કથા સપ્તાહ : હમારી અધૂરી કહાની (2)

રશ્મિન શાહ - કથા સપ્તાહ | Jun 11, 2019, 10:34 IST

ઇન્સ્પેક્ટરે ડાયરી બંધ કરીને સૅનિટરી પૅડનું પૅકેટ ફરીથી પ્લાસ્ટિકની બૅગમાં મૂક્યું અને એ બૅગ વૉર્ડરોબમાં મૂકી દીધી. વૉર્ડરોબને ફરીથી લૉક કરતી વખતે અતુલ દેશપાંડેનું દિમાગ દોડવું શરૂ થઈ ગયું હતું. કેટલાક પ્રશ્નો તેની સામે અસ્થાયી રૂપથી આવી ગયા હતા.

કથા સપ્તાહ : હમારી અધૂરી કહાની (2)
પ્રતીકાત્મક તસવીર

કથા સપ્તાહ

વૉર્ડરોબનાં ખાનાં ફંફોસતાં ઇન્સ્પેક્ટર અતુલ દેશમુખના હાથમાં અનાયાસ જ એક પ્લાસ્ટિકની બૅગ આવી ગઈ. અતુલે એ બૅગમાં હાથ નાખ્યો તો એમાંથી એક પૅકેટનો સ્પર્શ થયો. અતુલે પૅકેટ હાથમાં લીધું.

સ્ટેફ્રી સૅનિટરી પૅડ.

‘ઓહ.’

એક આછા ઉદ્ગાર સાથે ઇન્સ્પેક્ટરે ફરીથી એ પૅકેટ બૅગમાં મૂક્યું, પણ એ મૂક્યા પછી અતુલની આંખની બન્ને ભ્રમર એક થઈ અને કપાળ પર કરચલી પડી. તેણે ફરીથી એ પૅકેટ બહાર કાઢી, પૅકેટની અંદર હાથ નાખ્યો.

અતુલના હાથમાં બેચાર સૅનિટરી પૅડ આવ્યાં પણ એ પૅડની સાથે તેના હાથમાં એક ડાયરી પણ આવી. અતુલે ડાયરીના કવર પર નજર કરી. મોટા ફૂલની ડિઝાઇનવાળા કવરપેજ પછીના પેજ પર મોટા અક્ષરે લખ્યું હતું: મી ઍન્ડ માય લાઇફ.

પર્સનલ ડાયરી જેવી ઇમ્પ્રેશન આપતી એ ડાયરીનાં બેચાર પેજ અતુલે ખોલ્યાં અને એક પેજ પર લખેલી વાત તેણે વાંચવાની શરૂઆત કરી.

પ્રિય ડાયરી,

આજે ફરી વાર તારી નજીક આવવાનું મન થયું છે. સંજોગો બહુ ખરાબ ચાલી રહ્યા છે. મારી સાથે વાત કરવામાં તેને તકલીફ છે અને હું કોઈ સાથે વાત કરું તો એ વાતની પણ તેને તકલીફ છે. તું જ કહે, હું શું કરું? મને લાગે છે કે મારે ચૂપ રહેવું જોઈએ.

પેલું હિન્દુઓમાં હોય છેને એવું... મૌનવ્રત લેવું જોઈએ.

ઝીનતની ડાયરીનાં થોડાં પેજ ઉતાવળમાં ફેરવીને ઇન્સ્પેક્ટર અતુલ દેશપાંડેએ ડાયરીના નવા પેજ પર નજર કરી.

પ્રિય ડાયરી,

આજનો દિવસ બહુ જ સરસ છે. કોઈએ મારા બર્થ-ડે પર પહેલી વાર પ્લાન કર્યો છે. આઇ ઍમ સો હૅપી, પહેલી વાર. મારો બધો પ્લાન એને ધ્યાનમાં રાખીને થાય, પણ આજે પહેલી વાર મને ધ્યાનમાં રાખવામાં આવી છે. પ્લીઝ, આ જે હૅપિનેસ છે એને અકબંધ રાખજે અને મારા પર નજર નહીં લગાડતી. અત્યારે જાઉં છું, રાતે ફરી મળીએ. આખો દિવસ શું કર્યું એની વાત કહીશ તને.

ઇન્સ્પેક્ટરે ડાયરી બંધ કરીને સૅનિટરી પૅડનું પૅકેટ ફરીથી પ્લાસ્ટિકની બૅગમાં મૂક્યું અને એ બૅગ વૉર્ડરોબમાં મૂકી દીધી. વૉર્ડરોબને ફરીથી લૉક કરતી વખતે અતુલ દેશપાંડેનું દિમાગ દોડવું શરૂ થઈ ગયું હતું. કેટલાક પ્રશ્નો તેની સામે અસ્થાયી રૂપથી આવી ગયા હતા.

જ્વેલરી બૉક્સ ખાલી છે. શું કામ?

ડાયરી એવી ચીજ સાથે સંતાડવામાં આવી છે જે ચીજ કોઈના હાથમાં આવે તો પણ તરત જ મૂકી દેવામાં આવે. શું કામ?

ગળાફાંસો ખાઈને જો કોઈ જીવ આપે તો એની સીધી આડઅસરરૂપે ચહેરો વિકૃત થઈ જાય. ઝીનતનો ચહેરો અકબંધ રહ્યો કેવી રીતે?

અતુલ દેશપાંડેએ ઘર છોડ્યું ત્યારે રાતે પોણાબાર વાગ્યા હતા. તેનું મન અને ધ્યાન ડાયરીમાં અટવાયેલું હતું. કેઈએમ હૉસ્પિટલે ફોન કરીને પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં જોઈતી વિગતો લખાવી દેવામાં આવી હતી. હવે જેકોઈ કામ શરૂ થવાનું હતું એ કામ પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવે એ પછી એટલે કે સવારે શરૂ થવાનું હતું. સવાર સુધીનો સમય શાંતિપૂર્ણ હતો. આ શાંતિપૂર્ણ સમયમાં ઝીનતની ડાયરી વાંચી લેવી.

શક્ય છે આ ડાયરી સુસાઇડ-કેસને એક નવી દિશા આપી જાય. મૂકવામાં આવેલી ધારણા ખોટી નહોતી. ડાયરીએ ઝીનત ખાનના સુસાઇડ-કેસ પર પ્રકાશ પાડવાનું શરૂ કર્યું અને પડી રહેલા એ પ્રકાશ વચ્ચે અતુલ દેશપાંડે સામે બે એવી વ્યક્તિને લઈ આવવાનું કામ કર્યું જેમને સામે આવવામાં ભાર પડી રહ્યો હતો.

MS અને AS

મૌલિક શિંદે અને આદિત્ય સૂરજ.

એક પ્રોડ્યુસર અને એક સ્ટ્રગલર.

*****

‘મિસ્ટર મૌલિક, તમારી વાત હું માનવા તૈયાર થઈ ગયો હોત, પણ એવું કરવામાં મારું મન માનતું નથી...’ ઇન્સ્પેક્ટર અતુલ દેશપાંડેએ મૂવીટોન્સની ઑફિસમાં જ સ્પષ્ટતા કરી લીધી હતી, ‘ઝિનતને ઇન્ડસ્ટ્રીમાં લઈ આવવાનું કામ તમે કર્યું પણ એ કરવા પાછળ તમારો ઇન્ટરેસ્ટ સીધો અને સરળ નહોતો. યુ વૉન્ટેડ ટુ એજૉય વિથ ઝીનત...’

‘તમે મારા પર આરોપ મૂકી રહ્યા છો ઇન્સ્પેક્ટર...’ મૌલિક શિંદેનો અવાજ મોટો થયો, ‘તમને ખબર છે હું કોણ છું?’

‘અનફૉર્ચ્યુનેટલી યસ, ખબર છે...’ અતુલ દેશપાંડેએ સહેજ પણ શરમ રાખ્યા વિના કહ્યું, ‘એક એવી વ્યક્તિ, જેની જીભ પર સંબોધન ‘બેટી’ શબ્દનું હોય છે, પણ નજર છોકરીની છાતી પર હોય છે.’

‘ઇન્સ્પેક્ટર...’

મૌલિક શિંદેએ રાડ પાડી, પણ એ રાડના પડઘા હજી તો શમ્યા નહોતા ત્યાં જ અતુલ દેશપાંડેએ કમરમાં લટકતી રિવૉલ્વર કાઢીને સીધી તેના ખુલ્લા મોઢામાં મૂકી દીધી.

‘અવાજ મોટો નહીં કરતો... ઊંચા અવાજથી મારો હાથ ધ્રૂજી જાય છે અને જો અત્યારે હાથ ધ્રૂજશે તો જડબું તારું ફાટશે.’

ઉંઉઉ... હુહુહુ... ઉંઉઉ

રિવૉલ્વર હટાવવા માટે મૌલિક શિંદેએ હાથથી જ ઇશારા કરવાના તો શરૂ કર્યા પણ સાથોસાથ તેનું પેન્ટ પણ ભીનું થવા માંડ્યું. આ પ્રકારનાં દૃશ્યો તેણે પોતાની ફિલ્મમાં શૂટ કર્યાં હતાં પણ રિયલ લાઇફમાં આવો સીન તેણે જોવો પડશે એવું સહેજ પણ મૌલિકે ધાર્યું નહોતું.

‘ઝીનત ખાનને લંડનથી ઇન્ડિયા લઈ આવવાનું કામ તો તેં કર્યું પણ એ કર્યા પછી તેં ઝીનતને પ્રેગ્નન્ટ કરી, એક એવી છોકરીની સાથે તેં સંબંધ બાંધ્યા જેની ઉંમર પણ ૧૭ વર્ષની અને એટલું જ નહીં

તેં...’ અતુલે ગળામાંથી થૂંક જીભ પર લીધું અને જોરથી અતુલના મોઢા પર ફેંક્યું, ‘તેં સાલા, એ છોકરીને તારા ઓળખીતા

હતા એ બધા પાસે પણ મજા કરાવવા મોકલી. સાલા, દલાલ...’

‘મેં નહીં, મને તો ઍક્ટરે કહ્યું હતું...’

‘ઍક્ટર એટલે... એ બુઢ્ઢાએ, ભાન છે તેની દીકરીની ઉંમરની હતી ઝીનત?!’

‘હા, ત... ત... તમને ખબર નથી, તે બહુ મોટો શોખીન છે. જો આવું કંઈ મળવાનું હોય તો જ ફિલ્મ માટે ‘હા’ પાડે છે.’

અતુલ દેશપાંડેના કાનમાં એ બધા ડાયલૉગ ગુંજવા લાગ્યા જે ડાયલૉગ સાંભળીને તે મોટો થયો હતો. જે ડાયલૉગ્સે તેને પોલીસ-ડિપાર્ટમેન્ટમાં આવવા માટેની પ્રેરણા આપી હતી અને એ જ ડાયલૉગ્સ હવે તેને મા-બહેનની ગાળો સમાન લાગવા માંડ્યા હતા.

‘હરામીઓ, તમારા કરતાં તો રંડીના દલ્લા સારા...’ અતુલ દેશમુખ બીજી વખત મૌલિક શિંદેના ચહેરા પર થૂંક્યો, ‘પ્રેમના નામે કૉલેજના છોકરાઓ પણ ન કરે એવી હરકત કરતાં પણ તમે લોકો ખચકાતા નથી.’

ઇન્સ્પેક્ટર દેશપાંડે મૂવીટોન્સની ઑફિસમાંથી જેવો બહાર ગયો કે તરત મૌલિકે પોતાના ચહેરા પરથી થૂંક સાફ કર્યું હતું. ફરીથી તેણે પણ પોતાના આછા થઈ ગયેલા વાળ પર એક વાર કાંસકો ફેરવી લીધો હતો. અદાકારી કરાવી શકનારા આ ડિરેક્ટર-પ્રોડ્યુસરને સહેજ પણ તકલીફ નહોતી પડી. હા, આઉટલૂક સુધારી લીધા પછી પણ તે અંદરથી અપસેટ હતો. મનમાં ડર પણ હતો જે ફફડાટથી તેનું બ્લડપ્રેશર વધી ગયું હતું અને ઍરકન્ડિશનના વાતાનુકુલિત વાતાવરણ વચ્ચે પણ પરસેવો તેના ચહેરા પર આવવા માટે ટળવળવા માંડ્યો હતો. બહાર આવવા મથતા એ પરસેવાને બહાર આવતાં રોકવાના હેતુથી જ મૌલિક શિંદેએ મોબાઇલ ઊંચકીને ટેન્શન બીજાના શિરે થોપવાનું કામ આદરી દીધું.

‘સર, પુલીસ આયી થી... ઝીનત કે બારે મેં પૂછતાછ કરને.’

સામેથી પ્રશ્ન આવ્યો કે તરત જ મૌલિકે સ્પષ્ટતા કરવી પડી.

‘અરે, મર જાઉં તો ભી ઐસા મૂંહ સે થોડી ના નિકલેગા સર. આપકા નમક ખાયા હૈ, આપ હી કી બદૌલત પે તો ટીકા હૂં સા’બ...’ મૌલિકને સધિયારો મળે એવો જવાબ આવ્યો એટલે તેણે પોતાની

અંતિમ વાત પણ સમયને માન આપીને કરી લીધી, ‘સર, વો એક સ્ક્રિપ્ટ ભેજી હૈ, દો હફ્તે હો ગયે... કોઈ જવાબ નહીં આયા આપકે વહાં સે.’

જવાબ મૌલિક શિંદેના ફિક્કા પડી ગયેલા ચહેરા પર ચમક લાવવાનું કામ કરી ગયો.

‘જી સર, સ્યૉર સર. આજ હી ભીજવા દેતા હૂં સાઇનિંગ...’

મોબાઇલ ડિસકનેક્ટ કર્યા પછી મૌલિકે પહેલાં મનોમન બાલાજીને યાદ કર્યા અને એ પછી મનોમન ઇન્સ્પેક્ટર અતુલ દેશમુખનો પણ આભાર માની લીધો.

બેટે, અચ્છા હુઆ, તું આયા. સરને સ્ક્રિપ્ટ પઢે બીના હી હા બોલ દી...

*****

પ્રિય ડાયરી,

હું તારી સાથે પ્રામાણિક રહેવા માગું છું. મને ઇચ્છા છે કે હું તને એ બધું પણ કહું જે હું કોઈને કહી નથી શકતી. મનમાં આવતી ગાળો વિશે પણ તારી પાસે વાત કરું અને કોઈને માટે મનમાં જન્મતી ઇચ્છાઓ પણ હું તને કહું. સારી ઇચ્છા અને ખરાબ ઇચ્છા પણ કહું તને, કોઈને જોઈને તેને કિસ કરવાનું મન થઈ આવ્યું હોય તો એ પણ તને ખુલ્લા મને કહી દઉં અને કોઈને જોઈને તેની સાથે કોઈ જાતના અટેચમેન્ટ વિના એક વખત સૂવાનું મન થયું હોય તો એ પણ તને કહી દઉં. કોઈની ચોક્કસ જગ્યામાં મિર્ચી ચડાવી દેવાનું મન થતું હોય તો એ પણ તને કહી દઉં. તારી પાસે હું એવી જ રહું, જેવી છું કે જેવી હોઉં. મારા ગુસ્સાની પણ તને ખબર પડવી જોઈએ અને મારી વાસનાની પણ તને ખબર પડવી જોઈએ. મારું અંગ અંગ બનાવીને રાખું તને... પણ એ નથી થઈ શકતું મારાથી. જેની સાથે જોડાઈ ચૂકી છું એ એવું માને છે કે હવે તેનો મારા પર પૂરો અધિકાર છે. એવો અધિકાર જાણે હું ટીવીનું રિમોટ હોઉં અને એ તેની મરજી મુજબ મને વાપરી શકે, ઘા કરી શકે, ફેંકી શકે, તોડી શકે, માથે ચડીને બેસી શકે અને ગુમ પણ કરી શકે. મારી પ્રિય ડાયરી, હું ગુમ થઈ રહી છું. મને પ્લીઝ ખોવાઈ જવા નહીં દેતી. પ્લીઝ, બીજું પણ કોઈ છે જે મને ગુમ થતું અટકાવી રહ્યું છે, પણ પ્લીઝ, એ દિશામાં મને આગળ નથી જવું (એક ખાસ વાત કહું તને, મને તેનું નામ અહીં લખવું છે પણ એ હું લખી નહીં શકું. કારણ કે મારા પર જેના પૂરા અધિકાર છે તે એવું માને છે કે

મારી ડાયરી પણ તે ધારે ત્યારે વાંચી શકે. મારું હવે કંઈ પર્સનલ નથી રહ્યું. હું પણ મારી નથી રહી).

જાઉં છું, ફરી ક્યારે આવીશ એનું કમિટમેન્ટ નથી કરતી. કમિટમેન્ટ હું જ કરું છું અને હું જ મારાં કમિટમેન્ટ તોડું છું. સૉરી. પણ તું તો મને સમજવાની કોશિશ કરજે. AS જેવું નહીં કરતી પ્લીઝ.

*****

આદિત્ય સૂરજ.

ઇન્સ્પેક્ટર અતુલ દેશમુખ માટે હવે આદિત્યને મળવું જરૂરી બની ગયું હતું. ડાયરી એને દિશા આપી રહી હતી તો સાથોસાથ ડાયરીના આ પેજ પર તેને કોઈ ત્રીજાનો અંદેશો પણ મળ્યો હતો.

આ પણ વાંચો : કથા સપ્તાહ : હમારી અધૂરી કહાની (1)

કોણ છે આ ત્રીજી વ્યક્તિ જે ધીમે-ધીમે ઝીનતની લાઇફમાં આવતી હતી અને ઝીનતના કહેવા મુજબ, તે તેને ગુમ થઈ જતાં પણ રોકી રહ્યો હતો.

આદિત્ય સૂરજ અને થર્ડ કૉર્નર.

ઇન્સ્પેક્ટર અતુલ દેશમુખે આદિત્ય સૂરજને મળવાનું નક્કી કર્યું. (ક્રમશઃ)

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK