સંબંધો ઑનલાઇન, ખરીદી ઑફલાઇન: આ જ નીતિ ભારતીય ઇકૉનૉમીને સ્ટ્રૉન્ગ બનાવશે

Published: 27th November, 2020 11:43 IST | Manoj Joshi | Mumbai

જો ઇચ્છો તો અને જો ધારો તો આ વેપારીઓને તમે નવું શ્વસન આપી શકો એમ છો

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

કોરોનાના આ સમયગાળા વચ્ચે જો સૌથી શ્રેષ્ઠ કામ કોઈએ કર્યું હોય તો એ કોરોના-વૉરિયર્સમાં આવતા એ વેપારીઓ હતા જેમણે કોવિડના જોખમ વચ્ચે પણ તમારા માટે દુકાનો ખોલવાનું કામ કર્યું હતું અને તમારી જરૂરિયાતોને સાચવી રાખવાની મહેનત કરી હતી. જરૂરિયાતના સમયે જે બાજુમાં ઊભા રહે, આવશ્યક સમયે જે પડખે ઊભા રહે તેની બાજુમાં ઊભા રહેવું એ માત્ર નૈતિક ફરજ જ નહીં, ધર્મ પણ છે અને એ જ ધર્મ અત્યારે નિભાવવાનો છે. કોવિડના આ કાળમાં સંબંધો ઑનલાઇન રાખવાના છે, પણ ખરીદી ઑફલાઇન કરવાની છે. કબૂલ કે ઑનલાઇન જેકોઈ માલ વેચાય છે એ બિઝનેસ પૉર્ટલ કે શૉપિંગ ઍપમાંથી અનેક ઍપ ઇન્ડિયન છે અને ધારો કે ફૉરેન ઍપ હોય તો પણ એમાં વેપાર કરનારાઓ મોટા ભાગના ઇન્ડિયન છે, પણ વાત અત્યારે ઇન્ડિયનની નહીં, વાત અત્યારે પાડોશીની ચાલી રહી છે, વાત અત્યારે આપણા એ વેપારી મિત્રોની ચાલી રહી છે જેમણે તમને નાનપણથી મોટા થતા જોયા છે, જેઓ તમારી આંખની શરમ સાથે જીવે છે અને જે તમારા ગમા-અણગમા જાણે છે.
સંબંધો માટે જોખમ નથી લેવાનું, નથી એને માટે બહાર નીકળવાનું કે પછી નથી એને માટે હેરાનગતિને આમંત્રણ આપવાનું, પણ સામાન્ય જરૂરિયાતની જે ચીજવસ્તુઓ છે એની ખરીદી ઑનલાઇન કરવાને બદલે બહેતર છે કે એ ખરીદી તમારા ઘરની કે પછી તમારી ઓળખાણની દુકાનેથી કરો. જો જોખમ લાગતું હોય તો એના પણ રસ્તા નીકળી શકે છે. તે પોતે ડિલિવરી કરે એવી ગોઠવણ પણ થઈ શકે અને એવું ન થઈ શકતું હોય તો પહેલેથી જરૂરિયાતની ચીજની યાદી તેને મોકલીને એ પાર્સલ તૈયાર થઈ જાય ત્યારે તમે પણ એ જઈને લાવી શકો છો. સીધો રસ્તો વાપરવાનો છે. વારંવાર જવું ન પડે કે પછી વારંવાર હેરાનગતિ સહન ન કરવી પડે એને માટે અઠવાડિયામાં એક વખત બેસીને લિસ્ટ તૈયાર કરી લો અને એ જઈને નજીકના વેપારી પાસેથી લઈ લો. આ જે નાનો વેપારી છે એ દેશની કરોડરજ્જુ છે અને આ કરોડરજ્જુને કોવિડનો માર ન પડે એનું ધ્યાન રાખવાનું છે.
જો ઇચ્છો તો અને જો ધારો તો આ વેપારીઓને તમે નવું શ્વસન આપી શકો એમ છો. આ વેપારીને નવી ઊર્જા પણ તમારી ખરીદી દ્વારા મળી શકે છે. નાનામાં નાની ચીજમાં પ્રાઇસની સરખામણી કરવાની આદત ભલે પેલી શૉપિંગ ઍપ્સે તમને આપી દીધી, પણ દરેક વાતમાં અને દરેક બાબતમાં એવું કરવાની આવશ્યકતા નથી. એક રૂપિયો અને બે રૂપિયાથી તમારો મહેલ નથી બનવાનો, પણ એ એક કે બે રૂપિયાથી નાના વેપારીમાં ઉત્સાહનો સંચાર ચોક્કસ થવાનો છે. આ વેપારી પાસેથી ખરીદી કરવી એ પણ ‘વોકલ ફૉર લોકલ’ની જ નીતિ છે અને આ નીતિ થકી પણ દેશને સક્ષમ બનાવી શકાય છે. ભારતીય અર્થતંત્રને સ્ટ્રૉન્ગ બનાવવા માટે અને અર્થતંત્રને મજબૂતી સાથે આગળ વધારવા માટે આ નીતિ રાખવી પડશે. જો આ નીતિ રાખી શકશો તો અને તો જ દેશની કરોડરજ્જુનો વિશ્વાસ અકબંધ રહેશે અને સાહેબ, વેપારીઓનો વિશ્વાસ જાળવી રાખવાનો સીધો અર્થ એક જ છે, વિકાસ, દેશનો વિકાસ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK