રહેવા માટે મુંબઈ સૌથી વર્સ્ટ શહેર

Published: 26th October, 2012 05:04 IST

બિઝનેસ, સેફટી, હેલ્થ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મુદ્દે કરવામાં આવેલા એક સર્વેમાં મુંબઈને મળેલી ફિટકાર સાથે એક્સપર્ટ્સ પણ સહમત૧૫ દિવસ પહેલાં જ થયેલા એક સર્વેમાં રહેવા માટે મુંબઈને સૌથી ખરાબ શહેર ગણાવવામાં આવ્યું હતું. આ સર્વેમાં દુનિયાનાં ૨૭ જેટલાં શહેરોની સરખામણી કરવામાં આવી હતી જેમાં વેપાર, સલામતી, સ્વાસ્થ્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, જીવનનું સ્તર, કામ કરતા લોકોની ઉંમર તેમ જ ટ્રાફિકની સમસ્યા જેવાં કેટલાંક ધારાધોરણોની સરખામણી કરવામાં આવી હતી. એમાં રહેવા માટેનાં શહેરોમાં મુંબઈનો ક્રમ સૌથી પાછળ હતો, જ્યારે લંડન તથા ન્યુ યૉર્ક સૌથી સારાં શહેર ગણવામાં આવ્યાં હતાં. વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ પણ આ અહેવાલ સાથે સંમત થયા હતા.

વ્યાપારમાં સરળતાની દૃષ્ટિએ છેલ્લેથી બીજું


વ્યાપારમાં સરળતાની દૃષ્ટિએ સિંગાપોરનો નંબર પહેલો આવે છે, જ્યારે મુંબઈનો ક્રમ છેલ્લેથી બીજો છે. ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશનના પ્રમુખ વીરેન શાહે કહ્યું હતું કે ‘મુંબઈ વેપારીઓ માટે ફ્રેન્ડ્લી નથી. ઘણા વેપારીઓ વેપાર કરવા માટે ગુજરાત પર પસંદગી ઉતારે છે, કારણ કે અહીં લાઇસન્સ મેળવવામાં ઘણી મુશ્કેલી પડે છે.’

એન્વાયર્નમેન્ટમાં છેલ્લેથી નવમો નંબર

પર્યાવરણવાદી તથા બૉમ્બે નૅચરલ હિસ્ટરી સોસાયટીના ભૂતપૂર્વ ઑનરરી સેક્રેટરી ડૉ. અશોક કોઠારીએ કહ્યું હતું કે ‘જૈવિક વિવિધતાની હાલત જે રીતે બગાડવામાં આવી રહી છે એ જોતાં ભવિષ્યમાં આ ક્રમ હજી પણ નીચે જશે, કારણ કે વૃક્ષોની આડેધડ કાપણી તેમ જ મૅન્ગ્રોવ્ઝનું નિકંદન કરવામાં આવી રહ્યું છે.’ આ મામલે સિડનીને પહેલો નંબર આપવામાં આવ્યો છે.

ટ્રાન્સપોર્ટ તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં છેલ્લેથી છઠ્ઠું


ટ્રાન્સપોર્ટ એક્સપર્ટ જિતેન્દ્ર કોઠારીએ કહ્યું હતું કે ‘મારું એવું માનવું છે કે એ રિપોર્ટ સાચો છે. જો બ્રિટિશરો દ્વારા અમલી બનાવેલી રેલવેનું નેટવર્ક ન હોત તો આપણી પાસે કોઈ યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ નથી.’

સ્વાસ્થ્ય, સલામતી, સુરક્ષામાં છેલ્લેથી ચોથું

આ મામલે સ્ટૉકહોમ, ટૉરોન્ટો તથા સિડની જેવાં શહેરો આગળના ક્રમે છે તો મુંબઈ સલામત શહેરમાં છેલ્લેથી ચોથા ક્રમે આવે છે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ ડૉ. પી. એસ. પસરિચાએ કહ્યું હતું કે મુંબઈને સલામત બનાવવા માટે સિસ્ટમમાં સુધારો કરવો જરૂરી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK