સરદાર : ધ ગેમ-ચેન્જર (પ્રકરણ 25)

ગીતા માણેક | Feb 10, 2019, 12:40 IST

લોહી રેડ્યા વિના હિન્દુસ્તાનને છિન્નભિન્ન થતા રોકવાનો જંગ આલેખતી ડૉક્યુ-નૉવેલ

સરદાર : ધ ગેમ-ચેન્જર (પ્રકરણ 25)
સરદાર પટેલ

‘મેનન બોલું છું...’

રાતના લગભગ બાર વાગ્યે ઓડિશા વિસ્તારના ધેનકેનાલના મહારાજા શંકર પ્રતાપસિંહ દેવ મહેન્દ્રના નિવાસ્થાનનો ફોન રણક્યો. તેમના સેવકે જ્યારે રાજાને જાણ કરી કે કોઈ મેનન તમારી સાથે વાત કરવા માગે છે ત્યારે મહારાજાને પણ તાજુબ થયું.

‘હિઝ હાઇનેસ, તમને ઊંઘમાં ખલેલ તો નથી પહોંચાડીને...’

‘બિલકુલ નહીં મેનનસાહેબ. અમારી તો રાત પણ મોડી પડે અને દિવસ પણ મોડો ઊગે. ફરમાવો શું કહેતા હતા તમે?’

‘મારે તમારું એક અગત્યનું કામ છે. તમે અત્યારે મળવા આવી શકો?’

‘અત્યારે?’ મહારાજાને આર્ય થઈ રહ્યું હતું અને તેઓ એને છુપાવી પણ ન શક્યા, પરંતુ પછી તરત બોલ્યા, ‘હા, હા... હું અડધો કલાકમાં પહોંચું છું.’

અત્યારે અડધી રાતે મેનન મળવા બોલાવી રહ્યા છે તો કંઈક વિશેષ બાબત જ હશે એનો તો તેમને ખ્યાલ આવી ગયો, પણ એ શું છે એ જાણવા તેઓ ઉત્સુક હતા.

‘જુઓ, તમે અમારી પાસે કેટલીક માગણીઓ કરી હતી. મારી સરદારસાહેબ સાથે વાત થઈ ગઈ છે. તમારી બધી જ વાજબી માગણીઓ ધ્યાનમાં લેવામાં આવશે, પણ શરત એટલી છે કે તમારે ઓડિશા રાજ્યનો હિસ્સો થવું પડશે.’ મેનને તેમને મળવા આવેલા રાજા મહેન્દ્રને ઑફર કરી. ધેનકેનાલમાં પ્રજામંડળ બહુ મજબૂત હતું. આ પ્રજામંડળ રાજ્યમાં રાજાશાહીને બદલે લોકશાહી ઇચ્છતું હતું. પ્રજામંડળને કારણે મહારાજા માટે મુશ્કેલીઓની શરૂઆત થઈ ચૂકી હતી. તેમણે આ માટે ભારત સરકાર પાસે મદદની યાચના પણ કરી હતી.

‘અમારી ખાનગી મિલકત અને સાલિયાણાનું શું?’ મહારાજા સોદાબાજી તો કરી રહ્યા હતા, પણ અંદરખાને જાણતા હતા કે પ્રજામંડળ ગમે એ ઘડીએ વિદ્રોહ કરીને સત્તાપલટો કરવા સક્ષમ હતું.

‘મહેલ અને ખાનગી મિલકત તમારી પોતાની જ રહેશે અને સાલિયાણાની રકમ પણ જે ધોરણ નક્કી થયું છે એ રીતે જ મળશે એની હું ખાતરી આપું છું. હિન્દુસ્તાનમાં સામેલ થઈ રહેલા દરેક રાજ્ય માટે આ જ નીતિ નક્કી કરવામાં આવી છે.’ સરદારે મેનનને આપેલી સૂચના અનુસાર તેમણે ધેનકેનાલના મહારાજાને કહી દીધું.

‘પણ જે સાલિયાણું નક્કી થયું છે એ તો ઓછું કહેવાય...’ મહારાજાએ વધુમાં વધુ મેળવવા માટે પ્રયાસ કર્યો.

‘તમે સમજદાર છો અને પરિસ્થિતિનો તાગ મેળવી શકો એમ છો એટલે જ મેં સૌથી પહેલાં તમને મળવા બોલાવ્યા છે. મારી તમને એક મિત્ર તરીકે સલાહ છે કે અત્યારે હજી એ સમય છે કે તમને આટલું મળી રહ્યું છે. આ તક જતી કરવા જેવી નથી. એક વાર સરદાર આકરાં પગલાં લેશે પછી તમારે જે મળે એનાથી ચલાવી લેવું પડશે.’ મેનને સમજાવટના સૂરમાં પણ ગર્ભિત ધમકી આપી દીધી.

‘ધેનકેનાલ તમારી ઑફર સ્વીકારીને ઓડિશા રાજ્યનો હિસ્સો બનવા તૈયાર છે.’ થોડીક વાર વિચાર કર્યા પછી મહારાજા શંકર પ્રતાપસિંહ દેવ મહેન્દ્ર સહીઓ કરવા તૈયાર થઈ ગયા. સહીસિક્કા થઈ ગયા બાદ મેનને કહ્યું, ‘અભિનંદન યૉર હાઇનેસ. તમે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈને દેશનું અને પ્રજાનું હિત તો કર્યું જ છે, પણ તમારા પોતાનો પણ લાભ મેળવ્યો છે.’

‘આપનો ખૂબ-ખૂબ આભાર મેનનસાહેબ.’ મહારાજાએ ઊભા થઈને હાથ મિલાવ્યા.

‘યૉર હાઇનેસ, મારી એક વિનંતી છે.’

‘હા, હા, નિ:સંકોચ જણાવો.’

‘અન્ય રાજાઓને તમે એ સંદેશો પહોંચાડો કે હવે વધુ રાહ જોવામાં નહીં આવે. સરદારે નક્કી કર્યું છે કે જે રાજ્યો નહીં જોડાય એમને બળજબરીથી હસ્તગત કરી લેવામાં આવશે. જુઓ, મને એવી સૂચના મળી છે કે આ રાજાઓને કટકમાં રોકી રાખવા અને દરમ્યાન પોલીસ તેમનું રાજ્ય હસ્તગત કરી લેશે. આ તો તમે મારા મિત્ર છો એટલે હું તમને આ માહિતી આપું છું જેથી તમે પણ અન્ય રાજાઓને ઉગારી શકો.’

સરદારે ગણતરીપૂવર્કથનો જે દાવ મેનન હસ્તક ખેલ્યો એની ધારી હતી એવી અસર થઈ.

મોડી રાતે ધેનકેનાલના રાજા રવાના થયા, પણ વહેલી સવારે સૂર્યોદય પહેલાં જ પટનાના મહારાજા રાજેન્દ્ર નારાયણસિંહ દેવ મેનનના ઉતારા પર પહોંચી ગયા.

ડાઇનિંગ ટેબલ પર ચા પીતાં-પીતાં મેનને પટનાના મહારાજાને પણ સલાહ આપી કે અત્યારે રાજીખુશીથી વિલીનીકરણ સ્વીકારી લેવામાં જ તેમનો લાભ છે. એક વાર આ મોકો ચૂકી ગયા તો સરદારને તમારા રાજ્યનો તાબો લેતાં કોઈ નહીં રોકી શકે.

‘તમે અમને ધમકી આપો છો?’ પટનાના મહારાજા અકળાઈ ઊઠ્યા.

‘ધમકી નહીં ચેતવણી.’

‘આ બધું અમને લેખિતમાં આપો.’ મહારાજાએ ઉશ્કેરાટમાં કહ્યું.

એક ક્ષણ મેનને વિચાર કર્યો અને દસ્તાવેજો લેવાના બહાને અંદરના ઓરડામાં ગયા. સરદાર સાથે ફોન પર વાત કરી લીધા પછી તેઓ બહાર આવ્યા. તેમણે પત્રનો મુસદ્દો લખવા માંડ્યો, ‘ઓડિશા રાજ્યમાં તમારાં રજવાડાંઓની જે વિશિષ્ટ સ્થિતિ છે એનાથી તમને માહિતગાર કર્યા. ભારત સરકાર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વિશે ચિંતિત છે. તમારાં રાજ્યોને ઓડિશાની સરકાર માટે સમસ્યાઓ ઊભી કરવાની છૂટ ન આપી શકીએ. જો તમે વિલીન થવા માટેનું કરારનામું સહી નહીં કરો તો અમને તમારા રાજ્યનો વહીવટ હસ્તગત કરવાની ફરજ પડશે.’

આ પત્ર લઈને પટનાના મહારાજા ધૂંઆપૂંઆ થતાં બહાર નીકળી ગયા, પરંતુ તીર ધાર્યા નિશાન પર વાગ્યું હતું. સાંજ સુધીમાં તો ઓડિશા રાજ્યનાં તમામ ૪૧ રાજ્યોએ હિન્દુસ્તાનમાં રાજીખુશીથી વિલીન થઈ રહ્યાં છે એવા દસ્તાવેજો પર સહીઓ કરી દીધી હતી. કટકમાં એકલા વી. પી. મેનનને મોકલવાને બદલે પોતે પણ જવું જોઈએ એવી સરદારની ગણતરી સાચી પુરવાર થઈ. કોઈ પણ પ્રકારના સંઘર્ષ વિના આ રાજ્યો હિન્દુસ્તાનમાં સામેલ થઈ ગયાં એ તેમનો અનોખો વિજય હતો.

હિન્દુસ્તાનમાં જોડાઈ ચૂકેલા આ રાજાઓને અભિનંદન આપતાં સરદારે કહ્યું, ‘સદીઓ પહેલાં સમ્રાટ અશોકનું હૃદયપરિવર્તન કલિંગામાં જ થયું હતું... એવું કોઈએ સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે આ જ ભૂમિ ફરી એક વાર ક્રાન્તિકારી પરિવર્તનની છડી પોકારશે. તમારા આ પગલાને લીધે સમ્રાટ અશોકના કાળમાં દેશમાં જે એકતા, સામર્થ્ય, સુરક્ષિતતા હતી એ તરફ આપણે ગતિ કરી રહ્યા છીએ. આ રાજ્યોના વિલીનીકરણને કારણે આખી પ્રક્રિયાને ગતિ મળી છે અને રજવાડાંઓને એ ભાન થયું છે કે તેઓ મનમાની નહીં કરી શકે.’ સરદારે ઓડિશાના જ નહીં, દેશનાં બધાં જ રાજાઓને ખાતરી આપી કે રાજાઓની ખાનગી મિલકતો તેમની પોતાની જ રહેશે અને વાર્ષિક સાલિયાણા વિશેની જોગવાઈઓ બંધારણમાં સામેલ કરવામાં આવશે.

અત્યાર સુધી રાજાઓએ સંરક્ષણ, સંદેશવ્યવહાર અને વિદેશનીતિ એ ત્રણ બાબતો જ હિન્દુસ્તાનને સોંપી હતી; પરંતુ હવે રાજ્યોના વિલીનીકરણની પ્રક્રિયા શરૂ થઈ જેનો શુભારંભ પૂર્વનાં રાજ્યોથી થયો.

કટકથી સરદાર અને મેનન નાગપુર જવા રવાના થયા. ઓડિશાનાં લગભગ બધાં જ રાજ્યોનું વિલીનીકરણ થયું એની સીધી અસર એ થઈ કે છત્તીસગઢનાં બધાં રાજ્યો ચૂપચાપ જોડાઈ ગયાં. જોકે આ તરફ ઓડિશાના જ કોઈ રાજાએ મેનનના ધમકીભર્યા પત્રની નકલ રાષ્ટ્રીય અખબાર સુધી પહોંચાડી દીધી અને એ મુદ્દે હોબાળો મચી ગયો. અખબારોના અહેવાલોમાં સરદાર પટેલ રાજાઓને ધમકી આપી રહ્યા છે અને સરમુખત્યારની જેમ વર્તી રહ્યા છે એવા આરોપ પણ થયા.

‘બાપુ (ગાંધીજી) અને વડા પ્રધાનને ઓહિશામાં શું બન્યું એની બધી જ માહિતી તમે આપજો.‘ સરદારે તે બન્નેને જાણકારી આપવા મેનનને મોકલી આપ્યા જેથી તેઓ રૂબરૂમાં બધી હકીકત જણાવી શકે. સરદારના આદેશ અનુસાર મેનન પહેલાં જઈને ગાંધીજીને મળ્યા અને ઓડિશાનાં રજવાડાંઓના વિલીનીકરણની તમામ વિગતોથી તેમને વાકેફ કર્યા. ગાંધીજીએ ધ્યાનપૂવર્કડ બધી વિગતો જાણી. આ બધું જે રીતે થયું એ વિશે સંતુિષ્ટ દર્શાવતાં તેમણે પોતાની વિશિષ્ટ શૈલીમાં કહ્યું, ‘આ તો બાળકોને એરંડિયું પીવડાવવા જેવું છે. એરંડિયું બાળકોને ભાવે નહીં તો પણ આખરે તો તેમના આરોગ્ય માટે હિતાવહ છે એ રીતે રાજાઓ માટે આ કડવી દવા હોય તો પણ એ તેમના હિત માટે જ હતી.’

મેનન જ્યારે વડા પ્રધાન જવાહરલાલ નેહરુને મળવા ગયા ત્યારે તેમણે ફક્ત આખી વાત સાંભળી લીધી અને કોઈ જ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું. જોકે સરદારે પોતાને પૂછ્યા વિના આટલો મોટો નિર્ણય લઈ લીધો એને કારણે તેમને મરચાં લાગ્યા હતા. જવાહરલાલ નેહરુ સીધા ગાંધીજી પાસે ફરિયાદ લઈને પહોંચી ગયા. નેહરુએ પોતાનો અણગમો ગાંધીજી પાસે જાહેર કર્યો જેના પગલે ગાંધીજીએ સરદારને એક ચબરખી લખી મોકલી.

વલ્લભભાઈ,

જવાહરને લાગે છે કે રાજ્ય ખાતાના સંખ્યાબંધ નિર્ણયો પ્રધાનમંડળને પૂછ્યાગાછ્યા વિના લેવામાં આવે છે. તેને વ્યક્તિગત રીતે એ નિર્ણયો માન્ય છે, પણ પ્રધાનમંડળ કે વડા પ્રધાનને પૂછ્યા વિના આ રીતે નિર્ણય લેવાય એમાં પ્રણાલી અને નિયમનો અનાદર થાય છે. આ વિશે સ્પષ્ટતા કરશો.

- બાપુ.

‘જો એ વખતે હું કેબિનેટની મંજૂરી લેવા માટે સમય ગુમાવું તો ખૂબ ધીરજ અને જહેમત બાદ મળેલી તક વેડફાઈ જાત. લોઢું ગરમ હોય ત્યારે હથોડો ન મારું તો ગંભીર સમસ્યાઓ સર્જા‍વાની શક્યતા હતી. આ નિર્ણયને મુલતવી રાખવો આપણને મોંઘો પડ્યો હોત. મારું અનુમાન હતું કે કૅબિનેટની મંજૂરી હશે જ એટલે મેં તક ઝડપી લીધી એમાં શું ખોટું કર્યું?’ સરદારે ગાંધીજી પાસે જઈને ખુલાસો કર્યો.

પૂવર્નાં રાજ્યો તો હિન્દુસ્તાનનો હિસ્સો થઈ ગયાં હતાં, પણ સરદાર અને જવાહરલાલ નેહરુ વચ્ચેના મતભેદોમાં વધુ એક મુદ્દો ઉમેરાયો હતો. સરદારની સ્થિતિ કુરુક્ષેત્રમાં ઊભેલા અર્જુન કરતાં પણ કપરી હતી. તેમણે પોતાના ઉપરાંત પારકા મોરચે પણ લડવાનું હતું. દેશના સૌથી મોટા શત્રુ બની બેઠેલા રુસ્તમે દોરાન, અર્સતુ-એ-જમાન, વાલ મામલિક, આસિફ જાહ, નવાબ મીર ઓસમાન અલી ખાન બહાદુર મુઝ્ઝફર-ઉલ-મુલ્ક નિઝામ મુલ્ક-અલ-મદ, સિપાહસાલાર ફત્તેહજંગ, નામદાર બ્રિટિશ રાજમુગટના સર્વોત્તમ મિત્ર હૈદરાબાદના નિઝામ સાથે જંગ જારી રાખવાનો હતો. (ક્રમશ:)

આ પણ વાંચો : સરદારઃ ધ ગેમ-ચેન્જર (પ્રકરણ 24)

અન્ય રાજાઓને તમે એ સંદેશો પહોંચાડો કે હવે વધુ રાહ જોવામાં નહીં આવે. સરદારે નક્કી કર્યું છે કે જે રાજ્યો નહીં જોડાય એમને બળજબરીથી હસ્તગત કરી લેવામાં આવશે. જુઓ, મને એવી સૂચના મળી છે કે આ રાજાઓને કટકમાં રોકી રાખવા અને દરમ્યાન પોલીસ તેમનું રાજ્ય હસ્તગત કરી લેશે. આ તો તમે મારા મિત્ર છો એટલે હું તમને આ માહિતી આપું છું જેથી તમે પણ અન્ય રાજાઓને ઉગારી શકો. - ધેનકેનાલના મહારાજા શંકર પ્રતાપસિંહ દેવ મહેન્દ્ર સમક્ષ સરદારનો ગણતરીપૂવર્કાનો દાવ રમી રહેલા વી. પી. મેનન

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK