હોટેલમાંથી નીકળ્યો ત્યારે સલ્લુ જ ડ્રાઇવિંગ કરતો હતો

Published: Oct 10, 2014, 02:54 IST

૫૦૦ રૂપિયાની ટિપ મેળવનારા જે. ડબ્લ્યુ મૅરિયટના પાર્કિંગ અસિસ્ટન્ટની જુબાની
સલમાન ખાન સામેના હિટ ઍન્ડ રન કેસની તપાસ સેશન્સ કોર્ટમાં ગઈ કાલે આગળ ધપી હતી અને સલમાનની હાજરીમાં જજ ડી. ડબ્લ્યુ. દેશપાંડેએ બે વિટનેસનાં સ્ટેટમેન્ટ્સ રેકૉર્ડ કર્યા હતાં.

૨૦૦૨ના આ કેસમાં હોટેલ જે. ડબ્લ્યુ. મૅરિયટના પાર્કિંગ-અસિસ્ટન્ટ કલ્પેશ વર્માએ કોર્ટમાં જણાવ્યું હતું કે ‘આ ઘટના બની એ પહેલાં પોતાના બૉડીગાર્ડ અને સિંગર કમાલ ખાન સાથે સલમાન હોટેલમાં આવ્યો હતો અને પાછા ફરતી વખતે તે વાઇટ કલરની લૅન્ડક્રુઝર કારમાં ડ્રાઇવરની સીટ પર સવાર થયો હતો. બાદમાં સલમાનની પાછળની સીટ પર કમાલ ખાન અને સલમાનનો બૉડીગાર્ડ એમ બે જણ કારમાં બેઠા હતા. મને ૫૦૦ રૂપિયાની ટિપ પણ આપી હતી.’

જોકે બાંદરાની જે ફૂટપાથ પર બનાવ બન્યો એ અમેરિકન એક્સપ્રેસ બેકરીની સામે જ આવેલી એ-વન બેકરીના કર્મચારી અમીન કાસમ શેખે કોર્ટને કહ્યું હતું કે ‘મોડી રાત્રે શોરબકોર થયા બાદ મેં આવીને જોયું તો એક કાર નીચે ફૂટપાથ પર સૂતેલા કેટલાક લોકો કચડાયેલા હતા અને એકઠા થયેલા લોકો સલમાન-સલમાન બોલી રહ્યા હતા, પરંતુ મેં જોયું ત્યારે ડ્રાઇવિંગ-સીટ તરફનો દરવાજો ખુલ્લો હતો અને નજીકમાં સલમાનનો બૉડીગાર્ડ ઊભો હતો. સલમાન ત્યારે કારમાં હતો કે નહીં એની મને ખબર પણ નથી.’  

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK