નિષ્ફળતા પચાવીને કામ કરવાની ક્ષમતા જ વ્યક્તિને મહાન બનાવે

Published: Sep 05, 2020, 18:23 IST | Sanjay Raval | Mumbai

સ્માર્ટવર્ક એટલે શૉર્ટકટ નહીં એ સમજવાની જરૂર છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

‘મહેનત કરો તો જ ફળ મળે.’ આ શબ્દો તમે વડીલોના મોઢે પુષ્કળ વખત સાંભળ્યા હશે અને સાંભળ્યું હશે કે ‘આજે મહેનત કરશો તો આગળ જતાં હેરાન નહીં થવું પડે. આજે કરેલી મહેનત ભવિષ્યમાં તમને કામ લાગશે. મહેનત તો કરવી જ પડે, મહેનત કર્યા વગર બધું નકામું છે.’

આ અને આવી બીજી બધી જ વડીલોએ કહેલી વાત સાચી અને એ પણ એટલું જ સાચું કે મહેનતનો કોઈ વિકલ્પ નથી કે પછી મહેનતનો નથી કોઈ શૉર્ટકટ. તમે જેકાંઈ કરો એ પૂરું કરો, પૂરા ખંત સાથે કરો અને મન લગાવીને કરો. જરૂરી નથી કે આજે તમે જેકંઈ કરો છો એનું ફળ તમને આજે જ મળી જાય. આજે કરેલી મહેનત પછી પણ કદાચ એ કામ સક્સેસફુલ ન થાય અને તમને ધાર્યું પરિણામ ન પણ મળે, પરંતુ મહેનત કરવાનું ક્યારેય છોડવાનું ન હોય. યાદ રાખજો કે જે મહેનત કરી છે એનું મનગમતું પરિણામ ભવિષ્યમાં ક્યારેક ને ક્યારેક તો મળશે જ મળશે. જીવનમાં કરેલી મહેનત ક્યારેય વ્યર્થ નથી જતી. આખો બંધ કરીને આંધળૂકિયા બનીને કે પછી ગધેડા કરે છે એ પ્રકારની મહેનત કરવાની પણ વાત નથી. ખુલ્લી આંખે અને સમજીવિચારીને મહેનત કરવાની વાત છે, બુદ્ધિપૂર્વકની મહેનત કરવાની વાત છે.

તમે જંગલી અને માંસાહારી પ્રાણીઓને જોયાં જ હશે, પણ એમને ક્યારેય શિકાર કરતાં જોયાં છે તમે? નરી આંખે નહીં તો કંઈ નહીં, પણ તમે એને શિકાર કરતાં ટીવી પર તો જોયાં જ હશે. ચિત્તો પોતાનો શિકાર નક્કી પહેલાં કરે અને પછી ધીમે-ધીમે એની નજીક જવાનો પ્રયત્ન કરે. આ દરમ્યાન જો શિકાર ભાગે તો સખત રીતે દોડીને એને પકડી પાડે અને મારી નાખે. સિંહ જરા જુદી રીતે પોતાનો શિકાર કરે છે, એ લપાઈને-છુપાઈને પોતાના શિકાર પાસે નથી જતો અને વાઘ ઝાડ પર ચડીને પોતાના શિકાર પર લાગ ગોઠવે છે અને પછી એના પર હુમલો કરે. ક્યારેય કોઈ હુમલો પહેલે ઝાટકે પૂરો નથી થતો. એને માટે એણે લડવું પડે છે, ભાગવું પડે છે. જંગલી ભેંસ જેવો શિકાર હોય તો વળતા હુમલાની પણ તૈયારી રાખવી પડે અને એ હુમલામાં એને પણ ઈજા થાય એવું બની શકે છે.

જો આટલી મહેનત પ્રાણીઓને પણ પોતાના શિકાર માટે કરવી પડતી હોય તો આપણે તો માણસ છીએ, આપણી તો અઢળક લાચારી છે એટલે આપણે તો મહેનત કરવી જ પડે. મોટા ભાગના લોકો જે ભૂલ કરે છે એ મહેનત કરતાં પહેલાં કોઈ જાતનું પ્લાનિંગ નથી કરતા અને પછી પોતાની મહેનતને ગાળો ભાંડે છે.

મહેનત કરવા માટે પહેલાં ધ્યેય નક્કી કરો, પૂરતું પ્લાનિંગ કરો અને પછી લાગી પડો. કાલે કરીશું, હું વિચારું છું, પ્લાનિંગ ચાલુ જ છે, બીજાં કામ પહેલાં પતાવી લઉં જેવા જવાબ આપવાનું છોડી દો. કારણ કે જવાબથી ક્યારેય કામ થતું નથી. કામ હંમેશાં ઍક્શનથી થાય અને ઍક્શન-મોડ પર આવવા માટે તમારે જ ત્વરા સાથે કામે લાગવું પડે. કાલે કરવાને બદલે આજે અને આજે કરવાને બદલે અત્યારે કરવાની નીતિ અખત્યાર કરવી પડે. આ નીતિને અખત્યાર કરી લો.

પ્લાનિંગ જેટલું જરૂરી છે એટલું જ એ પ્લાનિંગને અમલમાં મૂકવું પણ જરૂરી છે. માત્ર પ્લાનિંગ કર્યા કરવાથી ઘણી વાર બીજી વ્યક્તિ એ કામ કરી લે એવું બને અને એવું બનતું મેં પોતે મારી લાઇફમાં જોયું પણ છે. ધ્યેય નક્કી કરવું એ કામ નથી, પણ ધ્યેય નક્કી થયા પછી એ ધ્યેયને પામવા માટે મહેનત કરવાની છે, કર્મ કરવાનું છે. શ્રીમદ ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે એ વાતને હું મારા શબ્દોમાં કહેવા માગું છું. તમારે ફક્ત કામ કરવાનું છે. રોટલો કેવી રીતે બને એ જ જોવાનું છે, ટપાકા ગણવાનું અને કેટલા રોટલા તમને ખાવા મળશે એ બધું પછી નક્કી થશે એટલે એની ચિંતા અત્યારે છોડી દો અને કર્મ પર લાગી જાઓ, ફળ આપવાની જવાબદારી ઉપરવાળાની છે.

મારી પાસે આ બાબતમાં પણ દલીલો કરવા માટે લોકો આવે છે, ખાસ કરીને યંગસ્ટર્સ, ત્યારે મારે તેમને સમજાવવા પડે છે કે ભલા માણસ, ભગવાન પોતે કહી ચૂક્યા છે ત્યારે એનો કોઈક તો અર્થ હશે. પછી શું કામ દલીલો કરો છો, કામ કરોને.

મોટા ભાગના યંગસ્ટર્સને એવી આદત છે કે તેઓ કામ કરે એના કરતાં દલીલો વધારે કરે છે, તર્ક વધારે લગાડે છે અને લૉજિક શોધવાનું કામ વધારે કરે છે. કામ જ માત્ર જરૂરી છે, કામ સિવાય બીજું બધું ગૌણ છે. કૉર્પોરેટ કંપનીઓમાં કામ કરતા યંગસ્ટર્સને તમે જુઓ તો તમને દેખાઈ આવે કે વળતરના પ્રમાણમાં કામ ઓછું થાય છે અને વાતો વધારે થાય છે. કંપનીઓને એ બધું કેવી રીતે પોસાય છે એ તપાસનો વિષય છે, પણ ધારો કે કંપનીને એ પોસાય તો આપણે શું કરવાનું, વાતો કરવાની? ખોટો સમય પસાર કરવાનો? વાહિયાત રીતે આપણા કલાકો જવા દેવાના?

ના, ક્યારેય નહીં. કારણ કે જે ગુમાવો છો એ તો તમારું છે. તમને એને માટે અત્યારે પૈસા મળી જાય છે, પણ હકીકતમાં એવું કરીને એ લોકો તમને આળસુ બનાવી રહ્યા છે. રિઝલ્ટ માગે કે નહીં, સવાલ પૂછવામાં આવે કે નહીં, કામ તમારે કરવાનું છે. કારણ કે કામનું ભાથું તમારી સાથે રહેવાનું છે અને એ તમારામાં અનુભવ ભરવાનું કામ કરે છે. અનેક લોકોને નિષ્ફળતાનો ડર છે, પણ મારે કહેવું છે કે નિષ્ફળતા એ તો પુરાવો છે કે તમે મહેનત કરી છે.

ધાર્યું પરિણામ ન આવ્યું તો તમારી મહેનત વ્યર્થ નથી જવાની. તમારી એ મહેનત તમને શીખવવાનું કામ કરે જ છે. તમે કરેલા એ નિષ્ફળ કામમાંથી તમે નવું શીખશો અને એ નવીનતા તમને બીજા, ત્રીજા કે ચોથા પ્રયત્નમાં મદદરૂપ થવાની છે. મહેનત પછી તમને જે નિષ્ફળતા મળે છે એ તમને નિષ્ફળ નહીં પણ અનુભવી બનાવે છે. યાદ રાખજો કે મોટાં-મોટાં સાહસો પણ શરૂઆતમાં ફેલ થયાં છે. સાહસો ફેલ થયાં છે અને સંશોધનો પણ ફેલ થયાં છે, પણ જો એ સંશોધન પછી ફેલ થનારા બેસી રહ્યા હોત તો તમને અને મને આજે જે વીજળી, પ્લેન અને એવી બીજી સુવિધા મળે છે એ મળી હોત ખરી? આલ્બર્ટ આઇન્સ્ટાઇન કે પછી ન્યુટને નિફષ્ળતાથી થાકીહારીને પ્રયત્નો છોડી દીધા હોત તો?

આવાં અનેક ઉદાહરણો છે અને એ ઉદાહરણો પછી જ મહાન વ્યક્તિઓનો ઉદય થયો છે. પહેલાં એ બધા પણ મારા અને તમારા જેવા જ હતા. તમે કહેશો કે સફળતાએ તેમને મહાન બનાવ્યા, પણ ના, હું કહીશ કે નિષ્ફળતા પચાવીને આગળ વધવાની ક્ષમતાએ તેમને મહાન બનાવ્યા. મિત્રો, મહાન બનવા માટે સફળ થવું જરૂરી નથી, પણ નિષ્ફળ જવું અને એ પછી નિષ્ફળતા પચાવી જવું એ જરૂરી છે. જો તમે નિષ્ફળતા પચાવી શકશો તો જ તમે સફળતાને પચાવી શકશો. જો તમે નિષ્ફળતા પચાવી શકશો તો જ તમે નવું કરવા માટે દોટ મૂકશો. જો તમે નિષ્ફળતાને ભૂલી શકશો તો જ તમે વાસ્તવિકતાને આંખ સામે રાખીને આંધળૂકિયાં કરવાને બદલે સ્માર્ટનેસ વાપરીને કામ કરશો. આજકાલ ઘણા એવું કહે છે કે હું હાર્ડવર્કમાં નથી માનતો, સ્માર્ટવર્કમાં માનું છું. બકા, સ્માર્ટવર્કનો અર્થ શૉર્ટકટ તો બિલકુલ નથી થતો એ યાદ રાખવાનું છે. જો એ ભુલાઈ ગયું તો તમે ક્યારેય કામ કરવાને લાયક નહીં રહો, આખી જિંદગી શૉર્ટકટ જ શોધવામાં જ રચ્યા રહેશો અને કામ, કામ બીજા કરી જશે, સફળતા પણ એ કામ કરનારો જ લઈ જશે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK