કંકુના સૂરજ આથમ્યા! (પ્રકરણ – 10)

રામ મોરી | Feb 04, 2019, 02:56 IST

દીકરીના જીવતરમાં ઘેરાતા અંધારા સામે ઝઝૂમતાં માબાપની કથા

કંકુના સૂરજ આથમ્યા! (પ્રકરણ – 10)
પ્રતીકાત્મક તસવીર

ધીરે-ધીરે ધરતીની છાતીના હીબકાને કાળો પાલવ ઢાંકતું હોય એવું અંધારું સ્મશાન પર ઝળૂંબી રહ્યું હતું. દૂર-દૂર સુધી સંભળાતો દરિયાનો ઘુઘવાટ શાંત થઈ ગયો હતો. કુંવારી કન્યાના મોતનો મલાજો સાચવતી સાંજ અંધારાના ખોબામાં જાણે કે મોઢું સંતાડતી હતી. દિત્યાના અગ્નિદાહનો અગ્નિ ધીરે-ધીરે શાંત પડતો હતો. દિત્યાનું શરીર ધીમે-ધીમે પંચદ્રવ્યમાં વિલીન થઈ રહ્યું હતું. સ્મશાનના ડાઘુઓ થોડાં વધુ લાકડાંઓ નાખીને ઉતાવળ કરતા હતા. તેમને જાણે જલદી-જલદી અગ્નિદાહ પૂરો કરવાની ઉતાવળ હતી. નમ્રતાનું એ લોકો તરફ ધ્યાન ગયું તો તે દોડીને પેલા ડાઘુઓ અને ચિતાની વચ્ચે આવીને ઊભી રહી ગઈ.

‘તમે લોકો આમ ઉતાવળ ન કરોને... પ્લીઝ... મારી દીકરીને તેની મરજી પ્રમાણે જવા દોને... કોઈ તેને ડિસ્ટર્બ કરે એ તેને નથી ગમતું... ચિરાગ, આ લોકોને સમજાવોને...’

ચિરાગ દૂર આ ચિતા તરફ એકીટશે જોઈ રહ્યો હતો અને તેની આંખમાંથી સતત આંસુ વહેતાં હતાં. અંધારાના ઓળા ચિરાગને ચારે બાજુથી ભેટી વળ્યા હતા. ચિરાગનું ધ્યાન નમ્રતાના

અવાજની દિશામાં દોરવાયું નહીં એટલે નમ્રતાએ ફરી તેના નામની બૂમ પાડી.

‘ચિરાગ... દીકુ હેરાન થશે... આ લોકોને સમજાવોને!’

કન્યાવિદાય પછીની ક્ષણે મંડપની થાંભલીને પકડીને કોઈ નિ:સહાય બાપ ઊભો હોય એમ ચિરાગ નિ:સહાય ચિતાને જોઈ રહ્યો હતો. જાણે તે ચિતાની લપેટોના લાલ-પીળા-કેસરી રંગોમાં વીતેલા સમયનાં લેખાંજોખાં કરતો હોય.

ચિરાગનું ધ્યાન તો ન ગયું, પણ નમ્રતાનો ભાઈ જલ્પેશ દોડી આવ્યો, ‘હા નમ્રતા... બોલ શું થયું બેટા?’

‘ભાઈ, આ લોકો દિત્યાને શાંતિથી જવાય નથી દેતા... વચ્ચે-વચ્ચે લાકડાંઓ નાખીને ખોટી ઉતાવળ કરે છે. તમે તેમને અટકાવોને...’

‘નમ્રતા, અગ્નિ ઠરી જાય તો શરીર પૂરતું બળતું... તને કેવી રીતે સમજાવું હું!’ શબ્દોને ગોઠવવાની મહેનતમાં જલ્પેશ પોતે જ અટવાઈ ગયો.

‘ભાઈ, હું પણ તમને એ જ તો કહું છું કે હું તમને કેવી રીતે સમજાવું! જ્યારે-જ્યારે આવી કોઈ ઉતાવળ અમે લોકો કરતા ત્યારે-ત્યારે દિત્યા કંઈક ને કંઈક પાછળ ભૂલી જ જાય... તેને ઉતાવળ ટેવ નથી.’ તેનો અવાજ સહેજ ધ્રૂજ્યો. જલ્પેશ નમ્રતાની આંખોમાં જોઈ રહ્યો.

નમ્રતાએ ખોંખારો ખાઈ ગળું સાફ કરીને વાત આગળ વધારવાનો પ્રયત્ન કર્યો, ‘...ભાઈ, હું નથી ઇચ્છતી કે આજે આપણે અત્યારે ઉતાવળ કરીએ ને મારી દીકરી કશું ભૂલી જાય...’ આટલું બોલીને તે ચિતા તરફ જોવા લાગી અને તેનાથી એક ફળફળતો નિસાસો નીકળી ગયો,

‘જોકે મને એકલી મૂકીને મારી દીકરી જઈ રહી છે... આનાથી બીજી એવી કઈ અગત્યની વસ્તુ હોય જેને તે ભૂલી જવાની હોય! આનાથી બીજી તો કઈ મોટી ઉતાવળ હોઈ શકે જેમાં આડા હાથે હું જ ક્યાંક મુકાઈ ગઈ હોઉં ને હું મને જ ન મળું!’ નમ્રતાનો ભીનો અવાજ સાંભળીને જલ્પેશને ખાતરી થઈ ગઈ કે નમ્રતાની ભાંગી પડવાની ક્ષણ હવે બહુ દૂર નથી. છાતી પર મેરુ પર્વત બનીને અડિંગો જમાવીને બેસેલી પીડાના પાયાની ઓગળવાની ક્ષણ જલ્પેશ લગોલગ જોઈ શકતો હતો. દિત્યાના અગ્નિદાહની જ્વાળાઓ ધીરે-ધીરે સાવ શાંત થવા લાગી ને એની ધગધગતી રાખ નમ્રતા અને ચિરાગના જીવતર પર લેપાતી રહી!

***

બપોરના અગિયાર આસપાસનો સમય હતો. મુંબઈના કાંદિવલી (ઈસ્ટ)નો ગ્રોવેલ મૉલ. ચિરાગ અને નમ્રતા દિત્યાને લઈને લંચ માટે આવ્યાં હતાં. જ્યારથી નમ્રતાની પ્રેગ્નન્સીમાં વિકસિત થતાં ટ્વિન્સમાંથી એક બાળક પેટમાં જ મૃત્યુ પામ્યું ત્યારથી નમ્રતા થોડી હચમચી ગયેલી. સતત ખુશ રહેવાનો પ્રયત્ન કરતી એટલી ને એટલી તેને ઉદાસી ઘેરી વળતી. સોસાયટીની બધી સ્ત્રીઓ સાથે સતત ટોળામાં રહેવાનો જેટલો પણ તે પ્રયત્ન કરતી એટલી ને એટલી તે એકલી પડી જતી હતી. ચિરાગ તેની સાથે વધુમાં વધુ વાતો કરવાનો પ્રયત્ન કરતો જેથી નમ્રતાના મનમાં વેરાયેલી બધી જ કરચો તે વારાફરતી વીણી શકે, પણ નમ્રતા એ વિષય પર ખાસ વાતો નહોતી કરતી. ચિરાગ વાતો કરવાનો જેટલો પણ પ્રયત્ન કરતો એ બધા પ્રયત્નો અધવચ્ચેથી જ થાકી જતા ને પછી બન્ને એકબીજાની સામે ચૂપચાપ જોયા કરતાં. કલાકોની ચુપકીદી બન્નેને અકળાવતી હતી. એક એવું સ્ટ્રેસ ઊભું થયેલું જે નક્કર કાળીઘટ્ટ વાદળી બનીને આખા ઘરમાં મંડરાયા કરતી, પણ આંગળી મૂકીને એ તકલીફના ચોક્કસ સ્થાનને કોઈ બતાવી નહોતું શકતું.

‘નમ્રતા, બહુબધા દિવસ થઈ ગયા કે આપણે લોકો ઘરની બહાર જ નથી નીકળ્યાં!’

‘હમ્!’

‘નમ્રતા, લંચ માટે બહાર જઈએ? હું, તું અને આપણી દિત્યા!’

‘હમ્!’

‘મને લંચ માટે પૂછ્યું છે... આપણા લોકોના જ મિત્રની ફૅમિલી અને આપણું ફૅમિલી. છ-સાત લોકો. વધારે નહીં... શું છે કે તને પણ... તું સમજે છેને?’

‘હમ્!’

‘કમઑન નમ્રતા, યાર... તું કશું પણ નથી બોલતી. હું દરેક વાતમાં ટૂંકો પડતો હોઉં એવું મને ફીલ કરાવે છે તું... મને નથી સમજાતું કે શું કરીએ આપણે લોકો?’

જવાબમાં નમ્રતાએ ચિરાગની આંખોમાં જોયું ને ચિરાગના ગાલે હાથ મૂક્યો.

‘ગિવ મી જસ્ટ ૧૦ મિનિટ... હું અને દિત્યા તૈયાર થઈ જઈએ છીએ!’

નમ્રતા જ્યારે ઊભી થઈને બેડરૂમ તરફ ગઈ ત્યારે ચિરાગે તેનો હાથ પકડીને તેને નજીક ખેંચી અને કપાળ પર ચુંબન કરીને બોલ્યો, ‘ક્ષણો કોઈની ઊભી નથી રહેતી નમ્રતા. સુખ અને દુ:ખ આપણને જાતે નક્કી કરવાની અવસ્થા છે. ટકી રહેવું હશે તો મૂવ ઑન થવું પડશે... જે ક્ષણો જતી રહી છે એની પાછળ જાતને આટલું કોસીને આવનારી ક્ષણોને શું કામ અન્યાય કરીએ? અડીખમ ઊભા રહેવા માટે મને તારો સથવારો જોઈએ છે... તું સાથે ચાલીશને?’ નમ્રતાની આંખો ભરાઈ આવી. ચિરાગે પોતાની ભીની આંખો લૂછી અને નમ્રતાની આંસુ ભરેલી આંખ પર પોતાના હોઠ મૂકી દીધા.

એ પછી મિત્રોને લંચ માટે હા કહીને ચિરાગ, નમ્રતા અને દિત્યા ગ્રોવેલ મૉલ પહોંચી ગયાં. બીજો કોઈ સમય હોત તો ચિરાગ કદાચ ના જ પાડી દેત, પણ તેને થયું કે આ પ્રકારના આઉટિંગથી જો નમ્રતા ઘરની બહાર નીકળે તો અંદર ને અંદર જે વાતો તેને કોરી ખાય છે એ કદાચ હળવી થાય. ચિરાગે લંચ માટે હા પાડી દીધી હતી ને નમ્રતાને વિરોધ જેવું કશું લાગ્યું નહોતું. નમ્રતા પણ મનોમન એટલે રાજી થઈ જેથી ચિરાગના મનમાં કોઈ અદૃશ્ય અપરાધભાવ કારણ વિના ભરડો ન લીધા કરે. દિત્યાના પગ સાવ લથડાતા એટલે તેને ટેકો આપીને ચલાવવી પડતી. ગ્રોવેલ મૉલના ટૉપ ફ્લોર પર ફૂડ કૉર્નરના કૉર્નર ટેબલ પર બધા લોકો ગોઠવાયા. નાનકડી દિત્યા અત્યારે નમ્રતાની બાજુમાં બેસીને ચમચીઓથી રમી રહી હતી. નમ્રતા પણ ધીરે-ધીરે ચિરાગના ગ્રુપના લોકોમાં ભળવાનો પ્રયત્ન કરી રહી હતી અને વાતો ને વાનગીઓ

લંચ-ટેબલ પર વહેંચાવા લાગી. ચિરાગ અને નમ્રતાએ પહેલેથી એવું નક્કી કરી રાખેલું કે આપણે લોકો આપણી તકલીફોની વાત, આપણા પેઇનની વાત બધી જગ્યાએ કરતા નહીં ફરીએ, કેમ કે કોઈ દયા ખાય એ અવસ્થા જ એ બન્ને જણને મંજૂર નહોતી. લંચ સર્વ થયું. નમ્રતા રોટીનો ટુકડો તોડીને શાકમાં ઝબોળી દિત્યાના મોં તરફ એ કોળિયો લઈ ગઈ ત્યાં તો દિત્યાએ મોટા અવાજે કાળી ચીસ પાડી. સૌથી પહેલાં તો નમ્રતા જ હબકી ગઈ. ચિરાગ પણ પોતાની ચૅરમાંથી ઊભો થઈ ગયો અને દિત્યાના હાથ-પગને તપાસવા લાગ્યો કે ક્યાંય કશું વાગ્યું તો નથીને. બધા લોકો એકદમ શૉક્ડ. શરૂ-શરૂમાં બધાએ આખી ઘટનાને એવી રીતે અવૉઇડ કરવાનો પ્રયત્ન કર્યો જાણે નાનકડાં બાળકો રડી પડે એવાં કોઈ તોફાની રોણાં હશે, પણ જેમ-જેમ દિત્યાની કારમી ચીસો અને હીબકાં વધ્યાં એ જોઈને બધા લોકો ડરી ગયા. નમ્રતા દિત્યાને શાંત કરવાનો જેમ-જેમ પ્રયત્ન કરતી રહી એમ-એમ તે મોટા અવાજે વધુ ને વધુ રડતી રહી. તેના રડવાનો અવાજ એટલો મોટો હતો કે ફૂડ કૉર્નરમાં બેસેલા બધા લોકો નમ્રતા અને ચિરાગની સામે જોવા લાગ્યા. દિત્યાનું રડવાનું બંધ જ ન થયું. નમ્રતાએ આસપાસના લોકોની આંખ નોંધી. એ આંખમાં દિત્યાના રુદન માટેનું વિસ્મય હતું, દયા હતી, અકળામણ હતી, પ્રશ્નો હતા, ગુસ્સો હતો ને ક્યાંક ને ક્યાંક પોતાનાં બાળકો સુધી આ અજીબ હરકત ન પહોંચે એનો ડર હતો. લંચ-ટેબલ પર બેસેલી મમ્મીઓએ પોતપોતાનાં બાળકોને નજીક ખેંચી લીધાં... એકસાથે આટલી બધી આંખના કંઈકેટલાય ભાવ અગણિત ધારદાર સોયની જેમ જાણે કે નમ્રતાના આખા અસ્તિત્વમાં ભોંકાયા.

તેણે દિત્યાને તેડી લીધી ને ચિરાગના ફ્રેન્ડ્સ સામે જોયું, ‘માફ કરજો. અમારે જવું પડશે!’

ચિરાગના ફ્રેન્ડ્સ કશું કહે એ પહેલાં નમ્રતા દિત્યાને તેડીને ચાલતી થઈ. દિત્યાના રડવાનો મોટો અવાજ આખા મૉલમાં સંભળાતો હતો. નમ્રતાનું પર્સ, મોબાઇલ અને દિત્યાની નાનકડી પિન્ક બૅગ લઈને ચિરાગ ઉતાવળો લગભગ એ લોકોની પાછળ દોડી રહ્યો હતો. મૉલમાં આવેલા લોકો અંદરોઅંદર એ રીતે વાતો કરતા હતા જાણે કે આ માબાપે પોતાની દીકરીને મારી હશે ને એ મારના દદર્નાા લીધે દીકરી આટલું રડી રહી છે. મૉલના પાર્કિંગમાંથી ચિરાગે કાર કાઢી અને ડૉ. સ્વપ્નિલ કદમના ક્લિનિકની દિશામાં એ લોકોએ કાર પૂરપાટ ઝડપે ભગાવી. પાછળથી મુંબઈના ગીચ ટ્રાફિકને ચીરતો દિત્યાના રડવાનો મોટો અવાજ ચિરાગ અને નમ્રતાના મનને અકલ્પ્ય ક્ષણો બાબતે થથરાવતો હતો.

***

રાત ઢળી ચૂકી હતી. અગ્નિદાહની ક્રિયા પતાવીને નમ્રતા અને ચિરાગ ઘરે પહોંચ્યાં. સોસાયટીના લોકો ગ્રાઉન્ડમાં ઊભા હતા. કારનો દરવાજો ખૂલ્યો અને નમ્રતા કોઈની પણ સામે જોયા વિના ઢસડાતા પગે લિફ્ટ તરફ ચાલી. બધા લોકો ચૂપચાપ નમ્રતાને જોઈ રહ્યા હતા. કોઈનામાં હિંમત નહોતી કે નમ્રતાના ખભા પર હાથ મૂકીને કશું પણ કહી શકે. ચિરાગના ચહેરા પરથી નૂર ઊડી ગયું હતું. કદાચ રડવા પૂરતી પણ તાકાત તેના શરીરમાં નહોતી એ રીતે જીવતી લાશ જેવો તે નીચે જોઈને નમ્રતાની પાછળ ચાલી રહ્યો હતો. વાતાવરણમાં સન્નાટો હતો. અવાજો જાણે કે અસ્તિત્વ ખોઈ બેઠા હતા. ખૂણેખાંચરે પાંગરેલાં હીબકાં પણ અત્યારે જાણે કે ઘવાયેલાં હતાં. બધા લોકો અનુભવતા હતા કે આ ક્ષણે શબ્દો પાંગળા બની ચૂક્યા છે. લિફ્ટનો દરવાજો ખોલીને નમ્રતા લિફટમાં ચડી. તેની પાછળ-પાછળ ચિરાગ પણ યંત્રવત્ લિફ્ટમાં ગોઠવાયો ને લિફ્ટ ઉપર ચાલી. એની પાછળ આખું ટોળું દાદરાઓ ચડતું પાંચમા માળે પહોંચી ગયું. લિફ્ટ પાંચમા માળે ઊભી રહી. નમ્રતાએ લિફ્ટનો દરવાજો ખોલ્યો તો ઘરની બહાર દાદરા પર નમ્રતાનાં મમ્મી જશોદાબહેન હાથમાં તુલસીમાળા લઈને બેઠાં હતાં. તેમના ધ્રૂજતા હોઠ કોઈ મંત્રનો જાપ કરતા હતા. નમ્રતાનો નિસ્તેજ કોરો ચહેરો જોઈને જશોદાબહેન ઊભાં થઈ ગયાં. ઘરમાંથી નમ્રતાની ભાભી અરુણા અને નણંદ ફાલ્ગુની બહાર આવી ગયાં ને નમ્રતાનો હાથ પકડીને એ લોકો નમ્રતાને ઘર તરફ દોરી ગયા. નમ્રતા કોઈ અજાણ્યાને જોતી હોય એમ એ લોકોની સામે જોઈ રહી હતી. જશોદાબહેનના મંત્રજાપ અટકી ગયા ને તેમણે તરત ચિરાગને સંભાળી લીધો ને ચિરાગની પીઠ પર હાથ પસવારવા લાગ્યાં. ચિરાગ નમ્રતાનાં મમ્મી જશોદાબહેનના પગ પાસે ત્યાં પગથિયાં પાસે જ બેસી પડ્યો. જશોદાબહેન ભગવાનના નામનું રટણ કરવા લાગ્યાં ને ચિરાગના માથા પર હાથ મૂકીને તેની પીડાને પોતાના દેહમાં ઉતારવા મથતાં રહ્યાં. નમ્રતા ઉંબરા પર આવીને ઊભી રહી ગઈ અને પોતાના ખાલી ઘરને જોઈ રહી. બે ઓરડા ને મોટા ડ્રૉઇંગરૂમ-રસોડાનું એ ઘર તેને દૂર-દૂર સુધી છેડો ન કળાય એવા રણ જેવું લાગ્યું. છાતીમાં અચાનક રણની લાય બળી. તેને લાગ્યું કે જાણે આ ઘર નથી પણ ગળામાં અટવાઈ ગયેલું ડૂસકું છે, આંખના ખૂણે સ્થિર થઈને સુકાઈ ગયેલાં આંસુ છે! તેના પગ ઉંબરા પર જાણે કે જકડાઈ ગયા ને જુદાં-જુદાં દૃશ્યો અને અવાજો આખા ઘરના ખૂણે-ખૂણેથી ઊગી નીકળ્યા...

‘મમ્મીતા... ભૂખ લાગી છે!’

‘નમ્રતા, જો હું અને મારી દીકરી તૈયાર થઈ ગયાં છીએ... તને તૈયાર થવામાં કેટલી વાર લાગશે... આપણે લોકોએ આજે જ બહાર જવાનું છે... આવતા વર્ષે નહીં!’

‘ચિરાગ, આ દીકુ હોમવર્ક નથી કરતી પ્લીઝ... તેને સમજાવને... મારે બહુબધાં કામ છે!’

‘મમ્મા, મારાં લગન ક્યારે થશે... મનેય તૈયાર થવું છે!’

‘પપ્પાની ગુડ ગર્લ કોણ છે?’

‘દિત્યા, મારી મા, પ્લીઝ તું મને સૂવા દે... અડધી રાત થઈ ગઈ ને તારે હજી વાર્તા સાંભળવી છે બેબી!’

‘મમ્મા, તું એકદમ પરી જેવી દેખાય છે!’

‘હૅપી બર્થ-ડે... હૅપી બર્થ ડે... મમ્મા, મારો બર્થ-ડે ક્યારે આવશે?’

‘નમ્રતા, એક દિવસ આપણી દીકરી પણ કાયમ માટે આપણું ઘર છોડીને જતી રહેશે... હું મારી દીકરીને ક્યાંય નથી મોકલવાનો... તને કહી દઉં છું.’

‘જુઓ ચિરાગ, દીકુને નાક તો તમારા જેવું ભજિયું જ આવ્યું... પણ થૅન્ક ગૉડ, તેની આંખો મારા જેવી ખૂબસૂરત છે!’

‘દીકુ... દીકુ... તું ક્યાં છે... ચલ, તને સ્કૂલમાં જવાનું મોડું થાય છે... તારી બૅગ ક્યાં છે?’

‘નમ્રતા, તું વધારે પડતું વિચારી રહી છે. નાનું બાળક ચાલતાં-ચાલતાં પડી જાય એમાં નવાઈ શું છે.’

‘ચિરાગ, આપણી દીકુ આપણને છોડીને સાચ્ચે જ જતી રહેશે... આપણે કોઈનું શું બગાડ્યું છે? મારી દીકરીને આમ હેરાન થતી જોવી...’

‘નમ્રતા, તું મને એક પ્રૉમિસ આપ. કંઈ પણ થઈ જાય, આપણે બન્ને દિત્યાની સામે નહીં રડીએ. આપણે હિંમત રાખવી પડશે!’

‘ચિરાગ, દીકુને નવડાવવાની છે... ચલો છેલ્લી વાર...’

‘મમ્મા... પપ્પા... મને... મને... અમમમમ... મમ્મા...’

આ પણ વાંચો : કંકુના સૂરજ આથમ્યા! (પ્રકરણ – 09)

ઘરમાં ગુલાબી ફ્રૉક પહેરીને દિત્યા દોડવા લાગી... નમ્રતા હાથમાં રોટલી અને શાકની નાની થાળી લઈને તેની પાછળ દોડી રહી છે... બેડરૂમમાંથી નમ્રતા, ચિરાગ અને દિત્યાના ખડખડાટ હસવાના અવાજ આવ્યા... બાથરૂમમાં ચિરાગ અને નમ્રતા દિત્યાને નવડાવી રહ્યાં છે... ડ્રેસિંગ-ગ્લાસ પાસે બેસીને નમ્રતા લિપસ્ટિક કરી રહી છે ને દિત્યા તાળીઓ પાડીને ખડખડાટ હસી રહી છે... સ્લાઇડિંગ વિન્ડો પાસે ચિરાગના ખોળામાં બેસીને દિત્યા ડ્રૉઇંગબુકમાં કલર પૂરી રહી છે... નમ્રતા અને ચિરાગની વચ્ચે સૂતેલી દિત્યા નમ્રતા અને ચિરાગના અડધા-અડધા શરીર પર લંબાઈને શાંતિથી સૂઈ રહી છે... કબાટમાંથી નમ્રતા ચિરાગ માટે નવાં-નવાં ટી-શર્ટ કાઢી રહી છે અને એ ટી-શર્ટને રિજૅક્ટ કરી રહેલાં ચિરાગ અને દિત્યા હસી રહ્યાં છે... નવવધૂની જેમ તૈયાર થયેલી દિત્યાને તેડીને ચિરાગ ભારે હૈયે બેડરૂમમાંથી બહાર નીકળી રહ્યો છે... બધાં જ દૃશ્યો અને અવાજો એકબીજામાં ગૂંચવાઈ ગયાં ને દૃશ્યો પર ખારા પાણીની ધૂંધળાશ છવાઈ ગઈ. એકાએક તેને સમજાઈ ગયું કે આ તો માત્ર દૃશ્યો અને અવાજનો આભાસ છે. ઘર ખાલી છે. અવાજો ભ્રમ છે. દૃશ્યો પીડાનાં ચોસલાં છે. હવે આ ઘરમાં કોઈ નથી. પેલો બેડ જ્યાં દિત્યા તેની રાહ જોતી એ બેડ હવેથી સાવ ખાલી છે. દિત્યા નથી. દિત્યાની આસપાસ ગૂંથાયેલા એવા જીવનમાં હવે પછી શું? નામની શૂન્યતાની ખાઈ સર્જા‍ઈ છે. હવે કશું નથી. એ પણ કશું નથી એટલે હવે આ ઘરમાં દિત્યા જ નથી. એક ધક્કો છાતીમાં વાગ્યો. કાનમાં લાંબું સૂન પડઘાતું રહ્યું. તેના પોતાના ધબકારા થંભી ગયા. ગળામાં અટવાયેલું કશુંક પીગળ્યું અને તે ઉંબરા પર બેસી પડી ને બારસાખને અઢેલીને જાણે કે સાવ ઢોળાઈ ગઈ. એક કાળી ચીસ તેની છાતીમાંથી નીકળી અને એ લાંબા સાદે છુટ્ટા મોંએ નમ્રતા રડી પડી. તેના અવાજમાં રહેલી કંપારીને લીધે સૌનાં સાનભાન જાણે કે સાવ ખોવાઈ ગયાં... કોઈનામાં હિંમત ન થઈ કે ઘરની અંદર જાય... નમ્રતા પોતાના પેટ પર મુક્કાઓ મારતી-મારતી દીવાલે માથું મૂકીને ચિલ્લાઈ ઊઠી, ‘દીકુ... ઓ મારી દિત્યા... મારી દીકરી... દીકુ... દીકુ...’ (ક્રમશ:)

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK