ઇલેક્શનની શૉકિંગ સાઇડ-ઇફેક્ટ જોઈ લો

Published: Oct 14, 2014, 02:52 IST

ઘાટકોપરનાં લાપતા ગુજરાતી મહિલાને શોધવાનો ટાઇમ જ નથી પોલીસ પાસે
રોહિત પરીખ

ઘાટકોપર (વેસ્ટ)ની કામા લેનમાં આવેલી પ્રણય સોસાયટીમાં રહેતાં ૫૭ વર્ષનાં નયના જયંતીલાલ શાહ શનિવારથી ગુમ થતાં સોસાયટીના રહેવાસી ચિંતામાં પડી ગયા છે. જોકે આવતી કાલે વિધાનસભાનું ઇલેક્શન હોવાથી આ મહિલાને શોધવાનો પોલીસે ઇનકાર કયોર્ હતો. આથી સોસાયટીવાળા તેમની શોધખોળ કરવા ઠેર-ઠેર દોડી રહ્યા છે, પરંતુ તેઓ આજ સુધી નથી મળ્યાં.

મૂળ ખંભાતનાં જૈન દેરાવાસી નયનાબહેન માનસિક રીતે અક્ષમ છે. તેઓ બોલી પણ શકતાં નથી. તેઓ એકલાં રહે છે. તેમના ભાઈ ત્રણ મહિના પહેલાં જ મૃત્યુ પામ્યા છે. શનિવારે સાંજના સાડાછ વાગ્યે નયનાબહેન તેમનો ફ્લૅટ બંધ કરીને બહાર ગયાં હતાં. અંદાજે રાતના સાડાઆઠ વાગ્યે તેમને ઘાટકોપર (વેસ્ટ)ની સવોર્દય હૉસ્પિટલ પાસે તેમના વિસ્તારના કોઈએ જોયા હતા. તેમણે સોનાનાં ઘરેણાં પહેરેલાં હોવાથી સોસાયટીના રહેવાસીઓ વધુ ચિંતિત છે.

સોસાયટીના રહેવાસીઓએ નયનાબહેનના લાપતા થવાની ઘાટકોપર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, પણ પોલીસે તેમને કહ્યું હતું કે ઇલેક્શન-ડ્યુટીમાં વ્યસ્ત હોવાથી હમણાં તેઓ નયનાબહેનને શોધવાની કાર્યવાહી કરી શકશે નહીં. આ કારણે મહિલાઓ સહિતના તેમના પાડોશીઓ તેમને શોધવા ચારે બાજુ દોડી રહ્યાં છે.

ક્યાં સંપર્ક કરશો?

નયનાબહેનની હાઇટ પાંચ ફૂટ ચાર ઇંચ છે. વાળ સફેદ છે અને વજન પંચાવન કિલો છે. કોઈને તેમના વિશે કંઈ માહિતી મળે તો તેઓ કીર્તિનો ૯૩૨૧૦ ૩૧૭૦૭ નંબર પર અને ચિરાગનો ૯૩૨૧૦ ૩૩૨૬૦ નંબર પર સંપર્ક કરે એવી તેમના પાડોશી તરફથી વિનંતી કરવામાં આવી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK