Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈના નવરા​ત્રિના આયોજકો કહે છે અમે સમાજસેવા માટે તૈયાર

મુંબઈના નવરા​ત્રિના આયોજકો કહે છે અમે સમાજસેવા માટે તૈયાર

30 September, 2020 07:47 AM IST | Mumbai
Mumbai Correspondent

મુંબઈના નવરા​ત્રિના આયોજકો કહે છે અમે સમાજસેવા માટે તૈયાર

નવરાત્રિ

નવરાત્રિ


કોવિડ-19ના સમયમાં ધાર્યા મુજબ જ મહારાષ્ટ્ર સરકારે કમર્શિયલ કે જાહેરમાં ગરબા-રાસ યોજીને નવરાત્રિની ઉજવણી નહીં કરવાની, પણ એને બદલે માત્ર માતાજીની વધુમાં વધુ ચાર ફુટ ઊંચી મૂર્તિની સ્થાપના કરીને બ્લડ ડોનેશન કે પ્લાઝમા ડોનેશન જેવી અત્યારે સમાજ માટે જરૂરી સેવાની પ્રવૃત્તિ હાથ ધરવાની ગાઇડલાઇન ગઈ કાલે જાહેર કરી એ પછી મિડ-ડેએ શહેરના અગ્રણી નવરાત્રિ-આયોજકો સાથે વાત કરી. આ તમામનો લગભગ એક જ સૂર હતો કે હા, અમે તૈયાર છીએ સમાજસેવાનાં વિવિધ કામો કરીને આ વખતે અનોખી ઉજવણી કરવા માટે. ઍની વે મિડ-ડે અગાઉ જ કહી ગયું છે કે આ વખતે ઘરે જ ઘૂમવા પડશે ગરબા.

આવતા મહિને ૧૭ ઑક્ટોબરથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે ત્યારે કોરોનાના આજના સમયમાં આ નવ દિવસના ઉત્સવની ઊજવણી કરવા માટે રાજ્ય સરકારે ગઈ કાલે ગાઈડલાઈન્સ જારી કરી હતી. સરકારે ગરબા-ડાંડિયાનું આયોજન કરવાની પરવાનગી નથી આપી, પણ આ તહેવારમાં આરોગ્ય સંબંધી અવેરનેસ અને મેડિકલ કૅમ્પ તથા બ્લડ ડોનેશન કૅમ્પનું આયોજન કરવાની સલાહ નવરાિત્રનું આયોજન કરનારાઓને આપી છે. ત્યારે નવરાિત્ર આયોજકો શું કહે છે એ જાણીએ....



અમે ૭૦ વર્ષથી નવરાત્રિની ઉજવણી કરીએ છીએ. એની સાથે અમે મેડિકલ કૅમ્પ જેવી અનેક સામાજિક અને લાકોપયોગી પ્રવૃત્તિઓ પણ કરતા આવ્યા છીએ. આ વર્ષના કોવિડના કપરા કાળમાં સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરીને નવરાત્રિની ઉજવણી કરીશું. અમે માતાજીની ઘટસ્થાપના કરીને, માસ્ક પહેરીને અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવીને ફક્ત કમિટીના પદાધિકારીઓ પાંચ ગરબા ગાઈશું. એની સાથે જે રીતે અમે વર્ષોથી મેડિકલ કૅમ્પ કરતા આવ્યા છીએ એ જ રીતે બ્લડ ડોનેશન કૅમ્પ, ઍન્ટિજન ટેસ્ટ કૅમ્પ જેવી અનેક સામાજિક પ્રવૃત્તિઓ પણ કરીશું.
- દામુ શર્મા, સેક્રેટરી શ્રી સંઘાણી એસ્ટેટ નવરાત્રિ મહોત્સવ મંડળ, ઘાટકોપર-વેસ્ટ


અમે બે-ત્રણ વર્ષથી નવરાત્રિની ઉજવણી બંધ કરી દીધી છે. આ પહેલાં અમે ૧૯૯૪થી રેગ્યુલર નવરાત્રોત્સવની ઉજવણી કરતા હતા. અમારું ગ્રુપ સામાજિક, ધાર્મિક, વૈદ્યકીય જેવી અનેક પ્રવૃત્તિઓમાં હંમેશાં અગ્રેસર રહ્યું છે છતાં અત્યારના કોવિડના કાળમાં અમે કોઈ પણ પ્રવૃત્તિ કરવા તૈયાર નથી. અત્યારે સમય ખૂબ કપરો ચાલી રહ્યો છે. નાનકડી ભૂલ કોવિડનો ફેલાવો કરવામાં કારણભૂત બની શકે છે. આથી અમે આ વર્ષે ગુજરાતના પ્રખ્યાત ગરબાના કલાકારો સાથે ઑનલાઇન નવરાત્રોત્સવની ઉજવણી કરવાના છીએ. એની સાથે અમે સરકારની માર્ગદર્શિકા પ્રમાણે સામાજિક પ્રવૃત્તિઓ કરવા તત્પર છીએ.
- રમેશ મોરબિયા સેક્રેટરી, જૈન જાગૃતિ સેન્ટર, નૉર્થ ઈસ્ટ

અમે સરકારની માર્ગદર્શિકા પહેલાં જ અત્યારના સંજોગોને અનુસરીને સાદાઈથી ઓછા ભક્તોને ભેગા કરીને નવરાત્રિ ઉત્સવની ઉજવણી કરવાનો નિર્ણય લીધો છે. જોકે ગણેશોત્સવની જેમ જ સરકારે નવરાત્રોત્સવમાં પણ નાના મંડળ માટે પણ ઉમંગભેર નવરાત્રિ ઉત્સવની ઉજવણી થાય એવી માર્ગદર્શિકા તૈયાર કરવાની જરૂર હતી. હજી પણ સરકાર આ બાબતે પુનર્વિચારણા કરીને જાહેરાત કરશે તો નાનાં મંડળોને અધિક આનંદ આવશે. બાકી માતાજીનો જેવો આદેશ.
- બિપિન શાહ ખજાનચી, લીમાણી ભુવન નવરાત્રિ મંડળ, ઘાટકોપર-વેસ્ટ


વર્ષોથી કોરા કેન્દ્રમાં નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે, પણ આ વર્ષે કોરોનાને કારણે અમે માત્ર માતાજીની ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરવાનું નક્કી કર્યું છે. આ સંદર્ભે અમારી ટ્રસ્ટીઓની મીટિંગ થઈ છે, જેમાં પરંપરા અનુસાર ગ્રાઉન્ડ પર જ મંદિરમાં માતાજીની સ્થાપના થશે. એનું આયોજન ગોવિંદરાવ નાયડુ ચૅરિટેબલ ટ્રસ્ટ કરે છે. રાજ્ય સરકારે જે રીતે બ્લડ ડોનેશન કૅમ્પ કે અન્ય સેવાભાવી પ્રવૃત્તિ કરવાનું આહ્‍‍વાન કર્યું છે એ વિશે પણ અમે વિચારીશું, પણ હાલમાં એ બાબતે કોઈ ઠોસ નિર્ણય લીધો નથી.
- જિજ્ઞેશ કોટેચા, નાયડુ ક્લબ, બોરીવલી

મુલુંડ-વેસ્ટમાં કાલિદાસ ગ્રાઉન્ડ પર વર્ષોથી મનોજ કોટકની દોરવણી હેઠળ પ્રેરણા રાસનું આયોજન થાય છે. આ વર્ષે કોરોનાને કારણે સામૂહિક નવરાત્રિ તો બંધ જ છે. વળી હવે સરકારી ગાઇડલાઇન્સ પણ આવી છે. કાલિદાસનું જે ગ્રાઉન્ડ છે એ બીએમસીનું ગ્રાઉન્ડ છે એથી જો પૂજા-અર્ચના માટે પણ ગ્રાઉન્ડમાં મંદિર બનાવવું હોય તો એને માટે બીએમસીની એ માટેની ટન્ડર-પ્રક્રિયા કરવી પડતી હોય છે જે હવે શક્ય નથી. એથી આ વર્ષે પ્રેરણા રાસનું આયોજન થાય એવી શક્યતા ઓછી છે. મેડિકલ કૅમ્પ કે બીજાં આયોજન વિશે અમે હજી સુધી કાંઈ વિચાર્યું નથી.
- ચેતન કોટક, પ્રેરણા નવરાત્રિ રાસ, મુલુંડ

અમે છેલ્લાં ૧૫ વર્ષથી નવરાત્રોત્સવની ઉજવણી કરીએ છીએ. અમારી સાથે બીજાં અનેક સોશ્યલ ગ્રુપ પણ જોડાય છે. જોકે બે વર્ષથી અમે આ ઉજવણી ઘાટકોપરમાં બંધ કરી છે. અમે મહારાષ્ટ્ર સરકારની ગાઇડલાઇનને અનુસરીને વર્ચ્યુઅલ દાંડિયારાસની ઉજવણી કરવાનું પ્લાનિંગ બનાવી રહ્યા છીએ. સરકારે જેમ લગ્નપ્રસંગમાં ૧૦૦ માણસોની હાજરીની પરવાનગી આપી છે એ જ રીતે માતાજીના ગરબા રમવા માટે દરેક સોસાયટીને ૧૦૦ રહેવાસીઓ સુધી રમવાની પરવાનગી આપવી જોઈએ. અમે બ્લડ ડોનેશન, મેડિકલ, આઇ ચેક-અપ કૅમ્પ જેવી અનેક સામાજિક પ્રવૃત્તિઓ પણ કરીશું. અમે કોવિડના સરકારના નિયમો અને એની માર્ગદર્શિકાનું કડક રીતે પાલન કરીને વર્ચ્યુઅલ નવરાત્રોત્સવની ઉજવણી કરીશું.
-જિજ્ઞેશ ખિલાણી સેક્રેટરી, ઘાટકોપર ગુજરાતી સમાજ

૨૩ વર્ષથી રશ્મિનગર ગ્રાઉન્ડ પર અમે નવરાત્રિનું પારંપરિક રીતે આયોજન કરીએ છીએ. કોરોનાને કારણે નવરાત્રિ બંધ રાખવી એવા આદેશનું પાલન જરૂર કરીશું, પરંતુ પરંપરા તૂટે નહીં અને અમારી નવરાત્રિ શોક ખાતર ન હોવાથી માતાજીની વિધિ પ્રમાણે પૂજા-અર્ચના કરીશું. કમિટી-મેમ્બર્સ ગરબી બેસાડીને સવાર-સાંજ પૂજા કરીને પાંચ ગરબા વગાડીને બંધ કરી દેશે. નવરાત્રિની ઉજવણી તો થશે નહીં, પણ એની જગ્યાએ કોરોનાની સાવચેતી, પ્લાઝમા ડોનેશન વિશે જાગૃતિ જેવી પ્રવૃત્તિ હાથ ધરીશું.
- રીટા સરવૈયા, સેક્રેટરી મા આરાસુરી નવરાત્રિ મંડળ, વિરાર

કલ્પતરુ ગ્રાઉન્ડમાં ૧૨ વર્ષથી અમે નવરાત્રિનું આયોજન કરીએ છીએ. કોરોનાને લીધે સરકારે લીધેલા નિર્ણયનું અમે માન રાખીએ છીએ. દાંડિયા-રાસ કે ગરબાને બદલે કોરોનામાં લોકોને લાભ થાય એ માટે બાળકો અને સિનિયર સિટિઝનો માટે મેડિકલ કૅમ્પનું આયોજન કરવાનું વિચારીએ છીએ; જેમાં કિડની, બ્લડ-પ્રેશર, પગની બીમારી જેવી અનેક પ્રકારની ટેસ્ટ ડૉક્ટરોની ટીમ દ્વારા કરવામાં આવશે. આ વિશે અમારી કમિટી વચ્ચે વાતચીત ચાલી રહી છે.
- સુનીલ સરવૈયા, પ્રમુખ, વસઈ ગુજરાતી પરિવાર, વસઈ

અમારું આ ૭૧મું વર્ષ છે. અમે સરકારના નિયમોનું કડક પાલન કરીને એની માર્ગદર્શિકા પ્રમાણે નવરાત્રોત્સવની ઉજવણી કરવાનો નિર્ણય કર્યો છે. અમે અમારા નવરાત્રિના હૉલમાં માતાજીની સ્થાપના કરીને અમુક લિમિટેડ માતાજીના ભક્તોની હાજરીમાં ઘટસ્થાપના અને આરતી કરીશું. આઠમના હવનનો નિર્ણય હજી અમે લીધો નથી. ઑનલાઇન કાંઈક નવું કરીને અમે નવલાં નોરતાંનો આનંદ માણીશું. અત્યારના સમયમાં આપણા પરિવારનું અને આપણું સ્વાસ્થ્ય સંભાળીને પ્રસંગનો આનંદ લૂંટવાનો છે, આથી અમે સમાજને મદદરૂપ થાય એ રીતે નવરાત્રિની ઉજવણી કરીશું અને સાથોસાથ સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન પણ કરીશું.
વિનોદ ચાંદ્રા (ભાનુશાલી), પ્રમુખ પારસીવાડી નવરાત્રિ ઉત્સવ મંડળ, ઘાટકોપર-વેસ્ટ

સાર્વજનિક નવરાત્રોત્સવ ૨૦૨૦ની માર્ગદર્શિકા
સાર્વજનિક નવરાત્રોત્સવ માટે મંડળોએ મહાપાલિકા કે સ્થાનિક પ્રશાસન પાસેથી ધોરણ અનુસાર પૂર્વપરવાનગી લેવી આવશ્યક છે.
કોવિડ-19ને કારણે ઉદ્ભવેલી સંસર્ગજન્ય પરિસ્થિતિનું ધ્યાન રાખીને તેમ જ કોર્ટના આદેશ તેમ જ મહાપાલિકા અને સ્થાનિક પ્રશાસને નવરાત્રિ મંડળ બાબતે નક્કી કરેલા ધોરણ પ્રમાણે મર્યાદિત મંડળો મંડપ ઊભા કરી શકશે.
આ વર્ષે નવરાત્રિ ઉત્સવ સાદાઈથી ઊજવવાનો રહેશે એ મુજબ ઘરગથ્થુ મૂર્તિ અને સાર્વજનિક માતાજીની મૂર્તિઓની સજાવટ કરવાની રહેશે.
સાર્વજનિક મંડળની મૂર્તિની ઊંચાઈ ૪ ફુટ અને ઘરગથ્થુ મૂર્તિઓની ઊંચાઈ બે ફુટ જેટલી મર્યાદિત રાખવાની રહેશે.
આ વર્ષે શક્ય હોય તો પારંપરિક માતાજીની મૂર્તિઓ ઘરમાં રહેલી ધાતુની કે સંગેમરમરની મૂર્તિની પૂજા કરવી. ઇકો ફ્રેન્ડ્લી મૂર્તિઓનું વિસર્જન શક્ય હોય ત્યાં સુધી ઘરમાં જ કરવું. ઘરમાં શક્ય ન હોય તો આ મૂર્તિઓનું વિસર્જન સ્થાનિક પ્રશાસને ઊભાં કરેલાં કૃત્રિમ તળાવોમાં કરવું.
નવરાત્રોત્સવ દરમ્યાન સ્વૈચ્છિક ફાળો જ સ્વીકારવી. જાહેરાતનું પ્રદર્શન કરવામાં ગિરદી ન થાય એનું ધ્યાન રાખવું અને બને ત્યાં સુધી સમાજને સંદેશો આપે એવાં જ પ્રદર્શન યોજવાં. એ ઉપરાંત ‘મારો પરિવાર, મારી જવાબદારી’ની ઝુંબેશ બાબતે વધુ ને વધુ જાગરૂકતા આવે એનું ધ્યાન રાખવું.
ગરબા, દાંડિયા અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો ન યોજવા. એને બદલે આરોગ્યલક્ષી કૅમ્પો અને કાર્યક્રમો જેવા કે મેડિકલ કૅમ્પ, બ્લડ ડોનેશન કૅમ્પનું આયોજન કરવું. કોરોના, મલેરિયા, ડેન્ગી જેવા રોગો ફેલાતા રોકાય એવા સેમિનાર અને એના ઉપાયો પર સેમિનાર યોજીને જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવો.
આરતી, ભજન-કીર્તન તેમ જ અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓના સમયે મંડપમાં ગિરદી ન થાય એ બાબતનું ખાસ ધ્યાન રાખવું તેમ જ ધ્વનિ પ્રદૂષણ ન ફેલાય એનું પણ ધ્યાન રાખવું.
માતાજીનાં દર્શન માટેની વ્યવસ્થા ઑનલાઇન, કેબલ નેટવર્ક, વેબસાઇટ અને ફેસબુક જેવા માધ્યમથી કરવી.
માતાજીનાં દર્શન માટે મંડપમાં સેનિટાઇઝેશન અને થર્મલ સ્ક્રીનિંગ જેવી વ્યવસ્થા ઊભી કરવી. દર્શન કરવા આવનાર ભાવિકો ફિઝિકલ ડિસ્ટન્સિંગ, સ્વચ્છતાના નિયમો (માસ્ક અને સૅનિટાઇઝરનો ઉપયોગ)નું પાલન થાય એના પર વિશેષ ધ્યાન આપવું.
* માતાજીના આગમન અને વિસર્જન સમયે સરઘસ કાઢવાં નહીં. વિસર્જન સમયે વિસર્જનના સ્થળ પર ગિરદી ન થાય એ માટે આરતી જેવી પારંપરિક વિધિઓ ઘરે જ કરીને વિસર્જન કરવા જવું. આ સમયે સુરક્ષાના કારણસર નાનાં બાળકો અને વયોવૃદ્ધો સાથે ન આવે એનું ધ્યાન રાખવું. એક જ બિલ્ડિંગ કે સોસાયટીમાંથી એકસાથે ઘરગથ્થુ મૂર્તિઓ વિસર્જન માટે ન નીકળે એનું ધ્યાન રાખવું.
* મહાપાલિકા, વિવિધ મંડળો, ગૃહનિર્માણ સંસ્થાઓ, લોકપ્રતિનિધિઓ, સામાજિક સંસ્થાઓ, તરફથી કૃત્રિમ તળાવો ઊભાં કરવાં તેમ જ ગિરદી ન થાય એ માટે ઘરેથી કે વિસ્તારમાંથી મહાપાલિકા તરફથી મૂર્તિઓ સ્વીકારવા માટે કેન્દ્રો ઊભાં કરવાં. આ બાબતનો વધારેમાં વધારે પ્રચાર કરવો.
* મંડપમાં એકસાથે પાંચથી વધારે કાર્યકરોએ ઉપસ્થિત રહેવું નહીં. મંડપમાં ખાવા-પીવાની વ્યવસ્થા કરવા પર મનાઈ છે.
* દસમા દિવસે રાવણદહન સમયે ઓછામાં ઓછા લોકો ભેગા થાય એનું ખાસ ધ્યાન રાખવું. આ સમયે કોવિડના બધા જ નિયમોનું પાલન થાય એ જરૂરી છે. આ પ્રોગ્રામનું લાઇવ પ્રસારણ કરવું જેથી ગિરદી થાય નહીં.
* કોવિડ-19નો ફેલાવો થાય નહીં એ માટે મહાપાલિકા, પોલીસ, સ્થાનિક પ્રશાસન, આરોગ્ય વિભાગ, પર્યાવરણ વિભાગ, વૈદકીય, શિક્ષણ વિભાગો તરફથી નક્કી કરવામાં આવેલા નિયમોનું પાલન કરવું બંધનકારક રહેશે તેમ જ આ પરિપત્ર અને સમયે-સમયે જાહેરાત થાય એ બધા જ નિયમો બંધનકારક રહેશે.

Whatsapp-channel Whatsapp-channel

30 September, 2020 07:47 AM IST | Mumbai | Mumbai Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK