દિલ્હીમાં દસ્તાવેજી ફિલ્મ બનાવી રહેલા બે વિદ્યાર્થીની કેફિયત

Published: 26th February, 2020 07:43 IST | Gaurav Sarkar | New Delhi

દારૂડિયાઓ આવ્યા ને રમખાણ શરૂ થયાં: શાંતિથી દેખાવો ચાલી રહ્યા હતા, પણ બીજેપીના કપિલ મિશ્રાએ ઉશ્કેરણીજનક વિધાનો કર્યા પછી માહોલ ઝડપથી બદલાઈ ગયો: દેખાવકારોને ‘ભારત માતા કી જય’ અને ‘જય શ્રીરામ’ના ઘોષ કરવાની ફરજ પડાતી હતી

તોફાનનો દાવાનળ : સીએએ વિરોધી અને સમર્થકો વચ્ચેનાં તોફાનો ઈશાન દિલ્હીમાં ગઈ કાલે પણ ચાલુ રહ્યાં હતાં અને  ભારે પથ્થરમારો થયો હતો. (તસવીર : પી.ટી.આઇ.) અહેવાલો માટે જુઓ...
તોફાનનો દાવાનળ : સીએએ વિરોધી અને સમર્થકો વચ્ચેનાં તોફાનો ઈશાન દિલ્હીમાં ગઈ કાલે પણ ચાલુ રહ્યાં હતાં અને ભારે પથ્થરમારો થયો હતો. (તસવીર : પી.ટી.આઇ.) અહેવાલો માટે જુઓ...

રવિવારે દિલ્હીના જાફરાબાદ મેટ્રો સ્ટેશન પાસેના મૌજપુર વિસ્તારમાં દસ્તાવેજી ફિલ્મ માટે વિડિયો-રેકૉર્ડિંગ કરતા બે વિદ્યાર્થીઓએ જણાવ્યું કે ‘નાગરિકતા કાયદા સામે વિરોધ-પ્રદર્શન શાંતિપૂર્વક ચાલતું હતું, પરંતુ બીજેપીના કપિલ મિશ્રાએ ઉશ્કેરણીજનક ભાષણ આપ્યા પછી માહોલ ઝડપથી બદલાયો હતો. થોડા વખતમાં તો દારૂડિયાઓનું ટોળું પહોંચતાં હિંસા ફાટી નીકળી હતી.’

નાગરિકતા કાયદા વિરોધી આંદોલન વિશે દસ્તાવેજી ચિત્રપટ બનાવતા એકજ કૉલેજના બે વિદ્યાર્થીઓ ૨૧ વર્ષના શાશ્વત દાસ અને ૨૧ વર્ષની સ્વેતલાનાએ રવિવારે જણાવ્યું હતું કે ‘આ સમગ્ર આંદોલન વિદ્યાર્થીઓએ શરૂ કર્યું હતું એથી જેકાંઈ બન્યું એનું વર્ણન ત્યાંના વિદ્યાર્થીઓ કરે છે. શાહીનબાગ તથા દેશના અન્ય ભાગોમાં ચાલતા નાગરિકતા કાયદા વિરોધી આંદોલનની માફક જાફરાબાદ મેટ્રો સ્ટેશનની નીચે શનિવારે રાતે ૧૦.૩૦ વાગ્યે ધરણાં શરૂ થયાં હતાં. રવિવારે સવારે ૬ વાગ્યે અમે બન્ને જાફરાબાદ-મૌજપુર વિસ્તારમાં પહોંચ્યા હતા. ત્યાં અસાધારણ પ્રમાણમાં પોલીસ દળ ગોઠવાયાં હતાં. સવારે ૧૧ વાગ્યે ધરણાંના સ્થળે લોકોની સંખ્યા વધવા માંડી હતી. શનિવારે રાતે લગભગ ૩૦૦ મહિલાઓ અને ૨૦૦ પુરુષો ધરણાંના સ્થળે હતાં. રવિવારની બપોર સુધીમાં ૬૦૦૦ લોકો ભેગા થઈ ગયા હતા. એ બધા શાંતિથી વિરોધ-પ્રદર્શન કરતા હતા. હિંસા કે ઉશ્કેરાટનો માહોલ જરાયે નહોતો.’

શાશ્વત દાસે જણાવ્યું કે રવિવારે બપોરે હિંસા શરૂ થઈ હતી. મેઇન રોડ પર જાફરાબાદ અને મૌજપુર મેટ્રો સ્ટેશન વચ્ચે એક મંદિર છે એની નજીક ૪૦૦ જેટલા નાગરિકતા કાયદાતરફી દેખાવકારો પોલીસ સાથે ચર્ચા કરતા હતા. એ લોકો જાફરાબાદમાં રસ્તાની વચ્ચે વિરોધ-પ્રદર્શન-ધરણાં હટાવવાની માગણી કરતા હતા. જાફરાબાદ-મૌજપુર વચ્ચે ચાર બૅરિકેડ્સ છે. પહેલું બૅરિકેડ જાફરાબાદ મેટ્રો સ્ટેશન પાસે, બીજું બૅરિકેડ મંદિર પાસે, ત્રીજું બૅરિકેડ મૌજપુર મેટ્રો સ્ટેશન પાસે અને છેલ્લું બૅરિકેડ મેટ્રો સ્ટેશન પછી હતું.

શાશ્વત દાસ અને સ્વેતલાનાએ મંદિર પાસે જઈને તેમની દસ્તાવેજી ફિલ્મ માટે ઇન્ટરવ્યુ લેવાની શરૂઆત કરી ત્યારે તેમને લોકોએ કહ્યું કે મૌજપુર મેટ્રો સ્ટેશન પાસે પથ્થરમારા અને ઉગ્ર સૂત્રોચ્ચારની ઘટના બની છે. મૌજપુર તરફ પોલીસ-બંદોબસ્ત પૂરતા પ્રમાણમાં ન હોવાથી એ લોકો એ જગ્યાની નજીક ન ગયા. લગભગ દરેક ગલીના ખૂણા પર તિલકધારીઓ ભેગા થયા હતા. આસપાસનાં ઘરોમાં હિન્દુ તરીકે ઓળખ માટે ભગવા ઝંડા લહેરાતા હતા. સાંજે ૫.૩૦ વાગ્યે હિંસાની પહેલી ઘટના બની હતી. રાતે ૮ વાગ્યે શાશ્વત અને શ્વેતલાનાને ધક્કે ચડાવાયાં હતાં. અન્યોની માફક તેમને પણ વીસેક જણના ટોળાએ ‘ભારત માતા કી જય’ અને ‘જય શ્રીરામ’ના ઘોષ કરવાની ફરજ પાડી હતી. એ બધા દારૂ પીધેલા હતા.

નાગરિકતા કાયદાતરફી દેખાવકારો વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થતી હોવાથી જાફરાબાદ મેટ્રો સ્ટેશનની નીચેનો રસ્તો ખુલ્લો કરવાની માગણી કરતા હતા. બીજેપીના નેતા કપિલ મિશ્રાએ ભાષણ કર્યા પછી માહોલ બદલાઈ ગયો હતો. રવિવાર પછી વિરોધ-પ્રદર્શન અને દેખાવકારોમાં કોમવાદી વલણ ઉમેરાયું હતું. શાશ્વત અને શ્વેતલાના સોમવારે સવારે મુખ્ય માર્ગને બદલે નાની ગલીઓમાંથી ઘર ભણી રવાના થઈ ગયાં હતાં.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK