માત્ર ચાઇનીઝ નહીં, આ ઍપ્સ પણ કરો બૅન

Published: Sep 06, 2020, 19:37 IST | Rashmin Shah | Mumbai

હા, ચાઇનાની ઍપ્સ દેશદાઝને કારણે બૅન થઈ રહી છે, પણ કેટલીક મોબાઇલ-ઍપ્સ એવી છે જે સોસાયટીને નુકસાન કરવાનું સીધું કામ કરે છે અને એને બંધ કરવાની તાતી જરૂર છે

કુલ ૨૨૪ ચાઇનીઝ મોબાઇલ-ઍપ્સને બૅન કરી દેવામાં આવી. પહેલાં પ૯ મોબાઇલ-ઍપ્સ પર બૅન મુકાયો. આ પહેલાં બૅનમાં ટિક ટૉક, વીચૅટ અને હેલો ઍપ જેવી પૉપ્યુલર ઍપ્સનો પણ સમાવેશ થતો હતો તો એ પછી ભારત સરકારે એ જ મોબાઇલ-ઍપ્સની ૪૭ લાઇટ વર્ઝન પર પણ બૅન મૂક્યો અને બુધવારે ત્રીજા તબક્કામાં ભારત સરકારે ચાઇનાની ૧૧૮ ઍપ્સ પર બૅન મૂક્યો, જેમાં યંગસ્ટર્સમાં મોસ્ટ પૉપ્યુલર કહેવાય એવી પબજીનો પણ સમાવેશ થાય છે. બૅનમાં મુકાયેલી આ ૨૨૪ મોબાઇલ-ઍપ્સ માટે ક્યાંક ને ક્યાંક દેશદાઝ કામ કરી ગઈ છે, તો સાથોસાથ એવો આક્ષેપ આ મોબાઇલ-ઍપ્સ સામે મૂકવામાં આવ્યો છે કે એ પોતાનો ડેટા ચાઇનીઝ ગવર્નમેન્ટ સાથે શૅર કરે છે, પણ મહત્ત્વનું એ છે કે એ શૅરિંગ જેટલી જ અને કાં તો કૉમનમૅન માટે વધારે જોખમ ઊભી કરતી મોબાઇલ-ઍપ્સ આજે પણ ઍપ્સ-સ્ટોરમાં છે અને એના પર સૌથી પહેલાં બૅન મુકાય એ જરૂરી છે. આ મોબાઇલ-ઍપ્સમાંથી અમુક ઍપ્સ સીધેસીધી દેશની ઇકૉનૉમીને અસર કરે છે તો કેટલીક ઍપ્સ વ્યક્તિગત રીતે પારાવાર નુકસાન પહોંચાડે એવી છે. આ ઍપ્સ કઈ છે અને એ કેવી રીતે કામ કરે છે, કેવી રીતે હાનિકારક છે એ જાણવા જેવું છે. નુકસાનકારક ઍપ્સના લિસ્ટમાં સૌથી ટૉપ પર જો કોઈ ઍપ આવતી હોય તો એ છે ટેલિગ્રામ.

ટેલિગ્રામ આમ તો ચૅટ-ઍપ કે મેસેન્જર છે પણ આ એનો દુરુપયોગ બહુ મોટા પાયે થઈ રહ્યો છે. ‘પોષતું એ જ મારતું’ એ ઉક્તિનું અનુકરણ અહીં કરવામાં આવ્યું છે. જ્યારે જી-મેઇલ જેવી ખમતીધર મેઇલ-સર્વિસ પણ ૨પ એમબીથી મોટું અટેચમેન્ટ મોકલવાની પરવાનગી નથી આપતું એવા સમયે ટેલિગ્રામ થ્રૂ તમે ૧.પ જીબી સાઇઝની ફાઇલ આસાનીથી ફૉર્વર્ડ કરી શકો છો. બસ, આ જ દુરુપયોગનું માધ્યમ બની ગયું છે. ટેલિગ્રામનો ઉપયોગ પાઇરસી કરવામાં ભરપૂર થઈ રહ્યો છે. કોવિડના સમયમાં અત્યારે નવી ફિલ્મ રિલીઝ નથી થઈ રહી, પણ કોવિડને કારણે અઢળક વેબ-સિરીઝ આવે છે. આજે રિલીઝ થયેલી વેબ-સિરીઝ ગણતરીના કલાકોમાં ટેલિગ્રામની ચૅનલ પર વાઇરલ કરી દેવામાં આવે છે. જે વેબ-સિરીઝ કે ફિલ્મ ડિજિટલ પ્લૅટફૉર્મ પર પહેલેથી અપલોડ થયેલી છે એ પૈકીની અમુક વેબ-સિરીઝ અને ફિલ્મ તો ઑફિશ્યલ રિલીઝ પહેલાં જ ટેલિગ્રામની ચૅનલ પર અપલોડ થઈ જાય છે. ‘સડક 2’ અને ‘બંદિશ બૅન્ડ્ટિસ’ એનાં તાજાં ઉદાહરણ છે. ટેલિગ્રામ ઇન્ડો-અમેરિકન કંપની છે. આ મેસેન્જરનો ઉપયોગ ક્યાંય મેસેન્જરરૂપે નથી થઈ રહ્યો, પણ એનો મૅક્સિમમ ઉપયોગ આ પ્રકારે ફાઇલ ટ્રાન્સફરમાં જ થાય છે. એક અનુમાન મુજબ, ટેલિગ્રામને કારણે ૩પ ટકાથી પણ વધારે લોકો ડિજિટલ પ્લૅટફૉર્મના સબસ્ક્રાઇબર્સ લેવાનું ટાળી રહ્યા છે. ટેલિગ્રામ પર બૅન આવે તો એનો સીધો લાભ એન્ટરટેઇનમેન્ટ-ઇન્ડસ્ટ્રીને થશે.

બીજા નંબરની નુકસાનકારક ઍપ જો કોઈ હોય તો એ છે ‘વૉટ્સૅપ પ્લસ પ્લસ’

ના, તમે જે વાપરો છો એ વૉટ્સઍપ નહીં, પણ ‘વૉટ્સઍપ પ્લસ પ્લસ’. ઍપ્સ અને સૉફ્ટવેરની ભાષા જેઓ જાણે છે તેમને ખબર છે કે આ વૉટ્સઍપ પ્લસ પ્લસ’ એક ક્લોન છે અને એ ક્લોન જો કોઈ કરી લે તો પોતે બીજી વ્યક્તિના નામે મેસેજ મોકલી શકે છે. સરળ શબ્દોમાં સમજીએ. ‘વૉટ્સઍપ પ્લસ પ્લસ’ ડાઉનલોડ કરી લીધા પછી એને તમે ધારો એટલી વાર કોઈ પણ વ્યક્તિનું નામ આપી શકો અને એ વ્યક્તિના ડિસ્પલે પિક્ચરનો પણ ઉપયોગ કરી શકો. સરળ ઉદાહરણ સાથે સમજો. એક વ્યક્તિએ પોતાના મોબાઇલમાં ‘વૉટ્સઍપ પ્લસ પ્લસ’ ડાઉનલોડ કરી પ્રોફાઇલમાં નામ આપી દીધું અમિતાભ બચ્ચન. હવે તે જેકોઈને મેસેજ કરશે તેને એ મેસેજ અમિતાભ બચ્ચનના નામે જશે. એ ધારે તો કરણ જોહરને મોકલીને ગાળો પણ આપી શકે અને પોતાને અતિશય તકલીફ છે એવું બહાનું કાઢીને તેને ઘરે પણ બોલાવી શકે. કરણ જોહરને એ મેસેજ અમિતાભ બચ્ચનના મોબાઇલ પરથી આવ્યો હોય એવું જ લાગશે, પણ હકીકતમાં આ મેસેજ તેણે કર્યો છે જે ‘વૉટ્સઍપ પ્લસ પ્લસ’ વાપરી રહ્યો છે. સામાન્ય રીતે આ ઍપ્સનો ઉપયોગ ઇન્ફર્મેશન કઢાવવાના હેતુથી કરવામાં આવતો હોય છે, પણ એ જોખમી છે એમાં કોઈ બેમત નથી. ‘વૉટ્સઍપ પ્લસ પ્લસ’ની એક જ નબળાઈ છે, જે કોઈ સ્માર્ટ વ્યક્તિ જ પકડી શકે. આગળ કહ્યું એમ, અમિતાભ બચ્ચનના નામે વૉટ્સઍપ કરનાર વ્યક્તિએ જે રીતે નામ લખ્યું હશે એ જ નામ સામેની વ્યક્તિને દેખાશે. દાખલા તરીકે કરણ જોહરે ‘અમિત અંકલ’ લખ્યું હશે તો પણ ઍપ્લિકેશન વાપરનારાએ ‘અમિતાભ બચ્ચન’ લખ્યું હશે તો કરણને ‘અમિતાભ બચ્ચન’ જ વંચાશે. આ ભૂલ પકડાય નહીં એને માટે જેને મેસેજ કરવામાં આવે તેણે પોતાના મોબાઇલમાં કઈ રીતે નામ સેવ કર્યું છે એ જાણીને જ મોટા ભાગના લોકો આ ઍપ્સનો ઉપયોગ કરે છે.

જોખમી કહેવાય એવી ત્રીજા નંબરની વેબ છે XNSpy. આ અમેરિકન ઍપ્સ છે. આપણે ત્યાં આ ઍપ બહુ પૉપ્યુલર નથી થઈ એ સૌથી મોટા આશીર્વાદ છે, બાકી આ ઍપ રાતા પાણીએ રોવડાવે અને ભલભલાના સંબંધો ખરાબ કરી નાખ એવી શાતિર છે.

નામ મુજબ જ XNSpy જાસૂસી કરનારી ઍપ છે. આ ઍપ કોઈના પણ મોબાઇલમાં ડાઉનલોડ થઈ શકે, પણ એ જે મોબાઇલ સાથે ક્લોન કરવાની હોય એના પરથી એક લિન્ક મોકલવાની રહે. લિન્ક મોકલી દીધા પછી વ્યક્તિએ સામેવાળાનો મોબાઇલ પોતાની પાસે લઈ એ લિન્કને ઑપરેશનલ બનાવી દેવાની, જેને લીધે બનશે એવું કે સામેવાળાના મોબાઇલમાં એ ઍપ ઇન્સ્ટૉલ થઈ જશે અને એની તેને જાણ પણ નહીં થાય. ઍપ્લિકેશન ઇન્સ્ટૉલ કરી દીધા પછી હવે એ મોબાઇલમાં જ્યારે પણ ફોન આવશે ત્યારે તમને તમારા મોબાઇલમાં એ નામ અને નંબર આવી જશે. ફોન-કૉલ પૂરો થયા પછી તરત એ કૉલનું રેકૉર્ડિંગ ઑટોમૅટિકલી તમારા મોબાઇલમાં આવી જશે. એટલું જ નહીં, એ મોબાઇલનું રિમોટ પણ તમારો મોબાઇલ થઈ જશે. એ ફોનમાં રહેલી ગૅલરીથી માંડીને વિડિયો, કૉન્ટૅક્ટસ અને તમામ પ્રકારના મેસેન્જરમાં રહેલા મેસેજ પણ વાંચી શકાશે. XNSpyનું જો પ્રોફેશનલ વર્ઝન તમે ખરીદો તો જે ફીચર્સ છે એ મગજમાં ખાલી ચડાવી દે એવાં છે.

જેના મોબાઇલમાં ઍપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવી હોય એ મોબાઇલના સ્પીકરનું કામ કરશે અને એ મોબાઇલ જ્યાં પણ હશે ત્યાં શું વાતો થઈ રહી છે એ બધી તમને તમારા મોબાઇલ પર સંભળાશે.

સૌથી છેલ્લે આવે છે ટોર અને અનિયન બ્રાઉઝર. આ બન્ને શબ્દો તમારે માટે નવા છે, પણ એ સમજવા ખૂબ જરૂરી છે. ટોર અને અનિયન એવાં બ્રાઉઝર છે જે અત્યારે તમે વાપરો છો એ ગૂગલ કે ફાયરફોક્સ કે ઑપેરા કે એ પ્રકારના છે જેમાં તમે વર્લ્ડવાઇડ વેબ એટલે કે www સ્તરની વેબસાઇટ ખોલી શકો છો, પણ જો તમારે લાઇવ પૉર્ન વિડિયો, હા, લાઇવ પૉર્ન વિડિયોથી લઈને લેટેસ્ટ હથિયાર અને એના ભાવો જોવા હોય તો તમારે એને માટે ટોર અને અનિયન બ્રાઉઝર જ વાપરવાં પડે. આ એક ડાર્ક વેબ છે, જે ઇન્ટરનેટના સૌથી નીચેના સ્તર પર પડી છે અને એના વિશે ભાગ્યે જ કોઈને ખબર છે, પણ અત્યારે મોબાઇલ પર આ બન્ને બ્રાઉઝર અવેલેબલ છે એટલે ધારો ત્યારે તમે એ દુનિયામાં દાખલ થઈ શકો છો. તમે કલ્પના નહીં કરો, પણ બ્રાઉન શુગરની આજની લેટેસ્ટ પ્રાઇસ પણ આ બન્ને બ્રાઉઝર થકી જોઈ શકાય છે. આ બ્રાઉઝર ભૂલથી પણ ડાઉનલોડ થઈ જાય તો એનું સર્ચ-એન્જિન તરત જ તમને અલગ-અલગ વણજોઈતું માર્ગદર્શન આપવાનું શરૂ કરી દે છે. પાકિસ્તાનમાં ચાલતા રેડલાઇટ એરિયાથી માંડીને થાઇલૅન્ડના પટાયા શહેરની વૉકિંગ સ્ટ્રીટમાં લાગેલા સીસીટીવી કૅમેરાનું ફ્રી-એક્સેસ પણ અહીં ઑફર કરવામાં આવે છે. તમારા wwwમાં કોઈ પણ પ્રકારની જાણકારી જોઈતી હોય તો તમે ગૂગલની હેલ્પ લો છો, પણ આ ટોર બ્રાઉઝર અને અનિયન બ્રાઉઝરનું સર્ચ-એન્જિનનું નામ ‘ડકડકગો’ છે. આ સર્ચ-એન્જિન રાફેલાના ભાવ પણ દેખાડે છે અને તમને તમારા લોકેશનથી નજીકમાં નજીકમાં વેપન ક્યાંથી મળી શકશે એનું ઍડ્રેસ પણ આપે છે. સેક્સની દુનિયામાં લઈ જવાનું કામ પણ આ જ ડકડકગો કરે છે અને આ જ ડકડકગો બ્રાઉન શુગરથી માંડીને હેરોઇનના સોદા પણ શીખવે છે.

દેશભક્તિ વચ્ચે ચાઇનીઝ ઍપ્સ બૅન થાય એમાં કશું ખોટું નથી, પણ એની સાથોસાથ આ અને આવી જેકોઈ કાળઝાળ દૂષણ ફેલાવવાની ક્ષમતા ધરાવતી ઍપ છે એને પણ તાત્કાલિક બૅન કરવાની જરૂર છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK