ના એટલે ના એટલે ના : વાત હોય કે માગ, ગેરવાજબીપણું ક્યારેય સ્વીકાર્ય નથી બનતું

Updated: Jul 14, 2020, 01:25 IST | Manoj Joshi | Mumbai

જે સમયે આપણે સૌ આ વાત સમજી જશું એ સમયે આપણી આસપાસમાં સાંભળવા મળતી ‘ના’ ને આપણે વાજબી રીતે સમજવાનું સામર્થ્ય મેળવી લેશું. દરેક નકારની પાછળ ક્યાંક અને ક્યાંક કોઈની જવાબદારીની સભાનતા છુપાયેલી હોય છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ઇન્ડિયા ટીવીના ચૅનલ હેડ રજત શર્માએ કહેલી એક વાત મને હંમેશ માટે યાદ રહી ગઈ છે. એક સમયે અમે સાથે હતાં ત્યારે તે કોઈ વાત પર ઉશ્કેરાઈ ગયા. એ સમયે ઉશ્કેરાટ માટે એ વાત નાની લાગી હતી. વાત નાની અને અને તેમનો ઉશ્કેરાટ મોટો, પણ એ પછી જ્યારે તેમની સાથે એ બાબતમાં ચર્ચા થઈ, વાત થઈ ત્યારે સમજાયું કે તેમનો એ ઉશ્કેરાટ ગેરવાજબી બિલકુલ નહોતો. એ જ વિષય પર ચર્ચા કરતાં હતાં ત્યારે તેમણે કહ્યું હતું, ‘વાજબી વાત હોય તો બધું સ્વીકાર્ય છે પણ ગેરવાજબી અને અર્થહીન વાત કરવામાં આવે ત્યારે ગુસ્સો આવે એ સ્વાભાવિક છે.’
વાત બિલકુલ સાચી છે.
વાત હોય કે માગ, વાજબીપણું હોવું જોઈએ. જો એ ન હોય તો કોઈ પણ બૌદ્ધિક વ્યક્તિને ગુસ્સો આવે તો એમાં કંઈ ખરાબી હોય એવું મને લાગતું નથી, કારણ કે એ ગુસ્સો સામેવાળાની અણસમજના કારણે આવી જતો હોય છે. આપણે ત્યાં વાત અને માગને જીદનું રૂપ આપી દેવામાં આવતું હોય છે, જેને લીધે વાતને સમજવાની કે પછી સમજાઈ શકે એ સ્તર પર જ આવવા દેવામાં નથી આવતી. થોડા સમય પહેલાં તબલિગી સમાજે જે પ્રકારે દેશમાં કોરોના સંક્રમણને હવા આપી અને એક ચોક્કસ સમુદાયે કોરોના ટેસ્ટ માટે વિરોધ કરવાનો શરૂ કર્યો એમાં કોઈ કાળે વાજબીપણું નહોતું, પણ એમાં જીદનું રૂપ વધારે દેખાતું હતું અને જીદનું સ્વરૂપ હતું એટલે જ વાત બગડવાની શરૂ થઈ ગઈ હતી. એક વાત યાદ રાખજો, વાજબી માગ અને વાજબી વાત દરેક જગ્યાએ સ્વીકાર્ય હોતી હોય છે. પછી એ સરકાર પાસેની હોય કે ઘરના વડીલ પાસેની હોય. આપણે સૌએ આ સમજવું જોઈશે. આ પ્રકારની સમજણ વિસ્તારવી પણ પડશે.
પાડવામાં આવેલી તમામ ના કે પછી આપવામાં આવેલો નકારાત્મક જવાબ ક્યારેય કોઈને ગમતો નથી, પણ એક વખત સ્થાન બદલીને જો પરિસ્થિતિ અને સંજોગને જોવાની કોશિશ કરવામાં આવે તો એ સમજાઈ જતું હોય છે કે જવાબમાં મળેલો નકાર વાજબી છે કે નહીં. ચાણક્યના નીતિશાસ્ત્રમાં કહેવાયું છે કે ‘જ્યારે પણ હકની વાત આવે ત્યારે વ્યક્તિએ જીદ છોડીને આગળ વધવું જોઈએ. હકને જીદનું રૂપ આપી દેવાથી વાતમાં નકારાત્મકના રંગો ઉમેરાઈ જતા હોય છે.’
જે સમયે આપણે સૌ આ વાત સમજી જશું એ સમયે આપણી આસપાસમાં સાંભળવા મળતી ‘ના’ ને આપણે વાજબી રીતે સમજવાનું સામર્થ્ય મેળવી લેશું. દરેક નકારની પાછળ ક્યાંક અને ક્યાંક કોઈની જવાબદારીની સભાનતા છુપાયેલી હોય છે. વાતેવાતે ના પાડતાં પપ્પાની એ નકારનો ભાવાર્થ સમજવા માટે પક્ષ બદલીને વિચાર કરવો પડે અને એ વિચાર કરવા માટે એ વૈચારિકતા કેળવવી પડે. ના ખરાબ જ હોય એવું બિલકુલ નથી. નકારાત્મકતા હિત માટે પણ હોય છે. આજનું વાતાવરણ જ જોઈ લો. જો નકાર ખરાબ હોત તો કોવિડ-19નો કરવામાં આવેલો ટેસ્ટ-રિપોર્ટ નેગેટિવ આવે ત્યારે માણસ રાજી ન થતો હોત અને એ ટેસ્ટ પૉઝિટિવ આવે ત્યારે પરિવારના ચહેરા પર ચિંતાની લકીર ખેંચાતી ન હોત. કહેવાનો ભાવાર્થ એ જ કે, ના આવે ત્યારે એ ના સમજવાની ક્ષમતા કેળવશો તો પાડવામાં આવેલી ના પણ મીઠી લાગશે.

 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK