Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કથા સપ્તાહ - દિયા ઔર બાતી ( મેરે જીવનસાથી - 1)

કથા સપ્તાહ - દિયા ઔર બાતી ( મેરે જીવનસાથી - 1)

22 April, 2019 03:33 PM IST | મુંબઈ
સમિત પૂર્વેશ શ્રોફ

કથા સપ્તાહ - દિયા ઔર બાતી ( મેરે જીવનસાથી - 1)

દિયા ઔર બાતી

દિયા ઔર બાતી


આ...હ! શર્વરી ચિત્કારી ઊઠી. એમાં પીડા ભેગો આનંદ પણ હતો, જવલ્લે જ કોઈ સ્ત્રીને સાંપડે એવું સુખ હતું.

‘પતિ તરીકે અજાતશત્રુને પામી મેં શું મેળવ્યું છે એ શબ્દોમાં વર્ણવી શકું એમ નથી.’ જાહેરમાં બહુ ગર્વથી પતિને વખાણતી શર્વરી ખાનગીમાં તેને હસે પણ ખરી - ખુલ્લેઆમ કહેવા બેસું તો સેન્સરશિપ ન લાગી જાય!



અજાતશત્રુ થોડું પૌરુષભર્યું, થોડું શર્મીલું હસતો ને શર્વરી એ સ્મિતમાં ખોવાતી.


ત્રણ વરસ અગાઉ ગ્રૅજ્યુએટ થઈ ઘરમેળે પોતાનું બ્યુટીપાર્લર ચલાવતી એકની એક દીકરી શર્વરી માટે મા-બાપે મુરતિયા ખોળવા માંડ્યા એમાં આઇટી ઇજનેર અજાતશત્રુ એક નજરમાં ગમી ગયો.

હી હૅઝ એવરીથિંગ... મલ્ટિનૅશનલમાં ડ્રીમ જૉબ, કંપની તરફથી વરલી સી ફેસ પર મળેલો લક્ઝુરિયસ ફલૅટ, નવસારીના વતનથી દૂર મુંબઈનો સ્વતંત્ર વસવાટ, તીક્ષ્ણ બુદ્ધિમત્તા અને દેખાવમાં તસુય ઊતરતો નહીં!


પ્રસ્તાવ મળ્યો ત્યારે માલ્વિકાબહેનથી બોલાઈ ગયેલું - છોકરાને આપણી શર્વરી ગમવી જોઈએ!

બીજા સંજોગોમાં ન મા આવું બોલી હોત, ન દીકરીએ સાંભળી લીધું હોત... આખરે શર્વરીમાં પણ ક્યાં કશું કહેવાપણું હતું! નકશીદાર કાયાનું સૌંદર્ય ઓછું હોય એમ તે પોતે રૂપસજ્જાનો કોર્સ કરનારી બ્યુટિશિયન. હોશિયાર, સ્માર્ટ, આત્મવિશ્વાસુ. ‌‌‌ટિ‌પિકલ મૉડર્નએજ ગર્લ ભાતીગળ સંસ્કારમાં માને ખરી, પણ આજની પેઢીની બીજી કોઈ પણ કન્યાની જેમ થોડી મહત્ત્વાકાંક્ષી, થોડી કરીઅર-ઓરિયેન્ટેડ પણ ખરી.

‘હું કંઈ ભણીને ઘરે નથી બેસવાની.’ ટીનએજમાં જ એ કહેતી. અલબત્ત, આર્થિક રીતે સુખીસંપન્ન કુટુંબને દીકરીની કમાણીની જરૂર નહોતી, પણ દીકરીને પગભર કરવામાં માનતા પિતા નારણભાઈએ આની છૂટ આપવા સાથે એવી સલાહ પણ આપી કે એવું કંઈક કરવું જેથી ઘરની સાથે કામકાજ સંભાળી શકાય. શર્વરીમાં મેકઅપની કોઠાસૂઝ હતી, એટલે માલ્વિકાબહેને પોતાનું પાર્લર કરવાનું સૂચન મૂક્યું. આ કામ ઘરમેળેય થઈ શકે. શર્વરીને રસ પડ્યો. કૉલેજને સમાંતર તેણે બેત્રણ પ્રકારના સ્પેશ્યલિટી કોર્સ કર્યા, ધીરેધીરે અંધેરીની સોસાયટીમાંથી, સખીઓના વર્તુળમાંથી ગ્રાહકો બંધાવા માંડ્યા. મૅરેજ સીઝનમાં બેત્રણ આસિસ્ટન્ટ રાખવી પડે એવી ડિમાન્ડ રહેતી.

કમાણી બાબત એટલી પઝેસિવ નહીં. મહિનાના અંતે પાર્લરનો ખર્ચ બાદ કરતાં વધેલી રકમ પપ્પાના હવાલે કરી દે. નારણભાઈ એનું શું કરે એ પૂછવાનું પણ નહીં!

સ્વાભાવિકપણે શર્વરી માટે કહેણ આવતાં રહેતાં, પણ તેને ખાસ કોઈ પસંદ ન પડ્યું. પોતે કોઈને પસંદ ન પડે એવું તે માનતી નહીં, છતાં અજાતશત્રુ માટે એવી ઇચ્છા થઈ ખરી કે આને હું ગમી જાઉં તો અમારી જોડી પરફેક્ટ કપલ જેવી બની રહે!

મુલાકાત ગોઠવાઈ. માતાપિતા સાથે ઘરે આવેલો અજાતશત્રુ રૂબરૂમાં અનેક ગણો હૅન્ડસમ લાગ્યો. તેના પેરન્ટ્સ દિવાકરભાઈ-શકુંતલાબહેન સાલસ જણાયાં.

‘પતિ-પત્નીને હું ‌‌‌દિયા ઔર બાતી જેવાં ગણું છું… એકબીજાનાં પૂરક.’ છેવટે એકાંત મુલાકાતમાં થોડી આડીઅવળી વાતો પછી અજાતશત્રુએ સહેજ ગંભીર થઈ કહેલું, ‘તમે પાર્લર ચલાવો છો, મૅરેજ પછી કામ ચાલુ રાખવા માગો તો એ સહજ છે. અલબત્ત, સો ફાર અર્નિંગ ઇઝ કન્સર્ન, આઇ એમ ધેર. તમે ખર્ચી શકો એનાથી વધારે જ કમાઈશ. આર્થિક કારણે નહીં, પણ તમને રસ છે માટે તમને જોઈતું આકાશ આપવાની મારી જવાબદારી. ’ તેના રણકામાં બોલેલું પાળી બતાવાની ખાતરી હતી, ‘ઘર આપણે બેય મળીને સંભાળી લઈશું.’

કેવી ઉદાત્ત ભાવના. દેખાવડો પુરુષ વિચારો થકી પણ ઉત્તમ લાગ્યો. અજાતશત્રુને ઝંખતી હોવા છતાં કેવળ તેને ગમે એવું ને એટલું જ બોલવાની જરૂર ન રહી. શર્વરી આપોઆપ ખૂલતી ગઈ, ‘ટિ‌‌‌પિકલ હાઉસવાઇફની જેમ હું કિચન એક્સપર્ટ નથી. મને મેઇડની છૂટ જોઈશે. પાર્લર મારા માટે કેવળ આજીવિકાનું સાધન નથી, મારી ઓળખ, મારા વ્યક્તિત્વનો હિસ્સો છે. હું એની રિસ્પેક્ટ તો ડિમાન્ડ કરીશ.’

તેની વાણીમાં દંભ નહોતો. શર્વરીને પતિનાં માબાપ જોડે રહે એમાંય વાંધો નહોતો. અજાતને આ ગુણ જ સ્પર્શી ગયો - છોકરીમાં બનાવટ નથી.

‘મારા પપ્પાથી તેમનાં ગામઘર નહીં છૂટે, પણ મા આંટોફેરો કરતી રહેશે. એકનો એક છું, લાડકો છું, એટલે વહુને તો માથે ચડાવીને રાખશે.’

અજાતશત્રુનો ગર્વ રણઝણેલો.

‘ગામમાં અમારી દુકાન છે. અમારું કુટુંબ ખમતીધર ગણાય છે.’ મારાં માબાપ આર્થિક રીતે મારા પર ડિપેન્ડેબલ નથી એવું આડકતરી રીતે જણાવી અજાતશતુએ ઉમેરેલું, ‘દિવાળીનો ફેસ્ટિવલ ગામમાં જ ઊજવવાની પ્રથા ફાવશેને?’

‘તમારી સાથે મને તમે કહેશો એ ચાલશે!’

બોલ્યા પછી શર્વરી લજાઈ. અજાતશત્રુ તેની લજ્જામાં ખોવાણો.

બેઉનો હકાર થયો. વડીલો રાજીના રેડ. વેવિશાળથી લગ્ન વચ્ચેના ત્રણ મહિનાના ડેટિંગ પિરિયડમાં એકમેકને જાણતાં ગયાં એમ વધુ ને વધુ ગમતાં ગયાં.

અજાતશત્રુ પ્રમાણમાં ઓલ્ડ ફૅશન્ડ ગણાય. લતાનાં ગીતોથી ફિક્શન બુક્સની ચર્ચામાં એ વધુ ખીલી ઊઠે. જોકે શર્વરીને તો તેનો દરેક રંગ ગમતો. પપ્પા સાથે જીડીપીની ચર્ચા કરતો અજાત જેટલો બુદ્ધિગમ્ય લાગે, માને તેની સ્પેશ્યલ પાંઉભાજીની રેસિપી પૂછતો એ એટલો જ મીઠડો લાગે.

આનો પડઘો શર્વરીમાં વર્તાતો. ક્યારેક નવસારી જવાનું થાય કે પછી અજાતના પેરન્ટ્સ મુંબઈ આવ્યા હોય ત્યારે તેમની ચાકરીમાં ચૂકે નહીં એ કેવળ દેખાડા ખાતર નહીં. શકુંતલાબહેન આનો સંતોષ જતાવતાં ને અજાત વાગ્દત્તા પર વધુ ઓળઘોળ થતો.

લગ્ન લેવાયાં. લેહ-લદાખના હનીમૂનમાં અજાતશત્રુની રોમૅન્ટિક હરકતો ગુદગુદી પ્રસરાવી જતી. પહેલી રાત્રે અજાતશત્રુના ઉઘાડે હાંફી જવાયું. શર્વરીના નિતાંત સૌંદર્યે તે વધુ મહોરી ઊઠ્યો. સ્ત્રી સંભાળી શકે એનાથી ક્યાંય વધુ સુખ પુરુષે વરસાવ્યું.

અને હેતની એ હેલી લગ્નનાં ત્રણ-ત્રણ વરસેય અવિરત રહી છે!

અત્યારે પણ એ સુખને સમેટતી હોય એમ પોતાના પર છવાયેલા અજાતશત્રુની ઉઘાડી પીઠ પર પંજો કસતી શર્વરી પોતાના સદ્ભાગ્યને મમળાવતી રહી.

પરણીને વરલી મૂવ થયા પછી થોડો સમય ખુદને નવા ઘરમાં, નવા વાતાવરણમાં ગોઠવવામાં ગયો, હનીમૂન મૂડ ઓસર્યો નહોતો, પણ પતિ-પત્ની રોજિંદી ઘટમાળમાં પરોવાવા માંડેલા.

અજાતશત્રુના વર્કિંગ અવર્સ એક્સ્ટ્રીમ હતા. સવારે આઠ વાગ્યાનો ફૉર્ટની ઑફિસ જવા નીકળે ને આવતાં સહેજે રાત્રે નવ થઈ જાય. ક્યારેક તો મોડી રાત સુધી ફોનકૉલ્સ ચાલુ હોય. શર્વરી પ્રોફેશનલ કમિટમેન્ટનું મહત્ત્વ સમજતી, એટલે રાવ ફરિયાદ ન કરતી. બલકે અજાતશત્રુની તમામ સવલતો સાચવી લેતી. મેઇડ હતી એટલે તેના ભરોસે રહેવાને બદલે શર્વરી પર્સનલી અજાતશત્રુની ઝીણી-ઝીણી ચીજોની દરકાર રાખતી, તેને ગમતું. ફુરસદના સમયે પાર્લરના ફેલાવા પર ફોકસ કરતી. પિયરની જેમ સાસરીમાં પણ એક આખો રૂમ શર્વરીને પાર્લરજૉબ માટે ફાળવી દેવાયો. નવી જગ્યામાં ધંધો જમાવવામાં મહેનત પડવાની, પણ અજાતશત્રુ તેનો હોસલો બુલંદ કરતો.

જોકે અહીંની એટીકેટીવાળી સોસાયટીમાં ઘરમાં બિઝનેસ કરવો અલાઉ નહોતો. જાણે કેવા-કેવા લોકો આવે-જાય, ઘણી વાર લિફ્ટનો દરવાજો ખુલ્લો મૂકી દે તો બીજાને કેવી હાલાકી થાય તેવી ટીકા-ટિપ્પણી થતાં અજાતે ઘર નજીકના કમર્શિયલ કૉમ્પ્લેક્સમાં જગ્યા ભાડે લઈ શર્વરીને જબરદસ્ત સરપ્રાઇઝ આપેલી. આકાશ આપતા પતિ પર કોને વહાલ ન આવે!

ફાઇવ ડેઝ વીકની જૉબમાં અજાતને શનિ-રવિ રજા રહેતી. ઇન્ટીરિયર ડિઝાઇનરની મદદથી શર્વરીએ પાર્લર સજાવ્યું ત્યારે રજાના બે દિવસ અજાતના પણ ત્યાં જ ધામા હોય. શર્વરી માટે એ ક્ષણો મહામૂલું સંભારણું બની ગઈ.

‘દર શનિવારે આપણી અહીં જ બેઠક,’ અજાત મશ્કરીમાં ખીલી ઊઠતો, ‘પત્નીનું પાર્લર હોય ત્યારે બ્યુટીને નિહાળવાનો લાભ તો મળવો જોઈએ.’

શર્વરી ખભા ઉલાળતી, ‘તું બેસે એનો મને વાંધો નથી, શરત એટલી કે બુરખો પહેરી બેસજે.‘ એ ઠાવકાઈથી કહેતી, ‘નજર રોકવા તું બેઠો હોય ને કોઈ તારા પર નજર રોકી જાય તો મને પાર્લર ખોલવું ભારે પડે!’

ખૂબ ધામધૂમથી તો નહીં, પણ ઘરના વડીલોની હાજરીમાં પાર્લરનું ઓપનિંગ થયું. અજાતશત્રુએ પત્નીને મીઠું ચુંબન દઈ વિશ પાઠવી હતી - તારું પાર્લર એટલું ચાલે કે ભાડાની જગ્યા તું વેચાતી લઈ શકે!

આ શબ્દો શર્વરીની આકાંક્ષામાં ઇંધણ પૂરી ગયા. પહેલાં તો તેણે વિચારેલું કે અજાતની જેમ હું પણ પાંચ જ દિવસ કામ કરીશ. અઠવાડિયામાં વીકએન્ડ કેવળ અમારા બેનું. શરૂશરૂમાં આની અજમાયશ કરી પણ જોઈ, પરંતુ થતું એવું કે પોતાની જેમ કામ કરતી મહિલાઓને પાર્લરની શનિ-રવિની વિઝિટ જ ફાવતી હોય એટલે પછી અજાતને મનાવી લીધો - આખા વીકની કમાણી જેટલી ઇન્કમ વીકએન્ડમાં થતી હોય ત્યારે એ બે દિવસ પાર્લર બંધ રાખવું મૂર્ખામી ગણાય. બેત્રણ આસિસ્ટન્ટ રાખવા જેટલી હું સધ્ધર થઈ જાઉં પછી આવી લક્ઝરી શોભે....  

પત્નીના ઉત્સાહને કશુંક કરી દેખાડવાની તેની ધગશને અજાત ખાળી ન શક્યો.

પછી તો એવું થવા માંડ્યું કે સપ્તાહના પાંચ દિવસ શર્વરી અજાતની સગવડોનું, મૂડમિજાજનું ધ્યાન રાખે એમ શનિ-રવિ અજાતશત્રુ પત્નીને જાળવી લે. તેને પાર્લર લેવા-મૂકવા જાય, કોઈ મોટા ઑર્ડરે કોઈના ઘરે જવાનું હોય તો તેની પેટી ઊંચકી લેવામાં નાનમ નહીં… સાથેની પળોને બન્ને જ વેડફવા દેતાં નથી એટલે વ્યસ્તતાની આડઅસર હજુ તો અમને વર્તાતી નથી. હા, દિવાળીની છુટ્ટીઓમાં ગમે એટલો મોટો ઑર્ડર હોય, હું લેતી નથી. તહેવારના એ ચાર દિવસ પપ્પા-મમ્મી સાથે નવસારીના ઘરે જ ગાળવાનો નિયમ હજુ સુધી તો વિના અપવાદે પાળ્યો છે. ક્યારેક મુંબઈ આવતાં પપ્પા-મમ્મીજી પણ હોંશથી મારી વ્યસ્તતા વધાવી લે - તમે તમારું ગમતું કરો ને ખુશ રહો, એટલું જ અમને જોઈએ. સ્વાભાવિકપણે આવા વર-ઘરને વખાણતાં પોતે થાકતી નહીં.

શર્વરીએ અજાતને હળવી ભીંસ આપતાં વાગોળ્યું:

ધીરે-ધીરે શર્વરીની ખ્યાતિ જામી. પાર્લરનું મની મૅનેજમેન્ટ શર્વરીએ અજાતને સોંપેલું, એમાં તે ચંચુપાત કરતી નહીં. પાર્લરનો પ્રૉફિટ વધતો હોવાનું અજાત કહેતો એમાં પત્ની પ્રત્યે છલકતો ગર્વ શર્વરીની સાચી આવક. એટલી સમજ પણ ખરી કે પાર્લરની કમાણીમાંથી જ જગ્યા પોતાની કરવી હોય તો હજુ ઘણા મોટા જમ્પની જરૂર છે…

‘યુ કૅન ડુ ઇટ’ અજાત પાનો ચડાવતો. પત્નીને પ્રેરિત કરવાની ક્ષમતા દરેક પુરુષમાં નથી હોતી...

- એવી જ શર્વરી ચીખી પડી. વિચારયાત્રાની અસાવધતામાં ખ્યાલ ન રહ્યો કે પોતાના પર છવાયેલો પુરુષ હવે બેરહેમ બનતો જાય છે. જાણે દરિયામાં સુનામીનાં વહેણ બંધાઈ ચૂક્યાં છે, થોડી વારમાં એ પુરજોશમાં ત્રાટકી કિનારાને તહેસનહેસ કરી મૂકશે.

વેલ, આવી ક્ષમતા પણ દરેક પુરુષમાં નથી હોતી! એ સુખના આવેગભેર શર્વરીએ અજાતશત્રુની ઉઘાડી પીઠમાં નખ ખૂંતાડી દીધા.

***

વીકએન્ડ પત્યું. નવો દિવસ નવી જ ખુશખબરી લઈને આવ્યો. રાત્રે ઘરે ભેળાં થયાં ત્યારે પતિ-પત્ની બેઉ પાસે પોતપોતાના ગુડ ન્યૂઝ હતા. પહેલ સ્ત્રીએ કરી.

‘જાણો છો અજાત, વૉટ આઇ ગૉટ!’ શર્વરીની ખુશીને થોભ નહોતો. સાંજે મળેલી ઑફર વિશે પતિને કહેવા થનગનતી હતી, પહેલાં તેને જ કહેવાનું હોય, એટલે તો વડીલોનેય વાત નથી કરી, પણ અજાતને રૂબરૂ જ કહેવું હતું, ખુશખબરીથી અજાતનો ઝગમગતો ચહેરો નજરમાં જકડી લેવો હતો...

‘મારી એક કસ્ટમર છે સુચિત્રા કુલકર્ણી. મને તો આજે ખબર પડી કે તે સુહાની કપૂરના પ્રોડક્શન હાઉસ સાથે સંકળાયેલી છે.’

ત્રીસેક વરસની સુહાની કપૂર સોપ ઑપેરા ક્વીન ગણાય છે. જુદી જુદી ચૅનલ્સમાં તેની જ સિરિયલની ધૂમ આજે દાયકાથી રહેતી આવી છે.

‘સુચિત્રાને તો મારું કામ ગમતું જ, લાસ્ટ વીક એકાદ પાર્ટી માટે તે મારી પાસે તૈયાર થઈને ગઈ એથી નન અધર ધૅન સુહાની પ્રભાવિત થઈ અને તેનું અ‌લ્ટિમેટ રિઝલ્ટ એ આવ્યું અજાત કે તેણે સુચિત્રા દ્વારા મને તેમની સિરિયલના આ‌ર્ટિસ્ટ્સનો મેકઅપ કરવાની એક્સક્લુઝિવ જૉબ ઑફર કરી છે…’

અજાતશત્રુ અણધાર્યા પ્રસ્તાવથી થોડો સ્તબ્ધ બન્યો. બોલી જવાયું,

‘અરે, પણ મને તો કંપનીએ ‌વિથ પ્રમોશન બૅન્ગલોરની ટ્રાન્સફર આપી છે! ’

હેં!

‘તમને પણ અત્યારે જ પ્રમોશન મળવાનું થયું,’ શર્વરીથી બોલી જવાયું. પછી જાતને ઠપકારી, આ શું? અજાતના પ્રમોશનનું મને પ્રાઉડ થવું જોઈએ, તેમની ખુશીમાં ખુશ ન થઈ શકું એવા દરેક કારણને તિલાંજલિ આપવાની હોય, સોરી સુહાની.

શર્વરીને દ્વિધા ન રહી.

‘આ તો સફળતાનો પહેલો પડાવ છે અજાત-’ તે પતિને વળગી, ‘તમારે તો હજુ ઘણે ઊંચે જવાનું છે... બોલો, બૅન્ગલોર માટે ક્યારે નીકળવાનું છે?’

તેના સ્પર્શમાં, શબ્દોમાં કેવળ સ્નેહ હતો, સમર્પણ હતું. અજાત માટે આટલું પૂરતું હતું. ઘડી બે ઘડીમાં તેણે નક્કી કરી લીધું, ‘બૅન્ગલોર આવતા અઠવાડિયે જવાનું છે, પણ આપણે નહીં, કેવળ મારે.’

શર્વરી ઘણું મથી, પણ અજાતશત્રુ ટસથી મસ ન થયો - તને જાતને પ્રૂવ કરવાની, નવી ક્ષિતિજ સર કરવાની તક મળી છે, એને વેડફવા ન દેવાય. અને બૅન્ગલોર ક્યાં પરદેશમાં છે! શનિ-રવિ હું આવતો રહીશ, અરે, છ મહિનામાં તો મુંબઈ ટ્રાન્ફસર લઈ લઈશ...’

શર્વરીની પાંપણ છલકાઈ - તમે તો તમે જ, અજાત!

જોકે આ જુદાઈમાં શું થવાનું હતું એની કોને ખબર હતી?

(ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

22 April, 2019 03:33 PM IST | મુંબઈ | સમિત પૂર્વેશ શ્રોફ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK