કંકુના સૂરજ આથમ્યા! (પ્રકરણ – 11)

રામ મોરી | Feb 10, 2019, 11:36 IST

‘જલ્પેશ, આપણી નમ્રતા... એકલી છે... તેને અત્યારે જરૂર છે...’ જલ્પેશની આંખમાં ચોળાયેલાં પીડાદાયક સમયનાં લાલ ચકામાં હતાં.

કંકુના સૂરજ આથમ્યા! (પ્રકરણ – 11)
પ્રતીકાત્મક તસવીર

નમ્રતાના ધબકારા થંભી ગયા. ગળામાં અટવાયેલું કશુંક પીગળ્યું. તે ઉંબર પર બેસી પડી અને બારસાખને અઢેલીને જાણે કે સાવ ઢોળાઈ ગઈ. એક કાળી ચીસ તેની છાતીમાંથી નીકળી ને એ લાંબા સાદે છુટ્ટા મોંએ નમ્રતા રડી પડી. તેના અવાજમાં રહેલી કંપારીને લીધે સૌનાં સાનભાન જાણે કે સાવ ખોવાઈ ગયાં... કોઈનામાં હિંમત ન થઈ કે ઘરની અંદર જાય... નમ્રતા પોતાના પેટ પર મુક્કાઓ મારતી મારતી દીવાલે માથું મૂકીને ચિલ્લાઈ ઊઠી, ‘દીકુ... ઓ મારી દિત્યા... મારી દીકરી... દીકુ... દીકુ... મારી દીકરી મને મૂકીને જતી રહી... ઓ મારી દીકુ... હું શું કરીશ તારા વગર... મમ્મા તને બહુ જ મિસ કરે છે દિત્યા... પ્લીઝ કમબૅક... મારી દીકરી... મમ્મા સાવ એકલી થઈ ગઈ... તું મારી દયા તો ખા... દીકુ, હું નહીં જીવી શકું તારા વગર... ઓ દિત્યા...!’

તેનું આક્રંદ એટલું પીડાદાયક હતું કે ઘરની બહાર ઊભેલું ઉદાસીની સફેદી પહેરીને ગૂંગળાતું ટોળું હીબકે ચડ્યું. સૌ લાચાર બનીને એકબીજાની સામે જોઈ તો લેતા હતા, પણ કોઈ જવાબ ન મળતાં સૌની નજર નીચે જમીન પર રેલાઈ જતી. ચિરાગ ઉંબર પર ઊભો રહીને સ્થિર નજરે નમ્રતાને રડતી જોઈ રહ્યો હતો. જાણે યુગોથી જેની પ્રતીક્ષા હતી એ ક્ષણ અત્યારે તેની સામે હીબકાં લઈ રહી છે. ચિરાગને થયું કે બસ આ ક્ષણો જેટલી જલદી બની શકે એટલી ઝડપથી પસાર થઈ જાય. આ એ ક્ષણો હતી જે કાળી બળતરા બનીને બન્નને જણની અંદર ચસોચસ ઊતરી ગઈ હતી. આ એ લાચારીનો ભાર હતો જે ખબર નહીં કંઈકેટલાય સમયથી તેઓ વેંઢારતા હતા. આ એ આંસુ છે જેને બન્નેએ એકબીજાથી સંતાડી-સંતાડીને છાતીના કોઈ ખૂણે સંઘરી રાખ્યાં હતાં. આ એ આક્રંદ હતું જે તેણે અત્યાર સુધી કંઈકેટલીયે વાર ટુકડે-ટુકડે જીવી લીધું. પણ નમ્રતાની આંખો ને અવાજમાં બરફ થઈ ગયેલું. આ એ ફરિયાદ હતી જે તેણે અનેક વખત ભગવાનને કરી લીધી, પણ નમ્રતા એ હિસાબમાં પડી જ નહોતી. આ એ ખાલીપો હતો જે હવે પછી શું એ પ્રશ્નની નગ્નતા સામે ભાંગી પડ્યો છે. નમ્રતા ટૂંટિયું વાળીને ફર્શ પર આડી પડી હતી અને બન્ને હાથે પોતાને ભેટી પડી હોય ને પોતાને સધિયારો આપતી હોય એમ લાંબા શ્વાસ લેતી, ધ્રૂજતી, મોટી-મોટી ઉધરસ ખાતી, લાંબા સાદે ભલભલાને ભાંગી પાડતા નિસાસા સાથે ધોધમાર રડી રહી હતી. નમ્રતાના રડવાનો અવાજ સાંભળીને તેની અરુણાભાભી દોડીને ઘરમાં જવા ગઈ કે તેનો હાથ તેના પતિ જલ્પેશે પકડી લીધો. અરુણા પાછું ફરીને જલ્પેશની સામે જોવા લાગી ને તેનો અવાજ રૂંધાઈ ગયો,

‘જલ્પેશ, આપણી નમ્રતા... એકલી છે... તેને અત્યારે જરૂર છે...’ જલ્પેશની આંખમાં ચોળાયેલાં પીડાદાયક સમયનાં લાલ ચકામાં હતાં. તેના હોઠ ડૂસકાંને દબાવતાં ધ્રુજી રહ્યા હતા. તેણે અરુણાનો હાથ મજબૂતાઈથી પકડી રાખ્યો ને તે માંડ માંડ બોલી શક્યો, ‘અરુણા... નમ્રતાએ અત્યાર સુધીની બધી પીડા તેની છાતીમાં સંઘરી રાખી છે... વીતેલા સમયનો હિસાબ તેને એકલીને કરવા દે... તેને મન મુકીને એકલી રડવા દે!’ અરુણા જલ્પેશની છાતીમાં માથું મૂકીને રડી પડી. દૂર પગથિયે પોતાના પતિ પ્રતીકના ખભે માથું મૂકીને ચિરાગની બહેન ફાલ્ગુની હીબકાં ભરી રહી હતી. નમ્રતાનું હૈયાફાટ રુદન આખી પંચશીલ રેસિડન્સીમાં પડઘાતું હતું. આખી સોસાયટીમાં નમ્રતાના રડવાનો અવાજ સૌકોઈને છેક અંદર સુધી ભીંજવતો હતો, પણ પોતાનાં આંસુ લૂછવા સિવાયનો કોઈ સધિયારો કોઈને હાથવગો દેખાતો નહોતો. કાળી ચાદર ઓઢીને કુંવારા મોતનો મલાજો સાચવીને હાંફતી મુંબઈની રાત પણ ગુમસૂમ હતી. જશોદાબહેનના આંખના ખૂણા સહેજ ભીંજાયા, પણ તે મક્કમ રહ્યાં. નમ્રતાનો રડવાનો અવાજ જેટલો મોટો થતો હતો એટલા જ મોટા મક્કમ અવાજે જશોદાબહેન ગીતાજીના શ્લોક બોલતાં જતાં હતાં...

નૈનં છિદ્રન્તિ શસ્ત્રાણિ નૈનં દહતિ પાવક: |

ન ચૈનં ક્લેદયન્ત્યાપો ન શોષયતિ મારુત ||

જશોદાબહેનના અવાજમાં કોઈ કંપન નહોતું. સ્થિર અને દૃઢ હતો તેમનો અવાજ. આસપાસ ઊભેલા લોકો ગીતાજીનો શ્લોક બોલતાં જશોદાબહેન સામે જોવા લાગ્યા. તેમના અવાજમાં એક પરમ આસ્થા હતી જે સાંભળનારાની પીડાને પંપાળતી હતી. શ્લોક પૂરો કરીને તે હાથ જોડીને આંખો બંધ કરીને બોલી રહ્યાં હતાં, ‘ગીતાજીના બીજા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ કુરુક્ષેત્રના રણમાં વિલાપ કરી રહેલા અર્જુનને કહે છે કે હે પાર્થ, આત્માને શસ્ત્ર હણી શકે નહીં, આત્માને અગ્નિ બાળી શકે નહીં, ન પાણી આત્માને ભીંજવી શકે ન હવા એને સૂકવી શકે... આત્મા અમર છે... આત્મા પરમાત્મામાં લીન છે... મૃત્યુ શરીરનું છે... આત્મા ઈશ્વરમાં સ્થિર છે!’

વાતાવરણમાં ચંદનની કોઈ સુગંધ લીંપાયેલી હોય અને કોઈ વાંસળી સંભળાતી હોય એવી અવસ્થામાં સૌકોઈ આંખો બંધ કરીને હાથ જોડીને જશોદાબહેનના ગીતાપાઠને સાંભળતા ઊભા રહ્યા.

***

કાંદિવલી (ઈસ્ટ)ના ગ્રોવેલ્સ મૉલમાંથી પૂરપાટ ઝડપે નીકળેલી ચિરાગની કાર ડૉ. સ્વપ્નિલ કદમના ક્લિનિકે જઈને ઊભી રહી. દિત્યાનો રડવાનું ચાલુ જ હતું. તે હીબકાં ભરી રહી હતી. જાણે મોટા અવાજે રડી-રડીને તે થાકી હતી. નમ્રતા દિત્યાના કપાળ અને વાળને ફૂંક મારતી તેને છાતીએ ચાંપતી શાંત કરવાના પ્રયત્નો કરતી હતી. ચિરાગ કારમાંથી ફટાફટ બહાર નીકળ્યો. નમ્રતા કારની પાછળની સીટમાં દિત્યાને તેડીને બેઠી હતી એ દરવાજો ખોલતાં ચિરાગને થોડી વાર લાગી તો નમ્રતા થોડી ચિડાઈ ગઈ, ‘ચિરાગ, કેટલી વાર છે પણ... દરવાજો જલદી ખોલો!’

‘ઈઝી નમ્રતા ઈઝી... બની શકે એટલી ઝડપ તો રાખું છું... તું પ્લીઝ આમ હાઇપર ન થા. હું સાવ બઘવાઈ જઈશ.’

ચિરાગે ફટાફટ દરવાજો ખોલ્યો અને દિત્યાને પોતાના હાથમાં તેડી લીધી. નમ્રતા અને ચિરાગ બન્ને ડૉ. સ્વપ્નિલ કદમના ક્લિનિક તરફ દોડ્યાં. નમ્રતા ચિરાગની આગળ દોડતી હતી અને ‘ડૉક્ટર પ્લીઝ... હેલ્પ... હેલ્પ... ઇટ્સ ઍન ઇમર્જન્સી...’ની બૂમો પાડતી હૉસ્પિટલના પૅસેજમાં દોડી રહી હતી. દિત્યા ચિરાગના બન્ને હાથમાં હીબકાં ભરી રહી હતી. હૉસ્પિટલમાં થોડી વારમાં જાણે કે નમ્રતાએ બુમરાણ મચાવી દીધી. નર્સ અને વૉર્ડબૉય દોડી આવ્યાં. એક વૉર્ડબૉય ફટાફટ સ્ટ્રેચર લઈ આવ્યો, પણ ચિરાગને અત્યારે દિત્યાને સ્ટ્રેચરમાં સુવડાવવાની પણ સમજ ન પડી. તે પણ નમ્રતાની પાછળ-પાછળ ડૉ. સ્વપ્નિલ કદમની કૅબિન તરફ દોડ્યો. કૅબિન બહાર ઊભેલા કમ્પાઉન્ડર કશું પૂછે એ પહેલાં ધસમસતા પ્રવાહ જેવી નમ્રતા દરવાજો ખોલીને સીધી ડૉ. સ્વપ્નિલ કદમની કૅબિનમાં ધસી આવી અને તેની પાછળ-પાછળ તરત ચિરાગ એન્ટર થઈ ગયો. ડૉ. સ્વપ્નિલ કદમ અને તેમની સાથે ઊભેલા એક-બે ડૉક્ટરો અને ઈન્ટર્ન્સ જે કોઈ ડિસક્શન માટે આવેલા એ બધા ડઘાઈને ઊભા થઈ ગયા. નમ્રતાનો અવાજ ભરાઈ આવેલો. તે આખી હાંફી રહી હતી. તેણે ડૉ. સ્વપ્નિલ કદમને કશું કહેવાનો પ્રયત્ન કર્યો, પણ ઊંડા શ્વાસ લેવામાં કશું બોલી ન શકી. તે ચિરાગ સામે જોઈને ઇશારાથી કહેવા લાગી કે તું ઝડપથી ડૉક્ટરને કહે. ચિરાગ એટલો મૂંઝાઈ ગયેલો કે તે પોતે જ ભૂલી ગયો કે તેને અત્યારે શું કહેવાનું છે. એક ઇન્ટર્ન ડૉક્ટરે નમ્રતાને પાણીનો ગ્લાસ આપ્યો. ત્યાં સુધીમાં ચિરાગે દિત્યાને ડૉક્ટર સ્વપ્નિલ કદમની સામેની ચૅર પર બેસાડી દીધી. નમ્રતાએ ફટાફટ થોડું પાણી પીધું અને ડૉક્ટર સ્વપ્નિલ કદમને તૂટક-તૂટક અવાજે કહેવા લાગી, ‘ડૉક્ટર... દિત્યા... બહુ જ રડી... મોટા અવાજે... ગ્રોવેલ્સ મૉલમાં... લંચ... ફૅમિલી ફ્રેન્ડ્સ... આખો મૉલ ગજાવી માર્યો એટલું... સખ્ખત લાઉડ... રડી... દીકુ...’

ચિરાગ પણ બાઘાની જેમ નમ્રતાની વાત પર માથું હલાવીને ડૉક્ટરને કહેવા લાગ્યો, ‘ડૉક્ટર, બધું નૉર્મલ જ છેને? અત્યાર સુધી તો... ક્યાંય કશું વાગ્યું નથી... તે ક્યાંય પડી ગઈ હોય એવું પણ નથી... હેંને નમ્રતા?’ પોતાની વાતની શ્યૉરિટી માટે તે ફરી નમ્રતાને પૂછવા લાગ્યો. ડૉ. સ્વપ્નિલ કદમે હાથ ઊંચા કરીને બન્નેને શાંત પાડ્યાં.

‘પ્લીઝ રિલૅક્સ... પહેલાં તો તમે બન્ને શાંત થાઓ... કોના રડવાની વાત કરો છો... તપાસ તો તમારી થવી જોઈએ. દિત્યાને હું શું તપાસું? આમ જુઓ તો!’

ડૉ. સ્વપ્નિલ કદમે દિત્યા તરફ ઇશારો કર્યો અને નમ્રતા-ચિરાગ દિત્યા તરફ જોઈને અચંબિત થઈ ગયાં. દિત્યા ડૉક્ટરના ટેબલ પર મુકાયેલા પેપરવેઇટને હાથમાં લઈને રમી રહી હતી. પેપરવેઇટની અંદરની ફૂલોની ડિઝાઇનને આંખ ઝીણી કરીને જોતી હતી અને હસતી હતી. નમ્રતા અને ચિરાગ માટે આ ઘટના માન્યામાં ન આવે એવી હતી. બન્ને જણ સાવ ઘૂંટણિયે પડીને દિત્યાની બાજુમાં ચૅર પાસે બેસી પડ્યાં.

‘ચિરાગ, ચિરાગ... આ તો ચમત્કાર થઈ ગયો... આઇ મીન હજી હમણાં અડધા કલાક પહેલાં આપણી દિત્યા કેટલું રડતી હતી... આપણો જીવ તાળવે ચોંટી ગયો... અને અત્યારે તો જાણે કશું થયું જ નથી!’

‘હા નમ્રતા... મને એ જ સમજાતું નથી કે આ કેવી રીતે પૉસિબલ થયું!’ ચિરાગ ઊભો થઈને તરત ડૉક્ટર સ્વપ્નિલ કદમનો હાથ પકડીને બોલવા લાગ્યો, ‘ડૉક્ટર, પ્લીઝ બિલીવ અસ. દિત્યા, ત્યાં લંચ-ટાઇમે સખત રડી હતી. અમે લોકો બહુ જ ગભરાઈ ગયા હતા... અત્યારે અમને સમજાતું નથી કે...’

‘મિસ્ટર મહેતા, કામ ડાઉન!’ ડૉ. સ્વપ્નિલ કદમનો અવાજ ખરેખર શાતા આપે એવો હતો. પારદર્શક ચશ્માં પાછળ બેસેલી તેમની અનુભવી આંખોમાં એક નિરાંત હતી, આશ્વાસન હતું. ચિરાગ અને નમ્રતા ડૉક્ટર સ્વપ્નિલ કદમના ટેબલની સામેની ચૅર પર ગોઠવાયાં. બીજા ઇન્ટર્ન ડૉક્ટર્સ કૅબિનની બહાર નીકળી ગયા.

‘મિસ્ટર ઍન્ડ મિસિસ મહેતા, આઇ ટોલ્ડ યુ કે તમારી દિત્યાને અમારી હૉસ્પિટલ બહુ પસંદ પડી ગઈ છે... જુઓ કેવી શાંતિ બેસીને રમ્યા કરે છે.’ ડૉ. સ્વપ્નિલ કદમે થોડા રમૂજી સ્વર સાથે કહ્યું અને નમ્રતા ને ચિરાગના ચહેરા પર આપોઆપ સ્મિત આવી ગયું. ચિરાગે દિત્યાના માથા પર હાથ ફેરવ્યો. દિત્યા પણ કારણ વગર ખડખડાટ હસી પડી અને ડૉ. સ્વપ્નિલ કદમની સામે સ્મિત આપવા લાગી. થોડી ક્ષણો સુધી ડૉ. સ્વપ્નિલ કદમ દિત્યાને આમ હસતી-રમતી જોઈ રહ્યા. પોતાની આંગળીના ટચાકા ફોડ્યા અને બૉલપેનથી કાગળ પર કશુંક લખવા લાગ્યા ને અચાનક અટકીને નમ્રતા ચિરાગ તરફ જોઈને બોલ્યા, ‘તમે લોકોએ ડૉ. અનાઇતા હેગડેની અપૉઇન્ટમેન્ટ લીધી?’

નમ્રતા ચિરાગની સામે જોવા લાગી. ચિરાગે ખોંખારો ખાધો અને જવાબ આપ્યો, ‘ડૉક્ટર મેં જસલોક હૉસ્પિટલમાં કૉલ કરીને અપૉઇન્ટમેન્ટ લીધી, પણ ડૉ. અનાઇતા હેગડે છ મહિના માટે આઉટ ઑફ ઈન્ડિયા છે... મેં તેમની હૉસ્પિટલમાં મેઇલ કરી દીધી છે. ડૉક્ટર ઇન્ડિયા આવશે એટલે તરત તેમને મેઇલ મળી જશે.’

ડૉક્ટર સ્વપ્નિલ કદમે ગંભીર મુદ્રામાં હકારમાં માથું ધુણાવ્યું અને દિત્યાની સામે જોઈને વિચારવા લાગ્યા. નમ્રતાને થોડી ચિંતા થઈ.

‘ડૉક્ટર કદમ. એવરીથિંગ ઇઝ ઑલરાઇટ ના? કંઈ ચિંતા જેવું તો નથીને!’

‘નો... નો... ઇટ્સ ફાઇન નમ્રતા. દિત્યાનું આમ અચાનક આટલું બધું રડવું એમાં મને અત્યારે તો કશું ખાસ કંઈ ગંભીર લાગતું નથી, પણ મને એવું સતત અંદરથી થયા કરે છે કે દિત્યાની તકલીફ વિશે આપણને નક્કર સારવાર મળે!’ નમ્રતા અને ચિરાગ બન્નેએ હકારમાં માથું ધુણાવ્યું. ડૉક્ટર સ્વપ્નિલ કદમ દિત્યાની બાજુમાં ચૅર ખસેડીને બેસી ગયા અને તેની પ્રાથમિક તપાસ કરવા લાગ્યા ને નમ્રતા ચિરાગ સાથે વાતો કરતા હતા.

‘બાકી બધું ઑલરાઇટ છેને?’

ચિરાગે નમ્રતા સામે જોયું. નમ્રતા નીચું જોઈ ગઈ એટલે ચિરાગે નમ્રતાનો હાથ પકડ્યો અને બોલ્યો, ‘ઍક્ચ્યુઅલી ડૉક્ટર, નમ્રતા પ્રેગ્નન્ટ છે!’

‘અરે વાહ, ધૅટ્સ વેરી ગુડ ન્યુઝ!’ નમ્રતા પરાણે સ્મિત ટકાવી રાખવાનો પ્રયત્ન કરવા લાગી, પણ તેને ખાતરી થઈ ગઈ કે તે વધારે સમય સ્મિત ટકાવી રાખશે તો આંખો ભીની થઈ જશે. એટલે તેણે મોઢું ફેરવી લીધું.

‘ડૉક્ટર કદમ, નમ્રતાના પેટમાં ટ્વિન્સ બેબી હતાં... એક બેબી મિસકૅરેજ થઈ ગયું છે અને એ સમયે તેને ખાસ્સું બ્લીડિંગ અને દુખાવો... ’ ચિરાગને આખી વાત બોલવામાં તકલીફ પડી રહી હતી એ નમ્રતાને અનુભવાતું હતું. ડૉ. સ્વપ્નિલ કદમે નમ્રતાની સામે જોયું. તેમને એ ઘટના યાદ આવી ગઈ જ્યારે નમ્રતાએ એકાંતમાં બ્લીડિંગની તકલીફ વિશે તેમને પૂછ્યું હતું. નમ્રતા ડૉક્ટરની સામે ગુનેગારની જેમ બેસી રહી.

‘મિસ્ટર ઍન્ડ મિસિસ મહેતા, પ્લીઝ તમે લોકો મારી વાઇફને મળી લો. ડૉ. સુરેખા. ગાયનેકોલૉજિસ્ટ છે. મારી બાજુની કૅબિનમાં જ. મને આખી મૅટર બહુ સિરિયસ લાગે છે.’

નમ્રતા અને ચિરાગ બન્ને ડૉ. સુરેખા કદમની કૅબિનમાં ગયાં. ડૉ. સ્વપ્નિલ કદમે ફોનમાં ડૉ. સુરેખા કદમને આખી ઘટના અને સમસ્યા સમજાવી દીધી હતી. નમ્રતાએ પોતાના મોબાઇલમાંથી સોનોગ્રાફીના રિપોર્ટ્સ અને પ્રિસ્ક્રિપ્શન ડૉ. સુરેખાને બતાવ્યાં. ડૉ. સુરેખા ગંભીર ચહેરે રિપોર્ટ્સ વાંચવા લાગ્યાં. નમ્રતા અને ચિરાગ બન્નેના ચહેરા પર સખત ટેન્શન છવાઈ ગયું. ડૉ. સુરેખાએ નમ્રતા અને ચિરાગની સામે જોયું, ‘મિસ્ટર ઍન્ડ મિસિસ મહેતા, તમારો કેસ ખરેખર બહુ નાજુક છે. અત્યારે પેટમાં જે બાળક છે એને તમારે બચાવવું હોય તો ચાદર સાથે સિવાઈ જવું પડશે... પથારીમાંથી ઊભા જ નહીં થવાનું. આરામ સિવાય બીજી કોઈ વાત નહીં. બાળકનો જન્મ ન થાય ત્યાં સુધી શારીરિક કે માનસિક કોઈ જ પ્રકારનું કોઈ સ્ટ્રેસ ન જોઈએ. સંપૂર્ણ આરામ હશે તો જ તમારું બાળક સુખરૂપ જન્મ લઈ શકશે... તમને સમજાય છેને મારી વાત?’

નમ્રતા અને ચિરાગ બન્ને એકબીજાની સામે સ્થિર નજરે જોવા લાગ્યાં!

***

‘ના ચિરાગ, તમને અહીં મુંબઈમાં એકલા મૂકીને હું અમદાવાદ નહીં જ જાઉં!’ નમ્રતા લગભગ કરગરી રહી હતી. રાતના નવેક વાગ્યાનો સુમાર હતો. નમ્રતા બેડ પરે બેસેલી હતી અને તેની બાજુમાં દિત્યા ઘસઘસાટ ઊંઘતી હતી. ચિરાગ કબાટમાંથી નમ્રતાની સાડીઓ અને ડ્રેસ કાઢીને નમ્રતાની મોટી બૅગમાં સામાન ભરતો હતો. નમ્રતા બેડ પરથી ઊભી થઈ અને તેણે ચિરાગના હાથમાંથી સાડીઓ ખેંચી લીધી.

‘ચિરાગ, તને સમજાય છે કે હું શું કહી રહી છું?’

‘તને સમજાય છે કે ડૉક્ટરે શું કીધું?’ ચિરાગે નમ્રતાના બન્ને હાથ પકડી લીધા અને સહેજ ગુસ્સાથી તે મોટા અવાજે બોલ્યો. તેના અવાજ રહેલી તીખાશ નમ્રતાને ડરાવી ગઈ. નમ્રતા ફાટી આંખે ચિરાગની સામે જોતી બે ડગલાં પાછળ હટી ગઈ અને કપડાંના ઢગલા વચ્ચે બેસી પડી તથા નાના બાળકની જેમ રડી પડી. ચિરાગ તેના પગ પાસે નીચે બેસી ગયો અને નમ્રતાની હથેળીઓ ચૂમવા લાગ્યો. ચિરાગની આંખમાંથી આંસુ નમ્રતાની હથેળીમાં પડતાં હતાં.

‘નમ્રતા, તને મારાથી દૂર અમદાવાદ તારા પપ્પાના ઘરે મોકલવાની મારી પણ ઇચ્છા નથી જ... એકબીજાથી આમ દૂર જવાની વાતમાં તને તકલીફ થાય છે તો એટલી જ તકલીફ મને પણ થાય છે...’

નમ્રતા હીબકાં ભરતી હતી. ચિરાગે નમ્રતાનાં આંસુ પર ચુંબન કર્યું જાણે નમ્રતાના જન્મજન્માંતરનાં બધાં જ આંસુ પી જતો હોય.

‘તું તારી તકલીફ કહી શકે છે નમ્રતા, મને એ તકલીફ જતાવતાં નથી આવડતું. પ્રેમ તો હું પણ તને એટલો જ ગળાડૂબ કરું છું જેટલો તું મને ચાહે છે, પણ મને એ સમજાવવાની કે કહેવાની રીત નથી આવડતી. ઇચ્છાઓ પતિ-પત્નીની હોય છે... માબાપને ઇચ્છા જેવું બહુ કશું ખાસ હોતું નથી! આપણે આપણા વિશે હંમેશાં વિચારતા રહ્યા છીએ અને એમાંથી આપણાઓ વિશે વિચારતા થઈએ ત્યારે આપોઆપ માબાપ બની જવાતું હોય છે.’

ચિરાગની હથેળીઓને ચૂમતી નમ્રતા હકારમાં માથું ધુણાવતી રહી.

‘નમ્રતા, આ બાળક આપણા કરતાં આપણી દિત્યા માટે બહુ અગત્યનું છે... આપણે જ્યારે આ ધરતી પર નહીં હોઈએ ત્યારે આ બાળક જ દિત્યાનું સરનામું હશે! દિત્યા માટે આપણે જો થોડો સમય અલગ રહેવું પડે તો રહી લઈશું. તારે સંપૂર્ણ આરામ કરવાનો છે. તારા પિયરમાં તને પૂરતો આરામ મળશે. અહીં હું એકલો નથી. મમ્મી છે, મારી ઑફિસનું આટલું બધું કામ છે... તું મારી ચિંતા ન કરતી... રિલૅક્સ રહેજે... હું તને દરરોજ ફોન કરીશ.’

‘તું મોડે સુધી લૅપટૉપ પર કામ કરતો રહે છે ચિરાગ... અને જમવામાં બિલકુલ ધ્યાન નથી દેતો... ભીનો ટુવાલ બાથરૂમમાં જ ભૂલીને આવે છે... હાથરૂમાલ તને દર અઠવાડિયે નવા આપવા પડે છે... ફ્રિજમાં ફ્રૂટ બગડી જાય ત્યાં સુધી પડ્યાં રહે છે અને તું ખાતો પણ નથી... કાર ચલાવતી વખતે સીટ-બેલ્ટ લગાવવાનું ભૂલી જાય છે... ઑફિસમાં જઈને વડાપાંઉ ખાઈશ... ’

‘ઓકે ઓકે ઓકે... સ્ટૉપ ઇટ... મારી ભૂલોનું લિસ્ટ ન ગણાવ પ્લીઝ... આમાંથી કશું જ નહીં કરું બસ... પ્રૉમિસ. અને એક મિનિટ, તું ગણતરીના મહિનાઓ માટે જ જાય છે... કાયમ માટે નહીં રાઇટ?’

‘એ તો ત્યાં ગયા પછી મૂડ પર આધાર રાખે કે પાછી આવું કે નહીં? કદાચ ન પણ આવું?’

‘પ્રૉમિસ?’

‘લુચ્ચા!’ નમ્રતા ચિરાગના હાથ પર અને છાતી પર હળવા હાથે મુક્કા મારવા લાગી અને ચિરાગે તેને પોતાની છાતીમાં સમાવી લીધી. ફર્શ પર ચિરાગ સામાનની વચ્ચે સૂતો હતો અને તેની છાતી પર માથું મૂકીને નમ્રતા સૂતી હતી જેની આંગળીઓ ચિરાગની હડપચી પર ઊગેલા આછા વાળને પસવારતી હતી.

‘નમ્રતા, સવારની આઠ વાગ્યાની ફ્લાઇટ છે તમારી!’

‘હમમમમ!’

‘સાંભળ નમ્રતા, એક પ્રોમીસ જોઈએ છે તારી પાસેથી!’

ચિરાગની છાતી પરથી માથું સહેજ ઊંચું કરીને નમ્રતાએ ચિરાગની આંખો સામે જોયું. ચિરાગે નમ્રતાના વાળની લટોને પોતાની આંગળીઓમાં રમાડી અને તેના ગાલ પર હાથ મૂકીને બોલ્યો, ‘ત્યાં અમદાવાદમાં... તારા ઘરના લોકો સામે તું બિલકુલ રડીશ નહીં. ઇન ફૅક્ટ આપણે માત્ર એકબીજા સાથે જ રડવાનું, બીજા કોઈની પણ સામે નહીં... આપીશ મને આ વચન?’ ચિરાગે ખુલ્લી હથેળી નમ્રતા તરફ કરી. નમ્રતાએ પોતાની હથેળી ચિરાગની ખુલ્લી હથેળીમાં પરોવી.

‘પ્રૉમિસ ચિરાગ. તારા સિવાય બીજા કોઈની સામે હું નહીં રડું!’

ચિરાગે પોતાના કસાયેલા જમણા હાથનું ઓશીકું બનાવ્યું અને નમ્રતા એ ઓશીકાને ટેકે ચિરાગને ભેટીને સૂઈ રહી. બન્નેએ આંખો બંધ કરી કે ખુલ્લી બારીમાંથી પવનનો એક વંટોળ આવ્યો ને રૂમની લાઈટ બંધ થઈ ગઈ. નમ્રતા સફાળી બેઠી થઈ ગઈ. આસપાસ અંધારું પથરાઈ ગયું હતું.

‘ચિરાગ લાઇટ... અંધારું... દિત્યા!’

આ પણ વાંચો : કંકુના સૂરજ આથમ્યા! (પ્રકરણ – 10)

‘રિલૅક્સ નમ્રતા, આમ જો તો ખરી... આખા એરિયામાં ક્યાંય લાઇટ નથી... બધ્ધે એકસાથે અંધારું થઈ ગયું છે.’ નમ્રતા તરત બેડ પર દિત્યાની પાસે જતી રહી અને પોતાની દીકરીને બન્ને હાથે અંધારા સામે ઢાંકવા લાગી. ખુલ્લી બારીમાંથી પવન આવતો હતો. એ બારી ચિરાગે બંધ કરી દીધી, પણ નમ્રતાને લાગ્યું કે પવન સિવાય પણ કશુંક આ અંધારા રૂમમાં આવી ગયું છે. ગભરાઈને તેણે પોતાની આંગળીઓથી દિત્યાના ચાલતા શ્વાસ તપાસ્યા ત્યારે તેને ધરપત તો થઈ, પણ તેને લાગ્યું કે તેની આસપાસ અંધારું ખિખિયાટા કરે છે! (ક્રમશ:)

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK