Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > એમટીપી-ઍપ ડાઉનલોડ કિયા ક્યા?

એમટીપી-ઍપ ડાઉનલોડ કિયા ક્યા?

14 December, 2020 07:35 PM IST | Mumbai
Bhakti Desai

એમટીપી-ઍપ ડાઉનલોડ કિયા ક્યા?

આ સુગમતા છતાં કેમ લોકો ફાઇન નથી ભરી રહ્યા?

આ સુગમતા છતાં કેમ લોકો ફાઇન નથી ભરી રહ્યા?


મુંબઈની ટ્રાફિક-પૉલીસ હવે વસૂલીભાઈ બનીને ઘરનું બારણું ખટખટાવે એના કરતાં આ ઍપ ડાઉનલોડ કરીને તમારા નામે કેટલું ઈ-ચલાન છે એ જાણીને પહેલેથી જ સેફ થઈ જવાનું સંભવ છે. આ સુગમતા થઈ ગઈ હોવા છતાં કેમ લોકો ફાઇન નથી ભરી રહ્યા? કેટલા લોકો આ ઍપનો ઉપયોગ કરે છે? મુંબઈ ટ્રાફિક-પોલીસે તો સોશ્યલ મીડિયાના માધ્યમથી આ ફાઇન ન ભરનારાઓનું લાઇસન્સ રદ કરવાની ચેતવણી આપી છે ત્યારે તકલીફ ક્યાં છે એના અનુભવ વાહનધારકો પાસેથી જાણીએ...

આ ઍપના ઘણા ફાયદા છે, પણ લોકો જાણતા નથી : સંજીવ પંચમિયા
છેલ્લા એક વર્ષથી આ ઍપ વાપરતા ઘાટકોપરના સંજીવ પંચમિયા કહે છે, ‘મને આ સિસ્ટમ સાચે જ ઘણી સારી લાગે છે. હા, લોકોમાં આ ઍપ વિશેની જાગૃતિમાં કમી છે, પણ ઍપના ઘણા ફાયદા છે. જ્યારે મેં પહેલી વાર આ ઍપ્લિકેશન ડાઉનલોડ કરી ત્યારે મને ઑલરેડી ૧૧,૦૦૦ રૂપિયાનો ફાઇન લાગી ગયો હતો, જે મેં તરત જ ભર્યો. હું ઘાટકોપર ફ્રીવે પરથી વધારે અવરજવર કરતો હોઉં છું અને સવારે પાંચ વાગ્યે જો નીકળું તો સ્વાભાવિક છે કે રસ્તો ખાલી હોય તો ગાડી ભગાવવાનું મન થાય. ફાઇન ભરતાં પહેલાં આવું મેં સાત-આઠ વાર કર્યું હતું અને એથી જ ઓવરસ્પીડના ફાઇન મારે ભરવા પડ્યા હતા. હવે હું ગમે તે સમયે જાઉં, શિસ્તનું પાલન કરું છું. હવે ઘણા લોકો અહીં સ્પીડની શિસ્ત પાળે છે આનાથી રસ્તા પર અકસ્માતનું પ્રમાણ ઘટ્યું છે. મારી બીજી ગાડી પર ગયા અઠવાડિયે જ મને નો-પાર્કિંગમાં પાર્ક ગાડી કરવાનો ફાઇન લાગ્યો છે અને એ પણ મેં તરત ભરી દીધો છે. મારું માનવું છે કે ભૂલ થાય તો શિક્ષા માટે તૈયાર રહેવું જ જોઈએ અને આનાથી જ આગળ જતાં આપણામાં સુધાર થઈ શકે છે. આ ઍપ્લિકેશનથી લોકોને નિયમોનું આપમેળે પાલન કરવાની આદત પડશે. આ ઍપ સાચે જ ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે.’



