Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કથા સપ્તાહ : આંસુની આરપાર (1)

કથા સપ્તાહ : આંસુની આરપાર (1)

20 May, 2019 01:18 PM IST |
વર્ષા અડાલજા - કથા સપ્તાહ

કથા સપ્તાહ : આંસુની આરપાર (1)

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કથા સપ્તાહ

અરુંધતીએ ડ્રોઇંગરૂમમાં ઊભાં રહી ઘર પર નજર ફેરવી.



હાશ. બધું બરાબર હતું. તે થાકીને સોફામાં બેસી પડી. કેટલા દિવસથી એ ઊભે પગે હતી! રજ્જુ મદદ કરતી, પણ તોય ફરી ફરીને તે કામ કરવા લાગતી. સોફા-કવર્સને ડ્રાયક્લીન કર્યાં હતાં. મન ન માન્યું તે છેલ્લી ઘડીએ નવાં કુશન કવર્સ ખરીદ્યાં હતાં. પ્લાસ્ટિકનાં ફૂલો વૉર્ડરોબમાં ખોસી દીધાં હતાં અને ફ્રેશ ફ્લાવર્સને ચાઇનીઝ વાઝમાં ગોઠવ્યાં હતાં. વાઇટ લીલીઝ. જેલિકાનાં મનપસંદ.


તેને પ્લાસ્ટિકનાં ફૂલો ન ગમતાં, કહેતી, મમ્મી! આપણે આર્ટિફિશ્યલ જીવન જીવીએ છીએ એ ઓછું છે! તેમાં આ સુગંધ વિનાનાં નિર્જીવ ફૂલો.... બોલતાં થોડું હસી હતી. એ હાસ્યનો ડંખ અત્યારે પણ અરુંધતીને ચૂભી રહ્યો. ઝીણો લોહીનો ટશિયો ફૂટ્યો.

એની પાસે શો જવાબ હતો!


ત્યારે નહોતો. આજે કદાચ મળી આવે તો... તો શું એટલે જ આજે બધું નવેસરથી ગોઠવી રહી હતી? પણ અંદરથી મન ખળભળી ઊઠ્યું છે અને સ્મૃતિઓ વ્રણ છરણ છે એનું શું! આંખો બંધ કરી થોડી વાર તે બેસી રહી. યોગાના વર્ગમાં ગુરુજી કહેતા, બાહ્ય વૃત્તિઓમાંથી મન વાળીને તમારી ભીતર પ્રવેશો. ધીમે-ધીમે શાંતિ મળશે, મનના ઘોડાને પલાણો. શવાસનની સ્થિતિમાં રહો. બહારની દુનિયાને ભૂલી જાઓ... રિલૅક્સ... રિલૅક્સ...

અંદરથી કોઈ જોરથી ધક્કો મારતું હોય એમ અરુંધતી ઊભી થઈ. ના. બહારની દુનિયાને ભૂલવી શું શક્ય છે!

જ્યારે રજત સાથેના ડિવૉર્સની ડિક્રી લઈ તે ઘરમાં પ્રવેશી એની કળ વળી નહોતી છતાં મન શાંત હતું, થયું હવે એ મુક્ત થઈ ગઈ છે. પોતાના જીવન પરનો, શરીર પરનો પણ અધિકાર પાછો મળ્યો છે. પાછલું જીવન હવે સડી ગયેલા અવયવની જેમ કાપીને ફેંકી દેશે. કોર્ટમાં ગીની એના દુપટ્ટમાં મોં ખોસીને વળગી રહી હતી. કોર્ટની ગિરદી, અવાજોથી તે ડરી ગઈ હતી. સહમી ગઈ હતી.

મોટી દીકરી જેસિકા દૂર ઊભેલી રજતની આંગળી પકડીને. ગરદન ટટ્ટાર રાખી જેસિકાએ તેની તરફ જોયું હતું. બન્નેની દૃષ્ટિ એકમેકમાં મોતીની જેમ પરોવાઈ ગઈ હતી, ક્ષણભર જ. પછી પીઠ ફેરવી એ રજત સાથે ચાલી ગઈ હતી. બસ, મા-દીકરીનો સંબંધ એમ જ પૂરો! એ જ ક્ષણે મનમાં થઈ આવ્યું હતું એને હવે કદી ગળે વળગાડવાની નહોતી, ન વહાલ કરવાનું હતું. તે પહેલેથી જ જાણતી હતી છતાં એ ક્ષણે તેને કોર્ટમાં પોકે પોકે રડવાનું મન થઈ આવ્યું હતું. રજત પાછું ફરી તેની સામે હસ્યો હતો. એ હાસ્ય મર્મભેદી તીરની જેમ ભોંકાયું હતું. પતિ આવું કરી શકે, રજત તો કરે જ, પણ જેસિકા! પોતાના લોહીમાંસથી જે ગર્ભ સિંચાયો હતો તે આમ મોં ફેરવી ચાલી ગઈ!

અરે! અચાનક બધાં દૃશ્યો ધૂંધળાં કેમ થઈ ગયાં! હજી હમણાં તો એ શણગારેલું ઘર જોઈ ખુશ થતી હતી. ઓહ! તે અત્યારે પણ રડી રહી હતી. હજી એ તીરની ફણા લોહીભીની છે, આટલાં વર્ષો પછી પણ. અરુંધતીએ બાથરૂમમાં જઈ મોં ધોયું. અરીસામાં ચહેરાને જોતી ઊભી રહી. તેણે તો ધાર્યું હતું, ઘરની સાથે મન પણ ઉલેચી નાખ્યું હતું!

ટૂરીઝમની સીઝન પૂરી થઈ ગઈ હતી. ઑફિસમાંથી થોડા દિવસની રજા લઈ તે બજારમાં રખડી હતી. જાણે ઘણે વર્ષે મુંબઈ આવી હોય. તેને આશ્ચર્ય થયું હતું. શહેરની તાસીર કેટલી બદલાઈ ગઈ હતી!નવા શોરિંગ મૉલ્સ અનેક જાતભાતની વસ્તુઓથી ઊભરાતા હતા અને ભૂતકાળના કોઈ અગોચર કાળખંડમાં વસતી હતી!

કેટલાં નવાં નવાં ઇલેક્ટ્રૉનિક ગૅજેટ્સ, બ્યુટી પ્રોડ્ક્સ, ગણી ગણાય નહીં એટલી લક્ઝરી ચીજવસ્તુઓ, અનેક કંપનીઓના મોબાઇલ્સ...

અને વર્ષો પહેલાં ખરીદેલી હવે નક્કામી અને ઘસાઈ ગયેલી વસ્તુઓથી ઘર અને કબાટો ભર્યાં હતાં! જે લોકો આ ઘરમાં જે જીવન જીવી ગયા હતા જાણે એ અહીં જ છોડીને બહાર નીકળી ગયા હતા અને તે એકલી એ જીવનની, સ્મૃતિઓની અને આ વસ્તુઓની પણ ચોકીદાર હતી.

શા માટે? કોને માટે? વાય અરુંધતી વાય?

એ પોતાને પ્રશ્નો પૂછતી રહી. જવાબ પણ તેણે જ શોધવાનો હતો. ક્યાંથી શરૂઆત કરવી? તેણે કબાટો ખોલ્યાં, એમાંથી એક પછી એક ભુલાઈ ગયેલી, તૂટી ગયેલી વસ્તુઓનો ઢગલો થતો ગયો. જેસિકા અને ગીનીનાં ફ્રૉક, યુનિફૉર્મ, શૂઝ... અને આ ક્રિકેટનું બેટ! તેની ના છતાં રજતે જેસિકાને અપાવેલું. તે કદી એનાથી રમી નહીં. હા, બારીનો કાચ જરૂર તોડેલો.

રજત, તું જેસિકાને બગાડે છે. સામે બોલતી થઈ ગઈ છે, મોં ચડાવીને ફરે છે, ગીનીને કેટલી પરેશાન કરે છે! તેણે તો બેફિક્ર હસીને કહેલું આ દુનિયાને લાત મારી તેને જીવતાં શીખવું છું. તું તારી ગીનીને ડાહી ડાહી બનાવને! હુ ક્યાં ના પાડું છું?

તે ગિન્નાઈ હતી, કેમ ગીની તારી દીકરી નથી?

પછી બન્ને બોલતાં અટકી ગયેલાં. જેસિકા રૂમમાં ડોકિયું કરતી હતી. દીકરીઓ સામે પ્રસન્ન દામ્પત્યનું નાટક બખૂબી કરતાં.

ચોમેર સામાનના ઢગલા જોઈ અરુંધતી અકળાઈ ગઈ હતી. આમ જ મનમાં ભરાયેલા ધિક્કાર, રોષ અને આ વલવલતી પીડાનું પોટલું વાળી દઈ ફેંકી દઈ શકાતું હોત તો? રજજુને બોલાવી સફાઈ કરાવી, રમકડાં, સારાં કપડાં બધું તેનાં બાળકો માટે આપી દીધાં. જૂની બૅગમાં વધારાનો સામાન ઠાંસીને ભર્યો. ગીનીના કબાટમાંથી જર્જરિત પુસ્તકો નીચે ખડકાયાં. ઓહો! કેટલાં વિન્ડ ચાઇમ્સ! ક્યારે, ક્યાંથી લાવી હશે? ગીનીને પુસ્તકો ગમતાં. ચોપડી લઈ બાલ્કનીમાં બેસી જતી. કલાકો સુધી. હવે સમજાય છે ઘરના વાતાવરણની, જેસિકાની દાદાગીરીની, રજતની ઉપેક્ષાની તેના બાળ મન પર કેવી ઘેરી અસર પડી હતી. તે પાછે પગે જતી પોતાના કોચલામાં ભરાઈ ગયેલી. આ લીલા રંગનું ફ્રૉક. ઝીણી સરસ લેસ મૂકેલું. દુકાનમાં એક જ હતું. ગીનીએ કેટલી હઠ કરેલી, પણ રજતે ધરાર જેસિકાને આપેલું, શી ઇઝ બ્યુટિફુલ.

તેને શોભશે. તું બીજું લઈ લેને. ગીની દુકાનમાં જ કેટલું રડેલી! તેણે પણ ચિડાઇને ફ્રૉક પર કોલ્ડ્ર ડ્રિન્ક રેડી દીધેલું। ત્યાં કાળું ધાબું પડી ગયું હતું.

પછી તો...

સ્મૃતિઓનો મધપૂડો છંછેડાઈ ગયો હતો. એક હલકો નિઃશ્વાસ ભરતાં તેણે બેગ ભરતાં વધેલા સામાનનાં પોટલાં બાંધ્યાં હતાં. તેને પોતાના પર જ ચીડ ચડતી હતી. શા માટે આટલાં વરસ આ બધું સાચવી રાખ્યું હતું! પતિ અને દીકરીઓ, જેનું આ બધું હતું તે તો ક્યારનાં અહીંથી ચાલી ગયાં હતાં, પાછું વળીને જોયું સુધ્ધાં નહોતું. આ ખજાનો અલભ્ય તો નહોતો. સોનામહોરના ચરુની જેમ. ટૅક્સીમાં રજ્જુ સાથે જઈ સામાનનો અનાથાશ્રમમાં ઢગલો કરી દીધો હતો. ઘરે આવી ત્યારે સૂનમૂન થઈ ગઈ હતી. જીવનભર આ બોજ ઊંચકીને તે જતી હતી! આવું પહેલા કેમ ન સૂઝ્યું? ઘરમાં નીરવ શાંતિ હતી. રજ્જુએ ગભરાઈને પૂછ્યું હતું, અરે! અંધેરેમેં બૈઠે હો! મૈં તો ડર જાતી.

રજત ડિવૉર્સ લઈ જેસિકાને લઈ અહીંથી નીકળી ગયો હતો, ગીની કૉલેજનાં વર્ષોમાં તો સાથે જ હતી, પણ એ પણ લગ્ન કરી ચાલી ગઈ હતી, કહ્યું હતું, મમ્મી હું અને નીરજ આવતાં રહીશું. અંધેરીમાં તો છું.

પણ સૂના ઘરની એ પહેલી રાત ભયંકર હતી.

જેસિકા ન્યુ ઝીલૅન્ડથી ગીનીનાં લગ્નમાં આવી હતી અને ઘરમાં ગિરદી થશે કહી હોટેલમાં રહી હતી. લગ્ન પછી બહુ રજા નથી કહી તેનો ફોન આવ્યો હતો અને ફોન પર જ બાય બોલી તે ચાલી ગઈ હતી પછી...

- પણ હવે શા માટે આ બધું યાદ કરી રહી હતી! સ્મૃતિઓની આજીવન કેદમાંથી મુક્ત થવા તો જેસિકાને અહીં આવવાનો ખૂબ આગ્રહ કર્યો હતો. તેના બે દીકરાઓને તેણે ફેસબુક પર ફોટાઓમાં જ જોયા છે. અહીં રહેવાની તેણે માંડ હા પાડી હતી. ગીની તો સાથે રહેવા જ નહોતી માગતી, પણ પછી કહી દીધું, ઓકે. સંબંધોના ખાતામાંના જમા-ઉધાર હવે સરભર થઈ જશે.

બસ, પછી મુક્તિ. મુલાયમ પીંછા જેવી હળવાશનો અનુભવ થયો.

ખરેખર?

જે ભભૂકતા અગ્નિ પર રાખ વળી ગઈ છે એ ફરી ભભૂકી ઊઠશે તો? એ સહન કરી શકશે! જેસિકા હજી પણ માને જ છે કે તેણે રજતને અન્યાય કર્યો છે! નાનપણથી જ રજતે તેના મનમાં ઠસાવેલું છે અને તે જ તેના માટે પરમ સત્ય.

તે, જેસિકા અને ગીની.

એવો ત્રિકોણ, જેના ત્રણ ખૂણાનાં બિંદુઓ ક્યારેય મળી નથી શક્યાં. હવે વર્ષોના અંતરાલ પછી ત્રણેય મળશે.

મા અને દીકરીઓ. રજત નહીં હોય છતાં હશે. હવાની જેમ અદૃશ્ય છતાં તેના હોવાનો અહેસાસ કરાવતો.

અરુંધતી રસોડામાં આવી. જેસિકાને ભાવતી બૅક્ડ ડિશ, છેલ્લે માઇક્રોવેવમાં મૂકવાની હતી. નાની હતી ત્યારે ભાવતી, અત્યારની ખબર નહોતી. ગીની માટે તેની પસંદગીની બિરયાની. ડેર્ઝટમાં રસગુલ્લા અને રોસ્ટેડ આલ્મન્ડ આઇસક્રીમ.

ગીની આયેશાને લઈ આવતી જ હશે. તેણે ખાસ કહ્યું હતું, જેસિકાની ફ્લાઇટ પહેલાં આવી જજે. અંધેરીથી સી લિંક થઈ મરીન ડ્રાઇવ આવતાં વાર શી? તે તરત બોલી હતી, ઓકે મૉમ, તારી ક્વીન આવે એ પહેલાં પહોંચી જઈશ. બસ!

ગીનીનું એ લહેકામાં બોલવું ઝીણી ફાંસ બની અંદર ખટકતું રહ્યુ. ડ્રેસિંગ ટેબલમાં જોઈ લીધું, પેસ્ટલ શેડના સલવાર કમીઝ, હીરાનાં નાનાં ક્સોયાં તેના હાથમાં કશું હતું! લિટેર અને સોનાની ઝીણી સેરનો બ્રેસલેટ. બસ, ફેરતપાસ કરી બધું જોઈ લીધું, બધું બરાબર છે. હવે કશું કરવાનું નથી. સિવાય પ્રતીક્ષા. ફ્લાઇટને લૅન્ડ થવાને હજી થોડી વાર હતી, પછી ઇમિગ્રેશન અને ઍરપોર્ટથી મરીન ડ્રાઇવના વનિતા મહાલના ત્રીજા માળના ફ્લૅટની ડોરબેલ જેસિકા વગાડશે.

અહીં સુધી બધું ધારેલું બનવાનું હતું.

પછી શું બનશે એની ખબર નહોતી. ક્યાં તેના હાથમાં કશું હતું? ત્યાર પણ નહીં, આજે પણ નહીં. જેસિકા શું બોલશે, કરશે એની કલ્પની તે ક્યારે કરી શકી હતી!

આ પણ વાંચો : કથા સપ્તાહ - રાખ-અંગાર (યે મેરી કહાની-5)

એમ તો જેસિકાનાં લગ્નમાં રજતે આમંત્રણ આપ્યું હતું, તે ગઈ હતી. રજત માનસી સાથે લગ્નમંડપમાં વિધિ માટે બેઠો હતો. માનસી? પણ તે તો ઝરીના સાથે પ્રેમમાં હતો! જેસિકા બ્રાઇડલ વસ્ત્રોમાં સુંદર લાગતી હતી. તેના પતિને પણ ત્યારે જ જોયો હતો. લગ્નમાં એટલું પરાયાપણું લાગ્યું હતું કે તે ગિફ્ટ આપીને ચાલી ગઈ હતી અને મંડપની બહાર ઊભાં રહી ખૂબ રડી હતી. ઘરે મોડી રાત સુધી બાલ્કનીમાં બેસી રહી હતી.

પછી એક દિવસ જેસિકાનો ફોન આવ્યો હતો, ‘મમ્મી, હું ન્યુ ઝીલૅન્ડ જાઉં છું. અનિરુદ્ધને જૉબની ઑફર છે, ત્યાં જ સેટલ થઈ જઈશું.’ તે આંસુ ખાળી શકી નહોતી.

‘સ્ટૉપ ક્રાઇંગ મૉમ. તેં પપ્પા સાથે આવું વર્તન ન કર્યું હોત, ડિવૉર્સ જ ન લીધા હોત તો આપણે અત્યારે એક હૅપી ફૅમિલી હોત ને! વેલ. તને ફોન કરતી રહીશ. બાય.’

એ ક્યાંય સુધી ફોનને તાકતી બેસી રહેલી. ગીનીએ નારાજ થઈ કહેલું, ‘મમ્મી! જેણે તારી સાથે આખી જિંદગી આવું જ વર્તન કર્યું તેને માટે તું ઝૂરે છે? અને વૉટ અબાઉટ મી? હું તારા વહાલ માટે તરસું અને... તું મને કેટલો અન્યાય કરે છે?’

અરુંધતી પોતાને પૂછી રહી અને હું? મને થયેલા અન્યાયનું શું? પણ આજે હું તેમને બધું કહીશ.

ત્યાં ડોરબેલ રણકી ઊઠી અને તે ચમકી ગઈ. (ક્રમશ)

Whatsapp-channel Whatsapp-channel

20 May, 2019 01:18 PM IST | | વર્ષા અડાલજા - કથા સપ્તાહ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK