ઘાટકોપરના ખેલૈયાઓ પ્રીતિ-પિન્કી સંગ ઝૂમવા સજ્જ

Published: 28th September, 2011 18:22 IST

નોરતાંની મતવાલી જોડી પ્રીતિ-પિન્કી આ વખતે એક વર્ષના બ્રેક પછી મુંબઈમાં અને એમાંય ઘાટકોપરમાં શ્રીનાથ રાસ ૨૦૧૧માં પર્ફોર્મ કરવાની છે એ વાતે અહીંના ખેલૈયાઓ ખૂબ ખુશ થઈ ગયા છે. ૬૦ ફીટ રોડ પર રહેતી નમિતા ઠક્કર કહે છે, ‘આ નવરાત્રિ માટે મેં સ્પેશ્યલી ડિઝાઇન કરેલો ડ્રેસ તૈયાર છે.

 

 

સ્ટૅમિના બિલ્ડ-અપ કરવા માટે મેં ગ્લુકોઝ પીવાનું શરૂ કર્યું છે અને ડાન્સનાં સ્ટેપ્સ પણ છેલ્લા એક મહિનાથી શીખી રહી છું. પ્રીતિ-પિન્કીમાં ગરબા રમવા જવાની મજા આવે છે. સિન્ગિંગ, રિધમ, બીટ બધું જ બેસ્ટ હોય એટલે બસ રમ્યા જ કરીએ એવું થાય.’


જગડુશાનગરમાં રહેતા ૬૦ વર્ષના ઉપેન્દ્ર વેદ છેલ્લા એક મહિનાથી નવરાત્રિની તૈયારીમાં મંડી પડ્યા છે. નવી પાઘડી, નવા ડ્રેસ, દાગીના જેવું બધું જ તેમણે લઈ લીધું છે અને ગરબાની પ્રૅક્ટિસ પણ ચાલુ છે.
પ્રીતિ-પિન્કીની રિધમનાં વખાણ કરતાં તેઓ કહે છે, ‘આ બન્ને બહેનો રિધમ દ્વારા એવો માહોલ ઊભો કરે છે કે નાચવા માટે ભલભલાના પગ ઊપડી જાય. ઍક્ચ્યુઅલી ત્યાં જાઓ એટલે તમારે ગરબા રમવા ન પડે, આપોઆપ રમાઈ જાય.’


હિંગવાલા લેનમાં રહેતાં ૫૮ વર્ષનાં કલ્પના શેઠે પણ નવાં ચણિયા-ચોળી લીધાં છે અને ૧૫ દિવસથી ગરબા રમવાની પ્રૅક્ટિસ કરી રહ્યાં છે. તેઓ કહે છે, ‘પ્રીતિ-પિન્કીમાં ક્રાઉડ સારું હોય એટલે ત્યાં જવાનું હું વધારે પસંદ કરું છું. આમ પણ હું સાવ એકલી રમતી હોઉં છું એટલે ત્યાં જવું મને વધુ ફાવે છે.’

 

 

કેટલાક ખેલૈયાઓ કપડાંમાં વરાઇટી ઉમેરવાની કોશિશ કરી રહ્યા છે તો કેટલાક ગરબાનાં સ્ટેપ્સમાં. ગરબા રમવા જાય ત્યારે એકદમ અપ-ટુ-ડેટ તૈયાર થઈને જવામાં માનતો પંતનગરનો રહેવાસી જિનેશ મહેતા કહે છે, ‘ગમેએવા સારા તૈયાર થયા હોઈએ, પણ સૂર અને તાલ ન હોય તો? મને પ્રીતિ-પિન્કીની ગાયકી અને વૉઇસની ક્વૉલિટી સુપર્બ લાગે છે. પ્રીતિ-પિન્કી અંધેરીમાં પર્ફોર્મ કરતાં ત્યારે અમે ઘાટકોપરથી અંધેરી જતા.’


ઘાટકોપર-ઈસ્ટમાં એમ.જી. રોડ પર રહેતી વૈશાલી સંઘવીએ નવરાત્રિમાં રમીને જલદી થાકી ન જવાય એ માટે દોઢ મહિનાથી જૉગિંગ શરૂ કર્યું છે. એક્સરસાઇઝ અને ગરબાની પ્રૅક્ટિસ પણ ચાલુ છે. પ્રીતિ-પિન્કીની યુનિકનેસ વિશે પૂછતાં તે કહે છે, ‘તે બન્ને જ યુનિક છે. તેમનું સૉન્ગ-સિલેક્શન યુનિક છે અને તેમનો અવાજ યુનિક છે.’


બેસ્ટ કપલ તરીકે અનેક વાર વિનર થયેલાં રાજેશ ગોર અને દીપા ગોર આ વર્ષે રાધા-કૃષ્ણની જેમ તૈયાર થવાનાં છે. ૬૦ ફીટ રોડ પર રહેતા રાજેશે પર્પલ અને વાઇટ કલરનું પટિયાલા અને કેડિયું સીવડાવ્યાં છે, જ્યારે પઇવમાં હીરાનંદાની ગાર્ડન્સમાં રહેતી તેની બહેન દીપાએ ચણિયા-ચોળી. બન્ને જણ ડાન્સની પ્રૅક્ટિસ ઉપરાંત સ્ટૅમિના વધારવા જિમમાં જાય છે. દીપા કહે છે, ‘પ્રીતિ-પિન્કીમાં કૉકટેલ સાંભળવા મળે છે. ટિપિકલ ગુજરાતી ગીતો સાથે ફિલ્મી ગીતોની છણાવટ કાબિલેદાદ છે અને એવી બીટ્સ પર નાચવાની પણ મજા આવે છે.’


તિલક રોડ પર રહેતી શીતલ ગાલાએ આ નવરાત્રિ માટે એક નવો પ્રયોગ કરવાનું વિચાર્યું છે. દર વર્ષે તે એકદમ ટ્રેડિશનલ વેરમાં જતી, જ્યારે આ વર્ષ તેણે રોજેરોજ વપરાશમાં આવતાં કપડાંમાંથી ચણિયા-ચોળી બનાવડાવ્યાં છે. તે કહે છે, ‘પ્રીતિ-પિન્કી બન્ને બહેનો છે અને બન્નેનું કો-ઑર્ડિનેશન કમાલનું છે. જે રીતે તેમના અવાજમાં તેઓ વેરિયેશન લાવે છે એ માત્ર રમનારાઓને જ નહીં, જોનારાને પણ ગમે એવું છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK