Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કથા-સપ્તાહ : રંગરસિયા (મહોબતભર્યું મનડું 5)

કથા-સપ્તાહ : રંગરસિયા (મહોબતભર્યું મનડું 5)

15 February, 2019 04:05 PM IST |
સમીત પૂર્વેશ શ્રોફ

કથા-સપ્તાહ : રંગરસિયા (મહોબતભર્યું મનડું 5)

કથા-સપ્તાહ : રંગરસિયા (મહોબતભર્યું મનડું 5)


‘વિવાન, તેં ફોટો જોયો?’


નિકિતાના પ્રશ્નમાં તકાજો હતો. રવિની બપોરે જમી-પરવારી વૉટ્સઍપ પર ફરતો-ફરતો આવેલો વૅલેન્ટાઇન્સ ડેવાળો ફોટોગ્રાફ જોઈને તેનું દિમાગ ધમધમતું હતું : હજી ગયા વરસે મારી ઑફર ઠુકરાવનારો આટલો સુખી દેખાઈ જ કેમ શકે?




અર્ણવના ઇનકાર પછી તેને બરબાદ કરવાનો જિમ્મો વિવાનને સોંપ્યો એમ પોતે અર્ણવથી ચડિયાતા પુરુષને ખોજવાનું પડતું મૂકીને એગ્સ ફ્રીઝ કરાવી રાખ્યા છે એટલે ગમે ત્યારે બાળક પ્લાન થઈ શકશે. પુરુષની પસંદગીમાં મારે ઉતાવળ નથી કરવી. સિક્યૉર થયેલી નિકિતા રૂટીનમાં પરોવાઈ. અર્ણવને વિચારની હદપાર કરી દીધેલો. આજની તસવીરમાં પડઘાતું તેનું સુખ નિકિતાને ધમધમાવી ગયું : અર્ણવને બરબાદ કરવાની કિંમત હું ચૂકવી ચૂકી, પછીયે ધાર્યું રિઝલ્ટ ન મળે એ કેમ ચાલે?



વિવાનને મેસેજ ફૉર્વર્ડ કરીને તેણે ફોન જોડ્યો ત્યારે વિવાનની વાઇફ સિમરન તેની બાજુમાં જ હતી.
‘લુક હાઉ હૅપી અર્ણવ ઇઝ...’ આવેશને કારણે નિકિતાનો ઊંચે જતો સ્વર સિમરનને સાફ સંભળાય છે એથી વિવાને હોશિયારી વાપરી માઉથપીસ પર હાથ રાખીને પત્નીને કામ ચીંધ્યું : બ્રિન્ગ મી સમ ટી... તારા હાથની સ્પેશ્યલ!


સિમરન રૂમની બહાર તો નીકળી, પણ કિચનમાં જવાને બદલે દરવાજે કાન માંડીને ઊભી રહી. ના, નિકિતાના ફોનની નવાઈ નહોતી. દેખીતી રીતે વિવાનને હિમાચલની ફૅક્ટરીનો ચાર્જ સોંપવા છતાં નિકિતાની પકડ છૂટી નહોતી. એમ તો મારો વર ક્યાં ઓછો ઊતરે એમ છે! સત્તામાં નમતું ન મૂકનારી મૅડમને વિવાન કાલો થઈને સાચવી લેતો.



તેના ‘ગુણ’ તો પોતે લગ્ન પહેલાંના ક્યાં નહોતી જાણતી? અર્ણવે કશું જ છાનું રાખ્યું નહોતું, પરંતુ બ્રેક-અપ પછી અર્ણવની વિચારધારામાં જ ખોટ જોતી થયા પછી તેના અભિપ્રાયનું મૂલ્યાંકન પણ બદલાઈ ચૂકેલું- વિવાન તેની બૉસને કાલો થઈને પ્રમોશન મેળવતો હોય તો કૉર્પોરેટ વર્લ્ડની એ ચલણી રીત છે! આવું વિચારીને વિવાનના પ્રસ્તાવને પોતે વધાવ્યો. માતા-પિતા મારા નિર્ણયથી ખાસ ખુશ નહોતાં, પણ પછી દીકરીની પસંદને વધાવવામાંય ચૂક્યાં નહોતાં.


‘મારે તમને અંધારામાં નથી રાખવા વિવાન. તમારા એક્સ કલીગ અર્ણવ સાથે મારું બ્રેક-અપ થયું છે.’
‘ઓહ.. સારું થયું. અર્ણવ ફ્રૉડ પુરવાર થયો છે ઑફિસમાં. તે અંગત જીવનમાં પણ ચીટિંગ કેમ ન કરે?’


ત્યારે તેને કહેવાયું નહોતું કે અર્ણવ ફ્રૉડ નહોતો, તમારી મૅડમને સરોગસી માટે બીજાણુ દેવાની ના પાડી એટલે તેણે જૂઠા પ્રચારથી વેર વાળ્યું છે. બલકે અર્ણવને માર પણ તેણે મરાવ્યો હોવાની મને તો ખાતરી છે! પણ અર્ણવની સફાઈ મારે શું કામ દેવી?
(આ વિશે ચુપકી રાખનારીને આજે પણ આખા કિસ્સામાં વિવાનની ભૂમિકાની જાણ નથી... હા, પોતે અર્ણવને શા માટે બરબાદ કરવા માગે છે એ વિશે કદી નિકિતાએ ફોડ પડ્યો નથી. તેને જરૂર પણ શી? નિકિતાના ઇશારે અર્ણવને બરબાદ કરવા ભાડાના આદમી મોકલ્યા, પણ પબ્લિક મદદે આવી જતાં અર્ણવ ઊગરી ગયો. નિકિતાને એ ધરાર ગમ્યું નહોતું, પણ ઑલરેડી પોલીસ-ફરિયાદ તો ઊભી છે ત્યારે હૉસ્પિટલમાં હુમલાનું જોખમ લેવું નહોતું. અને તેને ફરી હરતરફરતા થવામાં વરસ નીકળી જવાનું!
‘તેની એક મહેબૂબા છે વિવાન...’ નિકિતાને સાંભરેલું. ‘તેને છીનવી લઈએ તો અર્ણવ કાયમ માટે દેવદાસ બની જવાનો!’
પ્રેયસીને છીનવવાનો મતલબ સાફ હતો, પણ એટલે અર્ણવને બાવો બનાવવા મારે વટલાયેલો માલ અપનાવવો?


પોતાનો સ્વાર્થ સાધવામાં ઉસ્તાદ વિવાને સીધી ના કહેવાને બદલે ધેટ સિમરનની તપાસ આદરી. તેણે અર્ણવ સાથે પૈસાની કોઈ વાતે બ્રેક-અપ કર્યાનું જાણીને આગળ વધવામાં અણખટ ન રહી : પૈસાનું મૂલ્ય સમજતી છોકરી સાથે આપણને ફાવશે!


ખંધા વિવાને નિકિતા સમક્ષ અર્ણવ-સિમરનના બ્રેક-અપનો ફોડ ન પાડ્યો. બલકે પોતે સિમરનનું બ્રેઇનવૉશ કરીને અર્ણવને સાઇડ ટ્રૅક કરાવ્યાની ગાથા ઊપજાવી સરાહના મેળવી હતી. અર્ણવની લવલાઇફ બરબાદ કરીને નિકિતાએ સંતોષ માણ્યો હતો.)
- અત્યારે મને જોકે નિકિતાએ અર્ણવને ઉલ્લેખ્યો એનું કુતૂહલ છે. સિમરને કાન માંડ્યા. વિવાન કહી રહ્યા છે...


‘યા મૅમ, તમે અર્ણવને બરબાદ કરવાનું કામ સોંપ્યું, મેં તેનું ગુપ્તાંગ વાઢવા માણસો મોકલ્યા; પણ પબ્લિક વચ્ચે પડતાં મામલો ચૂંથાઈ ગયો... યા, બટ પછી હું તેની પ્રેયસીને પરણ્યો પણ ખરોને.’


સિમરને ધક્કો અનુભવ્યો. અર્ણવની થયેલી મારપીટમાં નિકિતાનો હાથ કલ્પેલો, પણ વિવાને મૅરેજ પણ બૉસને ખુશ રાખવા કયાર઼્ એ હકીકત તેના જ મોંએ સાંભળી સિમરન ઘા ખાઈ ગઈ. બટ વેઇટ. હુમલા પહેલાંની હું તો અર્ણવથી છૂટી થઈ ગયેલી, મને પરણવાથી અર્ણવ દેવદાસ બનવાનો નહોતો એની વિવાનને તો જાણ હતી જ. મતલબ, અર્ણવની ‘પ્રિયતમા’ને છીનવવાની કથા રચીને વિવાને નિકિતાને બેવકૂફ બનાવી!


અને મને?
સિમરનની છાતી હાંફી ગઈ. અમારાં લગ્નનો ઉદ્દેશ વિવાન માટે નિકિતાની કસોટીમાં ખરા ઊતરવાની ગણતરીરૂપ હતો કેવળ.
‘તમે જાણો છો કે સિમરન વર્જિન પણ નહોતી. અર્ણવનો એંઠવાડ મેં ઝીલ્યો છતાં તે દુખી ન હોય તો હું શું કરું?’
સિમરન સમસમી ગઈ. મારી આબરૂના લીરેલીરા કરે છે વિવાન તો! ફૉર વૉટ? માલકિનની નજરમાં પોતાનું સ્થાન ટકાવી રાખવા? નિકિતાની રહેમ અગત્યની કે પત્નીનું ચારિhય? આ કેવા માણસને હું પરણી! ક્યાં અર્ણવની મૂલ્યનિષ્ઠા અને ક્યાં વિવાનની સ્વાર્થપટુતા! મૂલ્યોમાં સમાધાન હોય, અહીં તો નર્યો વિનિપાત છે! ઊલટું પરણીને હું તો સુખનો અનુભવ પિયરમાંય જતાવતી હતી. બેશક વિવાનને કહીશ, ઝઘડીશ તો તે મીઠું-મીઠું બોલીને મને પણ ફોસલાવી લેશે. આવા માણસનું કશું જ સત્ય હોતું નથી! પણ હવે શું?


‘જરૂર મૅડમ, આઇ વિલ મેક શ્યૉર કે અર્ણવના પ્રેમની ખુશી ઝાઝું નહીં ટકે.’
અર્ણવનો નવો પ્રેમ! સિમરને હોઠ કરડ્યો. મામલો થોડોઘણો સમજાય છે. ના, મને સાચા-ખોટાની હવે પરખ થઈ છે, એમ મારી લાયકાતનું પણ મને ભાન છે. અર્ણવ સાથે મને નિસબત સંભવી ન શકે. એથી મારા પતિને કેમ ફાવવા દઉં? પત્નીના ‘ચારિhય’નો તમે ઢોલ વગાડી શકો વિવાન તો હું પણ તમને પાઠ ભણાવવામાં ઓછી નહીં ઊતરું!


€ € €
નિહારને ત્યાં આજે બેવડો ઉત્સવ છે. એક તો નવા ઘરે પ્રવેશ થયો અને નાની બહેનનું સગપણ લીધું!


ટુ બી ઑ૨ નૉટ ટુ બીની અવઢવ ખંખેરીને અર્ણવે નિહાર સમક્ષ હૈયું ખોલી દીધેલું : મને આરોહી પ્રત્યે જુદા જ પ્રકારની લાગણી જાગે છે એવું કહેવામાં હું દોસ્તીનો ધર્મ ચૂક્યો હોઉં તો મને ક્ષમા કરજે!


સાંભળીને સ્તબ્ધ થવાયેલું. આરોહીનાં લગ્નની ચિંતા ક્યારેક પજવી જતી, તેને અર્ણવ મળે તો એનાથી વધુ સૌભાગ્ય હોઈ ન શકે! બસ, એ કેવળ મારી દોસ્તી કે આરોહીની પ્રત્યે દયાને કારણે થવું ન જોઈએ...


એવું નહોતું એ જાણ્યા-પારખ્યા પછી નિહારનું ગ્રીન સિગ્નલ હતું. પછી આરોહીને કન્વિન્સ કરવા ઝાઝું મથવું ન પડ્યું. આશ્રમની દરિયા તરફની પાળે બેસતાં અર્ણવ લાગણીના સાથિયા પૂરતો, આરોહીની હૃદયસિતાર રણઝણી ઊઠતી. છેવટે અર્ણવે લગ્નનો પ્રસ્તાવ મૂકતાં તે પહેલાં અકળાઈ, રિસાઈ; પણ નિહારભાઈની ૫ણ સંમતિ હોવાનું જાણ્યા પછી વિરોધ ખરી પડ્યો ને વેલેન્ટાઇન્સની એ સાંજે અર્ણવે ખુલ્લા દિલે ચોપાટી પર મૂકેલા પ્રસ્તાવની નોંધ તો અખબારમાં પણ લેવાઈ એ ફેરી ટેલ જેવું લાગ્યું હતું. મા પણ ખુશ છે. નિહાર માટે એ સાર્થકતાની ઘડી હતી. આરોહીને મારા સમર્પણનો અંદાજ છે એનો ઇશારો આપીને અર્ણવે પ્રૉમિસ લીધું છે કે તેમનાં લગ્ન થઈ જાય પછી મારે ધંધો બંધ કરી દેવો. આનો ઇનકાર કેમ હોય? બસ, અમારી ખુશી અતૂટ રહેવી જોઈએ.


એ જ વખતે નિહારનો ફોન રણક્યો. નંબર અજાણ્યો હતો. ‘બહેનની સગાઈથી બહુ ખુશ ન થતા નિહાર. તેમની ખુશી કોઈકની નજરમાં ચડી ગઈ છે. એના પર મારી નજર છે એટલે તમને જાણ કરવાનું પુણ્ય કમાઈ લઉં છું. અર્ણવને ક્યાંય એકલા જવા ન દેશો. વરસ અગાઉનું અધૂરું કામ પૂરું કરવા માટે ટોળકી મોકાની ફિરાકમાં જ છે.’ સામા સ્ત્રીસ્વરે નિહારને સડક કરી દીધો. હેં!
‘વિfવાસ ન આવતો હોય તો એક ટે૫ ફૉર્વર્ડ કરું છું. એનું શું કરવું એ તમે જાણો.’ કૉલ કટ થયો.


€ € €


‘આ વખતે નહીં ચૂકું નિકિતા મૅમ... ફરી પરોઢિયે જ આંતરી પુરુષાતન વાઢીને અર્ણવને નકામો ન કરું તો મારું નામ વિવાન નહીં!’
વિવાન-નિકિતા વચ્ચેની ટેલિટૉકનું અજાણી સ્ત્રીએ મોકલેલું રેકૉર્ડિંગ સાંભળીને નિહાર અવાચક બન્યો. ના, આમાં બનાવટ નથી. મતલબ, અર્ણવે સ્પર્મ ન દેતાં વિફરેલી નિકિતાએ જ અગાઉનો હુમલો કરાવ્યાનું અનુમાન સાચું. વિવાન તો અર્ણવની પૂવર્પ્રે મિકાને પરણના૨ો. તો શું આ અજાણી સ્ત્રી સિમરન હશે ? પણ તે પતિને ધોકો શું કામ દે? એ પણ અર્ણવ માટે!


‘મારી ઓળખ તને મળવાની નથી, આ સિમ કાર્ડ પણ કામચલાઉ છે...’ કલાક પછી ફરી ફોન જોડીને તે સ્ત્રીએ ઉમેર્યું, ‘એક બીજી હિન્ટ આપું છું - નિકિતા વિશે.’ નિહાર સાંભળી રહ્યો.


છેલ્લે ફોન મૂકતાં તે એટલું જ બોલી, ‘અર્ણવ-આરોહીને મારાં અભિનંદન.’ બસ, પછી તે સ્ત્રી (સિમરન) નિહાર વગેરેને ક્યાંય કળાઈ નહીં!
€ € €


‘જાણીતાં બિઝનેસવુમન નિકિતા મહેતાની બીજી બાજુ!’


ત્રીજા દહાડે નિહારે મીડિયામાં ફરતી મૂકેલી ટેપ બરાબર ગાજી. અર્ણવ-આરોહીએ તો ત્યારે અને એટલું જ જાણ્યું. વિવાનની વગોવણીએ સિમરનની શી હાલત હશે એવો જોકે વિચાર ઝબક્યો નહીં. યાચિકા દાખલ થતાં પોલીસ હરકતમાં આવી.
€ € €


વૉટ ધ હેલ!


નિકિતા બરાબરની ભડકી ઊઠી. આટલી કૉન્ફિડેન્શ્યલ વાતો રેકૉર્ડ કરી કોણે? પોતે એકલી ફસાઈ હોત તો વિવાનની ગરદન જ ઝડપી હોત!


આગોતરા જામીન મેળવીને તેમણે ધરપકડ તો ટાળી, પણ સમાજમાં થૂ-થૂ થઈ રહ્યું. કંપનીના શૅર્સમાં કડાકો બોલ્યો. અણવર્ને સબક શીખવવાની લાયમાં આ શું થવા બેઠું!


€ € €


‘આ બધું શું છે વિવાન?’ નિકિતાને પૂછનારું કોઈ નહોતું; જ્યારે વિવાનને તેના પેરન્ટ્્સે, સિમરનના માવતરે પણ ટકોર્યો‍. બોર જેવાં અશ્રુ સારીને સિમરને સૌની સહાનુભૂતિ જીતી. વિવાન કોને કહે - શું કહે? પુરાવો પાકો ન હોત તો અર્ણવે જ તેની પ્રેમિકાને વરવાનું વેર વાળ્યું એવું કંઈક કહી દેવાત! હવે તો સિમરનને પણ કહેવાય એવું નથી કે અર્ણવને મનાવી આવ!


€ € €
બૅન્ગલોરના રિસૉર્ટમાં નિહારની જવાની ભરપૂરપણે માણીને સંતુક્ટ થયેલી નર્સે છૂટા પડતા પહેલાં ખાતરી આપી : તમારું કામ થઈ જશે! નિહારના હોઠો પર સ્મિત ફરકી ગયું.
€ € €


‘વૉટ!’ ફોનમાં ત્રાડ નાખતી નિકિતાને તમ્મર આવ્યા. બૅન્ગલોરની એગ બૅન્કમાં પોતે બીજ જમા કરાવ્યા બાદ સરોગસીની ઉતાવળ નહોતી. બધું ચકાસીને પુરુષ ફાઇનલ કરવો હતો. આજે હવે ત્યાંથી ફોન આવે છે કે તમારો નમૂનો સ્ટાફની બેદરકારીને કારણે વેડફાઈ ગયો છે! વી આર એક્સ્ટ્રીમલી સૉરી. શક્ય હોય તો નવું સૅમ્પલ દઈ જાઓ...


નવું સૅમ્પલ. નિકિતા થથરી. માસિક ગયા પછી બીજ ક્યાંથી લાવવું! આનો બીજો અર્થ એ કે મહેતા ખાનદાનના વંશવેલા પર હંમેશનું પૂર્ણવિરામ મુકાઈ ગયું! કરોડો-અબજોના એમ્પાયરનું કોઈ વારસ નહીં! કોના વાંકે?


ના, આમાં કાવતરું ન ગંધાયું. બલકે નિકિતાને એક જ જવાબ સૂઝ્યો - નર્દિો‍ષ અર્ણવને બરબાદ કરવાના ઇરાદાની હાય લાગી. મનુષ્યની અદાલતમાંથી ભલે છટકીએ, કુદરતના ફેંસલામાંથી છટકી શકાતું નથી! વધુ સજાની તૈયારી ન હોય એમ હતાશ થયેલી નિકિતાએ ગુનો કબૂલીને ધરપકડ વહોરી લીધી એ તેના સ્વભાવ વિરુદ્ધનું કૃત્ય હતું. પછી વિવાન પણ ક્યાંથી મુક્ત રહે? કાળ તો બહુ ચડ્યો મૅડમ પર, પણ શું થાય? વિવાનને નિકિતાના અર્ણવ પ્રત્યેના વેરનું મૂળ ત્યારે પકડાયું. અર્ણવને ઠેસ પહોંચાડવા વિવાન સિમરનને પરણ્યો એવા તેના દાવાની પોકળતા નિકિતા સમક્ષ પછીથી ખૂલી, પણ હવે એ બધું બેમતલબ હતું. અમારી ટેપ કોણે ફરતી કરી એ જાણી ન શકાયું! હવે પસ્તાવાનું જ રહ્યું. પછી તો કિસ્સો ખૂબ ગાજ્યો.

કથા-સપ્તાહ : રંગરસિયા (મહોબતભર્યું મનડું 4)

નિકિતા હવે મા પણ નહીં બની શકવાની જાણીને એકમાત્ર સિમરન બરાબર સમજી કે અર્ણવના મિત્ર-સાળા તરીકે નિહારે દરેક શjાનો બખૂબી ઉપયોગ કરી જાણ્યો! અર્ણવ પાસે બીજ માગનારી નિકિતા પછી સ૨ોગસી જાણે ભૂલી જાય છે એના મૂળમાં જતાં એગ બૅન્કની ક્લુ સાંપડી. નિહારને એનો હેવાલ દેતાં તેણે કેટલી સિફતથી બીજ જ વેડફી નખાવ્યાં! જોકે એ ક્યારેય જાહેર નહીં થાય. નિકિતાને આનાથી યોગ્ય સજા હોઈ ન શકે. એક ઠોકરે વિવાન પસ્તાયા અને એ બદલાવ પૂરતો છે!


€ € €
નિકિતા-વિવાનને ઘટતી સજા થઈ એનું શ્રેય અજાણી સ્ત્રીને જાય છે! તેની ઓળખ મહkવની નથી. તેણે મને બૅન્ગલોરની ક્લુ આપી. ત્યાં તપાસ કરતાં નર્સ પીગળે એવી લાગી. બે રાતની એશમાં તેણે ધાર્યું કામ પાર પાડ્યું, અર્ણવ-આરોહીના સુખસંસાર પરથી વાદળો હટય્ાં એનો જ નિહારને આનંદ હોયને!


આ બધું શું થયું, અચાનક કેમ બન્યું એ તો અર્ણવને પણ સમજાયું નહીં; પણ એ વિષયમાં વિચારવું જ શા માટે? તે તો બસ આરોહીના રંગે રંગાઈ રંગરસિયો બની રહ્યો છે!

(સમાપ્ત)

Whatsapp-channel Whatsapp-channel

15 February, 2019 04:05 PM IST | | સમીત પૂર્વેશ શ્રોફ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK