નવા કૃષિ કાયદાને લઈને અત્યાર સુધી ખેડૂતો જે કહી રહ્યા છે એ જ રાગ હવે વેપારીઓએ પણ આલાપ્યો છે અને તેમનું પણ કહેવું છે કે એક વખત આ કાયદો અમલમાં આવશે પછી નાના વેપારીઓનું અસ્તિત્વ જોખમમાં આવી જશે અને આ બાબતની જાણકારી તેઓ આજે એક પ્રેસ-કૉન્ફરન્સ દ્વારા આપવાના છે.
દેશભરના ટ્રેડરો, ડિસ્ટ્રિબ્યુટરો, હૉકર્સ, ખેડૂતો અને કામગારોને એક પ્લૅટફૉર્મ પર લાવીને જૉઇન્ટ ઍક્શન કમિટી અગેઇન્સ્ટ ફૉરેન રીટેલ ઍન્ડ ઈ-કૉમર્સે નવા કૃષિ કાયદાનો વિરોધ કરીને ખેડૂત આંદોલનને સાથ આપવાનું નક્કી કર્યું છે. આ કમિટી પ્રમાણે આ કાયદાથી દેશના ખેડૂતો મોટી કૉર્પોરેટ અને મલ્ટિનૅશનલ કંપનીઓના ગુલામ બની જશે. ખેડૂતો અને નાના વેપારીઓએ આ કંપનીઓની દયા પર જીવવાનો સમય આવી જશે. એટલું જ નહીં, દેશભરના નાના વેપારીઓ નામશેષ થઈ જશે. નવી મુંબઈની ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (એપીએમસી) માર્કેટના વેપારીઓ પણ હવે તેમના આંદોલનમાં જોડાઈ જાય એવા નિર્દેશ મળી રહ્યા છે.
જૉઇન્ટ ઍક્શન કમિટી અગેઇન્સ્ટ ફૉરેન રીટેલ ઍન્ડ ઈ-કૉમર્સના અગ્રણી નેતા મોહન ગુરનાનીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે સરકારે ઘડેલા આ ત્રણેય કાયદાના ફાયદા-ગેરફાયદામાં ઊંડાણમાં ઊતર્યા સિવાય અમને ભારપૂર્વક લાગે છે કે સરકારે આ કાયદાનો અંત લાવવો જોઈએ. એમાં શંકાને કોઈ સ્થાન નથી કે આ કાયદાથી એપીએમસી માર્કેટ અસ્થિર થવા માંડશે.
જોકે કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સના રાષ્ટ્રીય વરિષ્ઠ ઉપાધ્યક્ષ કીર્તિ રાણા આ બાબતે થોડો ભિન્ન મત ધરાવે છે. તેમનું કહેવું છે કે ખેડૂતોના કાયદાઓ પાછા ખેંચવાની જરૂરિયાત નથી, પરંતુ ભ્રષ્ટાચારનો કહેવાતો અડ્ડો બની ગયેલી એપીએમસીને તેના જૂના કાયદાઓથી મુક્તિ આપવાની જરૂર છે. રાજ્ય સરકાર દ્વારા કાયદામાં અસમાનતા અને ભેદભાવનો ભોગ વેપારીઓ અને ગ્રાહકો બને છે. પરંપરાગત કૃષિ વ્યાપારના નામે નવી મુંબઈની માર્કેટને ઇન્ટરનૅશનલ માર્કેટ જાહેર કરવી જોઈએ. નવી પૉલિસી અને કાયદા સરકાર બનાવે અને સમયની સાથે ખેડૂતોને પણ ટ્રેઇન કરવા જરૂરી છે.
છેલ્લા ત્રણ દાયકાથી મુંબઈની ૮૫,૦૦૦ દુકાનોમાં નવી મુંબઈના લગભગ ૭૯૦ વેપારીઓ, ૮૫૦ રીટેલ દલાલ તેમ જ ૧૫૦૦ ટ્રક-ટેમ્પો ડિલિવરી પહોંચાડી રહ્યા છે તેમ જ ૩૦૦૦ હમાલોની રોજીરોટી ચાલી રહી છે. આ માહિતી આપતાં ટ્રેડ ઍનલિસ્ટ અને બ્રોકર દેવેન્દ્ર વોરાએ કહ્યું હતું કે નવા કાનૂન આવ્યા બાદ બજારમાં લગભગ ૭૦થી ૮૦ ટકા વેપાર-ધંધા ઘટી ગયા છે. સેંકડો પરિવારની રોજગારી ઉપર પ્રશ્નાર્થચિહ્ન લાગી ગયું છે. ભાડાં ઘટી ગયાં છે એ જ રીતે ગોદામોના ભાવ નોંધપાત્ર રીતે ઘટી ગયા છે.
એપીએમસી માર્કેટના અને નાના વેપારીઓના ધંધા પર થયેલી માઠી અસરની માહિતી આપતાં ગ્રેન રાઇસ ઍન્ડ ઑઇલ સીડ્સ મર્ચન્ટ અસોસિએશનના સેક્રેટરી ભીમજી ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે નવા કૃષિ બિલ પછી એપીએમસી માર્કેટના વેપારીઓના બિઝનેસ મંદીમાં આવી ગયા છે. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે નવી મુંબઈની એપીએમસી માર્કેટ સાથે ખેડૂતોને ડિરેક્ટલી સંબંધ નથી છતાં આ માર્કેટમાં આવેલી અનાજ-કરિયાણા, મસાલા બજાર, ડ્રાયફ્રૂટસ માર્કેટ જેવી અનેક બજારો અત્યારે જબરદસ્ત ભીંસમાંથી પસાર થઈ રહી છે.
કાયદાના ઉલ્લંઘનના આરોપ સાથે વેપારીઓના અસોસિએશને કરી ઈ-કૉમર્સ કંપનીઓ સામે વાણિજ્ય પ્રધાનને ફરિયાદ
25th January, 2021 08:21 IST૫૦,૦૦૦ ખેડૂતોની કાલે રાજભવન કૂચ
25th January, 2021 08:16 ISTપાલિતાણામાં પૂજા-અર્ચના કરવા બાબતે વાઇરલ થયેલા બે પત્રોને લીધે જૈનો જબરદસ્ત અસમંજસમાં
25th January, 2021 08:14 ISTટાઇપ 2 ડાયાબિટીઝ દર્દીઓ માટે રામબાણ ઔષધિ છે પેરુના પાંદડાની ચા
24th January, 2021 20:25 IST