Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > અહીં સફળતા છે હાંસિયા જેટલી અને નિષ્ફળતા છે કાગળ જેટલી

અહીં સફળતા છે હાંસિયા જેટલી અને નિષ્ફળતા છે કાગળ જેટલી

28 August, 2019 01:25 PM IST | મુંબઈ
મુંબઈ, તને લાખ લાખ નમસ્કાર - પદ્‌મભૂષણ જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા.

અહીં સફળતા છે હાંસિયા જેટલી અને નિષ્ફળતા છે કાગળ જેટલી

મરીન ડ્રાઈવ

મરીન ડ્રાઈવ


‘લગભગ દર અઠવાડિયે એકાદ વાર વંદનાર્થે અચૂક આવી જતા, તમે આ વખતે ત્રણેક મહિને આવ્યા. ખાસ કોઈ તકલીફ?’

પરમાત્માની રોજ અષ્ટપ્રકારી પૂજા કરનારા, ‌નિત્ય જ‌િનવાણીનું શ્રવણ કરનારા, પર્વતિથિએ પૌષધ કરનારા પ્રૌઢ વયના એક શ્રાવક ઘણા વખત પછી વંદનાર્થે આવ્યા ત્યારે તેમને સહજ જ પૂછી લીધું.



‘સાહેબ, આખો સંસાર જ જ્યારે તકલીફોથી ભરેલો છે ત્યારે સંસારમાં તકલીફનું ક્યાં પૂછવા જેવું છે?’


‘તમારા મનનો મને ખ્યાલ છે. સામાન્ય તકલીફોને તો તમે ઘોળીને પી જાઓ એવા છો. એવી તકલીફોની વચ્ચેય ધર્મસાધનાઓ ચાલુ રાખવાના તમારા સત્વનો મને પરિચય છે છતાં આ વખતે તમે ઘણા સમયે આવ્યા છો એટલે અનુમાન કરું છું કે કંઈક વિશેષ તકલીફ આવી જ હશે.’

‘સાહેબ, આપનું અનુમાન સાચું છે.’


‘માંદગીમાં પટકાયેલો?’

‘કુટુંબમાં કોઈ મુશ્કેલી?’

‘ના.’

‘તો?’

‘દીકરાની ફૅક્ટરીમાં બહુ મોટી આગ લાગી. અંદર રહેલો બધો માલ તો સાફ થઈ ગયો, પણ ફૅક્ટરીમાં રહેલાં તમામ મશીનોયે સાફ થઈ ગયાં. લગભગ બેથી અઢી કરોડ રૂપિયાનું નુકસાન થયું. આ નુકસાનીને પચાવવાની કે આ આઘાતને જીરવવાની દીકરામાં તાકાત ન મળે. કૉલેજનું ભણતર તેની પાસે ખરું, પણ કર્મના ગણિતનો તેને કોઈ ખ્યાલ પણ નહીં અને કર્મના સિદ્ધાંત પર તેને એવી કોઈ શ્રદ્ધા પણ નહીં.’

‘હંઅઅઅ, પછી?’

‘એ તો ઘરે આવીને રડવા બેઠો. મેં તેને સમજાવ્યો અને કહ્યું એને કે ‘ભલા માણસ, ધાર્યું બધું જ માણસનું થતું હોત તો પછી આ જગતમાં કોઈ માણસ દુખી ન હોત, પણ પરિસ્થિતિ આખી જુદી જ છે. માણસ છત્રી બનાવવાની ફૅક્ટરી નાખે છે, મનમાં ખુશ થાય છે કે આ વર્ષે છત્રીમાં ભરચક કમાણી કરી લેવી છે અને આ વર્ષે આકાશ વરસવાનું જ છે, પણ એવું નથી બનતું. આ વર્ષે આકાશ વરસવાનું મુલવતી રાખે છે. માણસ જમણવારનું આયોજન કરે છે, લોકોમાં વટ પાડી દેવા લાખો રૂપિયાનો મંડપ ઊભો કરી દે છે અને માહ મહિનાની બળબળતી બપોર અકળાવનારી છે અને તોય માવઠું થાય છે, વરસાદ ધોધમાર પડે છે, ગોઠણ ડૂબે એટલાં પાણી ભરાઈ જાય છે અને માણસનું મોઢું પડી જાય છે. ટૂંકમાં, માણસના હાથમાં માત્ર પુરુષાર્થ જ છે. પરિણામ તો કર્મના કહો તો કર્મના અને કુદરતના કહો તો કુદરતના હાથમાં છે. માટે સ્વસ્થ થઈ જા. સૌ સારાવાનાં થઈ રહેશે.’

‘મહારાજસાહેબ, દીકરાને તો સ્વસ્થ કર્યો, પણ આ નુકસાન મનને અસમાધિમાં ખેંચી ન જાય એ ખ્યાલે સ્વજનોને, મિત્રોને અને વેપારીઓને ફૅક્ટરીના સ્થાને બોલાવીને એક જમણવારનું આયોજન કર્યું.’

‘જમણવાનું આયોજન?’

‘હા.’

‘કારણ શું?’

‘કારણ આમ તો કાંઈ નહીં, પણ જમણવારમાં જેઓ પણ આવ્યા એ બધાને લઈને ગયો ફૅક્ટરીની અંદર. બળી ગયેલાં અને વળી ગયેલાં મ‌શીનો એ બધાને દેખાડ્યાં અને હસતાં-હસતાં એટલું જ કીધું કે મશીનોનો આવો આકાર કોઈ એન્જિનિયર બનાવવા માગે તોય બનાવી ન શકે, પણ કુદરતની કરામત જુઓ, આખી જિંદગીમાં મશીનોનો જે આકાર હું કે તમે જોવા ન પામત એ આકાર કુદરતે ગણતરીની પળોમાં સર્જી દીધો.’

‘પરમાત્માનું શાસન પામ્યા પછીય, કર્મના ગણિતને સમજ્યા પછીય, આપના જેવા પુણ્ય પુરુષના પરિચયમાં આવ્યા પછીય જો નુકસાનીના આવા પ્રસંગમાં હસતો ન રહી શકું, બીજાને હસતા ન કરી શકું તો પછી આ બધાયના થયેલા યોગનો અર્થ જ શો?’

સમ્યક્ સમજણ અને પ્રચંડ સત્વ હોય તો સમાધિ ટકવામાં કોઈ વાંધો જ ક્યાં છે? પણ મનની મોટામાં મોટી મુશ્કેલી હોય તો તે આ જ છે કે એ સફળતાને જ સમાધિનું કારણ માની બેઠું છે. પ્રસન્નતા સફળતાને જ બંધાયેલી છે એવું એ માની બેઠું છે.

આ પણ વાંચો : જે તમે છોડી શકો છો એના જ તમે માલિક છો

અને આ હિસાબે એ સમાધિ ટકાવી શકતું જ નથી, કારણ કે અહીં સફળતા તો છે હાંસિયા જેટલી અને ન‌િષ્ફળતા છે કાગળ જેટલી! સફળતા છે નવા પૈસા જેટલી અને નિષ્ફળતા છે રૂપિયા જેટલી !

સાવધાન, સ્વીકારી લો કે સમાધિ સમ્યક્ સમજ અને કેવળ સત્ત્વને જ બંધાયેલી છે

Whatsapp-channel Whatsapp-channel

28 August, 2019 01:25 PM IST | મુંબઈ | મુંબઈ, તને લાખ લાખ નમસ્કાર - પદ્‌મભૂષણ જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા.

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK