના નિર્માણ માટે જોગવાઈ ૧૨૫ કરોડ ફાળવાયા છે. પીડીયુ કૉલેજ, રાજકોટ તથા મેડિકલ કૉલેજ, ભાવનગર ખાતે એમબીબીએસની ૧૦૦ અને અનુસ્નાતકની ૬૪ સીટનો વધારો કરવાનાં આનુષંગિક કામો માટે ૭૩ કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે.

વિદેશમાં વસતા ગુજરાતના યુવાનો માટે ગુજરાતને જાણો નામની યોજના જાહેર
વિદેશમાં વસતા ગુજરાતના યુવાનો રાજ્યની મુલાકાતે આવતા રહે એ માટે અલગ-અલગ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. આપણી માતૃભાષા, સંસ્કૃતિ અને ભવ્ય વારસાનો પરિચય મેળવી શકે એ માટે ગુજરાતને જાણો નામની નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે માન્યતા ધરાવતા પત્રકારોને કુદરતી અવસાન થવાના કેસમાં ૫૦ હજારનું વીમાકવચ આપવામાં આવતું હતું, જેને રાજ્ય સરકારે વધારીને ૧ લાખનું કર્યું છે.

કોલ્ડ સ્ટોરેજ-ધાર્મિક સ્થળો અને ધર્મશાળાઓને વીજકરમાં રાહતા
ગુજરાત સરકારના બજેટ-૨૦૨૦માં વીજકરમાં કુલ ૩૩૦.૧૬ કરોડની રાહતો આપવામાં આવી છે. આ રાહતો સાથે બજેટમાં કુલ અંદાજિત પુરાંત ૨૭૫.૨૭ કરોડ રહે એમ છે.
સરકારે ખેડૂતો માટેના કોલ્ડ સ્ટોરેજ પર હાલમાં લેવાતા ૨૦ ટકા વીજકરમાં ઘટાડો કરીને ૧૦ ટકાની દરખાસ્ત કરી છે, જેનો લાભ ૧૩૦૦ કોલ્ડ સ્ટોરેજને મળશે.
ધાર્મિક સ્થળો પર વસૂલાતા વીજકરમાં હાલમાં ૨૫ ટકા લેવાય છે, જેમાં ઘટાડો કરીને ગ્રામ્ય વિસ્તારમાં ૭.૫ ટકા અને શહેરી વિસ્તારમાં આવેલા કોઈ પણ ધર્મના ધાર્મિક સ્થળ પાસેથી હવે ૧૫ ટકા પ્રમાણે વીજકર લેવાશે.

...જ્યારે નાણાપ્રધાને ગંભીર બજેટ વખતે સૌને ખડખડાટ હસાવ્યા
બજેટ વાંચન દરમિયાન નીતિન પટેલે ઘણી વખત હળવી વાતો કરીને રમૂજ સાથે વિપક્ષ પર કટાક્ષ કર્યા હતા. નીતિન પટેલે ધારાસભ્ય ભીખાભાઈ વચ્ચે બોલતાં કમેન્ટ કરી કે આપણે એક મહિનો બેસવાનું છે. હજી લાડુ આવે છે. શાંતિ રાખો. તો વિપક્ષમાંથી એક સભ્યએ બોલતાં નીતિન પટેલે રોકડું સંભળાવી દીધું કે અમે શૂન્યથી ૩૦ હજાર કર્યા છે. શાંતિથી સાંભળો. અમે ઓછું કર્યું હોય તો કહો. નીતિન પટેલે કૉન્ગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા માટે ગૃહમાં જાહેરમાં કહી દીધું કે ખાવાનું છે; પણ ચાવી શકતા નથી, મોં ખોલી શકતા નથી. નીતિન પટેલની હળવી રમૂજથી ગૃહમાં હાસ્ય ફેલાઈ ગયું.

Whatsapp-channel Whatsapp-channel

27 February, 2020 12:14 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK