આખી જિંદગીનું સપનું પૂરું થયા પછી એ સપનાની ખુશી લાંબી ટકતી નથી

Updated: 24th October, 2020 00:06 IST | Rashmin Shah | Mumbai

હકીકત છે આ. ભલે લોકો કહેતાં સુખ પતંગિયા જેવું છે. પણ ના, એવું નથી. સુખ પોતે પતંગિયું છે. કોઈ એક ફૂલ એને ફાવતું નથી અને એક ફૂલ નથી ફાવતું એટલે જ એ રોજ નિતનવા ફૂલ પર બેઠક જમાવવાનું કામ આખી જિંદગી કરે છે

 અફસોસ રાખવાનો નહીં અને છાજિયાં પણ લેવાનાં નહીં. માત્ર એક જ કામ કરવાનું. પેલા પતંગિયાને પકડવા માટે દોડવાનું અને દોડવા માટે પગમાં તાકાત ભરી લેવાની
અફસોસ રાખવાનો નહીં અને છાજિયાં પણ લેવાનાં નહીં. માત્ર એક જ કામ કરવાનું. પેલા પતંગિયાને પકડવા માટે દોડવાનું અને દોડવા માટે પગમાં તાકાત ભરી લેવાની

જરા વિચારો કે અત્યારે તમારી જે સૅલરી છે એ સૅલરી પચાસ ટકા વધારી દેવામાં આવે તો તમને કેવી ખુશી થાય? કલ્પના કરો કે તમારી સૅલરી ડબલ કરી નાખવામાં આવે છે તો તમારી આ ખુશીમાં કેટલો વધારો થાય? હવે તમે જ કહો, તમારી આ સૅલરી ડબલ થઈ એનો રાજીપો તમને કેટલો સમય રહેશે? એક અઠવાડિયું, એક મહિનો, છ મહિના કે પછી એક વર્ષ? સુખનું કંઈક આવું જ છે. એ જ્યારે હોતું નથી ત્યારે એની આવશ્યકતા ચરમસીમા પર પહોંચે છે અને જ્યારે એ આવે છે ત્યારે એનું મૂલ્ય ઘડીભરમાં ઓસરી જાય છે. રહેવા ઘર નથી અને ઘર લીધું. ઘર એક સપનું હતું અને ખરેખર હવે માલિકીની છત આવી ગઈ, આખી જિંદગીનું સપનું પૂરું થયું પણ પૂરા થયેલા આ સપનાની ખુશી પણ લાંબો સમય ટકતી નથી, એનો રાજીપો પણ સ્થાયી નથી રહેતો અને સુખ નામનું પતંગિયું નવેસરથી ફૂલ શોધવા માટે નીકળી પડે છે, હવામાં તરવા લાગે છે.
બાવાસાધુઓ તમને સુખના અકરાંતિયા કહેશે પણ ભલે કહે, આવું અકરાંતિયાપણું સારું છે અને એ જ તો જીવવાનું ઝનૂન પૂરું પાડનારું છે. સુખ પતંગિયું હોય તો એ એનું કર્મ નિભાવે છે અને એ પતંગિયાને હાથવગું રાખવા માટે તમે મથ્યા કરો છો તો તમે તમારો ધર્મ નિભાવો છો. ધર્મ અને કર્મનો આ વ્યવહાર અકબંધ રાખવો હોય તો બેમાંથી કોઈની જવાબદારી બદલવાનું કામ નહીં કરવાનું. જો સુખ ભાગતું હોય, જો સુખ નવું ફૂલ શોધતું હોય તો એને શોધવા દેવાનું અને નવેસરથી મહેનત સાથે, નવેસરના સપના સાથે સુખ નામના એ પતંગિયાની પાછળ જવાનું. એક વાત યાદ રાખજો, સુખની વ્યાખ્યા જો એકધારી બદલાતી રહે તો માનજો કે તમારામાં હજી પણ નવી વ્યાખ્યાનું સુખ પામવાની ખેવના અકબંધ રહી છે. જો સુખની પરિભાષા હજી પણ બદલાતી હોય તો ધારવું કે તમારામાં સુખને પામવાની તડપ હજી પણ પ્રજ્વળે છે અને હજી પણ તમે એ પતંગિયાની પાછળ દોડવાની તાકાત ધરાવે છો.
વધતો પગાર અને સપનાનું ઘર એ જીવન ન હોઈ શકે. પગાર વધતો રહે અને એ પ્રક્રિયા એકધારી ચાલુ રહે એનું નામ જીવન છે. સપનાનું ઘર ઊભું થઈ ગયા પછી એ ઘરને સજાવવાનું નવું સપનું આંખમાં આવવું એનું નામ જીવન અને ઘરની આદત પડ્યા પછી પહેલા દિવસે લાગેલી મોકળાશ
ધીમે-ધીમે સંકડાશમાં પરિણામે એનું નામ જીવન. બોરીવલીથી શરૂ થયેલી જર્ની અંધેરી પહોંચે એનું નામ જીવન અને અંધેરીથી થયેલો આરંભ સી-ફેસ ટેરેસ ફ્લૅટ પર આવીને થંભે એનું નામ જીવન. અંત તરફ આગળ વધતા જીવનની ગતિ ઘટાડવાનું કામ આ અકરાંતિયાપણું કરે છે. અગાઉ પણ કહ્યું છે, આજે પણ કહું છું અને આવતી કાલે પણ કહેવાની તક મળશે તો લાઉડસ્પીકરમાં કહેવાની ઇચ્છા છે, સંતોષ સાથે દુશ્મની કરજો. કોઈ સંબંધ નહીં રાખતા આ સંતોષ સાથે અને જો મોબાઇલની ડિરેક્ટરીમાં સંતોષ નામનો કોઈ કૉન્ટૅક્ટ હોય તો એને પણ ડિલીટ કરજો અને અગત્યનો કૉન્ટૅક્ટ હોય તો તેનું નામ બદલી નાખજો પણ સંતોષ સાથે કોઈ પનારો રાખતા નહીં. સંતોષની વાતો એ જ કરે છે જેનામાં ઝનૂનની કમી હોય છે. સંતોષ તેને જ ફાવ્યો છે જેણે આળસને પોતાનો સાથી બનાવ્યો છે. સંતોષ વિશે વાત પણ એ જ કરે છે જે આ સંતોષના નામે પગ પાથરીને બેસવામાં માને છે. જો પતિ પણ આવી માનસિકતા ધરાવતો હોય તો તેને પણ આળસુનો પીર માનજો અને જો દીકરો કે દીકરી પણ સંતોષની માનસિકતાના ભોગ બન્યા હોય તો તેને પણ આળસુનો અડદિયો કહેજો પણ તેની આળસને તમે સંતોષના લિબાસમાં નહીં જોતા. સુખ પાછળ ભાગવું પડે અને સતત ભાગતા રહેવું પડે.
સુખ ક્યારેય સ્થાયી ન હોય. આજે જે વાત ખુશ કરી શકે છે, સુખ આપી શકે છે એ જ વાતથી આવતી કાલે ઊબકા આવે એવું પણ બની શકે. આજે જે વાતથી આનંદ આવે છે એ જ વાતથી આવતી કાલે ઇરિટેશન પણ થઈ શકે છે અને આજે જે મેળવ્યાની ખુશી છે એ જ ખુશી આવતી કાલે ત્રાસદાયી પણ બની શકે. જરૂરી નથી કે સુખ કાયમી હોય, જરૂરી નથી કે સુખી અસ્થાયી ન હોય, પણ જરૂરી એ તો છે જ છે કે જે ક્ષણે જે વાત, જે ઘટના, જે લક્ઝરી સુખ આપે એ પામવાની ક્ષમતા રાખવી. ખરીદેલી પહેલી કારમાં સુખ હોય પણ એ જ કારની સામે જ્યારે કારનું નવું મૉડલ આવે ત્યારે સુખનું પતંગિયું એ કારના બોનેટ પર જઈને બેસી જાય છે અને બેસી ગયેલા એ પતંગિયા પર તમારી આંખો મંડાઈ જાય છે. વાત એટલી જ કે, આંખ મંડાઇ જાય ત્યારે કોઈ જાતનો હરખશોક કરવાનો નહીં, અફસોસ રાખવાનો નહીં અને છાજિયાં પણ લેવાનાં નહીં. માત્ર એક જ કામ કરવાનું. પેલા પતંગિયાને પકડવા માટે દોડવાનું અને દોડવા માટે પગમાં તાકાત ભરી લેવાની. પગમાં ભરાયેલી આ તાકાત જ જિંદગી છે. આ તાકાત જ જીવન છે અને આ તાકાતનું નામ જ ઝનૂન છે.
(caketalk@gmail.com)
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

First Published: 23rd October, 2020 19:22 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK