કથા સપ્તાહ : આંસુની આરપાર (5)

Published: May 24, 2019, 13:21 IST | વર્ષા અડાલજા - કથા સપ્તાહ

ઊંઘી ગયેલાં બાળકોને લઈને જેસિકા અને ગીની બેડરૂમમાં જતાં જેસિકા ઊભી રહી,

આંસુની આરપાર
આંસુની આરપાર

કથા સપ્તાહ

જેસિકા સમયની આ ક્ષણમાં જાણે જડાઈ ગઈ હતી. એના ખોળામાં માથું મૂકી સૂતેલા અમાનની આંખમાં હજી ઊંઘ હતી

ગીની એકીટસે જોઈ રહી હતી જેસિકાને આમ સાવ સામે વર્ષો પછી. દુશ્મનની જેમ ધિક્કારી હતી તેને. પપ્પાની તેની પ્રત્યેની લાગણી, મમ્મીનાં તેને ખુશ રાખવાના પ્રયત્નો અને ત્વચાની જેમ તેને વળગેલું અભિમાન. જેસિકાએ સતત તેને ધુત્કારી હતી.

અને આજે કૅલિડોસ્કોપની જેમ જરા જ ફેરવતાં, એ જ સંબંધો, એ જ દૃશ્યોનો આકાર બદલાઈ જતો હતો! ક્ષણમાત્રમાં! માતાપિતાની શતરંજની રમતમાં એ એક મહોરું હતી એ સત્ય ઉજાગર થતાં શું પલકમાત્રમાં ભૂતકાળને ભૂંસી નાખવો શું સહજ છે!

તે બોલી પડી,

‘ ના મમ્મી, તું એમ છટકી ન શકે. સૉરી કહી દેવાથી શું વાત પૂરી થઈ જાય? જ્યારથી તેં કહ્યું જેસિકા ન્યુ ઝીલૅન્ડથી આવે છે, આપણે સૌ સાથે રહીશું ત્યારથી મેં વિસારે પાડેલાં અણગમતાં સ્મરણોનું ફીંડલું મનમાં ઉખેળાતું રહે છે. જે તને બચપણથી ધિક્કારતી હતી તેને માટે તું ઝૂરતી હતી અને હું તારી સામે જ હતી અને તારા વહાલ માટે તરસતી હતી એ તને ક્યારેય ન સમજાયું, મમ્મી?’

અરુંધતીનો ચહેરો આંસુથી ધોવાઈને સ્વચ્છ ચમકતો હતો અને સ્વર સ્થિર.

‘કેમ ન સમજાય ગીની? તું તો મારી ગીની ગોલ્ડ હતી, મારા અઢળક વહાલનો અભિષેક તને કરતી બેટા. રજતની અફેર્સ અને... તેનો અવારનવાર ઊપડી જતો... હાથ...’

અરુંધતીએ માથું છાતી પર ઢાળી દીધું. કેટલી શરમજનક વાત હતી! પણ આજે બધાં આવરણો સંકોચ વગર ઉતારવાં હતાં. જીવનભર એનું વજન ઉંચકી તે થાકી ગઈ હતી.

‘મમ્મી! વૉટ યુ આર સેઇંગ!’

સ્તબ્ધ બેઠેલી જેસિકા ચમકી ગઈ.

‘હા જેસિકા, એક વખત હાથ ઊપડ્યા પછી કોઈ ગિલ્ટ કૉમ્પ્લેક્સ રહેતું નથી. મન દુભાતું, હું મને પણ ધિક્કારતી. નિરાશાની એ પળોમાં સૂરજના પહેલા કિરણની જેમ તું મારા ગર્ભમાં પ્રવેશી. તેં મારા જીવનને નિરામય આનંદથી છલકાવી દીધું હતું. જેસિકાની જેમ તને પણ રજત તેની તરફ વાળી લેવાની કોશિશ કરતો. તને લલચાવવા જે રમકડાં, ગેમ્સ લાવતો એ હું જ તોડી નાખતી, સંતાડી દેતી... તમારા બેની ઢાલ બનવાની સતત કોશિશથી ખૂબ સંતાપ થતો. ...ધૉઝ વેર ધ ડેઝ ‘

અરુંધતી ઊભી થઈ ગઈ.

‘કૉફી પીશું? ગીની તારી ગ્રીન ટી... અને જેસિકા તું કૉફી લેશે કે તને ચા ગમે છે? મને તારી પસંદ-નાપસંદની ખબર નથી અને હા, અમાનને સવારે શું જોઈએ?’

જેસિકા જાણે ભાનમાં આવી. અમાનને દૂધમાં આપવાનું કશુંક લઈ આવી અને દૂધ બનાવ્યું. અરુંધતીએ કૉફીના મગ અને ગ્રીન ટીની ટ્રે તૈયાર કરી ટેબલ પર મૂકી. આયેશા પણ ઊઠી ગઈ હતી. જેસિકા અને અમાનને જોઈ તે ગીનીની પાછળ ભરાઈ ગઈ. બિસ્કિટ, બ્રેડ-બટર, ટોસ્ટ અરુંધતીએ મૂક્યાં. આયેશાએ ટોસ્ટ લીધો અને અમાનની સામે ધર્યો, જેસિકા સામે જોઈ તેણે લઈ લીધો. બીજો ટોસ્ટ લઈ તે બાલ્કનીમાં દોડી ગઈ. દૂધ પીને અમાન પણ બાલ્કનીમાં ગયો.

નીરવ શાંતિ ઘેરાયેલા વાદળની જેમ ઝળૂંબી રહી. જાણે કોઈ વાત વચ્ચેથી જ અટકી પડી હતી અને એનો છેડો હવામાં અધ્ધર લટકી રહ્યો હતો. માત્ર બાળકોનાં વાતોના અને હસવાના અવાજો આવતા હતા. જેસિકાનો ફોન રણકી ઊઠ્યો, સુજાતાનો. હાય! વેલકમ ટુ ઇન્ડિયા. ડોન્ટ બી લેટ ફૉર લંચ. શ્યૉર. જેસિકાએ કૉફીનો છેલ્લો ઘૂંટ ભર્યો, અરુધતીએ સહજતાથી કહ્યુ,

‘તારી ફ્રેન્ડ સાથે. તું જા, કેટલે વખતે તને એ લોકો મળશે! હું અને ગીની જઈશું પછી, ફિલ્મમાં જવું છે, આવશેને ગીની? અવૉર્ડવિનિંગ ફિલ્મ છે. ન ઇચ્છા હોય તો...’

‘આવીશ, કદાચ આયેશાનો પ્રૉબ્લેમ થાય...’

અચાનક જેસિકા બોલી,

‘લઈ જાઉં આયેશાને? આવશે મારી સાથે?’

‘અ...હા, ડોન્ટ નો. પૂછી જોઉં. આમ તો બધા સાથે ભળી જાય છે.’

એ બાલ્કનીમાં આવી. દરિયો શાંત હતો.મૉર્નિંગ વૉક લેતા લોકો ચાલી ગયા હતા. બાલ્કનીની આ મોટી ખુરશીમાં બેસવા જેસિકા સાથે કેટલું ઝઘડતી! તે હંમેશાં જીતી જતી.

પણ આજે બન્ને સંબંધને કયે ત્રિભેટે ઊભાં હતાં! તેણે પાછળ ફરીને જોયું. જેસિકા બેઠી હતી. અવાચક. મૂર્તિશી. એ પણ સંબંધને મૂલવી રહી હશે? મમ્મી પણ કેટલું સ્વાભાવિકતાથી આજે વર્તી રહી છે! પપ્પા મમ્મી પર હાથ ઉપાડતા હતા!

તે કંપી ઊઠી. વર્ષો સુધી તે અગ્નિપથ પર ચાલતી રહી, અમારા માટે અને અમને ખબર પણ ન પડી.

‘મમ્મી, હું અમાન સાથે જાઉં?’

આયેશા પૂછતી હતી. બે બાળકો, જેમણે ભૂતકાળ સાથે વિતાવ્યો નહોતો. ભવિષ્યકાળ સાથે વિતાવશે! એ તો સમય જ કહેશે. બે વચ્ચેની તિરાડમાં એક નાનકડો તૃણાંકુર ફૂટી રહ્યો હતો. આયેશા અને અમાન દોડીને રમી રહ્યાં હતા. રજ્જુ આવી. જેસિકાને જોઈ ખુશ થઈ ગઈ, સંકોચથી પૂછીયે લીધું, મારી દીકરી માટે થોડી ચૉકલેટ આપો ને! પછી આપીશ કહેતી જલદી તૈયાર થઈ. આયેશા પણ નવું ફ્રૉક પહેરી તેની સાથે હોંશથી ચાલી ગઈ. અરુંધતી તૈયાર થઈ. પીચ કલરની લાંબી કુર્તી અને વાઇટ લેગિંગ્સમાં તે સુંદર લાગતી હતી.

‘મમ્મી, સાચું બોલજે, તેં બ્યુટી ટ્રીટમેન્ટ કરાવી છે?’

અરુંધતી હસી પડી,

‘ ના. જિમ જાઉં છું અને સવારે મરીન ડ્રાઇવ પર જૉગિંગ.’

‘મને ફોનમાં કહેતી પણ નથી!’

‘સરપ્રાઇઝ.’

‘એમ કહેને જેસિકા આવવાની એ ખુશીમાં.’

‘ના ગીની. મારા માટે. આજ સુધી બીજાના સંર્દભમાં મારી જાતને જોતી હતી. આઇ ઍમ હૅપી ફૉર માયસેલ્ફ બસ.’

બન્ને નીચે ઊતર્યાં. રેસ્ટોરાં પાસે હતી, છતાં અરુંધતીએ ટૅક્સી કરી. તેણે ફેસ્ટિવલની જોયેલી બીજી ફિલ્મોની, નાટકની, નેપાલ જવાની ઇચ્છાની લંચ કરતાં વાતો કરી. ગીની વિચારતી કહી, મમ્મી આજે કેટલી જુદી લાગે છે! ફિલ્મ ફેસ્ટિવલમાં ઈરાનની ફિલ્મ જોઈ. પતિનાં કૃત્યોની સજા પત્ની ભોગવે છે એની અત્યંત કરુણ ફિલ્મ જોઈ તે વિચલિત થઈ.

‘તું ન લાવી હોત મા તો આ ફિલ્મ જોવા જ ન મળી હોત.’

બન્ને ઘરે આવ્યા, થોડી વારમાં જેસિકા પણ આવી ગઈ. બાળકો ખુશખુશાલ હતાં. શૉપિંગ બૅગ્સ એણે અરુંધતીને આપી, સંકોચથી કહ્યું,

‘ચૉકલેટનું એક પૅકેટ। રજ્જુને આપજે અને બીજાં તારા માટે છે. ગીની, ધીસ ઇઝ યૉર શૉપિંગ, ચૉકલેટ્સ અને આયેશા માટે ફ્રોક્સ છે...’

‘થૅન્ક્સ, પણ એવી તકલીફ... ‘

‘આયેશાએ પોતે જ પસંદગી કર્યું છે. ’

સહેજસાજ વાતો થતી રહી. અરુંધતી લંચની, ફિલ્મની વાતો ઉત્સાહથી કરતી હતી. ગીની વિચારતી હતી, બધું ભૂલીને મમ્મીએ આ ક્ષણ માટે કેટલા લાંબા સમયથી પોતાને તૈયાર કરી હશે! પણ તે હજી સહજ નથી થઈ શકતી. મમ્મીની વાત, જેસિકાનું અહીં રહી જવું કેટલું અચાનક હતું!

જેસિકાનો ફોન રણકી ઊઠ્યો, સ્ક્રીન પર નામ જોઈ તે અચકાઈ. અરુંધતીને થયું રજતનો હશે. તેનો જ હતો. જેસિકાએ કહ્યું, પપ્પા, કૉલ યુ લેટર. ના હજી થાક છે. બાય. અરુંધતીએ લાઇટ ડિનર માટે બ્રોકોલીનો સૂપ અને ગાર્લિક બ્રેડ બનાવ્યા હતા. જમીને બાળકો ઊંઘી ગયાં. આઇસક્રીમની ટ્રે લઈ મા-દીકરીઓ બાલ્કનીમાં બેઠાં. મરીન ડ્રાઇવનો ક્વીન નેકલેસ ઝગમગી ઊઠ્યો હતો. દૂરની ઊંચાં મકાનોની રોશની જળકૂકડીની જેમ દરિયામાં જળક્રીડા કરી રહી હતી. અને જેસિકા ચૂપ હતી, જાણે કોઈ જુદા કાળખંડ પર ઊભી હતી તે. ધીમે બોલી રહી હતી,

‘યાદ છે ગીની, આ જગ્યા માટે આપણે કેટલું લડતાં!આ રાતનું મુંબઈનું મનમોહિની સ્વરૂપ મને ઘણી વાર સપનામાં આવે છે. કૅન યુ બિલીવ?’

‘નીરવને પણ આ જગ્યા ખૂબ ગમે. શનિ-રવિ અમે ઘણી વાર આવીએ. આમ પણ મમ્મી એકલી હોય એટલે અમે આવીએ તો એને પણ કંપની મળે. મેડિકલ ચેકઅપ પણ કરાવતી રહુ...’

‘ હં.. ઓકે. .’

અચાનક અરુંધતીએ પૂછ્યું,

‘જેસિકા, તું અહી રહેશે કે પછી રજત સાથે, હોટેલમાં.. આઇ મીન મને કશો વાંધો નથી, એટલે પૂછું છું કે કોઈ પ્રોગ્રામ કરવો હોય તો...’

જેસિકા દરિયાને જોઈ રહી. તેણે શું કરવું જોઈએ! મમ્મી કહેતી હતી એવું પપ્પા કરી શકે! એ સાચું કહેતી હશે! હૉસ્ટેલમાં ક્યારેક તેના નામનું પાર્સલ આવતું, એમાં સુંદર તેને પસંદગીનો ડ્રેસ હોય... એક વખત પપ્પા આવ્યા ત્યારે કહ્યું હતું, થૅન્કસ ફૉર ધ ડ્રેસ. એ બોલી પડેલા વૉટ! તેમને નવાઈ લાગેલી, તમને યાદ નથી? મમ્મી ઉપરછલ્લો દેખાવ કરતી હશે! તો શા માટે એ રોકાઈ ગઈ? આજે એ પ્રશ્ન વારંવાર પોતાને પૂછ્યો હતો. એવું કયું પોતાપણું અનુભવી રહી છે! અમાનને આયેશા સાથે રમતાં જોઈ રહી. અમાનનું કોઈ નિકટનું સ્વજન એની સાથે રહેશે, તેને ઉમળકાથી ભાઈ કહેશે... પપ્પાએ તેમના નવા પેન્ટહાઉસમાં રહેવાનું આમંત્રણ આપવાને બદલે હોટેલમાં બુકિંગ કર્યું હતું!

શું મમ્મીના શબ્દની પારદર્શકતાની આરપાર આજે તેણે સત્યનો ચહેરો જોયો હતો!

ગીની તેના મનની દ્વિધા સમજી શકી, ‘જેસિકા તું રોકાશે કે જશે? તારી જે ઇચ્છા હોય... તું રહે તો ચાલો નૅશનલ પાર્ક જઈએ? આ બેને તો મજા જ મજા.’

‘ ઓકે’ એનાથી બોલાઈ ગયું.

‘પણ એ પહેલા એક અગત્યનું કામ.’

એ બેડરૂમમાંથી એક ફાઈલ લઈ આવી, ત્રણેય ડાઇનિંગ ટેબલ પર બેઠાં,

‘આ શું છે?’

‘મારું વિલ ‘

‘કેવી વાત કરે છે? તારું વિલ ?

‘હા, આપણે ફરી આમ મળીશું કે નહી તે હું નથી જાણતી... અથવા હું જ ન હોઉં! હું બધો હિસાબ સ્પષ્ટ અને ખુલ્લી કિતાબ જેવા રાખવા માંગુ છું’

‘ઓ નો!’

‘રિલૅક્સ ગીની. તમને બન્નેને કૉપી આપું છું, શાંતિથી વાંચી જજો. કશું સરપ્રાઇઝ નથી રાખવું. બન્ન્ને સરખો હિસ્સો છે. જ્વેલરી, ફિક્સ્ડ ડિપોઝિટ. ઇન્વેસ્ટમેન માટે એક નાનો વન બેડરૂમ ફ્લેટ છે...’

‘બસ મમ્મી.’

‘એક વાત છે જેસિકા, આ ફ્લૅટ મેં ગીનીને નામે લખ્યો છે એટલે તને એફ ડી વધુ ભાગ આપ્યો છે...’

ગીની રડી પડી.

‘ સો સૉરી મા! તને હું સમજી ન શકી.’

‘ તમારો શો વાંક! કેટલાં નાનાં હતાં તમે! જેસિકા ગીની અહીં રહે છે એટલે આ ફ્લૅટ તેને આપું છું. મુંબઈમાં હવે દરિયાકાંઠે કરોડોનાં પણ ઘર ન મળે. જુએ છે તું, આયેશા અમાન કેવાં બાલ્કનીમાં રમતાં હતાં! આશા છે મોટા થઈને પણ અહીં આમ જ...’

અરુંધતીનો અવાજ રૂંધાયો. તરત સ્વસ્થ થઈ,

‘લૅન્ડલૉર્ડને તારા નામની રિસીપ્ટ બનાવવા હું હપ્તામાં પૈસા ચૂકવી રહી છું, અડધો પગાર એને ખાતે.’

જેસિકા પૂછી બેઠી,

‘તું જૉબ કરે છે?’

‘શું કરું? ઍલિમનીના છેલ્લા બે હપ્તા રજતે આપ્યા જ નહીં. હું લડીને થાકી હતી જેસિકા.મુંબઈ એક્સપેન્સિવ સિટી છે. વેલ, ટ્રાવેલ એજન્સીનું કામ ગમે છે. યુ નો! ખુરશીમાં બેસીને હું દુનિયામાં ફરુ છું.’

એ ખુલ્લા દિલે હસી પડી.

‘જો આ ઘર ગીનીને આપું છું, પણ તું ગમે ત્યારે અહીં આવીને રહી શકે છે, એટલે તારે આવવું હોય તો. વેલ, વિલ વાંચી લેજો, કંઈ ફેરફાર કરવા હોય તો સવારે કહેજો. કાલે સવારે વકીલની અપૉઇન્ટમેન્ટ છે, સહી કરી ફાઇનલ કરી લઈએ... શેલ વી રિટાયર ટુ બેડરુમ? મોડું થઈ ગયું છે.’

ઊંઘી ગયેલાં બાળકોને લઈને જેસિકા અને ગીની બેડરૂમમાં જતાં જેસિકા ઊભી રહી,

‘વિલમાં એક ફેરફાર અત્યારે જ કહી દઉં? સવાર ઉપર શું કામ?’

અરુંધતી અટકી ગઈ, જેસિકા ઝઘડો કરવાની હતી! આજ સુધી એ જ તો કર્યું છે! હજી તેના નસીબમાં ક્યાં સુધી તપ કરવાનું લખ્યુ હશે? તેને શું ઓછું પડ્યું હશે?

આ પણ વાંચો : કથા સપ્તાહ : આંસુની આરપાર (4)

જેસિકા પાસે આવી, ગીનીને ખભે હાથ મૂકીને કહ્યું,

‘ગીનીને ઘર આપ્યુ...’

‘તો? ગીની અધ્ધરશ્વાસે બોલી,

‘તો એ કે એની સામે મને વધુ પૈસા મને ન જોઈએ. હું તો દૂર છું. તે જ તો તારો ખ્યાલ રાખે છે. તેનો હક્ક છે. સવારે વહેલાં ઊઠીશું? તાજમાં બ્રેકફાસ્ટ ઓન મી. કાલે અમાનનો બર્થડે છે, પહેલી વાર ફૅમિલી સાથે સેલિબ્રેટ કરીશું. ગુડનાઇટ.’

જેસિકા બેડરૂમમાં ચાલી ગઈ. અરુંધતીને થયું દરિયાની ભરતીનાં ધસમસતાં મોજાં અહીં સુધી ઊછળી આવી તેને તાર તાર ભીંજવી રહ્યાં છે. (સમાપ્ત)

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK