Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ ​: મોટા ભાગની રેસ્ટૉરાંના શટર પડેલા જ રહેશે

મુંબઈ ​: મોટા ભાગની રેસ્ટૉરાંના શટર પડેલા જ રહેશે

05 October, 2020 01:13 PM IST | Mumbai
Phorum Dalal

મુંબઈ ​: મોટા ભાગની રેસ્ટૉરાંના શટર પડેલા જ રહેશે

જુહુમાં આવેલી શિવ સાગર હોટેલમાં કરાઈ રહેલી સાફસફાઈ. તસવીર : સૈયદ સમીર અબેદી

જુહુમાં આવેલી શિવ સાગર હોટેલમાં કરાઈ રહેલી સાફસફાઈ. તસવીર : સૈયદ સમીર અબેદી


રાજ્ય સરકારે કોરોના લૉકડાઉનના અનુસંધાનમાં બહાર પાડેલી નવી માર્ગદર્શક સૂચનાઓમાં પાંચમી ઑક્ટોબરથી હોટેલ્સ, રેસ્ટોરાં, બાર અને ફૂડ કૉર્ટ્સ ખોલવાની જાહેરાત કરી છે, પરંતુ કેટલાક હોટેલમાલિકોને તેમના સ્ટાફ અને ગ્રાહકોની ચિંતા હોવાથી તેઓ ધંધો ફરી શરૂ કરવામાં ઉતાવળ કરવાના નથી. વળી કેટલીક હોટેલોના કર્મચારીઓ વતનમાં ગયા છે અને કેટલીક હોટેલોના કર્મચારીઓ કોરોનાના ઓછા-વત્તા ચેપને કારણે ક્વૉરન્ટીનમાં છે.

બાંદરામાં મહેબૂબ સ્ટુડિયો પાસેની શેફ સીફાહ હોટેલનાં માલિક સીફાહ કિચાલિયોએ જણાવ્યું હતું કે ‘બૅન્ગલોરમાં પહેલાં રેસ્ટોરાં ખોલવામાં આવ્યા અને પછી કોરોનાના દરદીઓની સંખ્યામાં ઉછાળો આવતાં ત્રણેક અઠવાડિયાંમાં હોટેલ્સ અને રેસ્ટોરાં બંધ કરવા પડ્યાં હતાં. હું મારી રેસ્ટોરાંના કર્મચારીઓ અને ગ્રાહકોના જીવ જોખમમાં મૂકી ન શકું. હું ઓર્ડર પ્રમાણે ડિલિવરીનું કામ ચાલુ રાખીશ. રેસ્ટોરાં ભરચક હોય ત્યારે લોકો એકબીજાથી કેટલા નજીક હોય છે એ હું જાણું છું. તેમાં ફિઝિકલ ડિસ્ટન્સ કેટલું જળવાય એ સવાલ ઊભો રહે છે. સૅનિટાઇઝેશન અને થર્મલ સ્ક્રીનિંગ કરવા છતાં જોખમ ઊભું જ રહે છે. અમારા ૩૦ કર્મચારીઓમાંથી ૧૫ કર્મચારીઓ વતન ગયા છે. હાલમાં ઓર્ડર પ્રમાણે ડિલિવરીનું કિચન છ જણ ચલાવે છે. એ છ જણમાં હું અને મારા પતિ કરણ બન્નેનો પણ સમાવેશ છે. કોઈ પણ સ્થિતિમાં હાલના સંજોગોમાં રેસ્ટોરાં ખોલવાનું અમે વિચારતા નથી.’



બાંદરાની ‘આઉટ ઑફ ધી બ્લુ’ હોટેલના મોટાભાગના સ્ટાફને લે સુત્રા હોટેલમાં ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. ‘આઉટ ઑફ ધી બ્લુ’ હોટેલના માલિક રાહુલ બજાજે જણાવ્યું હતું કે ‘અમે હમણાં હોટેલ ખોલવાના નથી. ડિલિવરી કિચન ચાલુ રહે અને હાજર કર્મચારીઓ તથા વતનમાં ગયેલા કર્મચારીઓને પગાર ચૂકવવા જેટલી કમાણી થતી રહે એ પૂરતું છે.’


મુંબઈમાં શિવસાગર ચેઇન ઑફ રેસ્ટોરાંની પાંચ આઉટલેટ્સ છે અને છઠ્ઠી આઉટલેટ કાંદિવલીમાં ખૂલવાની છે. તેમની કેટલીક આઉટલેટ્સમાં ૬૦થી ૭૦ કર્મચારીઓ છે. તેમાંથી ૬૦ ટકા કર્મચારીઓ તેમના વતનમાં ગયા હોવાનું શિવસાગર રેસ્ટોરાંના માલિક શ્રીધર પૂજારીએ જણાવ્યું હતું.

કલેક્ટરે ઑર્ડર પર સહી જ નથી કરી રેસ્ટોરાં ખોલવા સામે પ્રશ્નાર્થ?


મહારાષ્ટ્ર સરકારે આજથી હોટેલ અને રેસ્ટોરાંને શરૂ કરવાની જોરશોરથી જાહેરાત કરી દીધી, પણ ગઈ કાલ સુધી હોટેલના સમય અને શરૂ કરવા બાબતના આદેશ પર કલેકટર તરફથી સહી કરવામાં આવી નથી. આથી આજથી હોટેલો અને રેસ્ટોરાં શરૂ થશે કે નહીં એના પર શંકા સેવાઈ રહી છે. કલેકટર આદેશ આપશે તો પણ સમયની મર્યાદા લાદશે એવી હોટેલિયરોને શંકા છે.

આ માહિતી આપતાં મુંબઈમાં ૮૦૦૦ હોટેલોના સંગઠન આહારના વાઇસ-પ્રેસિડન્ટ સુનીલ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે મોટી હોટેલના માલિકો આજથી હોટેલ શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે, પણ કલેકટરનો આદેશ આવ્યો ન હોવાથી આજથી હોટેલો શરૂ થશે કે નહીં એના પર શંકા સેવાઈ રહી છે. આ બાબતમાં સંબંધિત અધિકારીઓ કહે છે કે સવારના અગિયાર વાગ્યા સુધીમાં આદેશ આવવાની શક્યતા છે, પરંતુ આ આદેશમાં મુંબઈમાં કેટલા વાગ્યા સુધી હોટેલો ખુલ્લી રાખવાની એની સ્પષ્ટતા પર હોટેલો ખૂલવાનો આધાર છે. અમને મળેલી માહિતી મુજબ મહારાષ્ટ્રમાં સાંજે સાત વાગ્યા સુધી હોટેલ ખુલ્લી રાખવાની પરવાનગી આપવામાં આવી છે. જો મુંબઈમાં પણ સમયમર્યાદા, ગ્રાહકોની ૫૦ ટકા હાજરી એવા બધા કાયદાઓ પાળવાના આવશે તો હોટેલિયરો માટે બહુ આર્થિક મુસીબત ઊભી થવાની છે એમાં કોઈ શંકા નથી.

Whatsapp-channel Whatsapp-channel

05 October, 2020 01:13 PM IST | Mumbai | Phorum Dalal

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK