Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કથા-સપ્તાહ : જવાની (આગ કા દરિયા... - 2)

કથા-સપ્તાહ : જવાની (આગ કા દરિયા... - 2)

05 March, 2019 12:33 PM IST |
સમિત પૂર્વેશ શ્રોફ

કથા-સપ્તાહ : જવાની (આગ કા દરિયા... - 2)

જવાની

જવાની


આગ કા દરિયા... 

‘માથેરાન?’ દીકરીના ફોને અવનિ ચમકી, ‘અમને તો હતું કે લૉન્ગ વીક-એન્ડ છે એટલે તું શુક્રવારની ઘરે આવી જઈશ... ઇટ્સ લૉન્ગ ટાઇમ બેટા. તને ઘરે આવવાનું મન કેમ નથી થતું હમણાંનું?’



ના, આ કેવળ ઇમોશનલ સ્ટ્રોક નહોતો. પપ્પા મારા ભોળા, કહું એ માની લે. મમ્મી ચોક્કસ છે. મારા જવાબનો શબ્દેશબ્દ ચકાસે એવી, બિટવીન ધ લાઇન્સ તારવી શકે એવી. આર્ષ સાથે લવ થયા પછી એટલે જ તો ઘરે જવાનું ઓછું કર્યું છે મેં. રખેને મા મારો ભેદ ઝડપી પાડે! જુઓને, માથેરાન જવાની પરશિમન માગી તો કેવું સિફતથી ઘરે ન આવવાનું કારણ પૂછી લીધું!


આનો જવાબ જોકે રેડીમેડ રાખ્યો હતો, ‘મૉમ, સ્ટડીમાં સ્પેસ મળી છે તો ફ્રેન્ડ્સ જોડે પણ થોડુંક ફરવા દેને.’

ડાહી છોકરી જેવી તેની જીદ અવનિને ભીતર સહેજ કંપાવી ગઈ. કૉલેજમાં ભણતી દીકરી વારે-વારે સખી-સખાઓ સાથે રહેવા-ફરવાની રજા માગે ત્યારે માવતરે ચેતી જવું જોઈએ એવો એનો જાતઅનુભવ હતો.


જ્હાનવીમાં આમ પણ કંઈક બદલાવ તો છે. તેના રિઝલ્ટ્સમાં ફેર નથી, રોજ થતી વાતોમાં તેનો રણકો એનો એ હોય છે અને છતાં કશુંક છે જે અલાર્મિંગ છે.

પખવાડિયા અગાઉની વાત. અનિલની આંખો દુખતી હતી. ચેક કરાવ્યું. નંબર બદલાયા એટલે નવાં ચશ્માં કરવા આપ્યાં છે ત્યાં સુધીની ચર્ચા જ્હાનવી જોડે થઈ. તોય અનિલની નવી ફ્રેમ ફોટોમાં જોઈને પૂછે છે : પપ્પાએ નવાં ચશ્માં ક્યારે કરાવ્યાં! જ્હાનવી આટલી ભુલકણી તો ક્યારેય નહોતી. ખરેખર તેને પરીક્ષા કે પરિણામનું બર્ડન તો નથીને? તેની રૂમમેટ્સને ફોન જોડીને આડકતરી રીતે પૂછી લીધું, પણ તેમના રિપોર્ટ્સ પ્રમાણે તો બધું બરાબર હતું.

- પણ હવે માથેરાન જવાના મામલે હું ચૂપ ન રહી શકું. બબ્બે મહિનાથી ઘર ન આવેલી છોકરીની અમે કાગડોળે રાહ જોતા હોઈએ અને તેણે માથેરાન જવું છે? એ કેવળ ફ્રેન્ડ્સને કારણે કે પછી કોઈ એક ‘વિશેષ મિત્ર’ને કારણે?

અવનિ હાંફી ગઈ. જ્હાનવીનાં લક્ષણ, તેનાં બહાનાં ચિરપરિચિત લાગતાં હતાં. વરસો અગાઉ પોતે પણ આમ જ... સ્મરણ સળવળે એ પહેલાં અવનિએ વિચારબારી બંધ કરી દીધી : ના, જેની ગંધ અનિલ સુધ્ધાંને નથી એનો સળવળાટ પણ મને નહીં ખપે!

પરંતુ માનાં જ લક્ષણો દીકરીમાં આવ્યાં હોય તો વખત વર્તે એનો ઇલાજ થઈ જવો ઘટે! અવનિએ ઊંડો શ્વાસ લીધો, ‘તારા ગ્રુપમાંથી કોણ છે... ઉર્વી-શ્યામલી જાય છે?’

આ પૂછ-પૂછ થવાની જ એની ખાતરી હતી એટલે જવાબ તૈયાર હતો, ‘એ લોકોને ઇન્ટરેસ્ટ નથી મૉમ... એ લોકો જતા હોય તો જ મારે જવાનું, એવું? તમે ભલે ન ઓળખો, બીજા જે છે એ મારે ફ્રેન્ડ્સ જેવા જ છે. જોઈએ તો ઉર્વી યા શ્યામલીને પૂછી લેજે.’

એથી તો અવનિની આશંકા ખાતરીમાં ફેરવાતી ગઈ. પ્રેમપંથ પર સહેલીઓ પાસે પઢાવી રાખેલા જવાબ બોલાવવાની ચાલ છેક ગઈ સદીની છે! નહીં, આટઆટલા ઇશારાને અવગણી શકાય નહીં.

‘ઠીક છે બેટા, તારા પપ્પા જૉબ પરથી સાંજે આવે એટલે તેમને વાત કરું છું.’ સ્વાભાવિક સ્વરે વાત પતાવીને બાકીનું તે મનમાં બોલી : નિર્ણય તને તારી ફેવરમાં જ લાગશે જ્હાનવી, પણ હકીકતમાં એ અમારી ફેવર કરશે!

***

વૉટ! માથેરાનની ટ્રિપ કૅન્સલ?

કૉલેજના જે ૫૦-૬૦ સ્ટુડન્ટ્સ ફરવા જવા થનગનતા હતા તેમને નવો સર્ક્યુલર જોઈને આઘાત લાગ્યો. નીકળવાની આગલી રાત્રે અનિવાર્ય કારણોસર ટ્રિપ કૅન્સલ થાય છે એનો મતલબ શું? ટૂરની ઇનિશ્યેટિવ લેના૨ આર્ષ પર જાણે પસ્તાળ પડી.

‘આઇ ઍમ એક્સ્ટ્રીમલી સૉરી, બટ ટ્રાન્સપોર્ટરે છેલ્લી ઘડીએ દગો દીધો.’ આર્ષે મજબૂરી જતાવી, ‘આ વખતે દરગુજર કરો. ઉનાળુ વેકેશનમાં ચોક્કસ કંઈક ગોઠવીશું. શિવરાત્રિમાં બધા પોતપોતાના ઘરે જ જોઈએ, બીજું શું?’

ઘરે જ જવાનું હોત તો શુક્રની આજની સાંજના જ બીજા બધા ભેગા ન નીકળી ગયા હોત! બબડાટ સાથે ગ્રુપ વિખરાયું.

જ્હાનવીને પપ્પા-મમ્મીની કન્સેન્ટ મળી ગઈ હતી. મમ્મીએ પરમિશન માગ્યાની રાતે જ ફોન કરીને કહી દીધેલું - તું ટૂરના પૈસા ભરી દેજે બેટા, પણ આપણી સેફ્ટી પહેલાં જોવાની, રાઇટ? કહીને રાબેતા મુજબની સૂચના ઉમેરી ત્યારે વહાલસોયા પેરન્ટ્સને છેતરવા બદલ હૈયું ડંખ્યું હતું, અત્યારે આર્ષની આટઆટલી મથામણ જોઈને રહ્યોસહ્યો ડંખ ઓસરી ગયો.

રૂમ પર આવીને તેણે ઉર્વી-શ્યામલીને કૉન્ફરન્સ કૉલ જોડ્યો : યાર, માથેરાનનો પ્રોગ્રામ કૅન્સલ થયો... ના, હું મારા ઘરે વાત નથી કરતી હોં. નહીંતર મૉમ પાછી ત્યાં તેડાવશે. મારે જર્નલ કમ્પ્લીટ કરવાની છે એ કામ પતાવી દઈશ - સો મારી મૉમનો ફોન આવે તો પ્લીઝ તેને કહેતા નહીં કે હું હૉસ્ટેલ પર જ છું...’

સખીઓમાં થોડાંઘણાં સીક્રેટ્સ રહેતાં જ હોય છે. ઉર્વી-શ્યામલીને એવો અંદાજ પણ કેમ હોય કે જ્હાનવી આ ફેવરનો કેવો લાભ લેવાની છે!

***

અને ખરેખર, શનિની બપોર સુધીમાં બાકીનાય ઘરે જવા નીકળી ગયા. હૉસ્ટેલ ઑલમોસ્ટ ખાલી થઈ ગઈ પછી આર્ષ-જ્હાનવીએ અલગ-અલગ નીકળીને હાઇવેથી માથેરાન માટેની વૉલ્વો બસ પકડી લીધી ત્યારે સૌને બેવકૂફ બનાવ્યાની ખુશી હતી, એમ માથેરાનમાં માણવા મળનારી મોજની ઉત્કંઠતા, ઉત્સુકતા અને ઉત્તેજના પણ એટલી જ હતી!

પહેલાં માથેરાનના પ્રવાસનું તૂત ઊભું કરીને પેરન્ટ્સની પરમિશન મેળવી અને છેલ્લી ઘડીએ પ્રોગ્રામ કૅન્સલ રાખી બીજા સ્ટુડન્ટ્સને ખેરવી પાડી પોતે તો નીકળી જ જવુંની ચાલ કામયાબ રહી. ગ્રુપબુકિંગનું થોડુંઘણું આર્થિક નુકસાન બેર કરવું પડ્યું, બટ ઇટ્સ વર્થ.

આર્ષે સીટ પર માથું ઢાળી ગયેલી જ્હાનવીને નિહાળી : આ જોબન માણવા થોડુંઘણું મૂડીરોકાણ કરવું પડ્યું એની ફરિયાદ ન હોય!

ના, આર્ષ વહેશી નહોતો. વ્યાપારી પિતા આસ્તિક મહેતાની આર્થિક સ્થિતિ સધ્ધર. તે પોતે એકનો એક છતાં લાડપ્યારથી છકી ન જાય એની સાવચેતી માવતરે રાખેલી. કૉલેજમાં આવ્યા બાદ જોકે યૌવનને પાંખ ફૂટવી સ્વાભાવિક હતી. છોગામાં એમાં પાછું ઘરથી દૂર હૉસ્ટેલમાં રહેવાનું. બહેકવાના સંસ્કાર ભલે ન હોય, રૂમમાં ભેગા થઈને પૉર્ન મૂવી જોવાની કે કદીમદી સિગારેટ ફૂંકી લેવાની છૂટછાટ અનાયાસ લેવાતી ગઈ. સ્માર્ટ, હૅન્ડસમ અને પાછો ટૉપર પણ ખરો એટલે આઉટસ્પોકન આર્ષનું મિત્રવૃંદ વિશાળ. ગર્લ્સમાં તેનું આકર્ષણ ખરું. જોકે તે આકર્ષાયો ફર્સ્ટ યરની જ્હાનવી પ્રત્યે!

ફર્સ્ટ યરમાં ઍડ્મિશન લેનારી છોકરીને અલપઝલપ ઘણી વાર જોઈ. ક્યારેક ગ્રુપ ડિસ્કશનમાં હાજર રહેવાનું થાય ત્યારે તેની બુદ્ધિમત્તાનો તણખો સાંપડતો. ગયા વરસે ગેમ ઍન્ડ ફન ઈવમાં જાણે તેની હારની જ રાહ જોતો હોય એમ પોતે ડાન્સની તક ઝડપેલી. એમાંથી પ્રગટેલી ચિનગારી જોતજોતામાં તો પ્રણયની આગ બની બની ગઈ.

આ ખરેખર પ્રણય છે? આર્ષને આવા પ્રશ્નો નથી થતા. લાગણીઓ સ્પષ્ટ થવાની જરૂરત પણ ન લાગતી. જ્હાનવી આને પ્યાર સમજતી હોય, લગ્નનાં ખ્વાબ જોતી હોય તો એનોય વાંધો નહીં; આખરે એ તબક્કાને હજી ઘણી વાર છે! કદાચ એટલે પણ અમારા સંબંધ ગુપ્ત રાખવાની સાવચેતી પોતે મસ્ટ રાખી છે. આર્ષની સમજ કહેતી કે સંબંધ ખુલ્લો પડ્યા પછી જ્હાનવીના પેરન્ટ્સ ચેતી જવાના. એના પર પાબંદીઓ મુકાઈ જાય તો મારા સ્પર્શસુખનું શું? તેને તો ફિઝિકલ થવું ગમતું. બેશક કેવળ જ્હાનવી સાથે, એટલું ખરું.

ચુંબનથી ઘણી આગળ વધેલી મોજને હવે છેવટનો કિનારો આપી દેવો છે!

***

‘મૅડમ, આપણી બાવીસમી મૅરેજ-ઍનિવર્સરીને હજી બે મહિનાની વાર છે... એકદમ એનું પ્રી-સેલિબ્રેશન કરવું હોય એમ તમે માથેરાનની ટ્રિપ ક્યાં ઘડી કાઢી!’ શનિની સાંજે માથેરાનની હોટલ વૅલીવ્યુની લક્ઝુરિયસ રૂમમાં થાળે પડતા અનિલે રોમૅન્ટિક અંદાજ દાખવ્યો.

કેટલા સરળ છે અનિલ! અવનિના ચિત્તમાં પડઘો પડ્યો. લગ્ન અગાઉ હું પગલું ચૂકી એ નાદાની હતી. ખરા અર્થમાં હું હૈયું અનિલને જોઈ-મળીને હારી. રૂપાળા એટલા જ પ્રેમાળ. નિખાલસ એવા જ ગમતીલા.

‘હું ખાસ મહત્વાકાંક્ષી નથી. મારા પરિવારે લોકલ ટ્રેનની હાલાકી ન ભોગવવી પડે, ઘરમાં જગ્યાની અછત ન હોય ને રિટાયરમેન્ટ પછી શું ખાઈશું એની ચિંતા ન હોય - આટલાં અચીવમેન્ટ્સ પછી પૈસા પાછળ દોડવાની મારી ફિતરત નથી. મમ્મી-પપ્પાનો બેહદ લાડકો છું. તેમનાં એ લાડનું માન રાખી શકનારી પત્ની મને જોઈએ. પુરુષ આર્થિક મોરચો સંભાળે અને સ્ત્રી ઘર, મારા ખ્યાલથી દામ્પત્યનું એ જ સાચું આઇ લવ યુ.’

આમાં દંભ નહોતો, કેવળ પુસ્તકિયા જ્ઞાન નહોતું. લગ્ન માટેની પહેલી મુલાકાતમાં જ પોતે અનિલથી પ્રભાવિત બનેલી. અનિલ જેવો સાથી સદ્ભાગીને જ મળે, પણ હું તેમને કાબેલ ગણાઉં ખરી?

‘જોજે, ફરી સત્યવાદી બનવાનો ગજબ ન કરતી’ માએ ડારો આપેલો. તે બિચારીનેય દીકરી થાળે પડી જાય એની જ ચિંતા રહેતી : તેં ખાધેલી ઠોકરની કબૂલાતે થૂ-થૂ જ થાય છે એ પણ આપણે જોઈ લીધું. તું તારા હૈયાથી કોરી છે માત્ર એટલું જ યાદ રાખ. તારા સુખ ખાતર સ્વાર્થી ન બની શકતી હોય તો તને મારા સોગંદ!’

માની કસમ બેડી જેવી બની ગઈ. ખરું પૂછો તો અનિલના મોહમાં તેને તોડતા જીવ ન ચાલ્યો. સપ્તપદીના ફેરા ફરતા અગાઉ મનોમન તેમની માફી માગી લીધી હતી : મારા ગતખંડનો એક ટુકડો તમારાથી છુપાવું છું અનિલ, પણ એ તમને પામવા. આ છેતરપિંડી નથી, તમને સુખી કરીને સુખી થવા માટેનો જ સ્વાર્થ છે. તમે એને બક્ષ્યો જ હોત એમાં મને સંશય નથી.

બસ, પછી ભૂતકાળની ચુભન ક્યારેય ડંખી નથી. પોતે અનિલમય બની ગઈ. સાસુમા મીઠું વઢતાં પણ ખરાં : તું તો ખરી વરઘેલી મારી બાઈ, તને અમને છોડીને બે દા’ડા પિયર રહેવાનુંય મન નથી નથી!

‘હું તો જાઉં મા...’ પોતે લાડ જતાવતી. ‘પણ મારા વિના અહીં કોઈના ગળે ધાન ઊતરે એમ છે ખરું.’

‘સાચું કહ્યું વહુ તેં.’ રમાબહેન ગંભીર બનતાં, ‘તારા સ્તુતિગાન વિના અમારી સવાર ન પડે અને રામાયણ વાંચ્યા વિના સાંજ ન સુધરે... તું તો મારા ઘરની જ્યોતિ છે. વહુ, તારા થકી તો અજવાળું છે.’

આ વખાણ નહોતાં, તેમના આશિષ હતા. દીકરીનાં લાડથી પપ્પા-મમ્મીજીએ મને રાખી. મારા માવતરને એની સંતુષ્ટિ હતી.

અને અનિલ. ઓહ, તેમણે મને શું આપ્યું છે એ કદાચ શબ્દોમાં વર્ણવી પણ ન શકાય. અધૂરપ વિનાનો પ્રેમ, આશંકા વિનાનો વિશ્વાસ. એટલે તો કોઈ પરિવારને મેં એકસૂત્રમાં બાંધ્યાનો મારો ગુણ વખાણે ત્યારે હું કહેતી હોઉં છું, આવા વર-ઘર પામી મેં શું મેળવ્યું એ તો કોઈ જુઓ! અનિલે આપેલી ઉત્તમ ભેટ એટલે જ્હાનવી.

જ્હાનવી.

અવનિને ધક્કો જેવો લાગ્યો. એક જ આંચકે વિચારબારી બંધ કરીને વર્તમાનમાં આવી. રોમૅન્ટિક્ બનતા પતિનો કાન આમળ્યો,

‘મારી વધુ ખુશામત કરવાની જરૂર નથી જનાબ, માથેરાનમાં તમારી લાડલીને મળવાનું બનશે એનો થનગનાટ છે એમ કહોને.’

‘એ તો ખરું જ તો...’ પિતા પોરસાઈ ઊઠ્યો.

ના, પહેલાં તો દીકરી પાછળ આમ જવું અડવું લાગ્યું હતું - જ્હાનવી ફ્રેન્ડ્સ જોડે હોય એમાં આપણે ટપકી પડીએ એ ઠીક ન ગણાય. તારી દીકરી માટેની ચિંતા મને સમજાય છે અવનિ, પણ એના પ્રત્યે શંકા સેવીને પાછળ પડવામાં હું માનતો નથી.

અનિલ જેને ચાહે છે તેના પર આંધળો વિશ્વાસ મૂકે છે. મેં પણ જ્હાનવીમાં આવો જ વિશ્વાસ મૂક્યો હોત, જો મેં ઠોકર ન ખાધી હોત! દીકરીના લક્ષણમાં મને શું ઠીક નથી લાગતું એ અનિલને સમજાવાય એમ નથી. એટલે પોતે જુદી રીતે તેને મનાવવો પડ્યો : આમાં શંકા નથી અનિલ, દીકરીને સરપ્રાઇઝ આપવાની હોંશ છે! ત્યારે તેમની આનાકાની ઓસરી હતી એ સાંભરીને અવનિ મુદ્દે આવી, ‘જ્હાનવીને કૉલ લાગતો નથી. ગઈ કાલનું કહ્યું છે કે કઈ હોટેલમાં ઊતરવાના છો એની ડીટેલ મોકલ, પણ મૅડમનો એક જ જવાબ હોય - હજી કશું ફિક્સ નથી!’ અવનિએ રિસ્ટવૉચ નિહાળી, ‘ચાલો, બજારમાં આંટો મારીએ. દીકરી અચાનક સામે આવી જાય એની સરપ્રાઇઝ આપણેય માણીએ!’

અનિલ ઝૂમી ઊઠ્યો. દીકરી જોકે કેવો આઘાત આપવાની છે એની ત્યારે ક્યાં જાણ હતી?

***

ફાઇનલી, ધ મોમેન્ટ.

હોટેલના બંધ કમરામાં એકલાં પડતાં જ આર્ષ-જ્હાનવી એકમેકમાં ગૂંથાઈ ગયાં. શ્વાસોની ગરમી દહેકવા લાગી, વસ્ત્રોનું આવરણ કઠવા લાગ્યું.

આ પણ વાંચો : કથા-સપ્તાહ : જવાની (આગ કા દરિયા... - 1)

જોકે હજી અડધાંપડધાં વસ્ત્રો હટ્યાં કે દરવાજે ટકોરા પડ્યા. આર્ષની ગાળ સરી ગઈ : બહાર ડોન્ટ ડિસ્ટર્બનું બોર્ડ લગાવ્યું છે તોય...

અડિયલની જેમ કોઈ દરવાજો ઠોકતું જ રહ્યું એટલે નાછૂટકે તે જ્હાનવીને છોડીને ઊભો થયો. જ્હાનવીએ અડધા ઉઘાડા બદનને કંબલથી ઢાંક્યું. શર્ટ ચડાવતા આર્ષે તુમાખીમાં દરવાજો ખોલ્યો, પણ સામે જ્હાનવીના પેરન્ટ્સને જોઈને હાંફી જવાયું. બેડ પરથી ડોક લંબાવતી જ્હાનવીને કમકમાં આવ્યાં : ઓ રે! પપ્પા-મમ્મી અ...હીં! (ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

05 March, 2019 12:33 PM IST | | સમિત પૂર્વેશ શ્રોફ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK