પાંચ વર્ષથી દીકરાની રાહ જોતી માતાની આતુરતાનો કાલે અંત

Published: 24th October, 2012 04:37 IST

૨૦૦૭થી પાકિસ્તાનની જેલમાં સજા ભોગવી રહેલો વિલે પાર્લેનો ૩૨ વર્ષનો ગુજરાતી સૉફ્ટવેર એન્જિનિયર ભાવેશ પરમાર પાંચ વર્ષના લાંબા સમય પછી આવતી કાલે સવારે સાડાનવ વાગ્યે વાઘા બૉર્ડરના માર્ગે ભારત પાછો આવશે.ભાવેશ કેવી રીતે આવી રહ્યો છે એ વિશે વધુ માહિતી આપતાં વિલે પાર્લેના વિધાનસભ્ય ક્રિષ્ના હેગડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભાવેશની માતા હંસા પરમાર અને હું ગુરુવારે વહેલી સવારે અઢી વાગ્યાની જેટ ઍરવેઝની ફ્લાઇટમાં દિલ્હી અને દિલ્હીથી સવારે ૬.૪૦ વાગ્યાની ફ્લાઇટમાં અમ્રિતસર જઈશું. ત્યાંથી સાડાઆઠ વાગ્યે અમે વાઘા બૉર્ડર પહોંચીશું. સવારે વિવિધ સરકારી કાર્યવાહી પતાવીને ૯ વાગ્યે ભાવેશને પાકિસ્તાન સરકાર દ્વારા ભારતીય અધિકારીઓને સુપરત કરવામાં આવશે. આ કાર્યવાહી બપોરે ૧૨ વાગ્યા સુધી ચાલે એવો અંદાજ છે. ત્યાર બાદ જ્યારે અમને ભાવેશનો કબજો મળશે ત્યારે તેને લઈને અમે ગુરુવારે સાંજે અથવા રાત્રે જ મુંબઈ આવીશું.’

ભાવેશના છુટકારા માટે લડી રહેલા પાકિસ્તાનના વકીલ અવાઇશ શેખ સાથે ફોન પરની વાતચીતમાં તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભાવેશને ૨૫ ઑક્ટોબરે સવારે સાડાનવ વાગ્યે વાઘા બૉર્ડરથી તેની માતાને સોંપવામાં આવશે. પાકિસ્તાની સરકારે તેના છુટકારાનો આદેશ શુક્રવારે જાહેર કર્યો હતો અને મને સરકારની પરવાનગી મળશે તો હું પોતે પણ તેને વાઘા બૉર્ડર સુધી મૂકવા આવીશ.’

ભાવેશની માતા હંસા પરમારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું મારા દીકરાના આવવાની આતુરતાથી રાહ જોઈ રહી છું. છેલ્લા મહિનામાં તેને છોડવાની તારીખ આપ્યા પછી પણ ટેક્નિકલ કારણોસર છોડવામાં ન આવતાં મનમાં થોડો ડર છે તેમ જ તેની માનસિક હાલત કેવી હશે એ બાબતે પણ મને ચિંતા થઈ રહી છે.’

ભાવેશ કયા સંજોગોમાં પાકિસ્તાન પહોંચી ગયો એ વિશે જણાવતાં હંસાબહેને કહ્યું હતું કે ‘ભાવેશે કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું હતું અને તે સારી કંપનીમાં જૉબ કરતો હતો. ૨૦૦૪ના વર્ષમાં અમને ખબર પડી કે તેના પપ્પાને કૅન્સર છે અને તેઓ છેલ્લા સ્ટેજ પર છે એટલે બચવાની કોઈ આશા નહોતી. એ સાંભળીને તે એકદમ તૂટી ગયો હતો. તેના પપ્પા અમને છોડીને જતા રહ્યા ત્યારે તે બહુ ડિપ્રેશનમાં આવી ગયો હતો. હું થોડા દિવસ મારા પિયરે જતી રહી હતી. તેણે મને થોડા દિવસ પછી કહ્યું હતું કે હું મારા મિત્રો સાથે બહારગામ ફરવા જાઉં છું એટલે તમે ટેન્શન ન લેતાં, પંદરેક દિવસમાં પાછો આવી જઈશ. થોડા દિવસ પછી તેના ફોન આવવાનું બંધ થઈ ગયું એટલે મને ચિંતા થવા લાગતાં હું પાછી મુંબઈ આવી ગઈ. ત્યારે મેં તપાસ કરાવી તો ખબર પડી કે તે એકલો ગયો છે અને ક્યાં ગયો છે એની કોઈને ખબર નથી. તેના બધા મિત્રોને ત્યાં તપાસ કરી, પણ કોઈને આ બાબતની જાણકારી નહોતી. હું ગભરાઈને પોલીસ-સ્ટેશનમાં ગઈ અને રિપોર્ટ લખાવ્યો. થોડા મહિના પછી મને એક કાગળ મળ્યો. એમાં લખેલું હતું કે ભાવેશ લાહોરની જેલમાં છે. કોઈ રામરાજ નામના માણસે આ કાગળ મોકલ્યો હતો. તેના કહેવા પ્રમાણે ભાવેશે તેમને પોતાના ઘરનું સરનામું આપ્યું હતું અને કહ્યું હતું કે મને અહીંથી છોડાવો.’


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK