Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જો મોટિવેશન જોઈતું હોય તો યુવાનો સાથે રહેવાનું શરૂ કરો

જો મોટિવેશન જોઈતું હોય તો યુવાનો સાથે રહેવાનું શરૂ કરો

05 January, 2019 11:07 AM IST |

જો મોટિવેશન જોઈતું હોય તો યુવાનો સાથે રહેવાનું શરૂ કરો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સંજયદૃષ્ટિ 

થોડા સમયથી તો એવી પરિસ્થિતિ છે કે દિવસમાં બબ્બે સેમિનાર હોય અને એ બે સેમિનાર પણ પાછા એકબીજાથી બસ્સો-ત્રણસો કિલોમીટર દૂર હોય, પણ ખરું કહું તો આ અંતરનો પણ કોઈ અનુભવ નથી થતો, એનું કારણ છે મજા. દરેક જગ્યાએ સેમિનાર કરીને મને બહુ મજા આવે છે, અંદરથી આનંદ થાય છે. મારું કહેવું એ છે કે આ જે મજા છે, આ જે આનંદ છે એ દરેકને આવવાં જોઈએ, દરેકને થવાં જોઈએ. મારી અંગત વાત કરું તો આ જે આનંદ છે એ આનંદ લોકો સુધી કંઈક પહોંચાડ્યાનો આનંદ છે અને કોઈકને કંઈક નવું અને અલગ આપ્યાનો આનંદ છે. મારે આ આનંદ લેતો જ રહેવો છે, મને આ મજા લેતાં જ રહેવી છે. હવે તો બધાને ખબર પડી ગઈ છે કે હું મારા એક પણ પ્રોગ્રામનો એક રૂપિયો પણ ચાર્જ નથી કરતો. વિનંતી કરું કે મને આવવા-જવાની વ્યવસ્થા કરાવી દો. ઘણી વખત એવું પણ બને કે કૉલેજના સ્ટુડન્ટ્સ બધા એકઠા થઈને આવું કામ કરતા હોય એટલે તેમની પાસે એ પૈસો પણ ન હોય. બધા મૂંઝાઈ જાય અને પછી બધા પોતાના પૉકેટમનીમાંથી આ ખર્ચ કાઢવાની કોશિશ કરે તો હું ના પણ પાડી દઉં કે એવું કરવાની જરૂર નથી, હું મારી રીતે આવી જઈશ. આવું કરવાનું કારણ એક જ કે મને લોકોને મોટિવેટ કરવા ખૂબ ગમે છે. જોકે ક્યારેક એવા સવાલો પણ સામે આવીને ઊભા રહી જાય કે મને એ સાંભળીને ખરેખર મૂંઝવણ થાય.



હું લોકોને મોટિવેટ કરું એ મને બહુ ગમે, પણ હમણાં મને કૉલેજના એક યંગસ્ટરે એવું પૂછ્યું કે કે તમે બધાને મોટિવેશન આપો છો પણ જ્યારે તમને મોટિવેશનની જરૂર પડે ત્યારે તમે શું કરો?


ખરેખર. આ પ્રશ્નની મેં ક્યારેય કોઈ તૈયારી જ નહોતી રાખી. એવું નથી કે મને આ પહેલી વખત પુછાયું. અગાઉ પણ પુછાયું જ હતું, પણ બને કે એ સમયે પૂછવામાં આવેલા આ સવાલમાં તીવþતા નહોતી કે પછી એ સવાલ જ્યારે પુછાયો ત્યારે બીજું પણ આજુબાજુમાં એટલુંબધું ચાલતું હતું કે આ સવાલ મસ્તકમાં સ્ટોર ન થયો. તમે બધાને મોટિવેશન આપો છો પણ તમને મોટિવેશનની જરૂર પડે ત્યારે શું કરો?

શું કરો તમે?


યોગ કરો, ડાન્સ કરો? તમે કોઈ મોટિવેશનલ સ્પીકરને સાંભળો કે પછી મોટિવેશન મેળવવાને બદલે ફ્રેશ થવા માટે નીકળી પડો? તમે સ્ટ્રેસ દૂર કરવા માટે શું કરો, મૂવી જોવા માટે જાઓ કે પછી ગીતો સાંભળો? તમે વૉકિંગ કરીને સ્ટ્રેસ દૂર કરો કે પછી સાઇક્લિંગ કરીને સ્ટ્રેસ ઓછું કરો?

આ અને આ સિવાયના પણ બધા સવાલોના જવાબ હા છે. મારી જાતને મોટિવેશન આપવા માટે હું એ બધું કરું છું જેમાંથી મને મજા મળે છે, મને આનંદ આવે છે. મને અમુક મિત્રોની બહુ ઈર્ષા આવે. સામાન્ય રીતે હું આવું કહેતો નથી પણ એક વાતમાં હું આવું કહીશ. જેને જે વાતનો શોખ છે અને જેણે એ શોખને જ પોતાનો પ્રોફેશન બનાવ્યો છે એવા લોકોની મને ઈર્ષા આવે, કારણ કે જેણે એવું કર્યું હોય છે તેમને ક્યારેય થાક નથી લાગતો. મેં જોયું છે કે એ લોકો દિવસના ચોવીસ કલાકમાંથી બારથી સોળ કલાક એકધારા કામ કરે અને એ કામ કર્યા પછી પણ તેમના ચહેરા પર કંટાળો જોવા ન મળે. મૂળ વાત પર આવીને હું તમને મારી વાત કરું. એક સમય હતો કે મને કંટાળો આવતો, થાક લાગતો, મને મોટિવેશનની જરૂર પડતી, પણ હવે એવું નથી બનતું, કારણ કે તમને બધાને મળવું, તમારી સાથે વાતો કરવી અને તમારી સાથે રહેવું એ મને મોટિવેશન આપે છે. મિત્રો, યાદ રાખજો, જો તમને એવું લાગતું હોય કે તમે નાની-નાની વાતમાં કંટાળી જાઓ છો તો તમે તમારી સોબત બદલી નાખજો. સોબત પણ તમને નાસીપાસ કરવાનું કે નકારાત્મક બનાવવાનું કામ કરતી હોય છે. યુવાનો સાથે રહેજો, યુવાનો એવા છે જેનામાં દરિયાનો ઘુઘવાટ ભર્યો છે અને લાવારસનો તરવરાટ તેમનામાંથી છલકે છે. યુવાનો મને ખૂબ મોટિવેટ કરે છે. તેમનો ઉત્સાહ, તેમનો ઉમંગ, નવું શીખવાની તેમની ભાવના અને નવું કરવાની તેમની તાલાવેલી મને આકષ્ોર્ પણ છે અને હું એને પ્રેમ પણ કરું છું. એવું કહું તો પણ ચાલે કે મને મોટિવેશન દરેકેદરેક વાતમાંથી મળી રહે છે અને એ મોટિવેશન મને મળતું રહે એ માટે મેં થોડીક બેઝિક ઍક્ટિવિટીની આદત રાખી છે. આજે તમને મારે એ ઍક્ટિવિટી જ શૅર કરવાની છે, સાથે-સાથે મારે તમને બધાને એ પણ કહેવું છે કે જીવનમાં જો સ્થાયી વિકાસ કરવો હોય તો આ ટેમ્પરરી મોટિવેશન છોડીને પર્મનન્ટ મોટિવેશન કેમ મેળવવું એ શીખી જજો.

આ વાત આપણે શીખીશું પણ એની પહેલાં એ જાણી લઈએ કે યુવાનો પાસે રહેવાથી શું લાભ થવાનો છે? યુવાનો પાસે રહેવાથી એક નહીં અનેક લાભો છે. તેમની પાસે વાતને જતી કરવાની ક્ષમતા છે અને તેમની પાસે ભૂલ સ્વીકારવાની ત્રેવડ પણ છે. યુવાનો પોતાની જ વાતને ખોટી પણ પુરવાર કરી દે છે અને સામેવાળાની સાચી વાતને તે એક જ ઝાટકે સ્વીકારી પણ લે છે. યુવાનોમાં એક કળા છે. એ કોઈ વાતને બાંધીને સાથે નથી રાખતા, ઉંમર જતાં આધેડ બનતા જતા લોકોમાં આ કળા લુપ્ïત થતી જાય છે. આપણે કદાચ જે વાતને પકડીને બેચાર વર્ષ ખેંચી કાઢીએ એ વાત સાંભળીને યુવાનો આપણા પર હસી કાઢે અને બીજી જ ક્ષણે તે પૅચ-અપ પણ કરાવી દે. આપણે ત્યાં યુવા પેઢીને ઉતારી પાડવાનું કામ શું કામ થાય છે એ તમે ક્યારેય સમજવાની કોશિશ કરી છે ખરી?

આ યુવા પેઢીથી આપણે સાવ જુદા થઈ ગયા છીએ એટલે આપણે એને ઉતારી પાડવાનું કામ કરીએ છીએ અને ઉતારી પાડીને આપણે એવું દેખાડીએ છીએ કે આપણે સુપિરિયર છીએ. આપણે જરાપણ સુપિરિયર નથી, હકીકત તો એ છે કે આપણે બધા ઇન્ફિરિયોરિટીમાં જીવીએ છીએ અને આપણે ખાલી ને ખાલી આપણા ઈગોને બૂસ્ટ મળે એ માટે આપણી આજુબાજુમાં રહેલા યુવાનોને ઉતારી પાડીને, તેમની ટીકા કરીને, ઘરમાં રહેલા આપણાં યુવાન સંતાનો પર કચકચ કરીને પુરવાર કરવા મથીએ છીએ કે આપણે તેમનાથી ચડિયાતા છીએ અને તેમને આપણા જેટલું જ્ઞાન નથી.

જ્ઞાન કોઈની જાગીર નથી. જ્ઞાન કોઈની માલિકી નથી. આ વાત પણ યુવાનો પાસેથી જ શીખવા મળે છે. તે આપણા કરતાં અનેકગણા નૉલેજેબલ છે અને એ પછી પણ તે ક્યારેય એવું દેખાડતા નથી, ક્યારેય એવું પ્રસ્થાપિત નથી કરતા કે તેમને આપણા કરતાં વધારે સમજદારી છે. તમે જુઓ, મોબાઇલ, લૅપટૉપ, આઇપૅડ જેવી અનેક ચીજવસ્તુઓને તે એવી રીતે વાપરે છે જાણે કે ગૅજેટ્સની સાથે જ તે લોકો જન્મ્યા હોય. તમે જરાક તમારી આ તબક્કાની ઉંમર યાદ કરો. તમને તો કોઈ નવા પ્રકારની બૉલપેન આપી દેવામાં આવતી તો પણ ગભરાટ ચહેરા પર આવી જતો. નાના હતા ત્યારે ભમરડા અને લખોટીથી આગળ વધ્યા નહોતા અને આજે આ પેઢી છેક નેટફ્લિક્સ અને ઍમેઝૉન પ્રાઇમ સુધી પહોંચી ગઈ છે. આપણને કરિયાણાવાળા પાસે મમ્મી મોકલતી ત્યારે પણ આપણે મોટી બહેનને સાથે લઈને જતા, શેરીમાં પેલું કૂતરું બેસતું એનાથી આપણને ડર લાગતો, પણ આ, આજનું ટાબરિયું બે સેકન્ડમાં પોતાને ગમતી ચીજ ઑનલાઇન ખરીદી લે છે અને મમ્મીને પણ તેને ગમતી ચીજ મંગાવી આપે છે. આ જનરેશન આપણી જનરેશન કરતાં, તેનાં મમ્મી-પપ્પાની જનરેશન કરતાં બહુ ફાસ્ટ છે અને એ પછી પણ તે ક્યારેય એવું નથી કહેતા કે તમને ન ખબર પડે અને તેની સામે આપણે, આપણે વારેઘડીએ આ એક ડાયલૉગ બોલ્યા જ કરીએ કે તને ખબર ન પડે, તું ચૂપ રહે.

આ પણ વાંચોઃ ન તૂટેગા કભી, ન ઝુકેગા કભી

યુવાનો પાસેથી સતત મોટિવેશન મળ્યા કરતું હોય છે અને એટલે જ હું યુવાનો સાથે રહેવાનું પસંદ કરું છું. હું શક્ય હોય ત્યાં સુધી યુવાનો વચ્ચે જ મરવાનું પણ પસંદ કરીશ અને એનું પણ કારણ છે. મને કોઈ જાતની પીડા નહીં થાય. યુવાનોને પીડા થતી હોય છે તો પણ તે ક્યારેય દેખાડતા નથી, જતાવતા નથી અને તેમની આ ક્વૉલિટી પણ તેમની પાસેથી લેવા જેવી છે.

Whatsapp-channel Whatsapp-channel

05 January, 2019 11:07 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK