શિવસેના અને BJPએ ફરી સામસામી તલવારો ઉગામી

Published: 10th December, 2014 04:48 IST

મુંબઈના ડેવલપમેન્ટ માટેની પ્રસ્તાવિત કમિટીના હેડ પ્રાઇમ મિનિસ્ટરને બનાવવાના દેવેન્દ્ર ફડણવીસના આઇડિયાની  ‘સામના’માં ઘોર નિંદા : એને પગલે જામી પડી જીભાજોડી


૧૫ વર્ષ બાદ રાજ્યમાં સત્તાનો લાડવો મળતાં જ શિવસેના અને BJPએ ફરીથી યુતિ તો કરી લીધી, પરંતુ સત્તા માટે સમાધાનના અઠવાડિયામાં જ મુંબઈ કુણાચી?ના મુદ્દે શીતયુદ્ધ શરૂ થઈ ગયું છે. ગઈ કાલે શિવસેનાએ એના મુખપત્ર ‘સામના’ના એડિટોરિયલમાં મુંબઈના વિકાસ વિશે ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસને હેવી ડોઝ આપ્યો હતો અને સાંજ સુધીમાં તો ફડણવીસનું રીઍક્શન પણ આવી ગયું હતું. મુંબઈમાં સંપૂર્ણ વર્ચસ માટે બન્ને પાર્ટી વચ્ચે મેન્ટલ ગેમ ચાલી રહી છે.‘સામના’ના ગઈ કાલના એડિટોરિયલમાં મુંબઈના વિકાસના મામલે ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસની ટીકામાં આડકતરી રીતે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીને પણ લપેટમાં લેવાયા હતા. હાલમાં નાગપુરમાં વિધાનસભાના શિયાળુ અધિવેશનમાં વ્યસ્ત હોવા છતાં ફડણવીસે સાંજ સુધીમાં એ એડિટોરિયલનો પ્રત્યુત્તર પણ આપ્યો હતો.

શું લખ્યું હતું ‘સામના’માં?

મુંબઈના ડેવલપમેન્ટ માટે કામ કરવા માટેની પ્રસ્તાવિત કમિટીનું નેતૃત્વ પ્રાઇમ મિનિસ્ટરને સોંપવાની વાત ઉચ્ચારીને ચીફ મિનિસ્ટરે કૉન્ગ્રેસ સહિતના વિરોધ પક્ષોને સરકારની ટીકાનો અવસર આપ્યો છે. એવું કરવાથી તો મુંબઈનો પક્ષપાત કર્યો ગણાશે એથી ચીફ મિનિસ્ટરે મુંબઈની ચિંતા છોડીને જ્યાં વિકાસની જરૂર છે એવા વિદર્ભ અને ખાસ કરીને પોતાના વતન નાગપુરના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. મુંબઈ તો ગ્લોબલ સિટી છે, પરંતુ જ્યાં સુધી રાજ્યનાં અન્ય શહેરો એ કક્ષાએ ન પહોંચે ત્યાં સુધી વિકાસ અધૂરો કહેવાય. નાગપુર મહારાષ્ટ્રની બીજી રાજધાની છે અને વિદર્ભમાં ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટની ખાસ જરૂર છે, એમ તો મરાઠવાડામાં પણ વિકાસની જરૂર છે જ.
વિરોધી પાર્ટીઓએ ચીફ મિનિસ્ટરના આવા સૂચનને મુંબઈને મહારાષ્ટ્રથી છૂટું પાડવાની અને મુંબઈનું મહkવ ઘટાડવાની પેરવી માને છે, જેનો ચીફ મિનિસ્ટરે જવાબ આપવો જોઈએ.
પ્રાઇમ મિનિસ્ટરે પણ (મુંબઈ સિવાય) દેશભરનાં શહેરોના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે અને જો તેઓ એવું કરશે તો મુંબઈ અને થાણેમાં નોકરીની શોધમાં ઠલવાતાં પરપ્રાંતીય ધાડાંઓમાં ઘટાડો થશે. જો પ્રાઇમ મિનિસ્ટર મુંબઈ પર ધ્યાન કેન્દ્રિત કરશે તો તેઓ પોતાની પાર્ટી BJP અને મુંબઈ પ્રત્યે પક્ષપાત કરી રહ્યાના આક્ષેપો થશે. શિવસેના તો પહેલેથી જ મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાના કોઈ પણ પ્લાનનો સખત વિરોધ કરતી આવી છે અને કરશે.

શિવસેના શું કહે છે?        

સામાન્ય રીતે શિવસેના ‘સામના’ના માધ્યમથી પોતાનું વલણ સ્પષ્ટ કરતી આવી છે, પરંતુ કેટલાક વિવાદોમાં શિવસેનાપ્રમુખે ‘સામના’ના એડિટોરિયલને પોતાનું વલણ ન માનવાનું પણ અગાઉ કહેલું છે. શિવસેનાના એક નેતાએ કહ્યું હતું કે ‘આ એડિટોરિયલ BJP પર અટૅક નથી. ભલે અમે સરકારમાં પાર્ટનર છીએ, પરંતુ અમારી સ્વતંત્ર વિચારધારા અને વિવિધ મુદ્દા પરનાં અમારાં મંતવ્યો છે જે અમે ‘સામના’ના માધ્યમથી પ્રગટ કરીએ છીએ. મુંબઈને મહારાષ્ટ્રથી છૂટું પાડવાના કોઈ પણ પ્રકારના પ્રયત્નો અમે સફળ નહીં થવા દઈએ.’

બીજેપીનો પ્રતિભાવ

પાર્ટીનું માનવું છે કે કોઈ પણ મુદ્દે રીઍક્ટ કરતાં પહેલાં શિવસેનાએ વિચારવું જોઈએ. મુંબઈ BJPના પ્રવક્તા નિરંજન શેટ્ટીએ જણાવ્યું હતું કે ‘મુંબઈના મામલે શિવસેના મુદ્દો ચૂકી ગઈ હોવાનું લાગે છે. મુંબઈના વિકાસની કોઈ કમિટીનું વડપણ પ્રાઇમ મિનિસ્ટર કરે એવા ચીફ મિનિસ્ટરના આઇડિયાથી મુંબઈના ડેવલપમેન્ટને ફાયદો થશે. પ્રાઇમ મિનિસ્ટરની સીધી દેખરેખ હોય એ પ્રોજેક્ટ્સ ઝડપથી આગળ વધે છે. એમાં મુંબઈને રાજ્યથી છૂટું પાડવાનો કોઈ પ્લાન નથી એ શિવસેનાએ સમજી લેવું જોઈએ. શિવસેનાએ એવી આડેધડ કમેન્ટ ન કરવી જોઈએ.

ચીફ મિનિસ્ટરનો પ્રત્યુત્તર

આવા મુદ્દાને રાજકીય રંગ ચડાવવાથી મુંબઈના વિકાસને અસર થઈ શકે છે. મુંબઈના ડેવલપમેન્ટની વાતમાં પૉલિટિક્સ રમવું અયોગ્ય છે, જે લોકો એ મુદ્દે રાજકારણ રમે છે તેઓ મુંબઈના ડેવલપમેન્ટ સાથે રમત રમી રહ્યા છે.
રાજ્ય સરકાર કોઈ પણ નવો પ્રોજેક્ટ હાથ પર લે ત્યારે પહેલાં કોસ્ટલ રેગ્યુલેશન ઝોન, પર્યાવરણ કે જંગલ ડિપાર્ટમેન્ટ સહિતની પરમિશન કેન્દ્ર (દિલ્હી) પાસેથી મેળવવાની રહે છે. આવી પરમિશનના વાંકે કેટલાક પ્રોજેક્ટ્સ તો ૩૦-૩૦ વર્ષથી અટવાયેલા પડ્યા છે. એથી જ મેં પ્રાઇમ મિનિસ્ટર મોદીજીને વિનંતી કરી હતી કે જો તમારા વડપણ હેઠળની કોઈ કમિટી હોય તો વિવિધ પ્રોજેક્ટ્સની ફાઇલ્સનો ઝડપી નિકાલ થાય અને બાબુશાહી આવા વિલંબથી દૂર જ રહે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK