Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જીવનમાં નથી કોઈ વસ્તુ નકામી

જીવનમાં નથી કોઈ વસ્તુ નકામી

15 December, 2019 06:16 PM IST | Mumbai Desk
hiten anandpara

જીવનમાં નથી કોઈ વસ્તુ નકામી

જીવનમાં નથી કોઈ વસ્તુ નકામી


૧૯૬૧માં હરીન્દ્ર દવેએ ‘મધુવન’નું સંપાદન કર્યું હતું. ગુજરાતની આધુનિક ગઝલો-નઝમોનો એક પુસ્તકમાં સમાવેશ કરી એનો ગ્રાફ દર્શાવવાનો તેમનો હેતુ હતો. આ સંપાદનની ચાર આવૃત્તિ પ્રગટ થઈ. લગભગ છ દાયકા પછી આ ગઝલોમાંથી પસાર થવાનું રસપ્રદ બનશે. હરીન્દ્રભાઈ નોંધે છે એ વિધાન બહુ જ માર્મિક છે : ગઝલ એ અનુભવના જગતનો સંપૂર્ણ નકશો નહીં, પણ એનો સંપૂર્ણ ખ્યાલ આપી શકે એવી સરેરાશ છે. સગીરના શેર સાથે મહેફિલનો આગાઝ કરીએ. 

કોઈ એવી ઉન્નતિને સાંભળી છે દોસ્તો
કે નહીં જેનું થયું હોયે પતન છેવટ સુધી?
તારો મારો આ પ્રસંગ ઇતિહાસ થૈને રહી ગયો
ગર્વ તુજ છેવટ સુધી, મારું નમન છેવટ સુધી
શિખર ગમે એટલું ઉન્નત હોય એને પણ એક અંત હોવાનો. બહુ જ ઉપર પહોંચ્યા પછી ત્યાં ટકવું પણ સહેલું નથી હોતું. અહંકારને સીડી ચડવી ગમે, પણ ઊતરવું એને અપમાનજનક લાગે. ગર્વમાં ગૌરવને બદલે ગુમાન હોય તો એ પોતાનું તેજ ખોઈ બેસે. બીજી તરફ જીવસૃષ્ટિને સાચવતું જળ ઊંચા પર્વતો પરથી ધોધ થઈને નીચે પડવામાં નમ્રતા દાખવે છે. એને ખપમાં આવવું છે. ઈશ્વરની આ વિરાટકાય સૃષ્ટિને ધ્યાનથી નીરખીએ તો ખ્યાલ આવે કે આપણા ટંટાફિસાદ કરતાં કુદરતનું પ્રસન્નતા-વિષાદનું ચક્ર એક અલૌકિક શાશ્વતી ધરાવે છે. ટૂંકી દૃષ્ટિનાં ચશ્માં પહેરીને લાંબું ન જોવાય. નસીમ પરવરદિગારના પારાવારની છબિ ઝડપે છે...
સૌંદર્યનું ઝરણ બધે વહેતું દીસું છું હું
બ્રહ્માંડ મુજ નજર મહીં સૌંદર્ય-વાસ છે
દૃશ્યો જુદાં છે, ચિત્ર છે એક જ નિસર્ગનું
કન્દીલ છે ભિન્ન રંગની - એક જ ઉજાસ છે
કુદરતે મિલ્યન નહીં પણ બિલ્યનથીયે આગળ નીકળી જાય એટલું વૈવિધ્ય રચ્યું છે. વાદળ બનવાની પ્રક્રિયા આપણને બધાને ખબર છે, પણ આપણે પ્રયોગશાળામાં વાદળ બનાવી શકતા નથી. આપણને જે કામ સોંપાયું છે એ પણ નિષ્ઠાપૂર્વક કરીએ તો શ્વાસમાં સંતોષ ભળે. આયુષ્ય હોય એટલે ભરતીઓટ તો રહેવાની. ઓટ વખતે ઓટવાઈ ન જવાય અને ભરતી વખતે ભરમાઈ ન જવાય એવી કોઈ સવ્યસાચી સ્થિતિ હિતાવહ છે. સાથે-સાથે ભીતરની અંદરના બાળકને પણ જીવતું રાખતાં શીખવાનું છે. કુતૂહલ વગરની કાયાને નૂર ગુમાવતાં વાર નથી લાગતી. અકબરઅલી જસદણવાળા સીધી સરળ બાનીમાં ગહન વાત છેડે છે...
કિનારા જેમ સાગરથી કદી જીવ્યું નથી જાતું
નિરંતર હું જીવનમાં કંઈ ને કંઈ હરકત કરી લઉં છું
નહિવત્ છું, પરંતુ આભ સામે મીટ માંડું છું
પ્રભુની દેન છે કે આવડી હિંમત કરી લઉં છું
જીવનને બે કદમ આગળ વધારવા હિંમત તો દાખવવી પડે. સાહસ ગણતરીપૂર્વકનું હોય તો એક સ્વસ્થતા રહે. સાહસ આંધળૂકિયું હોય તો કસીનોની જેમ હાર-જીતની અસમંજસ રહ્યા કરે. નિષ્ફળતા પૂર્ણવિરામ નથી હોતી. ચંદ્રયાન-૨નું વિક્રમ લૅન્ડર પટકાઈ પડ્યું તેથી માથે હાથ દઈને ઇસરો બેસી જ રહે તો અનેક અવકાશી ઇચ્છાઓનો ગર્ભપાત થઈ જાય. દરેક નિષ્ફળતા અનુભવની ભેટ લઈને આવવાની. બાળક જન્મીને એક જ વર્ષમાં સીધું પાંચ ફુટનું નથી થઈ જતું. તેના વિકાસ માટે જેટલો સમય જોઈએ એ તો જોઈએ જ. નિષ્ફળતાની પછડાટ ખાતાં સંશોધનો-સાહસોનું પણ પોતાનું વજૂદ છે. અંબાલાલ ડાયરનો આ શેર ગાંઠે બાંધવા જેવો છે...
હવાનો મળ્યો એક હળવો સહારો
ચરણરજ ઊડી મસ્તકે સ્થાન પામી
વિષમ કાળમાં કામ આવ્યા અનુભવ
જીવનમાં નથી કોઈ વસ્તુ નકામી
કુદરતે સર્જેલી ધૂળ પણ નકામી નથી. દરિયાકિનારાની રેતી દરિયાને માપમાં રાખે છે. વિરાટકાય પર્વતમાળાઓમાંથી મળતા ખનિજ, પથ્થર વગેરે સાધનસંપદાનો ઉપયોગ કરીને માણસે પ્રગતિ સાધી છે. અનુભવમાંથી આપણે શીખતા ગયા અને વિવિધ સંપદાનું રૂપાંતર સગવડોમાં કરતા ગયા. ઓજસ પાલનપુરી વ્યક્તિગત સંદર્ભે આ વાતને એક ઊંચાઈ બક્ષે છે...
ભાવિ ખુશીને હાલના ગમમાં હું જોઉં છું
મોસમ બહારનીય ઘટાઓ વગર નથી
વીતી હો જેને એ જ દયાળુ બની શકે
દુ:ખની પરખ કોઈને અનુભવ વગર નથી
દુ:ખનો ઇન્ડેક્સ હંમેશાં સેન્સેક્સ કરતાં ઊંચો રહેવાનો. રોજબરોજની લડત જ એવી છે કે નાનામોટા પાયે પાણીપતનું યુદ્ધ ખેલાતું જ રહે. આ યુદ્ધ કેટલીક વાર સંજોગોને કારણે સર્જાય તો કેટલીક વાર સ્વભાવ પણ કારણભૂત બને. ધર્મ અને સંપ્રદાયને કારણે વિખવાદો સર્જાય. આ ઘર્ષણ વ્યક્તિગત, સામાજિક, રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે ચાલતું રહે. અમીન આઝાદ મૂળ ચેતના તરફ આપણને લઈ જાય છે...
સંકુચિત જે હશે સીમાઓ બદલવી પડશે
દૂર મંજિલ છે તો દુનિયાઓ બદલવી પડશે
વિશ્વમાં પ્રેમની ભાષાને સજીવન કરવા
રોષ ને દ્વેષની ભાષાઓ બદલવી પડશે
પરિવર્તન સંસારનો નિયમ છે. દરેક પ્રજાતિ કેટલીક પેઢીઓ પછી આજુબાજુના વાતાવરણ સાથે સુમેળ સાધી શકે એ રીતે ફેરફારો કરતાં શીખી જાય છે. દુનિયાની રીતરસમ સાથે તાલ મિલાવી ભીતરના સૂરને પણ ઝંકૃત રાખવાનો છે. આ બન્ને વિરોધાભાસ છે છતાં તંગ દોરી પર ચાલીને શ્વાસના તાણાવાણા ગૂંથવાની નિયતિ દરેક જીવને મળી છે. એક ફકીરી અહેસાસ સાથે આસિમ રાંદેરીના આ ઉત્તર પર ઓવારી જવાનું મન થાય...
સુરાલયમાં વીતી કે મસ્જિદમાં વીતી
હિસાબ એનો દુનિયાને શા કાજ દઈએ?
અમારી હતી જિંદગાની અમારી
ગુજારી અમે તે ગમે તે ત્યાં ગુજારી



ક્યા બાત હૈ
અનોખી છે રોનક, અનોખો અમલ છે
ન પૂછો અમારાં નયન કાં સજલ છે?


નયન પર ભરોસો ન રાખીશ ભોળા
અમી-કૂંપીઓમાં છૂપેલું ગરલ છે

ગગન, શું ડરાવીશ તું આંખ કાઢી!
સિતારાથી આઘે અમારી મજલ છે


વસંતોને વાવે વૃથા કોણ આંહીં
જો વારે ને ફેરે ખિજાઓ ફસલ છે

તજી દેવી પડશે અચૂક એક વેળા
ન ભૂલીશ, તારકતરી પણ તરલ છે

દરદ ઘૂંટી-ઘૂંટી દવા નિપજાવે
કવિનું શું દિલ છે, ખુદાઈ ખરલ છે

ન પરખાય એનો ભલા ભેદ શાને
નકલ જો નકલ છે, અસલ જો અસલ છે

કહે કોણ ‘ગાફિલ’ કે ગઝલો લખાતી
જે ટપકે કલમથી એ આંસુ ગઝલ છે

- મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’

Whatsapp-channel Whatsapp-channel

15 December, 2019 06:16 PM IST | Mumbai Desk | hiten anandpara

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK