ઈશ્વરોલૉજી - પ્રકરણ - 38

Published: Jan 05, 2020, 18:16 IST | Dr. Hardik Nikunj Yagnik | Mumbai Desk

ગતાંક... સંજયના ઘરમાં રહેલા ઈશ્વર પોતાની ઈશ્વરોલૉજી વડે તેને જીવનનું ગૂઢ જ્ઞાન સાવ સરળ રીતે સમજાવી રહ્યા છે. અચાનક એક રાતે પોતે ખૂબ ધનવાન છેઅને લક્ષ્મીને સાથે લઈને કોઈને ખબર ન પડે એમ સંજયના ઘરે છુપાયેલા છે એવું તેઓ મોટેથી કહે છે.

ઈશ્વરોલૉજી
ઈશ્વરોલૉજી

આ વાત ખરેખર ઘરની બહાર રહેલા ચોરને કહેવા માટે હોય છે.બહાર રહેલો ચોર રઘલો આ મોટા માણસને કિડનૅપ કરીને જીવનભર ચોરી જેવા કામમાંથી નિવૃત્ત થવાનું વિચારે છે. આ પ્લાનમાં અઠંગ ચોર એવા રમણકાકા તેનો સાથ આપવા તૈયાર થાય છે. ખૂબબધા પ્લાનને નકાર્યા પછી અચાનક રમણકાકાના મગજમાં આ માણસને કિડનૅપ કરવાનો માસ્ટર પ્લાન તૈયાર થાય છે. આ માટે તે રઘલાને સત્યનારાયણદેવનો શીરો બનાવવાનું કહે છે.. 

હવે આગળ...
‘૬૦૦ ગ્રામ રવો, ૬૦૦ ગ્રામ ઘી, ૩ લિટર દૂધ, ૬૫૦ ગ્રામ ખાંડ જોઈએ અને ઉપરથી થોડી ઇલાયચી, ચારોળી અને બદામની કાતરીનો ઢગલો કરીએ અને એની અંદર આપણા હૈયાના ભાવ નાખીને ચોખ્ખા મન અને ચોખ્ખા તનથી બનાવીએ તંઈ જઈને સત્યનારાયણદેવનો શીરો બને. એમનેમ ના બને...’ જયંતી રસોઈયાએ પોતે જાણે દુનિયાનો સર્વશ્રેષ્ઠ સત્યનારાયણનો શીરો બનાવી જાણે છે એમ ઠાવકાઈમાં રઘલાને કહ્યું.
હવે એક તરફ આ કિડનૅપના પ્લાનમાં ત્રણ દિવસથી ચોરી કરવા નથી ગયો અને એમાં પાછો આ નવો ખર્ચ કરવાનો એમ વિચારીને રઘલાને ચિંતા થઈ. જયંતી રસોઈયાને પૂછી પણ જોયું કે થોડું-થોડું બનાવવું હોય તો ન બનાવે. જયંતીએ ઘસીને ના પાડતાં કહ્યું, ‘સત્યનારાયણદેવના શીરાનું માપ ખોરવીએ તો ન ચાલે. એ તો જેમ બનતો હોય એમ જ બને.’
પછી રઘલાને થયું કે કિડનૅપના કામ માટેનું આ પણ એક ઇન્વેસ્ટમેન્ટ જ છેને એટલે તેણે જરૂર મુજબની વસ્તુઓ લાવી આપી. પછી મનમાં થયું કે હવે શીરો બનાવું જ છું તો મારા કાળિયા ઠાકરને ધરાવી દઉં. એટલે મઘમઘતી સુગંધવાળો ઘીથી લથપથ શીરો તેના હાથમાં આવ્યો. રમણકાકા પાસે લઈ જતાં પહેલાં તેણે પોતાના ઝૂંપડાની દીવાલે ગોઠવેલા કૃષ્ણના ફોટો સામે ધર્યો અને બોલ્યો, ‘હે ઠાકર, ઓય આ સીરો ખા... અને ઝટ અમને મેવા ખવરાય. આ જોજે હોં જીવનનો સૌથી મોટો દાવ રમવા જઉં છું. આ આટલો મોંઘો સીરો ઇમા જ બનાયો છ. હવે આ મોટો હાથ મારી લઉં એટલે આ ચોરીચકારી છોડીને હારાં કામ કરવા સે... જો હગરું હરખું થયુંને તો આજુબાજુવાળા હગળાને બોલાઈશ અને હત્યનારાયણની પૂજાય કરાઇસ અને તને આવો સરસ સીરોય ધરાઇસ. જોઈ લે જે બાપ...’
આમ કહીને શીરાનો ડબ્બો લઈને તે રમણકાકાના ઝૂંપડે જવા નીકળ્યો. રમણકાકા રિક્ષાવાળાના ડ્રેસમાં ઘરની બહાર પડેલી નવી રિક્ષા સાફ કરી રહ્યા હતા. રઘલાને નવાઈ લાગી. પાસે જઈને તેણે રમણકાકાને ઇશારાથી પૂછ્યું. રમણકાકાએ આંખ મારીને કહ્યું, ‘આ આપણા પીલાન માટે હરખું વાહન તો જોઈએ કે નંઈ? તું એ છોડ પેલું લાવ્યો?’
રઘલાએ શીરાનો ડબ્બો બતાવ્યો. રમણકાકાએ એને ઝૂંપડાની અંદર જવાનો ઇશારો કર્યો અને પાછળ પાછળ તેઓ પણ અંદર ગયા. રઘલાએ ડબ્બો ઉઘાડ્યો અને આખા ઝૂંપડામાં શીરાની મહેક પ્રસરી ગઈ. એક નાનકડી ઝોળીમાંથી રમણકાકાએ એક કાચની શીશી કાઢી, પણ એમાં નાખતાં પહેલાં પોતાની જાતને શીરો ચાખતાં તેઓ રોકી ન શક્યા. બે-ત્રણ વખત ખાઈ તેમણે એ આખી શીશી એમાં ઠાલવી દીધી. અને પછી મોઢા પર રૂમાલ ઢાંકી એને બરોબર મિક્સ કર્યું.
આ તરફ આજે સવારથી ઈશ્વર કાંઈ સરસ મૂડમાં હતા. સંજય ઈશ્વરની કહેલી વાતોને વાગોળતો હતો ત્યાં જ ભગવાને આવીને તેને કહ્યું, ‘તું કોઈ દિવસ મંદિર જાય છે કે પછી ખાલી આ મારા ફોટોની સામે તેં કહ્યું હતું એમ અગરબત્તી ફેરવીને સુગંધિત કરી ખુશ થઈ જાય છે?’
‘આ તમારી જોડે મંદિર ગયેલો ત્યારે શું થયેલું એ તમે પણ જાણો છો અને હું પણ અને રહી વાત મંદિર દર્શન માટે જવાની તો મને તો આ મંદિરના કન્સેપ્ટની જ ખબર પડતી નથી. એક બાજુ તમે એમ કહો છો કે હું દરેક સ્થળે છું અને બીજી બાજુ જો દર્શન કરવાં હોય તો મંદિર જવાનું. આવું કેમ?’
આ સાંભળીને ભગવાને તરત જ ત્યાંથી ઊભા થઈને એ રૂમનો પંખો બંધ કરી દીધો. અચાનક આટલી ગરમીમાં તેમને પંખો બંધ કરતા જોઈને સંજયે તરત જ કહ્યું, ‘પ્રભુ આ શું કરો છો? આમ તો તાપથી મરી જવાશે.’
ભગવાને કહ્યું, ‘પણ પંખાની શી જરૂર છે? હવા તો આગળ-પાછળ દરેક સ્થળે છે જને?’
‘અરે તમે પણ શું પ્રભુ? હવા તો હોય જને, પણ એને આપણા સુધી સરસ અને એકધારી ફેંકવા પંખો તો જોઈએને?’ સંજય એકશ્વાસે બોલી ગયો, પણ આ દરમ્યાન ભગવાનનું એકદમ તોફાની સ્મિત જોઈને સઘળું સમજી ગયો. એટલે પોતાને સાચો પાડવા તેણે ટેવ મુજબ આગળ ચલાવ્યું.
‘ચાલો માન્યું કે ઈશ્વરની કૃપાને એકધારી સરસ રીતે અમારા સુધી પહોંચાડવા એ માધ્યમ હશે, પણ સાવ સાચું કહું? આ તો મંદિરમાં જઈએ એટલે બહાર પહેલાં તો આપણી પાસે માગનાર ભિખારીઓ ફરી વળે. ત્યાંથી આગળ જઈએ એટલે અંદર તમારી સાથે માગવા આવનાર ભિખારીઓની લાઇન મળે. પૂજારીઓને તો પૈસા અને દાનમાં રસ હોય. ફલાણું કરવું હોય તો આટલા રૂપિયા અને ઢીંકણું કરવું હોય તો આટલા. મને તો સાવ સાચું કહું મંદિરમાં અંદર જઈએ એટલે આ જ દેખાય છે.’
આ સાંભળીને બાજુના ટેબલ પર પડેલી હેલ્મેટ અને ચાવી લઈને ભગવાને ઇશારો કર્યો. સંજય તરત જ તેમની પાછળ ભાગ્યો. બન્ને જણ ઘર પાસે આવેલા એક વિશાળ મંદિરની પાસે પહોંચ્યા. સ્કૂટરને એક જગ્યાએ પાર્ક કરીને ભગવાન અને સંજય બને ભીડમાં થઈ અંદર પેઠા.
જેમ સંજયે કહ્યું હતું તેમ જ ભીડ, ભિખારીઓ, દાન માગનારા પંડિતો વગેરેને જોઈ સંજય પહેલી વાર ખુશ થયો. તેને થયું કે હવે ભગવાનને ખબર પડશે.
ભગવાને મંદિરના એક ખૂણે લઈ જઈ પોતાના ખિસ્સામાંથી એક લખોટી કાઢી સંજયના માથા પર મૂકી. લખોટી સંજયના વાંકડિયા વાળમાં ભરાઈ ગઈ.
ભગવાને કહ્યું કે તારા વાળમાં આ લખોટી ફસાયેલી છે. હવે તારે આ મંદિરની પ્રદક્ષિણાપથ પર આમ ઊંચું જોઈને જ ચાલવાનું છે. તારું ધ્યાન પેલી ધજા પર હોવું જોઈએ અને માથું સહેજ પણ હલાવવાનું નહીં. લખોટી વાળમાંથી નીચે પડવી ન જોઈએ.
સંજયને પહેલાં તો થયું કે આ તે કેવી નવી રમત છે! પણ ઈશ્વર પરના અમાપ વિશ્વાસને લઈને તેણે સહેજ ઊંચે જોઈને ત્રાંસી નજર ધજા પર રાખી સાચવીને ચાલવાનું શરૂ કર્યું. જીવનમાં પહેલી વાર તેને પોતાના વાળ વાંકડિયા છે એ સારા લાગ્યા.
લગભગ પંદર મિનિટ પછી તે આખું ચક્કર લગાવીને ભગવાન પાસે આવ્યો. ભગવાને વાળમાંથી લખોટી પાછી કાઢતાં પૂછ્યું, ‘જ્યારે તું ફરતો હતો ત્યારે તારી નજરમાં પેલા ભિખારીઓ, માણસો કે પછી પૈસા માગતા મહારાજો હતા?’
‘ક્યાંથી હોય, એ વખતે મારું ધ્યાન તો પેલી લખોટી સાચવવામાં અને ધજાને જોવામાં હતુંને?’
ઈશ્વર ખડખડાટ હસી પડ્યા. તેમણે તેને પાસે બોલાવીને કહ્યું, ‘જ્યારે મંદિર આવો ત્યારે ધ્યાન મારામાં જ રાખશો તો બીજું કશું જ નહીં દેખાય, પણ તકલીફ એ છે કે ધ્યાન મારામાં ઓછું અને આ બધી બાબતોમાં વધારે હોય છે.’
જેવી દૃષ્ટિ એવી સૃષ્ટિની સાંભળેલી વાત આજે સંજયની આંખ સામે સાર્થક થઈ. તેને ખૂબ આનંદ થયો કે પોતાના મનમાં રહેલી ફરિયાદનું નિરાકરણ લાવવા ઈશ્વર તેને છેક અહીં સુધી લઈ આવ્યા.
પણ એ તો ઈશ્વર જ જાણતા હતા કે પોતે તેને કેમ અહીં સુધી લાવ્યા છે. બન્ને જણ મંદિરની બહાર આવીને પાર્ક કરેલા સ્કૂટર
તરફ ગયા.
સ્કૂટરને જોતાં ઈશ્વરે મોં બગાડ્યું. આગળ અને પાછળ બન્ને પૈડામાં પંક્ચર હતું. સંજય આ જોઈને અકળાયો. ઈશ્વરે કહ્યું, ‘કોઈ વાંધો નહીં. એ બહાને મને રિક્ષામાં ફરવા મળશે. આપણે પછી કોઈને મોકલીને સ્કૂટર મગાવી લઈશું.’
હજી તો સંજય આજુબાજુમાં કોઈ પંક્ચરવાળો છે કે નહીં એ જુએ એ પહેલાં તો એક રિક્ષા તેમની પાસે આવીને ઊભી રહી ગઈ. અંદર રહેલી વ્યક્તિએ કહ્યું, ‘હાલો સાહેબ... ક્યાં જશો?’
ઈશ્વર અંદર બેસતાં બોલ્યા, ‘જ્યાં તમે લઈ જાઓ ત્યાં...’ રિક્ષાવાળો ચમક્યો. ભગવાન પણ શું બોલે છે એમ વિચારતાં સંજયે પોતાનું ઍડ્રેસ કહ્યું. રિક્ષાવાળાએ રિક્ષા આગળ હંકારી.
રિક્ષાવાળો ભારે વાતોડિયો હતો. થોડી વારમાં તો તેણે અને ઈશ્વરે દોસ્તી કરી નાખી હોય એમ વાતો કરી. સંજયને ઈશ્વરનું આવું સ્વરૂપ અજુગતું લાગ્યું. વાતવાતમાં પેલા રિક્ષાવાળાએ જણાવ્યું કે પોતાને ઘરે આજે સત્યનારાયણની પૂજા હતી અને જો તેમને વાંધો ન હોય તો તે પ્રસાદનો શીરો આપે.
સત્યનારાયણદેવનો પ્રસાદ ત્યાગ કરે તો-તો ખૂબ મોટી તકલીફ થઈ જાય.  એ વાત તો જગજાહેર પણ અહીં કોઈ એ વાતે બીએ એમ હતું નહીં, પણ ઈશ્વરે તો સામેથી પ્રસાદ માગ્યો. હરખાતાં-હરખાતાં પેલા રિક્ષાવાળાએ ડબ્બો ધર્યો. ઈશ્વરે પોતાને ભાવતો શીરો બે-ત્રણ ચમચી લીધો અને સંજયને પણ આપ્યો. કાચમાંથી સંજયને પ્રસાદ આરોગતો જોઈ રિક્ષાવાળો ચિઢાયો, પણ તેણે પોતાના મોં પર એ ભાવ પ્રગટવા ન દીધા.
ફક્ત પાંચ મિનિટમાં તો બન્ને જણ ઘસઘસાટ ઊંઘવા લાગ્યા. રિક્ષાવાળાએ એક તરફ રિક્ષા ઊભી રાખી. પાછળ જ આવેલી એક બીજી રિક્ષામાંથી રઘલો ઊતર્યો. તેણે રિક્ષાવાળા સામે જોઈને પૂછ્યું ‘શું થયું રમણકાકા?’
હસતાં-હસતાં રિક્ષામાં સૂતેલા બન્ને પર આંગળી કરતાં રમણકાકા બોલ્યા, ‘થાય શું? સત્યનારાયણનો શીરો કોઈ ખાવાની ના પાડે જ નહીંને.’
‘પણ આ બીજો કેમ આયો સાથે?’ સંજય તરફ આંગળી કરતાં રઘલાએ પૂછ્યું.
‘હવે તેને બોનસ સમજ. એક કિડનૅપિંગ કરતાં બે ભલા.’ રમણકાકાએ રિક્ષા ચાલુ કરતાં કહ્યું.
બન્ને જણને લઈને રઘલો અને રમણકાકા નીકળ્યા અને મનોમન ઈશ્વર ખૂબ હસ્યા. તેમને થયું કે જે હોય તે પણ શીરો બન્યો છે સરસ...
(વધુ આવતા અંકે)

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK