શિવાજી પાર્કના નામકરણ સામે એમએનએસનો પણ વિરોધ

Published: 11th December, 2012 05:26 IST

શિવર્તીથ નામ આપવાના પ્રસ્તાવ સામે જરૂર પડ્યે રસ્તા પર પણ ઊતરવાની ચીમકી : આ વાતથી બન્ને પાર્ટીમાં પૅચ-અપની અટકળો પર પાણી ફરી વળ્યું
દાદરના શિવાજી પાર્ક પર જ્યાં શિવસેનાના પ્રમુખ દિવંગત બાળ ઠાકરેએ શિવસેનાની અનેક સભાઓને સંબોધી છે અને એ શિવાજી પાર્કને તેમના ભાષણ દરમ્યાન તેમણે શિવર્તીથ કહીને સંબોધ્યું છે એટલે શિવાજી પાર્કનું નામ બદલીને શિવર્તીથ રાખવામાં આવે એવી માગણી શિવસેનાએ કરી છે ત્યારે કૉન્ગ્રેસે તેના તમામ કૉર્પોરેટર્સને કહી દીધું છે કે શિવાજી પાર્કનું શિવર્તીથ કરવા માગતી શિવસેનાને આ મુદ્દે કોઈએ સર્પોટ ન આપવો. એમએનએસ સહિત એનસીપી અને સમાજવાદી પાર્ટીએ પણ શિવસેનાને આ મુદ્દે સર્પોટ ન આપવાનું ઠરાવ્યું છે. એથી થોડા વખત પહેલાં જે એમએનએસ અને શિવસેના એક થઈ જશે અથવા તેમની વચ્ચે જોડાણ થશે એવી જે અટકળો ચાલી રહી હતી એનો હવે એમએનએસે આ મુદ્દે તીવ્ર વિરોધ નોંધાવતાં અંત આવ્યો છે.

શિવસેનાના આ મુદ્દા માટે વિરોધપક્ષો તરફથી તો વિરોધ નોંધાય એ સમજી શકાય એમ છે પણ એ માટે એણે તેના સાથીપક્ષ બીજેપીના વિરોધનો પણ સામનો કરવો પડી રહ્યો છે. બીજેપીએ આ મુદ્દે શિવસેનાને સર્પોટ કરતું કોઈ સ્ટેટમેન્ટ નથી આપ્યું. બાળ ઠાકરેના નિધન બાદ શિવાજી પાર્ક સતત વિવાદનું કેન્દ્ર બન્યું છે. પહેલાં બાળ ઠાકરેનું સ્મારક બનાવવાનો વિવાદ અને હવે શિવાજી પાર્કનું નામ શિવર્તીથ કરવાનો વિવાદ ચાલી રહ્યો છે.  

શિવસેનાને ખાતરી


જોકે બીજી બાજુ શિવસેનાને ખાતરી છે કે આ બાબતે વિરોધ હોવા છતાં સુધરાઈમાં તેની બહુમતી હોવાથી તેઓ શિવાજી પાર્કનું નામ સહેલાઈથી ‘શિવર્તીથ’ કરાવી શકશે. આ વિશે જણાવતાં મેયર સુનીલ પ્રભુએ કહ્યું હતું કે શિવાજી પાર્કનું નામ શિવર્તીથ કરવાની અમને જે પ્રપોઝલ મળી છે એનો વિરોધ હોવા છતાં અમે સુધરાઈમાં બહુમતી ધરાવતા હોવાથી એ પાસ કરી દઈશું.

શિવાજી વિદેશી છે?


એમએનએસે આ વિશે તેમનું વલણ બહુ જ સ્પષ્ટ રાખ્યું છે અને કહ્યું છે કે જો શિવાજી પાર્કનું નામ ચેન્જ કરવામાં આવશે તો તેઓ તેના વિરોધમાં રસ્તા પર ઊતરી આવશે, મોરચાઓ કાઢશે અને આંદોલન કરશે. આ વિશે વધુ માહિતી આપતાં એમએનએસના સુધરાઈના ગ્રુપ-લીડર દિલીપ લાંડેએ કહ્યું હતું કે ‘અમે એમ નહીં થવા દઈએ. અમે એ માટે ફાઇટ કરીશું. જો જરૂર જણાશે તો અમે એ માટે રસ્તા પર ઊતરતાં પણ અચકાઈશું નહીં. મોરચા કાઢીશું, આંદોલન કરીશું. ૨૦૦૮ની ૮ મેએ સુધરાઈમાં એવો નર્ણિય લેવામાં આવ્યો હતો કે જે વિદેશી નામ હોય એને ચેન્જ કરવા, પણ આપણા દેશની વ્યક્તિઓનાં નામ આપવામાં આવ્યાં હોય એ ચેન્જ ન કરવાં. હવે શિવાજી પાર્કનું નામ ચેન્જ કરવું. શું શિવાજી વિદેશી હતા?’

આ બાબતે સમાજવાદી પક્ષના સુધરાઈના ગ્રુપ-લીડર રઈસ શેખે કહ્યું હતું કે ‘આ કંઈ એવો મુદ્દો નથી જેને માટે આટલી ચર્ચા કરવી જોઈએ. સુધરાઈને આના કરતાં બીજી ઘણી મહત્વની બાબતો કરવાની હોય છે. અમે આ બાબતે જે કાંઈ કાયદાકીય રીતે થતું હશે એ કરીશું. બાકી નામ બદલવા સામે અમારો વિરોધ છે.’

બીજેપીના ગ્રુપ-લીડર દિલીપ પટેલે આ વિશે કહ્યું હતું કે આ બાબતે અમે અમારા વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરી એને સર્પોટ કરવો કે નહીં એ વિશે નિર્ણય લઈશું.

સ્કૂલમાં બાળ ઠાકરેનું ચૅપ્ટર લાવવાની દરખાસ્ત પર વિરોધ પક્ષમાં મતભેદ


શિવસેનાસુપ્રીમો બાળ ઠાકરે વિશે સેકન્ડરી સ્કૂલના સ્ટુડન્ટ્સના પાઠ્યપુસ્તકમાં એક પાઠ સામેલ કરવા માટે શિવસેનાએ એક દરખાસ્ત મૂકી છે, પણ આ મુદ્દે વિરોધ પક્ષમાં એકમતી જણાતી નથી.

શિવસેનાના જોગેશ્વરી વિસ્તારના નગરસેવક અનંત નરે નોટિસ ઑફ મોશન દ્વારા આ માગણી કરી છે અને આ વિશે સુધરાઈની જનરલ બૉડીની બેઠકમાં ચર્ચા થવી આવશ્યક છે. આજે આ વિશે ચર્ચા થશે. નરેએ મેયર સુનીલ પ્રભુને આ વિશે પત્ર લખ્યો છે અને આ દરખાસ્ત રાજ્ય સરકારને મોકલવા માટે વિનંતી કરી છે. પાંચમાંથી દસમા ધોરણના પાઠ્યપુસ્તકમાં આ પાઠ ઉમેરવામાં આવે એમ તેમણે જણાવ્યું છે.

આ દરખાસ્તને એમએનએસનો ટેકો છે, પણ એનું કહેવું છે કે આવી દરખાસ્ત મૂકવાથી લોકોમાં ગેરસમજ ઊભી થશે. એમએનએસના નેતા દિલીપ લાંડેએ કહ્યું હતું કે ‘અમે આ દરખાસ્તનો વિરોધ કરતા નથી, પણ આ બાબત સુધરાઈના કાર્યક્ષેત્રમાં આવતી નથી. એના પર રાજ્ય સરકારે નર્ણિય લેવાનો રહે છે.’

સમાજવાદી પાર્ટીએ આને રાજકીય સ્ટન્ટ ગણાવ્યો હતો અને એનો વિરોધ કર્યો હતો. એનસીપીએ આ મુદ્દે હજી સુધી કોઈ નર્ણિય લીધો નથી. આ બાબતે પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે વાત કર્યા પછી નર્ણિય લેવામાં આવશે. કૉન્ગ્રેસના નેતા જ્ઞાનરાજ નિકમની પ્રતિક્રિયા મળી નહોતી, પણ એક કૉન્ગ્રેસી નગરસેવકે નામ ન આપવાની શરતે કહ્યું હતું કે અમે આ મુદ્દે વિરોધ કરીશું, પણ હજી સુધી કંઈ નક્કી થયું નથી.

સ્ટેટ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ ઍન્ડ ટ્રેઇનિંગના ડિરેક્ટર એન. કે. જરંગે કહ્યું હતું કે ‘આ મુદ્દે અમને ઉચ્ચ અધિકારીઓ પાસેથી કોઈ પત્ર મળ્યો નથી. જોકે આવી વ્યક્તિ વિશેની જાણકારી સ્કૂલ લેવલે નહીં પણ દસમા ધોરણ પછીના ધોરણમાં સામેલ કરી શકાશે.’

એમએનએસ - MNS = મહારાષ્ટ્ર નવનિર્માણ સેના, એનસીપી - ફ્ઘ્ભ્ = નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી, બીજેપી =ભારતીય જનતા પાર્ટી

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK