વિલે પાર્લેના ૫ ગુજરાતીએ સોશ્યલ કૉઝ માટે મુંબઈથી ગોવા સુધી કર્યું સાઇક્લિંગ

Published: 23rd November, 2012 06:51 IST

વિલે પાર્લે-વેસ્ટમાં ઇર્લા નર્સિંગ હોમની સામે આવેલા શાશ્વત બિલ્ડિંગમાં રહેતા ૪૭ વર્ષના પ્રવીણ મહેતા, તેમનો ૧૪ વર્ષનો પુત્ર વિનીબલ મહેતા, ૨૧ વર્ષની ઋતુ શાહ અને તેમના બે મિત્રો ૧૯ વર્ષનો વિવેક દમાણી અને ૨૪ વર્ષનો સૂરજ દેસાઈ આ પાંચે જણે મળી કૅન્સર રોગ અંગે જનજાગૃતિ ફેલાવવાના સોશ્યલ કૉઝ માટે બુધવાર ૧૪ નવેમ્બરે નવા વર્ષના દિવસથી છ દિવસ સુધી મુંબઈથી ગોવા ૬૦૦ કિલોમીટર સુધી સાઇક્લિંગ કર્યું હતું.

આ કૉઝમાં પ્યુમા કંપનીએ પાંચે જણને બે ટી-શર્ટ અને એક કૅપ સ્પૉન્સર કર્યાં હતાં. આ પાંચે જણ છેલ્લા ચાર મહિનાથી વિલે પાર્લેથી ગેટવે ઑફ ઇન્ડિયા સુધી વીક-એન્ડ્સમાં સાઇક્લિંગની પ્રૅક્ટિસ કરતા હતા.

મુંબઈથી ગોવા સુધીના સાઇક્લિંગના અનુભવ વિશે જણાવતાં ૨૧ વર્ષની ઋતુ શાહે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમને પાંચે જણને સાઇક્લિંગનો ખૂબ જ શોખ છે. તેથી અમે નક્કી કર્યું હતું કે અમે લોકોમાં પણ જાગૃતિ આવે એ માટે કંઈક કરીશું અને ૧૪ નવેમ્બરે નવા વર્ષના દિવસે મુંબઈથી ગોવા જવા માટે અમે એમએસએચ ૪ (મહારાષ્ટ્ર સ્ટેટ હાઇવે ૪)થી ૬૦૦ કિલોમીટરનું અંતર પાર કરવાની શરૂઆત કરી હતી. આ ૬૦૦ કિલોમીટરનું અંતર અમે ૪ દિવસમાં એટલે કે એક દિવસનું ૧૫૦ કિલોમીટર અંતર પાર કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ રસ્તાઓમાં ઘાટ વધુ આવ્યા હોવાથી અમને ૬ દિવસ લાગ્યા હતા. તેથી અમે દિવસમાં ૧૦૦ કિલોમીટરનું પાર કરી શક્યા હતા. અમે દિવસના સમયમાં ૧૨ કલાક સાઇક્લિંગ કરતા હતા. આ સાઇક્લિંગ અમે મંગળવારે ૧૯ નવેમ્બરે ગોવામાં પૂરું કર્યું હતું અને બુધવારે ૨૦ નવેમ્બરે રાત્રે સાડાનવ વાગ્યે ફ્લાઇટ દ્વારા વિલે પાર્લે પહોંચ્યા હતા. ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ કૅન્સર પેશન્ટ હતા અને તેઓ પ્યુમાના બ્રૅન્ડ-ઍમ્બેસેડર હોવાથી આ કૉઝ માટે પ્યુમા કંપનીએ અમને દરેકને બે ટી-શર્ટ અને એક કૅપ સ્પૉન્સર કર્યાં.  હતાં. બાળ ઠાકરેના અવસાન નિમિત્તે રવિવારે રાજ્યમાં બંધના કારણે થયેલા અનુભવ વિશે ઋતુએ કહ્યું હતું કે ‘બાળ ઠાકરેના અવસાન નિમિત્તે રવિવારે ૧૮ નવેમ્બરે બધું બંધ હોવાથી વહેલી સવારથી સાઇક્લિંગ શરૂ ન કરતાં અમે સવારે ૧૧ વાગ્યાથી સાઇક્લિંગ શરૂ કર્યું હતું. એ સમયે બધી જ હોટેલો, રેસ્ટોરન્ટ્સ અને ધાબાંઓ પણ બંધ હોવાથી અમને જમવા માટે કંઈ જ મળ્યું નહોતું. ત્યારે અમે નજીકના એક નાના ગામડામાં આવેલા શિવજીના મંદિરમાં ગયા હતા અને ત્યાં ભોજનની રિક્વેસ્ટ કરતાં અમને ખાસ જમવાનું બનાવી આપવામાં આવ્યું હતું. અમે આ કૉઝ માટે ચાર મહિના પહેલાંથી દરરોજ સવારે બે કલાક અને વીક-એન્ડ્સમાં ૪થી ૫ કલાક વિલે પાર્લે-ગેટવે ઑફ ઇન્ડિયા-વિલે પાર્લે સુધી સાઇક્લિંગની પ્રૅક્ટિસ કરતા હતા. આ રોડ ટ્રિપમાં વચ્ચે નાનાં ગામડાંઓ આવ્યાં હતાં જ્યાંથી અમને વિશિષ્ટ મહારાષ્ટ્રિયન જમવાનું મળતું હતું. એ સિવાય અલગ-અલગ જાત-પ્રાંતના લોકો પણ મળ્યાં હતા જે અમને ડિરેક્શન બતાવી મદદ કરતા હતા.’


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK