પુણેના રસ્તા પર ફરે છે હરતી-ફરતી ગાર્ડન-રિક્ષા
ગાર્ડન-રિક્ષા
વાહનોને ઇકો-ફ્રેન્ડ્લી બનાવવા માટે લોકો હવે ઘણા પ્રયત્નશીલ થઈ ગયા છે. કલકત્તામાં એક રિક્ષાવાળાએ છાપરા પર ગાર્ડન ઉગાડ્યું હતું તો હવે પુણેના રિક્ષાવાળા ઇબ્રાહિમ ઇસ્માઇલ તંબોલીએ તો આખી રિક્ષાને જ બગીચો બનાવી દીધી છે. અલબત્ત, આ ગાર્ડન કૃત્રિમ છે, કેમ કે આખો દિવસ ટ્રાફિકમાં ફરતા આ વાહનને કુદરતી બગીચામાં કન્વર્ટ કરવાનું કામ શક્ય નથી. ઇબ્રાહિમે પોતાના ગ્રાહકોને આકર્ષિત કરવા માટે આ નવો અખતરો અજમાવ્યો હતો. ભાઈએ રિક્ષાનું ઇન્ટીરિયર અને ઍક્ટિરિયર બન્ને ગાર્ડન જેવાં બનાવી દીધાં છે. બેસવાની સીટ અને પગ મૂકવાની જગ્યાએ ઘાસની ચટાઈ પાથરી દીધી છે. આગળના ભાગમાં પણ નકલી ઘાસની ચટાઈથી સજાવટ કરી છે. ગાર્ડન હોય એટલે ફૂલો પણ હોય જ. અલબત્ત, નકલી ઘાસમાં નકલી ફૂલોની સજાવટ છે, પરંતુ લાગે છે બહુ નયનરમ્ય.
આ પણ વાંચો : પુત્રનો લખાયેલો પત્ર ખોલીને વાંચવા બદલ પિતાને થઈ સજા
ADVERTISEMENT
લીલીછમ રિક્ષાની તસવીરો સોશ્યલ મીડિયામાં વાઇરલ થતાં લોકોની ક્રીએટિવિટી પણ ખીલી ઊઠી છે. એક જણે લખ્યું છે કે આટલુંબધું ઘાસ જોઈને ગાય પાછળ નથી પડતીને? તો બીજો લખે છે કે વરસાદમાં આ ઘાસ મોટું થઈ જશે તો શું ભાડાનો ભાવ પણ એની સાથે વધવા માંડશે? એક યુઝરે લખ્યું હતું કે આ ઘાસમાં ક્યાંક સાપ અને વીંછી ન હોય એનું ધ્યાન રાખજો?