ઍપ અને કૅમેરાને કારણે લોકો શિસ્ત પાળતા થઈ જશે અને નિયમોનું બખૂબી પાલન થશે ઃ મિતેન દોશી
ઘાટકોપરમાં રહેતા યુવા વેપારી મિતેન દોશી આ ઍપના મહત્ત્વ વિશે કહે છે, ‘જેમ ગાડી ખરીદતી વખતે ઇન્શ્યૉરન્સ ફરજિયાત છે તેમ જ જ્યારે તમે ગાડી ખરીદો છો ત્યારે એને ચલાવવામાં આપણો પર્ફોર્મન્સ કેવો છે એ એમટીપી ઍપના માધ્યમથી જાણી શકાય છે. હું ઍપ વાપરું છું અને હાલમાં જ મેં નો-પાર્કિંગમાં ગાડી પાર્ક કરી હતી એના ચાર ફાઇન્સ એકસાથે ભર્યા હતા. આ ઍપમાં અમુક સમસ્યા પણ છે. ઍપ ડાઉનલોડ કરીને ગાડીનો નંબર નાખ્યા પછી ગાડીનો ચેસિસ નંબર નાખવાની વિગત માગે છે. કોઈક વાર આ વિગત નાખ્યા પછી પણ વાહન રજિસ્ટર નથી થતું. આવું વારેઘડીએ થવાથી સમયના અભાવે લોકો કંટાળી જાય છે. આમાં ફાઇન ભરવો હોય તો પણ જો વાહન રજિસ્ટર જ ન થાય તો આપણને કેટલો ફાઇન લાગ્યો છે એની જાણકારી ક્યાંથી મળે? આ સમસ્યા સિવાય આ ઍપ વાસ્તવમાં જ સારી છે, કારણ, આખું પેમેન્ટ કૅશલેસ સિસ્ટમથી થઈ જાય છે અને લોકો ફ્રીવે, વરલી-સી લિન્ક બધે ગાડી વધારે ઝડપમાં ભગાવવાથી હવે ડરે છે. ઍપ અને કૅમેરાને કારણે લોકો શિસ્ત પાળતા થઈ જશે અને નિયમોનું બખૂબી પાલન થશે. આ ઍપમાં માત્ર વિગત ભરવાની અસુવિધા અને આળસને કારણે લોકો ફાઇન ભરવામાં પાછળ પડી રહ્યા છે એવું મારું માનવું છે.’


ઘણી વાર ઍપ પર ફાઇન લાગ્યાનું કે ભર્યાનું નૉટિફિકેશન જ નથી આવતુંઃ હેમંત ભદ્રા
ગોરેગામમાં રહેતા હેમંત ભદ્રા એમટીપી ઍપમાં તેમને જે સમસ્યાઓ આવી છે એના વિશે કહે છે, ‘આ ઍપનો એક ફાયદો એ છે કે પહેલાં લોકો નિયમોનું ઉલ્લંઘન કરીને ટ્રાફિક-પોલીસ સાથે દલીલ કરીને છૂટી જતા હતા અને શિસ્તનું પાલન નહોતું થતું, પણ હવે કૅમેરા હોવાથી લોકોને દલીલ કરવાનો મોકો જ નથી મળતો અને જે ચલાન આવે એ ભરવાં જ પડે છે. મારી પાસે બાઇક અને કાર બન્ને છે અને ઈ-ચલાનની ઍપ મેં ડાઉનલોડ કરી છે, પણ આમાં દર વખતે ફાઇન આવી જ જાય છે એવું નથી. મેં હાલમાં જ ટૂ-વ્હીલર પર ૨૨૦૦ રૂપિયાનો ફાઇન ભર્યો અને મને એની જાણ જ નહોતી, ઍપ પર કોઈ નૉટિફિકેશન પણ ન મળ્યું. ટ્રાફિક પોલીસે મને એક વાર કહ્યું ત્યારે ખબર પડી અને મેં ફાઇન ભર્યો. આમાં માર્ગદર્શન અને જાગૃતિ બન્ને નથી. મારી ફોર-વ્હીલરનો એક કિસ્સો એવો થયો કે એના પર રૂપિયા ૯૦૦૦ ફાઈન લાગી ગયો હતો, જેની એપ પર કોઈ વિગત આવી જ નહતી.’

અન્યાય થાય તો દલીલ કરવાનો કે પછી આપણી બાજુ માંડવાનો કોઈ મોકો જ નથી હોતોઃ કુણાલ ઠક્કર
એમટીપી-ઍપને કારણે ભ્રષ્ટાચારને અવકાશ નથી. આ એક મોટો લાભ છે અને નિયમોનું પાલન પણ થઈ રહ્યું છે, પણ આમાં ઘણી વાર આપણે વાંકમાં ન હોઈએ અને ફાઇન મોકલી આપે છે. આવી પરિસ્થિતિનો ભોગ બનેલા કાંદિવલીના કુણાલ ઠક્કર ઍપના ફાયદા અને ગેરફાયદા જણાવતાં કહે છે, ‘આ ઍપમાં સિવિલિયન રિપોર્ટ નામનું એક ફીચર છે, જેના પર ક્લિક કરીએ તો ફોન-કૅમેરાથી ફોટો લઈને કોઈ પણ રસ્તે ચાલતી વ્યક્તિ પોલીસને ફોટો મોકલી શકે છે. હું એટીએમમાં ગયો હતો અને બહાર આવ્યો એટલી વારમાં કોઈકે ફોટો ક્લિક કરીને મોકલી આપ્યો અને મારે ફાઇન ભરવો પડ્યો, નોંધપાત્ર વાત એ છે કે અહીં નો–પાર્કિંગની પણ કોઈ સાઇન નહોતી. અન્યાય થાય તો દલીલ કરવાનો કે પછી આપણી બાજુ માંડવાનો આમાં કોઈ મોકો જ નથી હોતો. કોઈક વાર બે મિનિટ માટે ગાડીમાંથી ઊતરીને પાછા આવીએ ત્યાં આવા ફોટો સાથે ફાઇન મોકલી દેવામાં આવે છે અને એ અન્યાય છે એવું હું માનું છું. હમણાં મેટ્રોનું કામ ચાલી રહ્યું છે અને ઘણી જગ્યાએ કૅમેરા કામ નથી કરતા. મેં જોયું છે કે ઘણી વાર રિક્ષા, ટૅક્સી, બસ ઓવરસ્પીડમાં જાય છે અથવા સિગ્નલ તોડે છે અને તેઓને કારણે પ્રાઇવેટ કારને નુકસાન થવાના બનાવ પણ બનતા મેં જોયા છે, પણ તેઓ પર કોઈ કાર્યવાહી નથી થતી. મારી બાઇક પર જનારા અમુક મિત્રો જેઓએ હેલ્મેટ નહોતી પહેરી કે ઓવરસ્પીડમાં ગયા તેઓને કોઈ ઈ-ચલાન નથી મળ્યાં, તો આવું કેમ? આનો અર્થ તો એ જ છે કે તમે પકડાઓ તો જ ચોર. મારા હિસાબે નિયમો બધા માટે સરખા જ હોવા જોઈએ ને જો ન હોય તો આનો શું અર્થ?’


આ ઍપમાં આ સૌથી મોટી સમસ્યા છે કે આપણે આપણી બેગુનાહી સાબિત નથી કરી શકતા ઃ પારસ શાહ
મારે કેટલીયે વાર નો-પાર્કિંગનું સાઇનબોર્ડ ન હોય અને કોઈ એવા સંકેત પણ ન હોય છતાં ફોટો લઈને નો-પાર્કીંગમાં કાર પાર્ક કરી હોવાનો ફાઇન ભરવો પડ્યો છે એમ જણાવતાં કાંદિવલીના પારસ શાહ ઍપની મર્યાદાઓ અને લાભ વિશે કહે છે, ‘આવા સમયે આપણે દલીલ પણ કેવી રીતે કરીએ? આ ઍપમાં આ સૌથી મોટી સમસ્યા છે કે આપણે આપણી બેગુનાહી સાબિત નથી કરી શકતા અને મેં વધુમાં વધુ આવા ફાઇન ભર્યા છે. હું એક વાત માનું છું કે ઑનલાઇન સિસ્ટમથી ફાઇન ભરવો સરળ થઈ ગયો છે અને પહેલાંની જેમ સમય નથી બગાડવો પડતો. આનાથી ભ્રષ્ટાચાર અને લોકોની માનસિક હેરાનગતિ ઓછી થઈ ગઈ છે, પણ આમાં લોકોના દૃષ્ટિકોણને આવરી લેવાની જરૂર છે. આ ઍપને હાલમાં એવી રીતે બનાવી છે કે ટ્રાફિક-પોલીસ કહે એ જ સત્ય. ઘણી વાર આ ઍપ પર નૉટિફિકેશન નથી આવતાં એથી હું એક લિન્ક ચેક કરું છું અને મારા મિત્રો અને હું અમે બધા એનાથી જ ફાઇન વિશે જાણકારી મેળવીએ છીએ.’

Whatsapp-channel Whatsapp-channel

14 December, 2020 07:35 PM IST | Mumbai | Bhakti Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK