પ્રેમમાં ડૂબ્યા પ્રેમી પંખીડાઓ

Published: Oct 03, 2019, 09:43 IST | મુંબઈ

કિનારાથી ૧૫૦ ફુટ દૂર પથ્થર પર બેસીને પ્રેમીઓ એકમેકમાં મશગૂલ હતાં : અચાનક પાણી વધતાં ફસાયાં: યુવતીને શોધીને બહાર કઢાઈ, પ્રેમીનો પત્તો ન લાગ્યો

સમુદ્રમાં ડૂબેલા પ્રેમીને શોધી રહેલી બચાવ ટીમ
સમુદ્રમાં ડૂબેલા પ્રેમીને શોધી રહેલી બચાવ ટીમ

બાંદરાના પ્રેમીઓ માટે ફેવરિટ એવા બૅન્ડસ્ટૅન્ડના દરિયાકિનારે ગઈ કાલે બપોરે પ્રેમાલાપમાં મશગૂલ પ્રેમી-પ્રેમિકા સમુદ્રમાં અચાનક પાણી વધવાથી ડૂબી જવાની ઘટના બની હતી. ૨૦ વર્ષની પ્રેમિકાને એનડીઆરએફ, નૌસેના અને ફાયરબ્રિગેડની ટીમે ઉગારીને હૉસ્પિટલમાં દાખલ કરી હતી, જ્યાં તેની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું હતું. મોડી રાત સુધી પ્રેમીનો પત્તો નહોતો લાગ્યો.

યુવાનોના ફેવરિટ એવા બૅન્ડસ્ટૅન્ડના સમુદ્રકિનારે ગઈ કાલે બપોરે થોડે દૂર પથ્થર પર પ્રેમી-પ્રેમિકા બેઠાં હતાં. અચાનક પાણી વધવાથી તેઓ ચારેબાજુએથી પાણીમાં ઘેરાઈ ગયાં હતાં. એમાં એક મોટું મોજું આવતાં તેઓ પાણીમાં ડૂબવા લાગ્યાં હતાં.

પ્રેમીપંખીડાઓએ બચાવો... બચાવોની બૂમો પાડતાં પોલીસ અને સ્થાનિક માછીમારો તેમને બચાવવા પાણીમાં કૂદ્યા હતા. લાંબા સમય સુધી તપાસ બાદ બેભાન અવસ્થામાં પ્રીતિ ગુપ્તા નામની ૨૦ વર્ષની યુવતી હાથ લાગી હતી. તેને તાત્કાલિક રીતે ભાભા હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ હતી. તેની આઇસીયુમાં સારવાર ચાલી રહી હોવાનું ડૉ. રિતેશે કહ્યું હતું.

આ પણ વાંચો : માહિમ-કિંગ્સ સર્કલ વચ્ચે ઉકરડાને કારણે લોકલનો ડબ્બો પાટા પરથી ખડી પડ્યો

બીજી તરફ તેના પ્રેમીનો પત્તો ન લાગતાં નૌસેના અને લાઈફ ગાર્ડ્સના જવાનો બોટમાં સમુદ્રમાં અંદર સુધી તપાસ કરી રહ્યા હોવાની માહિતી અસિસ્ટન્ટ ડિવિજનલ ફાયર ઑફિસરના પ્રવક્તા પરુળેકરે આપી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK