પાડોશીના ઘરમાં ડોકિયું કરવા જતાં ડોક ફસાઈ ગઈ
પાડોશીના ઘરમાં ડોકિયું કરવા જતાં ડોક ફસાઈ ગઈ
કહેવાય છે કે એવું કામ કદી ન કરવું જેમાં તમે પકડાઈ જાઓ તો શરમમાં મુકાવું પડે. કોલંબિયાના લા વર્જીનિયા શહેરમાં એક મહિલા આવી જ વિચિત્ર અવસ્થામાં પકડાઈ ગઈ હતી. આ બહેનનું નામ તો જાહેર નથી થયું, પરંતુ તસવીરો અને વિડિયો વાઇરલ થયાં છે. વાત એમ હતી કે આ બહેનને પાડોશીના ઘરમાં શું થઈ રહ્યું છે એ જાણવાની ભારે ઉત્સુકતા હતી, પણ તેમણે ઘરમાં શું થઈ રહ્યું છે એ ઝાંકવા માટે પોતાનું માથું ખોટી જગ્યાએ ઘુસાડી દીધું. પાડોશીના ઘરના ગેટ પર લોખંડની જાળી હતી અને બહેને એ જાળીમાં માથું ઘુસાડીને અંદર ડોકિયું કર્યું હતું. જોકે માથું ઘૂસતાં તો ઘૂસી ગયું, પણ પછી પાછું બહાર ન આવી શક્યું. ક્યાંય સુધી પ્રયત્ન કર્યો પણ સફળતા ન મળી. આખરે બહેન રડવા લાગ્યાં. બૂમ પાડીને કોઈને બોલાવવા પણ કઈ રીતે?
આ પણ વાંચો : પુણેના રસ્તા પર ફરે છે હરતી-ફરતી ગાર્ડન-રિક્ષા
ADVERTISEMENT
જોકે બીજા પાડોશીઓ બહેનનો રડવાનો અવાજ સાંભળીને દોડી આવ્યા અને તેમણે પણ માથું છૂટું કરવાનો પ્રયત્ન કર્યો, પણ વ્યર્થ ગયો. આખરે ફાયર ફાઇટર્સની ટીમ બોલાવવામાં આવી. તેમણે પણ બને ત્યાં સુધી જાળી ન તોડવી પડે એવો પ્રયત્ન કર્યો. આખરે કુલ પાંચ કલાકની મહેનતે માથું જાળીમાંથી છૂટું થયું. ફાયર ફાઇટર્સની ટીમને એ વાતે બહુ હસવું આવતું હતું કે કોઈકની કુથલી કરવા જઈને ફસાયેલી મહિલા સતત બબડ્યા કરતી હતી.


