નૅશનલ પાર્કને ક્રિસમસની ભેટ: આજે વધુ એક વાઘનું થશે આગમન

Published: 26th December, 2020 14:20 IST | Ranjeet Jadhav | Mumbai

આ સાથે જ બોરીવલીના સંજય ગાંધી નૅશનલ પાર્કમાં વાઘની સંખ્યા ૭ થશે

સંજય ગાંધી નૅશનલ પાર્ક (એસજીએનપી)નું વહીવટી તંત્ર નવા વાઘને આવકારવા માટે રોમાંચિત છે. પાર્કમાં આજે તે વાઘનું આગમન થાય તેવી અપેક્ષા છે. આરટી-૧ની નાગપુરથી મુંબઈની સફર ગુરુવારે બપોરે શરૂ થઈ હતી. આ સાથે એસજીએનપીમાં વાઘની સંખ્યા સાત પર પહોંચશે.

આરટી-૧એ આઠ વ્યક્તિને ફાડી ખાધા હતા ત્યાર બાદ ઑક્ટોબરમાં ચંદ્રાપુરથી પકડી લેવાયો હતો. બાદમાં તેને ગોરેવાડા ઝૂમાં લઈ જવાયો હતો. વાઘને શહેરમાં લાવનારી ટીમમાં સામેલ રેન્જ ફોરેસ્ટ ઑફિસર વિજય બારબ્ડેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમે શનિવારે મળસ્કે એસજીએનપી પહોંચીશું. ૮૦૦ કિમી લાંબી મુસાફરી હોવાથી અમે દર ૫૦-૧૦૦ કિમીએ ટૂંકો વિરામ લઈ રહ્યા છીએ. વેટરિનરી અધિકારી આરટી-૧ની સંભાળ લઈ રહ્યા છે અને અમે તેને દિવસમાં એક વખત ભોજન ઉપરાંત નિયમિત સમયાંતરે પાણી આપી રહ્યા છીએ.’

પાર્કમાં ચાર વાઘણ અને બે વાઘ છે, જેમાંથી એકની વય ૧૧ મહિના છે. બીજો વાઘ સુલતાન એક વર્ષ પહેલાં (પાર્કની વાઘણો) બિજલી (૯), મસ્તાની (૯), બસંતી (૧૮) અને લક્ષ્મી (૧૦)ની મદદથી બ્રીડિંગ માટે નવેમ્બરમાં એસજીએનપી લાવવામાં આવ્યો હતો.

જોકે એસજીએનપીના અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે વાઘણોનું વધુ વર્ચસ્વ છે અને તેઓ સુલતાનને તેમની નજીક નથી ફરકવા દેતી. ઑથોરિટીને આશા છે કે વધુ એક નર વાઘનો ઉમેરો થતાં સમીકરણો બદલાશે અને તેઓ બ્રીડિંગના પ્રયાસો હાથ ધરી શકશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK