Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઈશ્વરોલૉજી - પ્રકરણ - 32

ઈશ્વરોલૉજી - પ્રકરણ - 32

25 November, 2019 02:14 PM IST | Mumbai Desk
hardik nikung yagnik

ઈશ્વરોલૉજી - પ્રકરણ - 32

ઈશ્વરોલૉજી - પ્રકરણ - 32


 બીજી તરફ એક અતિશય ઘરડા પતિપત્નીના ઘરે તેઓ બન્ને જાય છે. વિશ્વાસ અને પ્રેમના સહારે બન્ને જણ પાસે જેકાંઈ છે એની સાથે તેઓ સુંદર જીવન જીવી રહ્યાં છે. પોતાના સ્ટોરમાં તેઓએ એક ડબો મૂક્યો છે. ત્યાંથી વસ્તુ લઈ એની રકમ ગ્રાહક જાતે જ અંદર મૂકી જાય એવી વ્યવસ્થા છે. તેમનું કહેવું છે કે આજ સુધી એમાંથી વેચાયેલી વસ્તુ કરતાં વધુ રકમ જ નીકળી છે, ઓછી નહીં.

હવે આગળ...
‘બેટા, સંતોષ અને વિશ્વાસ બન્ને રાખો તો આ જગતમાં જીવ્યા જેવું છે હોં!’ પેલા ઘરડા માણસના ધ્રૂજતા હોઠે બોલાયેલા આ શબ્દો સંજયના હૃદયમાં ગુંજતા રહ્યા.
તેમની પાસેથી આગળ નીકળતી વખતે સંજયને થયું કે માણસ અમસ્તો ચિંતા કર્યા કરે છે. જો પોતે ધારે તો પોતાનું સ્વર્ગ અને પોતાનુ નરક પોતાની જાતે જ બનાવી શકે છે, પણ હજી તેના હૃદયમાં શંકાઓ હતી કે આ પાપ-પુણ્યની ગણતરી કઈ રીતે થાય? કેમ કરીને ઈશ્વર નક્કી કરતા હશે કે કોણે કેટલું પાપ કર્યું અને કોણે કેટલું પુણ્ય? અને એના હિસાબે સુખ અને દુઃખની વહેંચણી કેવી રીતે થતી હશે?
નારદમુનિએ તેની સામે જોઈને કહ્યું, ‘બહુ પાકા તમે તો, આટલું બતાવ્યું એ ઓછું હોય એમ હજી પણ નવા-નવા પ્રશ્નો લાવ્યે જ રાખો છો. આ ઈશ્વર પણ ઘણી વાર છેને...’
જાણે મોટી ભૂલ થઈ ગઈ હોય એમ સંજયે તેમની સામે જોયું અને નારદમુનિ બોલતા બંધ થઈ ગયા. સંજયે બે હાથ જોડીને કહ્યું, ‘તમને પડતી તકલીફ બદલ માફી માગું છું, પણ પ્રશ્ન થવો એ સ્વાભાવિક છે. એમાં હું શું કરી શકું?’
નારદમુનિએ એક જ ક્ષણમાં પોતાના ગુસ્સા પર કાબૂ કરતાં કહ્યું, ‘ના ભાઈ ના, ચાલો તમારા આ પ્રશ્નનો જવાબ પણ આપી દઈએ. પણ આ વખતે હું તમને એક ઘટના બતાવીશ અને પછી હું તમને કેટલાક પ્રશ્નો કરીશ એના પરથી આપણે નક્કી કરીશું પાપ અને પુણ્યની વાત.’
સંજય એક ઉત્સાહી વિદ્યાર્થીની જેમ હરખાયો. નારદમુનિએ આંખો મીંચી અને હવામાં હાથ હલાવ્યા. સંજયની નજર સામે એક સ્ક્રીન ખૂલી. કોઈ ગામડાના સાવ સામાન્ય માણસના ઘરમાં એક લગ્નપ્રસંગ ચાલી રહ્યો હતો. નારદમુનિએ સંજયને દરેક ક્ષણ ધ્યાનથી જોવા માટે કહ્યું.
નાનકડા ઘરની આગળ જ મંડપ બાંધ્યો હતો અને પાછળની તરફ રસોઈ બની રહી હતી. જાનની રાહ જોવાઈ રહી હતી. સૌકોઈ પોતપોતાના કામમાં મગ્ન હતા. રસોઈ બનાવનારા પણ મન દઈને જાનૈયાઓ અને બીજા મહેમાન આંગળાં ચાટતા રહી જાય એવી વિવિધ વાનગીઓ બનાવવામાં મશગૂલ હતા.
એક મોટા વાસણમાં ખૂબબધું દૂધ ગરમ થઈ રહ્યું હતું. એને મોટા તવેથાથી હલાવતાં એક રસોઈયાએ જોયું તો દૂધ ઊકળવામાં વાર હતી એટલે તે બીજી તરફ ફરી, પૂરી બનાવતા બીજા રસોઈયાઓને મદદ કરવા લાગ્યો. આ દરમ્યાન પાછળના છજા પર ઉંદર મારવાની દવાની લગભગ ખાલી થયેલી બૉટલ પડી હતી. ઘરમાં ઉંદરનો ત્રાસ બહુ જ હતો. આ દરમ્યાન દોડતો એક ઉંદર એ બૉટલ સાથે અથડાયો અને છજામાં વાંકી વળી ગયેલી બૉટલમાં રહેલી થોડીઘણી દવા પ્રસરીને નીચે ઊકળતા દૂધમાં પડી.
આ વાતથી તદ્દન અજાણ રસોઈયાએ આવીને જોયા વગર જ બાજુમાં ટુકડા કરીને મૂકેલા સૂકા મેવાની થાળી દૂધમાં ખાલી કરી દીધી, એને ફરી બરોબર હલાવવામાં મશગૂલ થઈ ગયો.
સંજયનો જીવ આ જોઈને અધ્ધર થઈ ગયો. નારદમુનિએ દર વખતની જેમ સ્મિત આપ્યું અને ખાલી એટલું જ બોલ્યા, ‘હજી આગળ આગળ જો, શું થાય છે?’
લગ્નનું જમણવાર શરૂ થયું. કન્યાના પિતાએ હેતથી તેડાવેલા મહેમાનો અને સ્વજનોને જમવાનું પોતાના હાથથી આગ્રહ કરી-કરીને જમાડ્યું.
દવાની બૉટલ લગભગ ખાલી હતી એટલે ખૂબ ઓછી દવા એમાં પડેલી, પણ એટલી દવાએ એનો રંગ દેખાડવાનું શરૂ કર્યું. અચાનક સૌને ઊલટી-ઊબકા શરૂ થયાં. સૌકોઈ ગભરાયા. નાનકડું ગામડું હતું એટલે ડૉક્ટરની કોઈ સુવિધા હતી નહીં. બાજુના ઘરમાં રહેતા અને કન્યાના પિતા સાથે વર્ષોથી અબોલા લીધેલા પાડોશીને એની જાણ થઈ. આખા ગામમાં મોટું ટ્રૅક્ટર ફક્ત તેની પાસે હતું. વર્ષોની દુશ્મનાવટ ભૂલીને તેણે ટ્રૅક્ટરમાં સૌ બીમાર વ્યક્તિઓને બેસાડીને પાસેના ગામના દવાખાના તરફ લઈ જવા માંડ્યુ. આમ લગભગ સાતેક ધક્કામાં સૌને હૉસ્પિટલ પહોંચાડ્યા. સૌકોઈનો જીવ બચી ગયો.
પણ એ દિવસથી કન્યાનો બાપ કોઈને મોઢું બતાવવાને લાયક ન રહ્યો. નવી-નવી પરણેલી કન્યાને પણ સાસરિયામાં ખૂબ સાંભળવું પડતું. જ્યારે-જ્યારે તેમનાં લગ્નની વાત નીકળે ત્યારે તેના સાસરાના લોકો અચૂક આ વાત કાઢીને કહે કે વેવાઈએ સૌને ઝેરી જમણવાર કરાવ્યો હતો. અમારા વેવાઈના ઘરે જાઓ તો કશું ખવાય નહી હોં!
આ પ્રસંગ બતાવીને નારદમુનિએ પ્રશ્ન કર્યો, ‘બોલો, કાર્યકારી પ્રભુ હવે આ આખી ઘટનાનું પાપ કોના માથે લગાડવાનું? એક, સૌને પોતાના ઘરે બોલાવીને ઝેરી ખાવાનું ખવડાવનાર કન્યાના પિતા પર? પેલી બૉટલ નાખી દેવાને બદલે ઘરની પાછળની છત પર મૂકી દેનાર એ કન્યા પર? કે એ બૉટલને પાડી દેનાર પેલા ઉંદર પર એ પાપ નાખવાનું કે પછી જમવાનું બનાવતી વખતે બેધ્યાન રહેનાર રસોઈયા પર?’
સંજયને થયું કે વિચારીને જવાબ
આપવો પડશે.
સ્વાભાવિક રીતે પહેલી નજરે આ આખી ઘટનામાં વાંક રસોઈયાનો જ દેખાયો. જમવાનું બનાવવાનું ધ્યાન રાખવાનું કામ તો તેનું જ હતું એટલે આ આખી ઘટનાનું પાપ રસોઈયાને માથે લાગવું જોઈએ એમ સંજયને થયું. નારદમુનિએ તરત જ કહ્યું કે તે તો તેનું કામ જ કરતો હતોને? ઊકળતા દૂધ સામે આંખો ફાડીને ઊભા તો ન જ રહેવાય  એટલે તે પૂરી વણવાનું કામ કરતો હતો અને એમાં એક છાંટો પડે તો તેને થોડો દેખાય? એમાં તેનો વાંક કેવી રીતે થયો?
સંજયે વિચાર્યું કે કન્યાનો પિતા સાવ નિર્દોષ છે. તેને તો ખબર પણ નહોતી આથી તેને તો પાપ લાગવું જ ન જોઈએ. જોકે વાંક ઉંદરનો ગણી શકાય, કારણ કે ઉંદર અથડાવાથી પેલી બૉટલ આડી પડી અને એમાં રહેલી દવા પ્રસરી. પોતે પાપ કોને માથે લાગશે એ શોધી નાખ્યું હોવાથી ખુશ થઈને સંજયે નારદમુનિ સામે જોયું.
નારદમુનિએ પાછું માથું હલાવતાં કહ્યું, આમ તેમ દોડવું અને વસ્તુઓ સાથે અફળાવું એ તો ઉંદરની જાતની ઓળખ છે. એ પ્રાણીની લાક્ષણિકતા જ ચંચળ છે એટલે એ તો એની લાક્ષણિકતા પ્રમાણે જ વર્ત્યો છે. કોઈનું પણ અહિત કરવાનો ઉદ્દેશ તેનો હતો જ નહીં, તો પછી આ પાપ તેના માથે કેમ કરીને લગાડાય?
સંજય બરોબરનો મૂંઝાયો. તેને થયું તો પછી રહે છે પેલી કન્યા જેણે આ ખાલી થયેલી બૉટલ ફેંકી દેવાની હતી તો પણ તેણે એને સંઘરીને ત્યાં મૂકી રાખી, પણ એવું તો દરેક જણ કરે છે. ઘરમાં ખાલી થયેલી બૉટલ અને ડબા સૌકોઈ સંઘરીને મૂકે છે અને પછી પસ્તીવાળા કે ખાલી ડબા લેનારને વેચે છે એમાં એ બિચારીનો શું વાંક?
સંજય મનોમન બબડ્યો, ‘આ પાપનું ગણિત તો બહુ અઘરું છે. જમવાનું બનાવનાર પાપી નથી, ખવડાવનાર પાપી નથી, જેને લીધે ખોરાકમાં ઝેર ગયું એ લોકો ક્યાંક તો અજાણ છે અને ક્યાંક ચંચળ લક્ષણોવાળા, તો પછી આ પાપ કોના માથે?’
નારદમુનિએ તેને મૂંઝાયેલો જોઈને કહ્યું, ‘હવે એક કામ કરો કાર્યકારી પ્રભુ, આ જેટલા લોકો લગ્નનું જમ્યા છે તેમને જ પાપી માની લઈએ કે જોયા-જાણ્યા વગર એ જમ્યા કેમ?’
સંજય તેમની સામે જોઈ રહ્યો અને પછી હાથ જોડીને કહ્યું, ‘બૉસ,  આમ મજાક ન ઉડાડોને. જે શીખવાડવાનું છે એ શીખવાડોને, કારણ કે મને એટલી તો ખબર પડી જ ગઈ છે કે આ તમારા ઉપરવાળાઓનું ગણિત અમારા જેવાની સમજમાં આવે એવું હોતું જ નથી.’
નારદમુનિએ કહ્યું કે ‘ઈશ્વરનું માનવું એમ છે કે પાપ અને પુણ્ય એ સઘળું વ્યક્તિની નીતિ પર આધારિત રહેલું છે. કોઈ પણ જીવમાત્રને કંઈ પણ ત્રાસ આપવો કે દુઃખ આપવું એનાથી પાપ બંધાય. કોઈ પણ જીવને કંઈ પણ સુખ આપવું એનાથી પુણ્ય બંધાય છે. જ્યારે પણ આવી કોઈ ઘટના ઘટે છે ત્યારે માણસની નીતિ  ઈશ્વરની અદાલત ચકાસે છે. કન્યાના પિતા, કન્યા પોતે, પેલો ઉંદર કે પછી રસોઈયો કોઈની પણ નીતિ  આ ઘટનામાં બીજાને નુકસાન પહોંચાડવાની કે ઝેરી ખોરાક ખવરાવવાની નહોતી એટલે અહીં પાપ-પુણ્યના હિસાબે કોઈને પાપ ન લાગે.’
સંજયના મનમાં હાશ થઈ ત્યાં નારદમુનિ બોલ્યા, પણ આ કિસ્સામાં કોઈક એવું છે જેને ભરપૂર પાપ લાગ્યું છે અને કદાચ આ સઘળી ક્રિયાનું પાપ કોઈને માથે મૂકવું હોય તો તેમને માથે મૂકી શકાય એમ છે.
સંજયની આતુરતા વધી. તેણે પૂછ્યું,
‘એ કોણ?’
નારદમુનિએ કહ્યું, ‘કન્યાના એ સાસરાવાળાઓ, જે લોકો વીતેલી ઘટના વિશે તો વાત કરે છે, પણ એમાં ખોટો ઉમેરો કરીને અસત્ય કહે છે કે કન્યાના પિતાને ઘરે જમશો નહીં, તેઓ ઝેરી જમણ ખવડાવે છે. આમ કોઈના વિશે ખોટી અને ઝેરી વાત પ્રસરાવતા લોકોને આ પાપ લાગે.’
સંજય પાપ-પુણ્યની આ ગણતરીથી આભો બની ગયો.


Whatsapp-channel Whatsapp-channel

25 November, 2019 02:14 PM IST | Mumbai Desk | hardik nikung yagnik

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK