મુંબઈ : પાલઘરમાં સાધુઓની હત્યાની તપાસ CBIને સોંપવાની માગણી

Published: 19th November, 2020 08:01 IST | Agency | Mumbai

ઘટના સ્થળે યોજાનાર મોરચાના આરંભ પૂર્વે બીજેપીના વિધાનસભ્ય રામ કદમની અટકાયત કરાઈ

સીબીઆઇ તપાસની માગણી સાથે મોરચો કાઢનારા વિધાનસભ્ય રામ કદમ.
સીબીઆઇ તપાસની માગણી સાથે મોરચો કાઢનારા વિધાનસભ્ય રામ કદમ.

ગયા એપ્રિલ મહિનામાં પાલઘર જિલ્લાના ગામમાં બે સાધુઓ અને એક ડ્રાઇવરની ટોળાંએ કરેલી હત્યાના કેસની તપાસ સીબીઆઇને સોંપવાની માગણી બીજેપી તરફથી કરવામાં આવી હતી. એ ઘટનાની તપાસ સીબીઆઇને સોંપવાની માગણી અર્થે મુંબઈથી મોરચાની શરૂઆત પહેલાં વિધાનસભ્ય રામ કદમ અને તેમના ટેકેદારોની પોલીસે અટકાયત કરી હતી.

હાલમાં એ કેસની તપાસ મહારાષ્ટ્ર પોલીસના ક્રાઇમ ઇન્વેસ્ટીગેશન ડિપાર્ટમેન્ટ(સીઆઇડી) હસ્તક છે. એ તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટીગેશન(સીબીઆઇ)ને સોંપવાની માગણી બીજેપી તથા વિવિધ સંગઠનો કરી રહ્યા છે.
રામ કદમ અને તેમના ટેકેદારોએ તેમની માગણી સાથે પાલઘર સુધી મોરચો લઈ જઈને જે સ્થાને સાધુઓ અને તેમના વાહનના ડ્રાઇવરની હત્યા કરવામાં આવી હતી એ સ્થાને દીવા પ્રગટાવવા જનઆક્રોશ યાત્રાનું આયોજન કર્યું હતું. કાર્યકરો હાથમાં પ્લેકાર્ડ્સ અને બેનર્સ લઈને પાલઘરની દિશામાં આગળ વધવાની તૈયારી કરતા હતા ત્યારે પોલીસે રામ કદમની તેમના મુંબઈના ઉપનગર ખાર સ્થિત નિવાસસ્થાનેથી અટકાયત કરી હતી. 

પાલઘર જિલ્લાના સુપરિન્ટેન્ડન્ટ દત્તાત્રેય શિંદેએ જણાવ્યું હતું કે અગાઉ કાસા પોલીસ સ્ટેશને રામ કદમને  મોરચો કાઢવા સામે પ્રોહિબિટરી નોટિસ મોકલી હતી. તેમ છતાં તેમણે મોરચાની તૈયારી કરી હતી. એ લોકો ત્યાં પહોંચે તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડવાનું જોખમ હતું તેથી રામ કદમ અને તેમના ટેકેદારોને અટકાયત કરીને ખાર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK