સરદારઃ ધ ગેમ-ચેન્જર (પ્રકરણ 24)

ગીતા માણેક | Feb 03, 2019, 13:31 IST

લોહી રેડ્યા વિના હિન્દુસ્તાનને છિન્નભિન્ન થતા રોકવાનો જંગ આલેખતી ડૉક્યુ-નૉવેલ

સરદારઃ ધ ગેમ-ચેન્જર (પ્રકરણ 24)
સરદાર પટેલ

‘મયૂરભંજ અને પટના સહિત પૂર્વનાં બધાં રાજ્યોએ જે યુનિયન બનાવ્યું છે એ ૩૯ રજવાડાં ભેગાં મળીને પણ પ્રજાને સંભાળી નહીં શકે.’ ડિસેમ્બરની દિલ્હીની કડકડતી ઠંડીમાં પણ પોતાના દૈનિક ક્રમ અનુસાર ચાલવા નીકળેલા સરદારની ચાલવાની તેજ ગતિ સાથે તાલ મિલાવતા મેનન માહિતી આપી રહ્યા હતા. જોકે જે માહિતી મેનન આપી રહ્યા હતા એ સરદાર પાસે આગોતરી જ હતી અને તેમણે એનું તારણ પણ આપી દીધું.

‘અત્યારે તો તેઓ નમતું જોખવાના મિજાજમાં લાગતા નથી. કોઈ પણ રાજ્યની ટકી શકવાની ક્ષમતા ત્યારે જ ગણી શકાય જ્યારે એ પોતાની પ્રજાની સલામતી અને હિતની રક્ષા કરી શકે. આ દેશી રાજ્યોમાં એ ક્ષમતા નથી. જો આપણે તેમને ભારતમાં વિલીન નહીં કરીએ તો પ્રજા જ તેમને ફંગોળી દેશે.’ તેમની ચાલવાની ગતિ જેટલી જ વિચારોની ગતિ પણ તેજ અને છતાં સચોટ હતી. રાજ્યોનું વિલીન થવું જેટલું દેશ માટે જરૂરી હતું એટલું જ રાજાઓ માટે પણ ફાયદાકારક હતું એ આ દીર્ઘદ્રષ્ટા નેતા જોઈ શકતા હતા.

ભારત સ્વતંત્ર થઈ ચૂક્યું હતું અને હૈદરાબાદ, કાશ્મીર જેવાં અવળચંડાં રાજ્યોને બાદ કરતાં બાકીનાં લગભગ બધાં જ રાજ્યોએ હિન્દુસ્તાનને સંરક્ષણ, વિદેશનીતિ અને સંદેશવ્યવહાર સોંપી દીધાં હતાં. હવે આ પૂર્વ તરફનાં રાજ્યોને દેશમાં વિલીન કરવાની જવાબદારી નિભાવવાની હતી. પૂર્વ ભારતનાં આ બધાં રાજ્યો વસ્તી અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ ટચૂકડાં હતાં અને એમની આવકના સ્રોત પણ ઓછા હતા. મહત્વનાં ત્રણ ખાતાં સોંપી દીધા પછી પણ શિક્ષણ, આરોગ્ય, માળખાકીય સુવિધા જેવી અનેક બાબતો આ રાજ્યો સ્વતંત્ર રીતે સંભાળી શકે એમ નહોતાં. ઉપરાંત મોટા ભાગનાં આ રાજ્યોમાં પ્રજામંડળ એટલે કે પ્રજાનું પ્રતિનિધિત્વ કરનારું સંગઠન હતું જે ઇચ્છતું હતું કે રાજાઓ નહીં પણ લોકશાહી ઢબે શાસન આવે. પૂર્વનાં આ રાજ્યોમાં ઓડિશા, છત્તીસગઢ, બિહાર એમ કુલ મળીને ૪૧ દેશી રાજ્યો હતાં. આ ખનિજતત્વોથી સમૃદ્ધ વિસ્તાર હતો અને આદિવાસીઓ મોટા પ્રમાણમાં હતા.

‘હું પણ તમારી સાથે કટક આવું છું.’ થોડી વાર ચૂપચાપ ચાલતા રહ્યા પછી સરદારે અચાનક કહ્યું.

‘મને લાગે છે કે અત્યારે હું જઈને વાટાઘાટો કરું. પછી જરૂર પડે તો તમે આવજો.’ મેનનને લાગતું હતું આ દેશી રાજ્યોના વડાઓ પાસે પહેલાં પોતે એકલાએ જ જવું જોઈએ. જો તેમને સફળતા ન મળે તો સરદારનો હુકમના એક્કા તરીકે ઉપયોગ કરવાની તેમની વ્યૂહરચના હતી. જોકે આ રાજ્યો વિશે મેનન કરતાં સરદારની ગણતરી જુદી જ હતી. હવેના તબક્કે તેમને અડધુંપડધું કશું પણ ખપતું નહોતું. તેમને વિશ્વાસ હતો કે તેઓ પોતે જ આ કાર્ય પૂરું પાડી શકશે.

અલબત્ત, પૂર્વનાં રાજ્યો સાથે વાટાઘાટ કરવા જવા પહેલાં સરદારે દેશના બધા જ રાજાઓને સાલિયાણા તરીકે કેટલી રકમ આપવી એ વિશેની નીતિ તૈયાર કરી લીધી હતી. સાલિયાણાની રકમ માટેની નીતિ નક્કી કરતી વખતે તેમણે પોતાના હાથ નીચેના સ્ટેટ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી વી. પી. મેનન અને અધિકારીઓને કહ્યું હતું, ‘જેમની પાસે સત્તા છે એને છોડી દેવી એ બહુ કઠિન વાત છે. એ તો જે છોડે તેમને જ સમજાય. આપણે તેમના સાલિયાણાની રકમ વિશે નર્ણિય લેતી વખતે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે તેઓ દેશના હિતમાં કેટલો મોટો સ્વાર્થત્યાગ કરી રહ્યા છે. આ રાજાઓ પોતાનું રાજ્ય હંમેશ માટે સોંપી દેવાના છે એ વાત પણ આપણે ભૂલવી ન જોઈએ.’

લાંબી ચર્ચા-વિચારણા બાદ સ્ટેટ ડિપાર્ટમેન્ટે કેટલાક માપદંડ નક્કી કર્યા. દરેક રાજ્યને પહેલા એક લાખ પર પંદર ટકા, ત્યાર પછીના ચાર લાખના દસ ટકા, એના પછી ૭.૫ ટકા અથવા વધુમાં વધુ ૧૦ લાખ આપવાનું નક્કી થયું. સાલિયાણાની રકમ પર રાજાઓએ કોઈ કર ભરવો નહીં પડે એવી જોગવાઈ તેમણે રાખી હતી. રાજ્યની બધી આવક ભારત સરકારને મળે; પણ રાજાઓની ખાનગી મિલકત એટલે કે મહેલો, સોના-ચાંદી-ઝવેરાત અને અન્ય ચીજવસ્તુઓ પર રાજાઓનો પોતાનો જ અધિકાર રહે એવી ખાતરી આપવામાં આવી. એક વાર વિલીનીકરણ થયા બાદ તેમની પાસે પોતાને રાજાઓ કહેવડાવવા સિવાય કોઈ સત્તા રહેવાની નહોતી. એમ છતાં એ હોદ્દો એટલે કે રાજાની ગાદી પર તેમના વંશજો જ બેસે એવી કલમ પણ ઉમેરવામાં આવી હતી. તમામ રજવાડાંઓના વિલીનીકરણ બાદ દેશની તિજોરીમાંથી વાર્ષિક ૨૦ કરોડ રૂપિયા રાજાઓને સાલિયાણાપેટે જવાના હતા, પરંતુ એના બદલામાં રાજ્યો પાસેથી કુલ મળીને લગભગ ચારગણી એટલે આશરે ૭૭ કરોડ રૂપિયાની આવક થવાની હતી, જે સમય જતાં વધવાની સંભાવના હતી; જ્યારે રાજાઓને દર વર્ષે નિશ્ચિત રકમ જ મળવાની હતી. બધાં પાસાંઓને ધ્યાનમાં રાખીને તૈયાર થયેલી આ વ્યવસ્થા પર નાણાપ્રધાન આર. કે. ષણમુખાન ચેટ્ટીએ પણ મંજૂરીના મહોર મારી દીધી.

***

‘નમસ્તે સરદારસાહેબ. ઓડિશામાં આપનું સ્વાગત છે...’ ઍરર્પોટની બહાર નીકળી રહેલા સરદારના ગળામાં ફૂલોનો હાર પહેરાવતા રાજ્યના મુખ્ય પ્રધાન હરિકૃષ્ણ મહાતાબે આવકાર આપતાં કહ્યું.

સરદારે ભાવપૂર્વક તેમનું અભિવાદન સ્વીકાર્યું. ઍમ્બૅસૅડર કારની પાછલી સીટ પર સરદાર અને હરિકૃષ્ણ મહાતાબ તેમ જ આગળની સીટ પર વી. પી. મેનન ગોઠવાયા.

‘અહીંનો માહોલ કેવો છે?’ પરિસ્થિતિનો તાગ મેળવવાના આશયથી સરદારે પૂછ્યું.

‘મયૂરભંજ અને પટના સૌથી મોટાં રાજ્યો છે અને એમણે તો વિલીન થવા માટે સ્પક્ટ ના પાડી દીધી છે. તમે તો જાણો જ છો કે અહીંના બાકીના રાજાઓએ યુનિયન બનાવ્યું છે...’

‘આ યુનિયનને માન્યતા દેવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. એ રાજાઓની મુનસફીથી બન્યું છે, પ્રજાના કહેવાથી નહીં.’ ઓડિશાના મુખ્ય પ્રધાન પહેલાં હરિકૃષ્ણ મહાતાબ તેમના કોંગ્રેસી સાથી હતા. તેમની પાસે સરદારે પોતાનો ઇરાદો વ્યક્ત કરી દીધો.

‘એ લોકો બધો દોર પોતાના હાથમાં લેવા થનગની રહ્યા છે.’

‘જે પોતે જ ટકી એમ નથી તેના હાથમાં લગામ દેવાની મૂર્ખામી હું ન કરી શકું.’ સરદારના મનમાં કોઈ શંકા નહોતી.

મુખ્ય પ્રધાનના બંગલા સુધી પહોંચતાં-પહોંચતાં સરદારે આખી પરિસ્થિતિનો વિશે જાણી અને પોતે શું કરવા ધારે છે એ પણ હરિકૃષ્ણ મહાતાબને જણાવી દીધું.

‘તમે અહીંથી પાછા જશો એ પહેલાં આ બધાં રાજ્યો તમારા ગજવામાં હશે.’ સરદારની વ્યૂહરચના સાંભળ્યા પછી હરિકૃષ્ણ મહાતાબે ખાતરીપૂર્વક કહ્યું.

***

મારા પ્રિય દોસ્તો,

હું અહીં બ્રિટન કે અન્ય કોઈ પરદેશી સત્તાના પ્રતિનિધિ તરીકે નથી આવ્યો. આપણે બધાં એક જ ધરતીનાં સંતાનો છીએ, એક પરિવારના સભ્ય છીએ અને આપણે સાથે મળીને સમસ્યાનો ઉકેલ લાવવાનો છે. હું અહીં તમારા પર ધાક જમાવવા નહીં પણ સમસ્યાનો ઉકેલ લઈને આવ્યો છું. ઓડિશામાં રાજા અને પ્રજા બન્નેની સલામતી જોખમમાં છે. હું મિત્રભાવે તમને સલાહ આપવા માગું છું. અત્યારે તમારી પાસે આવકના સ્રોત નથી, માનવબળ નથી, તમારી પાસે એવું કંઈ નથી જેના આધારે તમે એક સ્થિર સરકારની રચના કરી શકો. પ્રજામાં એક વિશ્વાસપાત્ર સરકારની સખત માગ ઊઠી રહી છે. આવા વખતે કેટલાક શાસકો પ્રજાનાં બે જૂથને લડાવીને પોતાની રોટલી શેકી લેવા માગે છે. પ્રજા તમારી સામે બંડ પોકારે અને તમને ફંગોળી દે એ પહેલાં જો તમે ભારતમાં વિલીન થઈ જશો તો ભારત સરકાર પાસેથી તમને માન-મોભો અને પ્રતિષ્ઠા તો મળશે જ, એની સાથે-સાથે તમારાં હિત પણ સચવાશે. પૂર્વનાં રાજ્યો અત્યારે તો હિન્દુસ્તાનના શરીર પરના અલ્સર જેવાં છે. કાં તો અમે એનો ઇલાજ કરીશું અને નહીં તો નાછૂટકે વાઢકાપ કરવી પડશે.

સરદાર કટકમાં આવ્યા એના બીજા જ દિવસે પૂર્વનાં બધાં જ રાજ્યોની એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં તેઓ ઓડિશના રાજાઓને સમજાવી રહ્યા હતા.

‘જો અમારું રાજ્ય ભારત સરકારમાં વિલીન થઈ જાય તો અમને ઓડિશાની ચૂંટણીઓમાં ઉમેદવારી કરવા મળશે ખરી?’ રણપુર નામના ૫૨૬ ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવતા ટચૂકડા રાજ્યના વીસ વર્ષના યુવાન રાજા બજેન્દ્રચંદ્ર સિંહ દેવે ઊભા થઈને પૂછ્યું.

‘કૂપમંડૂકની જેમ કૂવાના દેડકા બની રહેવાને બદલે અફાટ સમુદ્રના વિશાળ જળમાં તરવા માટે તમારું સ્વાગત છે.’ સરદારે તેમની લાક્ષણિક શૈલીમાં તરત ઉત્તર આપ્યો. આ યુવાન રાજા સહિતના બધા જ રાજાઓને સૌથી વધુ ચિંતા તેમને સાલિયાણા પેટે કેટલી રકમ મળશે એ જાણવાની હતી. સાલિયાણાના ધારાધોરણ વિશેની માહિતી મેનને બધાને આપી.

વક્તવ્ય આપ્યા પછી સરદારે અને મેનને આ રાજાઓ સાથે વ્યક્તિગત વાતચીતમાં પણ સામ, દામ, દંડ, ભેદથી સમજાવવાની કોશિશ કરી. સાલિયાણાની રકમ વધારવા માટે દેશી રાજ્યો સોદાબાજી કરવાની કોશિશ કરી રહ્યાં હતાં.

‘આ કંઈ એક વખત માટે નથી, પણ આ રકમ તમને વર્ષોવર્ષ મળતી રહેવાની છે. મારે એટલો મોટો આંકડો પણ નક્કી નથી કરવો કે જેને કૅબિનેટ નામંજૂર કરે.’ સરદારે રાજાઓને સમજાવટની ભાષામાં કહ્યું.

‘સરદારસાહેબ, અમને વિચારવાનો સમય જોઈએ છે.’ એક રાજાએ બધા વતી કહ્યું.

‘તમે સમય માગી રહ્યા છો પણ તમારી પોતાની અને તમારી પ્રજાની સલામતી જોખમમાં છે. પ્રજાની ઇચ્છા ભારતમાં સંપૂર્ણપણે વિલીન થવાની અને લોકશાહી અપનાવવાની છે. તમે જો તેમની માગણી પૂરી નહીં કરો તો તમે એમને વશમાં નહીં રાખી શકો. બીજી બાજુ જો તમે સંઘરાજ્યમાં જોડાઈ જશો અને સત્તા તેમ જ અધિકાર આપી દેશો તો એ તમારા ભલા માટે પણ છે, પરંતુ ભારતમાં જોડાવાનો ઇનકાર કર્યા બાદ જ્યારે લોકો તમને તગેડી મૂકે ત્યારે મારી મદદ માગવા દિલ્હી આવશો તો હું તમારા માટે એ વખતે કંઈ નહીં કરી શકું.’ રાજાઓના હઠીલા વલણથી કંટાળેલા સરદારે આખરનામું આપી દીધું.

સોદાબાજી પર ઊતરેલા રાજાઓનું માપ સરદારે કાઢી લીધું હતું. ‘આ બધા રાજાઓ સુધ્ધાં જાણે છે કે વિલીનીકરણ સિવાય તેમની પાસે અન્ય કોઈ વિકલ્પ નથી. એમ છતાં સમય વેડફી રહ્યા છે. જો અમે અહીંથી નાગપુર ખાલી હાથે જઈશું તો ત્યાંના રાજાઓ પણ સોદાબાજી કરશે અને જો આ લોકો પર બળજબરી કરીશું તો ત્યાં ખોટો સંદેશો જશે.’ રાજાઓ પોતાનું હિત પણ સમજતા ન હોવાથી વ્યથિત સરદારે હરિકૃષ્ણ મહાતાબ પાસે પોતાની વ્યથા ઠાલવી.

આ પણ વાંચો : સરદારઃ ધ ગેમ-ચેન્જર (પ્રકરણ 23)

ઉતારા પર પહોંચ્યા બાદ સરદાર અને મેનને વાતચીત કરી. ત્યાર પછી સરદાર ઊંઘવા જતા રહ્યા. રાતના લગભગ બાર વાગ્યે ઓડિશા વિસ્તારના ધેનકેનાલના મહારાજા શંકર પ્રતાપ સિંહ દેવ મહેન્દ્રના નિવાસ્થાનનો ફોન રણક્યો.

‘વી. પી. મેનન બોલું છું...’ (ક્રમશ:)

તમે સમય માગી રહ્યા છો પણ તમારી પોતાની અને તમારી પ્રજાની સલામતી જોખમમાં છે. પ્રજાની ઇચ્છા ભારતમાં સંપૂર્ણપણે વિલીન થવાની અને લોકશાહી અપનાવવાની છે. તમે જો તેમની માગણી પૂરી નહીં કરો તો તમે એમને વશમાં નહીં રાખી શકો. બીજી બાજુ જો તમે સંઘરાજ્યમાં જોડાઈ જશો અને સત્તા તેમ જ અધિકાર આપી દેશો તો એ તમારા ભલા માટે પણ છે, પરંતુ ભારતમાં જોડાવાનો ઇનકાર કર્યા બાદ જ્યારે લોકો તમને તગેડી મૂકે ત્યારે મારી મદદ માગવા દિલ્હી આવશો તો હું તમારા માટે એ વખતે કંઈ નહીં કરી શકું. - રાજાઓના હઠીલા વલણથી કંટાળેલા સરદારે આપેલું આખરનામું

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK