મોહમ્મદ રફીના અવાજમાં કિશોરકુમારની કરામત

Published: 14th February, 2021 14:50 IST | Rajani Mehta | Mumbai

તલત મેહમૂદની તડપ અને મુકેશની મીઠાશનો ત્રિવેણીસંગમ હતો

પુરાણકથામાં એવું વાંચ્યું છે કે સ્વર્ગમાં દેવી-દેવતાઓનું મનોરંજન કરવા માટે ગાંધર્વોની એક મોટી ફોજ છે. પોતાના કળાકૌશલ દ્વારા ગાયન–નર્તન–વાદનના માધ્યમથી તેઓ દેવી-દેવતાઓને ખુશ કરે છે. એને કારણે સ્વર્ગલોકમાં બીજાઓ તેમની ઈર્ષ્યા કરે. એક દિવસ તેમને કહેવામાં આવ્યું કે તમારામાંથી એકને પૃથ્વી પર જઈને ત્યાંના લોકોનું મનોરંજન કરવાનું છે. કોણ તૈયાર થશે? સ્વર્ગની સાહ્યબી છોડીને પૃથ્વી પર જવા માટે કોઈ તૈયાર નહોતું. ત્યારે એક ગંધર્વે હાથ ઊંચો કરીને પોતાની મરજી દેખાડી. પ્રભુએ તેને આશીર્વાદ આપતાં એટલું જ કહ્યું, ‘પૃથ્વીના લોકો ઈશ્વરની જેમ યાદ કરીને તારી પૂજા કરશે.’
મને લાગે છે કે સ્વર્ગનું સુખ છોડીને આ પામર દુનિયામાં મનુષ્યરૂપે જન્મ લેનાર એ ગંધર્વનું નામ છે મોહમ્મદ રફી, જેમની ગાયકીની આ પૂરી દુનિયા કાયલ છે. તેમના સાલસ સ્વભાવના, નેકદિલીના અનેક કિસ્સા મશહૂર છે. એ વિશે વિસ્તારથી આ પહેલાં લખી ચૂક્યો છું. મોહમ્મદ રફીને યાદ કરતાં સંગીતકાર રવિ તેમના અનુભવોની વાત કરે છે...
‘રફીસાહેબ સાથે મારે ખૂબ ઘરોબો હતો. મારી સાથે ઘણી વાત શૅર કરે. કોઈની વાત ખરાબ લાગી હોય તો તેને ન કહે, મારી પાસે આવીને વાત કરે. એક દિવસ આવીને મને કહે, ‘ન્યુઝપેપરવાળા મારો ઇન્ટરવ્યુ લેવા આવ્યા હતા. તેમણે મને એક સવાલ કર્યો કે કોઈ દિવસ એવું બન્યું છે કે બીજા કોઈએ ગીત ગાયું હોય એ કટ કરીને સંગીતકારે તમારા અવાજમાં રેકૉર્ડ કર્યું હોય?’ મેં તમારું નામ આપ્યું. એ લોકો મારી પાસે વધારે ડિટેઇલ માગતા હતા, પરંતુ મેં બીજી કોઈ વાત તેમને નથી કરી.’
‘તેમની વાત સાચી હતી. ફિલ્મ ‘એક મહલ હો સપનોં કા’ માટે એક ગીત મેં કિશોરકુમારના સ્વરમાં રેકૉર્ડ કર્યું હતું. થોડા દિવસ બાદ પ્રોડ્યુસરે કહ્યું કે હીરો પર આ અવાજ મૅચ નથી થતો. તમે મોહમ્મદ રફીના સ્વરમાં રીરેકૉર્ડ કરો. આવા સમયે અમારે માટે તો ધર્મસંકટ ઊભું થાય. એક ફિલ્મ રિલીઝ થવાની હતી ત્યાં પ્રોડ્યુસર રડતો-રડતો આવીને કહે કે આ ગીતના સિંગરને બદલો. તેની જવાબદારી મારા પર નાખી, જેનું રેકૉર્ડિંગ કૅન્સલ થાય તે મને પૂછે કે આમ કેમ કર્યું? હું કેમ કરીને કહું કે અમે મજબૂર છીએ.’
‘રફીસાહેબના સ્વભાવની શું વાત કરવી? ખૂબ જ ભલા ઇન્સાન હતા. મેં એક પંજાબી ફિલ્મમાં મ્યુઝિક આપ્યું છે. એ ફિલ્મનો પ્રોડ્યુસર મને કહે, ‘એક ગીત રફીસાહેબના સ્વરમાં રેકૉર્ડ થાય તો મજા આવી જાય. તમે તેમની સાથે વાત કરોને?’ મેં રફીસાહેબને કહ્યું, ‘આ ફિલ્મનો પ્રોડ્યુસર તમારો મોટો ભક્ત છે. તમારી પાસે એક ગીત રેકૉર્ડ કરાવવાની તેમની ઇચ્છા છે, પરંતુ પૂરા પૈસા આપી શકે એટલું બજેટ નથી.’ તેમણે ઝહીર (સેક્રેટરી)ને કહ્યું, ‘ઉનકે પાસસે એક ભી પૈસા નહીં લેના.’ એવા અનેક દાખલા છે. અમુક પ્રોડ્યુસર તેમને અફૉર્ડ ન કરી શકે તો તેમની પાસેથી ઓછા પૈસા લે.’
સંગીતકાર રવિની વાતની પુષ્ટિ કરતા અનેક કિસ્સા ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના કલાકારોએ મારી સાથે શૅર કર્યા છે. લક્ષ્મીકાન્ત-પ્યારેલાલની જોડીના પ્યારેલાલજીએ એક વાર મને કહ્યું હતું, ‘સંગીતકાર તરીકે અમને જે પહેલી ફિલ્મ મળી એ હતી ‘છૈલા બાબુ’ (ત્યાર બાદ સાઇન કરેલી ‘પારસમણિ’ વહેલી રિલીઝ થઈ એટલે સામાન્ય રીતે લોકો એમ માને છે કે એ ફિલ્મ તેમની પહેલી ફિલ્મ હતી). એક સ્વતંત્ર સંગીતકાર તરીકે કામ મળે એટલે અમે પ્રોડ્યુસરો પાસે ચક્કર મારતા. દરેક અમને કહેતા કે મોહમ્મદ રફી જેવા મોટા‍ ગજાના સિંગરને ઓછા બજેટમાં મનાવી શકતા હો તો તમને સંગીતકાર તરીકે સાઇન કરીએ. અમે રફીસાહેબને મળ્યા અને કહ્યું કે અમને એક ફિલ્મ મળી છે, પરંતુ પ્રોડ્યુસરનું બજેટ ઓછું છે. જો તમે અમારું ગીત ગાઓ તો અમારી શરૂઆત થાય. તેમણે તરત હા પાડી. અમારું તેમની સાથેનું જે પહેલું ગીત રેકૉર્ડ થયું એ હતું, ‘તેરે ‍પ્યાર ને મુઝે ગમ દિયા, તેરે ગમ કી ઉમ્ર દરાઝ હો.’ એ ગીત તેમને એટલું ગમ્યું કે અમને કહે કે તમે જ્યારે કહેશો ત્યારે હું આવીશ; બજેટની ચિંતા ન કરતા. એ દિવસે ગીત માટે જે પૈસા મળ્યા એ અમને બન્નેને આશીર્વાદરૂપે ભેટ આપ્યા. એ દિવસોમાં અમને નાના બૅનર્સની જે ફિલ્મો મળી એમાં રફીસાહેબની ખૂબ મદદ મળી.’
એક આડવાત. પ્યારેભાઈ સાથે વર્ષમાં ત્રણ-ચાર વખત મળવાનું થાય. એક દિવસ તેમના ઘરે વાતો કરતા બેઠા હતા. એ દિવસોમાં નવી પેઢીના એક જાણીતા પ્રોડ્યુસર-ડાયરેક્ટરે મોહમ્મદ રફીના અવાજની ટીકા કરતી એક કમેન્ટ કરી હતી. હોસ્ટ તરીકે તેના ટીવી-શોમાં ફિલ્મજગતની જાણીતી હસ્તીઓની મુલાકાત લેતાં તેઓ બિન્દાસ કમેન્ટ કરવા માટે પ્રખ્યાત છે. એ પ્રત્યે નારાજગી વ્યક્ત કરતાં પ્યારેભાઈ કહે છે, ‘આ માણસ ઇન્ડસ્ટ્રીમાં છે, પરંતુ મહાન કલાકારોની કેમ ઇજ્જત કરવી એની તેમને ગતાગમ નથી. રફીસાહેબના માનમાં યોજાયેલા એક કાર્યક્રમમાં તેઓ મારી હાજરીમાં સ્ટેજ પરથી એક સ્ટેટમેન્ટ કરે છે કે રફીસાહેબને ફિલ્મ દોસ્તીનું ગીત ‘ચાહૂંગા મૈં તુઝે સાંજ સવેરે...’ એટલું ગમ્યું કે ખુશ થઈને તેમણે લક્ષ્મીકાન્ત-પ્યારેલાલને કહ્યું, ‘હું આજે આ ગીત માટે પેમેન્ટરૂપે તમારી પાસેથી કેવળ એક રૂપિયો લઈશ.’ તેને કોણ સમજાવે કે એ દિવસોમાં સિંગરને પેમેન્ટ સંગીતકાર નહીં, પ્રોડ્યુસર આપતા (પહેલાંના દિવસોમાં સંગીતકારોને તેમની ક્રીએટિવિટી માટે પૈસા મળતા. બાકીનો બધો ખર્ચ પ્રોડ્યુસરનો હોય. છેલ્લાં થોડાં વર્ષથી એવી સિસ્ટમ છે કે જ્યારે પ્રોડ્યુસર પોતાની ફિલ્મ માટે સંગીતકારને કામ આપે ત્યારે એક કિંમત નક્કી થાય. એના બદલામાં સંગીતકારે પ્રોડ્યુસરને એ ફિલ્મનાં ગીતો તૈયાર કરીને આપવાનાદ હોય. આમ સંગીતકાર પોતે સ્ટુડિયોનો, રેકૉર્ડિંગનો, સિંગર્સનો અને મ્યુઝિશ્યન્સનો ખર્ચ ભોગવે છે). આ લોકોને નથી ઇતિહાસની જાણકારી કે નથી એની કદર.’
સંગીતકાર રવિ મોહમ્મદ રફીના ઋજુ વ્યક્તિત્વના અનેક કિસ્સા મારી સાથે શૅર કરતાં કહે છે, ‘એક દિવસ મેં તેમને કહ્યું, ‘તમે આ ગીત (‘યે વાદિયાં, યે ફિઝાએં બુલા રહી હૈ તુમ્હેં’ - આજ ઔર કલ – સાહિર લુધિયાનવી) ગાયું છે એ જ ટ્યુનમાં બીજી એક ફિલ્મ માટે ગીત ગાયું છે. તમારે એનો વિરોધ કરવો જોઈએને?’ તો બોલ્યા, ‘મને સંગીતકાર જે ટ્યુનમાં, જે રીતે ગાવાનું કહે એમ હું ગાઉં છું. તેમનો વિરોધ મારે શું કામ કરવો જોઈએ? હું કોઈના કામમાં માથું મારું એ યોગ્ય ન કહેવાય.’
‘દરેક ઈદના દિવસે તેમના ઘરેથી મારે ત્યાં ટિફિન આવે જેમાં સેવૈયા અને નૉન–વેજની ડિશ આવે. હું તો શુદ્ધ શાકાહારી છું. તેમનો પ્રેમ એટલો હતો કે હું તેમને ના ન પાડી શકું. સેવૈયા અમે ખાઈએ અને નૉન-વેજ ડિશ મારા સેક્રેટરીને આપી દઉં. થોડાં વર્ષ પછી તેમને ખબર પડી તો મારી માફી માગતાં કહે કે મને પહેલાં કેમ ન કહ્યું.’
‘તેમના અવાજમાં જે કમાલ હતી એ સાંભળીને એમ જ થયા કરે કે દરેક ગીત તેમની પાસે જ ગવડાવવું જોઈએ. ફિલ્મ ‘ઘુંઘટ’માં તેમનું એક ગીત હતું, ‘હાય રે ઇન્સાન કી મજબૂરિયાં, પાસ રહકર ભી હૈ કિતની દુરિયાં (શકીલ બદાયુની લિખિત આ ગીતમાં સિતાર, બાંસૂરી અને શહેનાઈના અદ્ભુત મ્યુઝિકલ પીસ સાંભળવા જેવા છે). જેમિનીના એસ. એસ. વાસન મને કહે, ‘જ્યારે-જ્યારે હું પરેશાન હોઉં છું ત્યારે સ્ટુડિયોમાં આવું અને ઑપરેટરને કહું કે આ ગીત લગાવ. આવો અવાજ, આવું દર્દ કોઈમાં નથી. ક્યા ગાયા હૈ? તેમનો અવાજ સાંભળીને જે સુકૂન મળે છે એની શું વાત કરું? એમ થાય કે સાંભળ્યા જ કરીએ. ઘા પર મલમ લગાડવા જેવી અસર થાય છે. થોડા સમય બાદ જ્યારે મને કમ્ફર્ટેબલ ફીલ થાય એ પછી જ હું ઘરે જાઉં.’
‘બાબુલ કી દુઆએં લેતી જા, જા તુઝકો સુખી સંસાર મિલે’ (નીલ કમલ – સાહિર લુધિયાનવી)ના રેકૉર્ડિંગ સમયે એવું બન્યું કે ગીત પૂરું થયું ત્યાર બાદ રફીસાહેબ સિંગરની કૅબિનમાં રડતા હતા. મેં ઝહીરને પૂછ્યું, શું વાત છે? તો કહે કે હમણાં જ થોડા દિવસ પહેલાં તેમની દીકરીના એન્ગેજમેન્ટ થયા છે. તેની યાદ આવી ગઈ એટલે તેમનું દિલ ભરાઈ આવ્યું. આ રેકૉર્ડિંગ થયું એના થોડા દિવસ બાદ રાજેન્દ્ર કૃષ્ણ (હિન્દી ફિલ્મોના સફળ ગીતકાર)ની દીકરીનાં લગ્ન દિલ્હીમાં હતાં. એ નિમિત્તે હું અને પ્રોડ્યુસર જે. ઓમપ્રકાશ દિલ્હી ગયા હતા. રાજેન્દ્ર કૃષ્ણ મને કહે કે સંગીતના કાર્યક્રમમાં એકાદ ગીત સંભળાવજે. મેં કહ્યું કે કન્યાવિદાય સમયે હું ગાઈશ. જ્યારે આ ગીત ગાયું ત્યારે સૌની આંખ ભીની થઈ ગઈ. રાજેન્દ્રકુમાર જેવો કલાકાર તો ધ્રુસકે-ધ્રુસકે રડે. મને પૂછે, ‘કૌન સી ફિલ્મ કા ગાના હૈ?’ મનમાં થયું કે આટલો મોટો કલાકાર રડે છે તો પછી પબ્લિક તો રડ્યા વિના રહેશે જ નહીં. એવું જ થયું. ફિલ્મ રિલીઝ થઈ. અમને રિપોર્ટ મળ્યા કે આ ગીતની રજૂઆત સમયે મોટા ભાગનું ઑડિયન્સ રડતું હતું. આ રફીસાબના અવાજની કમાલ હતી.’
‘તેમના અચાનક થયેલા અવસાનથી એક એવું વૅક્યુમ સર્જાયું જે કદી ન પૂરી શકાય. મન્ના ડેએ તેમને સ્વરાંજલિ આપતાં કહ્યું હતું, ‘કેવળ રફીસાહેબ આપણી વચ્ચેથી વિદાય નથી થયા. એક આખો રફી-ઘરાના અસ્ત થઈ ગયો છે. નૌશાદસાહેબે તેમની આટલી જલદી વિદાયની પીડા વ્યક્ત કરતાં એક શાયરની પંક્તિઓ દ્વારા તેમણે શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું હતું...
‘અય રફી, તેરી આવાઝ સે તો પરબત ઝૂક જાતે થે
ઔર સાગર કી લહરેં ભી થમ જાતી થી
એક બાર મૌત કો ભી આવાઝ દેતે તો વો ભી રૂક જાતી...’
સંગીતકાર રવિની વાત સાંભળીને મને મન્ના ડેએ કહેલી વાત યાદ આવે છે. મોહમ્મદ રફીના અવાજની તારીફ કરતાં તેઓ કહે છે, ‘કિશોરકુમાર, તલત મેહમૂદ, મુકેશ કે પછી હું, અમે ગાયેલું કોઈ પણ ગીત મોહમ્મદ રફી ગાઈ શકે, પરંતુ તેમનાં અમુક ગીતો એવાં છે જે ગાવાનો અમે વિચાર પણ ન કરી શકીએ.’
મને લાગે છે કે એ દૈવી સ્વરને આનાથી વધુ સન્માન બીજું કયું હોઈ શકે. વિખ્યાત ગાયક કલાકાર મન્ના ડેની આ વાત આજે વર્ષો પછી યાદ આવે છે ત્યારે મનમાં થાય છે કે એવું તે શું હતું એ અવાજમાં જેની મોહિની અજરામર છે. વિચાર કરતાં મારી સમજ પ્રમાણે આ સવાલનો જવાબ મળે છે તે એ કે મોહમ્મદ રફીના અવાજમાં કિશોરકુમારની કરામત, તલત મેહમૂદની તડપ અને મુકેશની મીઠાશનો ત્રિવેણીસંગમ હતો. તમને થશે કે સારી શબ્દરમત કરી છે, પણ સાચું કહેજો, મને તો શબ્દકોશમાં એવા કોઈ શબ્દો મળતા નથી જે આ સ્વરનું યોગ્ય રીતે મૂલ્યાંકન કરી શકે અને હા, ઈશ્વરના આ અણમોલ ઉપહારને મૂલવવાની ભૂલ આપણા જેવા પામર મનુષ્ય ન કરે એમાં જ ભલાઈ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK