Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Lok Sabha Elections 2019: કિરીટ સોમૈયાના નામ પર સસ્પેન્સ

Lok Sabha Elections 2019: કિરીટ સોમૈયાના નામ પર સસ્પેન્સ

22 March, 2019 08:19 AM IST |
જયેશ શાહ

Lok Sabha Elections 2019: કિરીટ સોમૈયાના નામ પર સસ્પેન્સ

કિરીટ સોમૈયા

કિરીટ સોમૈયા


લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં જ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારનાં નામ જાહેર કરવાની શરૂઆત કરી દીધી છે. મુંબઈમાં ૨૯ એપ્રિલે છ લોકસભા સીટ પર મતદાન યોજાનાર છે ત્યારે ગઈ કાલે BJPના ફાળે આવેલી શહેરની ત્રણમાંથી બે સીટના ઉમેદવારો જાહેર કરાયા હતા, પરંતુ ઈશાન મુંબઈની લોકસભા સીટનો ઉમેદવાર કોણ રહેશે એ હજી સસ્પેન્સ ચાલી રહ્યું છે. હાલના સંસદસભ્ય કિરીટ સોમૈયાને રિપીટ કરાશે કે શિવસેનાના વિરોધનું માન રાખવા યુતિને મજબૂત બનાવવા માટે અન્ય ગુજરાતી ઉમેદવાર પર કળશ ઢોળાશે એ વિશે રાજકીય પંડિતોમાં ચર્ચા ચાલી રહી છે. ત્યારે એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે સાઉથ મુંબઈની સીટ પર શિવસેના એનો દાવો જતો કરીને આ સીટ BJPને ફાળવશે અને એના બદલામાં ઈશાન મુંબઈની સીટ પર શિવસેનાનો ઉમેદવાર ઊભો રાખવામાં આવી શકે છે. જ્યારે એક ત્રીજી ચર્ચા એવી પણ ચાલી રહી છે કે શિવસેનાને કિરીટ સોમૈયા સામેનો રોષ શાંત પાડી ઈશાન મુંબઈ માટે BJPનું મોવડીમંડળ મનાવી લેશે અને જો એમ ન થયું તો કિરીટ સોમૈયાને રાજ્યસભાના ઉમેદવાર બનાવી તેમના ટેકેદારોનો રોષ શાંત કરવાનો પ્રયાસ થઈ શકે છે.

BJPએ ગઈ કાલે ઉત્તર મુંબઈમાં ગોપાલ શેટ્ટી અને ઉત્તર-મધ્ય મુંબઈની સીટ પર પૂનમ મહાજનને ઉમેદવાર તરીકે જાહેર કર્યાં હતાં, પરંતુ ઈશાન મુંબઈની સીટ પરનો ઉમેદવાર જાહેર નહીં થતાં રાજકીય અફવાનું બજાર ગરમ થઈ ગયું છે.



આગામી લોકસભાના ચૂંણીજંગ વિશે હાલના સંસદસભ્ય કિરીટ સોમૈયાનો મત જાણવા ‘મિડ-ડે’એ પ્રયાસ કર્યો હતો, પરંતુ કિરીટભાઈ મીટિંગમાં વ્યસ્ત હોવાનું તેમની ઑફિસ અસિસ્ટન્ટે જણાવ્યું હતું. કિરીટ સોમૈયાનો મત જાણવા તેમનો મોબાઇલ પર કૉન્ટેક કરવા પ્રયાસ કરાયો હતો, પરંતુ તેમણે કૉલ રિસીવ કર્યો નહોતો.


BJPના રાજકીય પંડિતોના મતે જો કિરીટ સોમૈયાને ટિકિટ નહીં ફાળવવામાં આવે તો તેના બદલે તેમના ચુસ્ત ટેકેદાર સ્થાનિક નગરસેવક અને જૂથનેતા ગુજરાતી ઉમેદવાર તરીકે મનોજ કોટકને ઉમેદવાર બનાવવાનાં ચક્રો ગતિમાન થયાં છે. ‘મિડ-ડે’એ મનોજ કોટકનો મત જાણવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો પણ કૉન્ટેક થઈ શક્યો નહોતો.

બીજી તરફ સાઉથ મુંબઈ સીટ પર હાલના શિવસેનાના સંસદસભ્ય અરવિંદ સાવંત કે જેમને ૨૦૧૪ના લોકસભા ઇલેક્શનમાં કૉંગ્રેસના કદાવર નેતા મિલિન્દ દેવરાએ હરાવ્યા હતા. તેની સીટ BJPને ફાળવી બદલામાં શિવસેના હાલના ભાંડુપના વિધાનસભ્ય અને શિવસેનાના કદાવર નેતા સંજય રાઉતના ભાઈ સુનીલ રાઉતને ઈશાન મુંબઈની સીટ પર ઊભા રાખવાની ચર્ચા ચાલી રહી છે. જોકે આ વિશે શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતનો મત જાણવાનો ‘મિડ-ડે’એ પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે અરવિંદ સાવંત અમારા ઉમેદવાર છે, જ્યારે ઈશાન મુંબઈમાં કોને ઉમેદવાર જાહેર કરવો એ BJPએ નક્કી કરવાનું છે. શિવસેના તરફથી સત્તાવાર રીતે BJPના કોઈ પણ ઉમેદવાર સામે અમારો વિરોધ નથી.’


આ પણ વાંચો : પત્નીને ખુશ રાખવા સિરિયલનો રાઈટર બન્યો નકલી નોટ છાપવાનો કારીગર

જોક યુતિના ટેકેદાર પક્ષ RPI-A (રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા-આઠવલે)ના પ્રમુખ રામદાસ આઠવલે માટે એક સીટ અનામત રાખવાની ચર્ચા ચાલી રહી છે. આગામી દિવસોમાં તમામ પક્ષના ઉમેદવારો જાહેર થતાં જ મુંબઈની છ લોકસભાના ઉમેદવારોનું ચિત્ર વધુ સ્પષ્ટ થઈ જશે.

Whatsapp-channel Whatsapp-channel

22 March, 2019 08:19 AM IST | | જયેશ શાહ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK