કથા સપ્તાહ : હમારી અધૂરી કહાની (3)

રશ્મિન શાહ - કથા સપ્તાહ | Jun 12, 2019, 10:25 IST

કામ મળી જશે અને કામ શોધી પણ લેવાશે એવી માનસિકતા સાથે જ ઝીનતે ઍરપોર્ટથી આદિત્યને ખુશનુમા મિજાજ સાથે ફોન કર્યો હતો.

કથા સપ્તાહ : હમારી અધૂરી કહાની (3)
પ્રતીકાત્મક તસવીર

કથા સપ્તાહ

‘સર, ગૉડ પ્રૉમિસ, મને કાંઈ ખબર નથી... મારે માટે તો આ પણ એક શૅડબૅક છે કે...’

આદિત્યની આંખો સૂજેલી હતી, આંખોમાં રતાશ હતી અને રાતી થઈ ગયેલી એ આંખો નીચે આવેલા હોઠ પર એક નાનકડો કાપો પણ હતો. અતુલે આદિત્યના ચહેરા પર પડેલા એ કાપા પર આંગળી મૂકી એને જોરથી દબાવ્યો. આદિત્યથી સહેજ ઊંહકારો નીકળી ગયો. ઊંહકારો મોટો થયો હોત, જો એ ઘા પર દબાણ મૂકવાનું કામ કોઈ પોલીસ ઇન્સ્પેક્ટરે ન કર્યું હોત.

‘બહુ દુખે છે?’ આદિત્ય કંઈ જવાબ આપે એ પહેલાં જ અતુલે બીજો સવાલ પણ પૂછી લીધો, ‘ઝીનતે માર્યું કે પછી ઝીનતે જાતને બચાવવા જતાં તને વાગી ગયું...’

‘ના, સર...’

સટાક...

ગાલ પર થપ્પડની સાથે કાનમાં વૉર્નિંગ પણ આવી ગઈ.

‘ખોટી વાતનો કોઈ અર્થ નથી સરતો. ઘટના શું બની એ કહે.’

‘સર, પ્લીઝ... આઇ ડોન્ટ નો એનિથિંગ.’

આદિત્યની આંખમાં આંસુ અને આંખ સામે એ ભૂતકાળ જે ભૂતકાળે તેને સાચવી લેવાનું કામ કર્યું હતું.

***

‘આઇ ઍમ સૉરી બેબી...’ ફોન પર ઝીનતે ધીમેકથી પણ પૂરા લાડ અને પ્રેમ સાથે કહ્યું હતું, ‘પ્લીઝ, આઇ લવ યુ... આઇ વિલ નેવર રિપીટ અગેઇન. ગૉડ પ્રૉમિસ.’

ફટાકડાના ‘ફ’વાળી અંગ્રેજી ગાળ આદિત્યના મોઢામાંથી નીકળી.

‘તું એક પણ શબ્દ નહીં બોલતી... પહેલાં તારી જાતને સુધારવાનું કામ કર.’

‘આઇ વિલ ડુ, પ્રૉમિસ. તું કહે હું શું કરું? યુ જસ્ટ સે...’

‘આઇ વૉન્ટ યુ. રાઇટ નાઉ.’

‘બેબી, યુ નો ના... હું અત્યારે હૈદરાબાદ છું. શૂટ ચાલે છે. લિસન, ચાર દિવસની જ વાત છેને. હું ત્રીજા દિવસે રાતે જ આવી જઈશ. પ્રૉમિસ.’

ફોન કટ થઈ ગયો. ફોન આદિત્યે કટ કરી નાખ્યો હતો. શૉટ રેડી હતો અને ચાર વખત બોલાવવા માટે અસિસ્ટન્ટ પણ આવી ગયો હતો. ઝીનતે વધુ એક વાર રિક્વેસ્ટ કરીને પાંચ મિનિટનો ટાઇમ લીધો અને આદિત્યને ફોન લગાડ્યો.

એક, બે, ત્રણ...

ત્રણ કૉલ મિસ્ડ થયા પછી ચોથી વખત આદિત્યે ફોન રિસીવ કર્યો.

‘બેબી, પ્લીઝ...’

ઝીનતની આંખમાં આંસુ આવી ગયાં હતાં, જે આદિત્યને દેખાયાં નહોતાં અને દેખાયાં હોત તો પણ તેને કોઈ ફરક પડવાનો નહોતો.

‘તું આવું કરશે તો પછી હું કામ કેવી રીતે કરીશ... ઍન્ડ યુ નો ના, આપણે કામ કરવાનું છે. ઍટલિસ્ટ આપણી સ્ટૅબિલિટી માટે આપણે કામ કરવાનું છે.’

‘સ્ટૅબિલિટીની વાત ત્યારે આવે જ્યારે રિલેશન ટકવાનાં હોય.’

‘હંઅઅઅ... રાઇટ. સો નાઉ વૉટ શૂડ આઇ ડુ, સે...’

‘આઇ વૉન્ટ યુ... રાઇટ નાઉ.’

ઝીનત બે કલાક પછી હૈદરાબાદથી મુંબઈ આવવા નીકળી ગઈ હતી. ફિલ્મ તેણે છોડવી પડી હતી, પણ એની સામે તેનો કોઈ વિરોધ નહોતો. કામ મળી જશે અને કામ શોધી પણ લેવાશે એવી માનસિકતા સાથે જ ઝીનતે ઍરપોર્ટથી આદિત્યને ખુશનુમા મિજાજ સાથે ફોન કર્યો હતો.

‘ફ્લાઇટમાં એન્ટર થઈ રહી છું... ઍરપોર્ટ આવે છેને?’

‘એ હેલો...’ આદિત્ય ચિલ્લાયો હતો, ‘તારું સ્ટારડમ મને દેખાડવાની જરૂર નથી, ટૅક્સી છે, આવી જા ઘરે...’

‘ઓકે...’ આંસુથી છલકાયેલી આંખ કોઈ જોઈ ન લે એ માટે ઝીનતે ગૉગલ્સ આંખો પર અકબંધ રહેવા દીધાં, ‘નો ઇશ્યુ બેબી.’

‘ઓકે...’

‘આદી, એક વાત કહું?’

‘હવે શું છે, જલદી બોલ?!’

‘આઇ લવ યુ’ કહેવાની હિંમત ઝીનતમાં રહી નહીં. તેણે ફરી એક વખત હસતા મોઢે વાતનો ટૉપિક બદલી નાખ્યો.

‘ઍરહૉસ્ટેસ ઍડ્વાઇઝ્ડ ટુ સ્વિચ ઑફ મોબાઇલ.’

‘ઓકે...’

ટક... ટક... ટક...

બાય સાંભળવાની અપેક્ષા અધૂરી રહી ગઈ અને આદિત્યએ ફોન કટ કરી નાખ્યો. હડધૂત થયાની ફીલિંગ્સ ઝીનતના આખા શરીરમાં ચટકા ભરવા માંડી અને એ જ સમયે ફ્લાઇટને જોરથી ઝટકો લાગ્યો.

ફ્લાઇટ ટેક-ઑફ થઈ રહી હતી અને ઝીનતની જિંદગી પણ...

***

પ્રિય ડાયરી,

હડધૂત થવાની હવે આદત પડતી જાય છે. ખબર નહીં, પણ સતત એવું લાગ્યા કરે છે કે ભૂલ બધી મારી જ હોય છે. મને લાગે છે કે હું ભલે દુનિયાની નજરમાં સ્ટાર હોઉં પણ રિયલ લાઇફમાં મારી કોઈ વૅલ્યુ નથી. સંબંધો કઈ રીતે રાખવા જોઈએ અને એ સંબંધોને કઈ રીતે નિભાવવા જોઈએ એની કોઈ સમજણ મારામાં હોય એવું મને લાગતું નથી. દરેક વાતમાં, દરેક જગ્યાએ, દરેક ચર્ચામાં મારો જ વાંક હોય છે. ઘરની બહાર નીકળું તો મારી ભૂલ અને ઘરમાં રહું તો પણ મારી ભૂલ. કોઈની સાથે વાત કરું તો મારી ભૂલ અને કોઈની સાથે બોલું નહીં તો પણ મારી ભૂલ. હું શું કરું, મને પ્લીઝ સમજાવ. મને સમજાવ અને જો મને સમજાવી ન શકે તો તારી પાસે બોલાવીને મને તારા જેવી નિર્જીવ બનાવી દે, નથી જોઈતી આવી જિંદગી, જેમાં હું સતત બધાને દુખી કરતી હોઉં.

જાઉં છું અત્યારે, પહેલાં જ્વેલરી શૉપમાં જવાનું છે. ASને પૈસાની જરૂર છે અને હવે મારી પાસે પણ લાસ્ટ નેકલેસ જ બાકી વધ્યો છે. જો મમ્મીને ખબર પડશે તો મારી હાલત ખરાબ થઈ જશે. શું કરું એની સમજ નથી પડતી. હેલ્પ કરવા માટે હું હંમેશાં તૈયાર હોઉં છું, પણ એ હેલ્પ લીધા પછી એનો ઉપયોગ બીજા માટે થતો મને દેખાઈ રહ્યો છે. મારે શું કરવું જોઈએ? કોઈની ખરાબ હાલતને ધ્યાનમાં રાખવી જોઈએ કે પછી કોઈ, કરવામાં આવેલી હેલ્પનો મિસયુઝ કરી રહ્યું છે એ જોવું જોઈએ.

વિચારીશ આના પર અને પછી નિર્ણય લઈશ. જાઉં છું, અત્યારે.

બાય.

***

‘કેટલી હેલ્પ લીધી છે ઝીનત પાસેથી?’

‘સર... એક્ઝૅક્ટ તો નથી ખબર પણ...’

સટાક.

ઇન્સ્પેક્ટર અતુલે આદિત્યની આંખમાં જોયું.

‘જલદી જવાબ આપ, સાચો જવાબ આપ... કેટલી હેલ્પ લીધી છે?’

‘ઑલમોસ્ટ ૧૫થી ૨૦ લાખની. વધારે હોય તો... કદાચ નહીં હોય.’ આદિત્યની આંખો હવે સુકાઈ ગઈ હતી, ‘આઇ ઍમ

સૉરી સર...’

સટાક.

સટાક.

સટાક.

‘પંદર-વીસ લાખ...’ અતુલ દેશમુખની આંખ સામે તારા નાચતા હતા, ‘સાલા, તારા બાપની પણ આટલી આવક છે અત્યારે?!’

અતુલ દેશમુખે ગાયતોંડેને અંદર બોલાવ્યો. ગાયતોંડે અંદર આવ્યો. સામાન્ય રીતે તેનું ધ્યાન અતુલ પર હોવું જોઈએ, પણ અત્યારે તેનું ધ્યાન આદિત્ય સૂરજ પર હતું. એક સમયના સ્ટાર સૂરજ કપૂરનો દીકરો આદિત્ય. ગમે ત્યારે ફિલ્મોમાં આવીને સ્ટાર બની જવાનો છે આદિત્ય.

‘એય... સાલે, ક્યા દેખતા હૈ ઉસકો.’

‘જી... જી સા’બ... સૉરી સા’બ’

અતુલ દેશમુખની ખરેખર કમાન છટકી ગઈ.

‘સાલા, હર કોઈ સૉરી બોલતા હૈ. કુછ ભી કરો... બોલ દો સૉરી.’

અતુલે બાજુમાં પડેલી કાચની ટિપાઈ ઊંચકીને એ જોરથી આદિત્યના માથા પર ઠોકી દીધી. આદિત્યના માથામાંથી લોહી નીકળવા માંડ્યું. લોહી જોઈને અતુલ હેબતાઈ ગયો હોય એમ આદિત્ય પાસે જઈને બેસી ગયો.

‘સૉરી... આઇ ઍમ રિયલી સૉરી.’

‘ઓકે... ઓકે, સર. નો ઇશ્યુ.’

સટાક.

‘સાલા, આ જ રીતે, પેલી જ્યારે બિચારી પ્રેમથી વાત કરતી અને પોતાના વાંક વિના ‘સૉરી’ કહેતી ત્યારે અક્કલ ક્યાં ઘૂસી ગઈ હતી, પૂંઠમાં?’ અતુલે ધૂંધવાટ વચ્ચે જ વધુ એક થપ્પડ આદિત્યના ગાલ પર જડી દીધી, ‘હરામખોર...’

રૂમની બહાર નીકળતાં પહેલાં અતુલે એ દિવસે ઑર્ડર કરી દીધો હતો.

‘ગાયતોંડે, પેપર્સ અહીં જ કરી લે... આદિત્યની અરેસ્ટ કરીને તેને પોલીસ-સ્ટેશન લઈને આવી જા.’

‘સાહેબ, કલમ...’

આદિત્ય પણ બોલ્યો: ‘પ્લીઝ સર... મારો કોઈ વાંક નથી.’

‘લખ, ઝીનતને જિંદગીથી નફરત થઈ જાય એટલી હદે ખરાબ વર્તન કરવા બદલ અને ઝીનતને માનસિક ટૉર્ચર કરી તેને સુસાઇડ સુધી ખેંચી જવા બદલ...’ અતુલને અચાનક જ યાદ આવ્યું હોય એમ તેણે કહી પણ દીધું, ‘આ નીચને લઈને બહાર નીકળતાં પહેલાં બધી ટીવી-ચૅનલના રિપોર્ટરને પણ ફોન કરીને બોલાવી લે. સાલો, કપડાં સહિત નાગો થઈ જવો જોઈએ.’

એવું જ કરવામાં આવ્યું હતું.

આદિત્ય સૂરજની રેસ્ટના ન્યુઝ જેટસ્પીડે ન્યુઝ-ચૅનલ સુધી પહોંચતા કરવામાં આવ્યા અને એ પહોંચ્યા પછી બધા રિપોર્ટરની હાજરીમાં તેની અરેસ્ટ કરી વરસોવા પોલીસ-સ્ટેશન લઈ જવામાં આવ્યો. થોડી જ મિનિટોમાં ન્યુઝ-ચૅનલ પર બ્રેકિંગ ન્યુઝ શરૂ થઈ ગયા હતા અને ન્યુઝ-ચૅનલની બીજી ટીમ વરસોવા પોલીસ-સ્ટેશને મોકલી દેવામાં આવી હતી. ન્યુઝ-રિપોર્ટર્સ જ્યારે વરસોવા પોલીસ-સ્ટેશન પહોંચ્યા ત્યારે ઇન્સ્પેક્ટર અતુલ દેશમુખ ઝીનતની ડાયરીનાં અંતિમ પેજ ઊથલાવી રહ્યો હતો.

***

પ્રિય ડાયરી,

આજે RSને મળી. કોઈને ખબર નથી કે હું તેને મળવા ગઈ હતી. સાચું કહું તો બહુ બધા મહિનાઓ પછી એવું લાગ્યું કે હું મને મળી. એકદમ આઝાદી સાથેની એ વાતો હતી અને પૂરતી સ્વતંત્રતા હતી. વાતવાતમાં મારાથી તેને કહેવાઈ પણ ગયું કે હું થપ્પડ મારીશ. તેણે હા પાડી અને મેં મારી પણ દીધી. જો આ જ વર્તન બીજા કોઈ સાથે થયું હોત તો શું બન્યું હોત એની મારાથી કલ્પના પણ થઈ નથી શકતી. ભૂકંપ આવી ગયો હોત. હું ઇચ્છું કે મારી સાથે જે જોડાયેલું છે એ બીજું કંઈ ન કરે, પણ બસ, માત્ર RS જેવા બનવાની કોશિશ કરે. મારી બીજી કોઈ ઇચ્છા નથી. આખી જિંદગી દાસી બનીને કામ કરવા અને તેનું બધું જ ચલાવી લેવા હું તૈયાર છું, પણ બસ એક વાર તે એવી કોશિશ કરે કે મને ‘હું’ રહેવા દે.

અત્યારે જાઉં છું. તારી સાથે જોડાયેલું આ એક પેજ બેત્રણ દિવસમાં ફાડી નાખીશ. મનની વાત કહેવાની બહુ ઇચ્છા હતી એટલે તને કહી દીધી, પણ મનની વાત સાંભળનારાઓ આજુબાજુમાં નથી એટલે તારામાં લખાયેલું મારું આ ચૅપ્ટર તારાથી અલગ કરીને એને સળગાવી દઈશ. આમ પણ અત્યારે તો એવી સિચુએશન છે કે RSનું નામ આવે તો પણ કેટલાક સળગી જાય છે.

બાય.

***

આ પણ વાંચો : કથા સપ્તાહ : હમારી અધૂરી કહાની (2)

‘સર, બધું ચેક કરી લીધું, પણ R અને S લેટરથી કોઈ નામ નથી. મોબાઇલની મેમરીમાંથી ડિલીટ પણ નથી કરવામાં આવ્યું.’

‘દેખ ઢંગ સે દેખ, યે બંદા ઝરૂરી હૈ, બહોત ઝરૂરી હૈ.’ ઇન્સ્પેક્ટરે બંધ આંખોથી જ ગાયતોંડેને કહ્યું, ‘યે મિલ ગયા તો માન યે કેસ સૉલ્વ હો ગયા ગાયતોંડે.’ (ક્રમશઃ)

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK