એક દિવસની હડતાળ પછી પણ કોઈ નિર્ણય નહીં, એપીએમસીના વેપારીઓ આક્રમક

Published: Sep 04, 2020, 13:27 IST | Mumbai correspondent | Mumbai

ઓક્ટોબરથી અસહકાર આંદોલન : ધંધો ૫૦ ટકા થઈ ગયો છે, ઑનલાઇન કંપનીઓને ખટાવવા વેપારીઓનો ભોગ: જો આવું જ ચાલ્યું તો એપીએમસી ઇતિહાસ બની જવાની શક્યતા

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

નવી મુંબઈ એપીએમસી સંકુલમાં વેપાર કરતા વેપારીઓએ ૧ ટકો સેસ ચૂકવવો પડે છે, જ્યારે સંકુલની બહાર કોઈ પણ વેપારી સરકારી નોટિફિકેશનને કારણે માત્ર પૅન કાર્ડ દાખવી ધંધો કરી શકે છે અને તેને એ એક ટકો લાગતો નથી. એથી હાલમાં એપીએમસી સંકુલની અંદર ધંધો અડધો થઈ ગયો છે. વેપારીઓ દ્વારા આ માટે સરકારમાં રજૂઆત પણ કરાઈ છે. ૨૫ ઑગસ્ટે ચેમ્બર ઑફ અસોસિએશન ઑફ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રી ઍન્ડ ટ્રેડ (કૅમિટ)ના નેજા હેઠળ રાજ્યની તમામ એપીએમસીએ જડબેસલાક બંધ પાળ્યો હતો. એમ છતાં સરકાર દ્વારા ઢીલું વલણ અખત્યાર કરાતાં વેપારીઓ અકળાયા છે. બુધવારે કૅમિટના વેબિનારમાં રાજ્યભરની ૩૦૬ એપીએસીના વેપારીઓએ હાજરી પુરાવી હતી.
કૅમિટના ચૅરમૅન મોહન ગુરનાનીએ આ વિશે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રાજ્યભરના વેપારીઓ આ વેબિનારમાં સહભાગી થયા હતા. આવનારા પાંચ-સાત દિવસમાં સરકારમાં બની શકે તો સીએમ ઉદ્ધવ ઠાકરેને મળીને રજૂઆત કરવી. જો એ પછી પણ કાંઈ ન વળે તો અસહકાર કે પછી બેમુદત બંધના એક્સટ્રીમ સ્ટેપ લેવા. આ માટે ૯ જણની ઍક્શન કમિટી બનાવી છે જે પાંચ સપ્ટેમ્બરે સાંજે પાંચ વગ્યે ફરી મળશે અને એમાં આગળની રણનીતિ ઘડશે. વેપારીઓ એક્સટ્રીમ સ્ટેપ લેવા પણ હવે તૈયાર છે. વેપારી ધંધો કરશે, પણ સરકારને સેસ નહીં ભરે, પછી ભલે સરકારને જે કરવું હોય એ કરે. સેસ ભલે એક જ ટકો છે, પણ એની રકમ બહુ મોટી થતી હોય છે. ખાંડની એક ગૂણી પર ૪૦ રૂપિયા સેસ લાગતી હોય છે, પણ એપીએમસીમાં રોજની ૧૦,૦૦૦થી ૧૨,૦૦૦ ગૂણીઓ ઊતરે તો એ રકમ બહુ મોટી થઈ જાય છે. આજ ફરક તુવેર દાળમાં ૧૫૦થી ૨૦૦ ગૂણીએ પડી જાય. એથી હાલમાં બંધો ધંધો સંકુલની બહાર ખેંચાઈ જાય છે, માટે વેપારીઓ આક્રમક બન્યા છે.’
ગ્રોમાના પ્રેસિડન્ટ શરદ મારુએ આ બાબતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સરકારે અધ્યાદેશ બહાર પાડી વેપારીએ જાણે ગુનો કર્યો હોય એવી હાલત ઊભી કરી છે. હકીકતમાં કોઈ ખેડૂત મુંબઈ એપીએમસીમાં ડાયરેક્ટ માલ લાવતો નથી. એથી અમને એ ઍક્ટ લાગે નહીં. મસ્જિદ બંદરની ગીરદી ઓછી કરવા માર્કેટ અહીં શિફ્ટ કરવા આ કાયદાનો ઉપયોગ કરી અમને અહીં ટ્રાન્સફર કર્યા. અમે ઍક્ટ લાગુ કરાયો હોવીથી એ સામે હાઈ કોર્ટ અને સુપ્ર‍ીમ કોર્ટ સુધી લડ્યા. છેવટે અમને બાંયધરી આપવામાં આવી કે ઍક્ટના પ્રોવિઝન તમારા પર લાગુ નહીં કરીએ એટલે વેપારી શાંત રહ્યા.
સરકારના અધ્યાદેશના કારણે બહારથી ધંધો કરનારા ફાવી જશે. ઑનલાઇન કંપનીઓ પણ ફાવશે, એપીએમસીનો વેપારી ખલાસ થતો જશે. વેપારીઓને નેસ્તનાબૂદ કરવાની આ યોજના છે. જો આમ જ ચાલતું રહ્યું તો એપીએમસી યાર્ડ ઇતિહાસમાં જમા થઈ જશે. આવતી પેઢીનાં બાળકોને અહીં લાવી મ્યુઝિયમની જેમ બતાવાશે કે પહેલા અહીં માર્કેટ હતી.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK