કથા સપ્તાહ - રાખ-અંગાર (યે મેરી કહાની-5)

Updated: May 17, 2019, 09:56 IST | મુંબઈ

ટૅક્સીમાં પાછલી સીટ પર યુવતી સાથે બેઠેલો અનાહત ગૂંચવાય છે. છાયામાસીનું નામ લઈ આવેલી છોકરીનું નામ પણ પાછું સત્યવતી!

છાયાબહેને મને એવું તો શું કહેવું હોય!

‘હું સત્યવતી. છાયાદાદી અમારાં પાડોશી.’ એણે ઓળખાણ આપતાં જ ઝણઝણાટી ફેલાઈ ગયેલી - સત્યવતી!
ઓહ, મારી સત્યાનું નામ લઈને આવેલી કન્યાને ઇનકાર કેમ કરાય. એ લાગણીએ હું નીકળી આવ્યો, હવે થાય છે મારી એ કમજોરી જાણતા વિશ્વ‌જિતે જ તો બનાવટી નામની છોકરી મોકલી મને ફસાવ્યો નથીને! મેં દેવયાનીને માર્યાનું ખુન્નસ રાખ્યું હોય એટલે મને ‘પતાવવા’ હનીટ્રેપ રચ્યો પણ હોય!

જોકે પછી પોતાની ગણતરી અનાહતને તથ્યહીન લાગી. જેલમાં અનાહતને લાઇબ્રેરીમાં જવાની છૂટ હતી એટલે સમાચારપત્રો દ્વારા વિશ્વ‌જિતના ન્યુઝ મળતા રહેતા. આજે એનું અફેર, મારો કેસ કોઈને યાદે નહીં હોય. જીવનના આઠમા દાયકામાંય ચુસ્તસ્ફૂર્ત રહેનારો આદમી આજેય રાજકારણમાં રચ્યોપચ્યો છે, આવતે મહિને થનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રૂલિંગ પાર્ટીનો ઉમેદવાર હોવાથી જીતવાનો એ પણ નક્કી છે જોકે પોતાને એની સાથે કોઈ નિસ્બત નથી. અમને જોડતી કડી-દેવયાનીમા- તૂટ્યા પછી તેને ને મારે શું? બાકી તેણે વેર રાખ્યું હોત તો જેલમાં મારી ગેમ કરાવી શકત...

આ વિચાર સાથે ટૅક્સી ખરેખર જુહુના ‘રામલક્ષ્મણ’ બિલ્ડિંગના પાર્કિંગમાં ઊભી રાખી ત્યારે થયું સત્યવતી પોતાના રહેઠાણ બાબત સાચું બોલેલી, પછી એની બીજી બાબતો પણ જૂઠ કેમ હોય?

‘છાયાદાદી ઘર બહાર ખાસ નીકળતાં નથી. ચારેક વરસથી અમારી બાજુમાં રહે છે. તમને ઘણી વાર યાદ કરતાં હોય - મારા નામને કારણે પણ.’

આટલું કહી એણે ઇશારો આપી દીધો કે એ મારી ગાથાથી વાકેફ પણ છે.

‘મારી મા સાથે એમનો જીવ ભળી ગયેલો. એમના કહેવાથી હું તમારા છૂટવાની ભાળ રાખતી એવું કદાચ જેલઑફિસના કલર્કે તમને કહ્યું નહીં હોય... ખરેખર તો તમે જેલમાંથી છૂટો એવા સીધા છાયાદાદી પાસે લઈ જવાના હતા - એમણે તમને કશુંક કહેવું છે.’
છાયાબહેનને મારા સુસાઇડ અટેમ્પટની તો ખબર ન જ હોય; એ છતાં મારા ખૈરખબર રાખવા પડે એટલું અગત્યનું શું હોય?
અનાહતને થયું, હવે થોડી વારમાં આ રહસ્ય પરથી પડદો ઊંચકાઈ જવાનો!

***

‘અનાહતબાબા!’

એંશી પ્લસ થયેલાં છાયાદાદીને અવસ્થાએ ઘેરી લીધાં હતાં, પણ હજુ આંખ-કાન નરવાં હતાં. અનાહતને ઓળખી કાઢ્યો, એનો હાથ પકડી રડ્યા પણ ખૂબ - આપણા સુખને કોની નજર લાગી ગઈ!

‘વિશ્વ‌જિતની,’ અનાહતની કડવાશ છતી થઈ, ‘મારી મા એના મોહમાં એવી આંધળી થયેલી કે મારી સત્યાને એણે મારી નાખી.’ અનાહતથી ભુલાતું નહોતું.

છાયાબહેને નિઃશ્વાસ ખાળ્યો. કિન્નરમાં સુખ શોધનારા અનાહતની વ્યથા અજાણી નહોતી, એમ બિચારી દેવયાનીને પિસાતીયે જોઈ છે. અને કદાચ એ જ મને પ્રેરે છે. અનાહતને લઈને આવેલી સત્યવતીને ગલીના નાકેથી અનાહતને બહુ ભાવતાં જલેબી-ગાંઠિયા લેવાને બહાને મોકલી દીધી હતી. એ આવી જાય એ પહેલાં વરસોથી સંઘરેલો ભેદ કહી દેવો છે. અનાહતને જાણ થવી જોઈએ કે...

‘સત્યાનું ખૂન તારી માએ નહોતું કર્યું. એને મારનારો તો હતો તારા બાપનો કોઈ ભાડૂતી આદમી!’

‘હેં!’ અનાહત ઊભો થઈ ગયો, ત્રાડ પાડી ઊઠ્યો – ‘આ તમે શું કહો છો માસી? મરતાં પહેલાં વરસોની વફાદારીનું ઋણ ચૂકવતાં હોય એમ માસી, માને કલીન‌ચિટ આપવા ભળતી જ કોઈ કથા ઉપજાવી કાઢી કે શું?’

‘જાણું છું, માનવામાં અઘરું લાગશે, પણ આ જ હકીકત તને કહેવા મારા ખોળિયામાં પ્રાણ ટકાવી રાખ્યા છે. દેવયાની સત્યા સાથે તારા સુખનો સોદો કરવા ગયેલી ખરી, પણ એ પહેલાં જ એનું ખૂન થઈ ચૂકેલું. ઘરે પહોંચી એ ફોન પર વિશ્વ‌જિતને આ અંગે ઠપકારતી હતી ત્યાં તારું આગમન થયું ને.’

એ દૃશ્ય સંભારતો અનાહત ધબ કરતો બેસી પડ્યો. ‘માસી, તમે કેમ જાણ્યું?’

છાયાબહેનની ચહેરાની કરચલીઓ થથરી.

‘દેવયાનીને મારી તું જેલમાં ગયો, ઘરમાં કોઈ રહેનારુ હતું નહીં. વિશ્વ‌જિતે ચાર્જ લઈ નોકરોને છૂટા કરી ઘર બંધ કરાવ્યું ને મારી વિનંતીએ મને મુંબઈના એના પેન્ટહાઉસની કૅરટેકર તરીકે રાખી લીધી. વિશ્વ‌જિત, અલબત્ત, મોટા ભાગે દિલ્હી જ હોય. નવા વાતાવરણમાં જૂની ઘટના ભૂલી હું વિશ્વ‌જિતને ત્યાં ગોઠવાઈ ગઈ હતી. આઠ દસ વર્ષ વીત્યાં અને એક દિવસ...
છાયાબહેન સમક્ષ દૃશ્ય ઊપસ્યું.

***

‘તું મને બ્લૅકમેઇલ કરે છે, વિરાટ! સત્યાના ખૂનની કિંમત તને હું ચૂકવી ચૂક્યો છું, સરકારમાંથી મોકાના પાર્કિંગ પ્લૉટ્સ ફાળવી તને ચાંદી કરાવી આપી - અરે એ ખૂનની ગેરસમજમાં મારી પ્રિય વ્યક્તિને ગુમાવી - હવે વધુ ચૂકવવા જેવું શું રહ્યું?’

ચોમાસાના દિવસો હતા. સંસદસત્ર બંધ હોવાથી વિશ્વ‌જિત મુંબઈમાં હતા. જોકે ઘરમાં તો રાત પૂરતા જ જોવા મળે. છાયાબહેનને એટલું પરખાયેલું કે દેવયાની સિવાય વિશ્વ‌જિતની જિંદગીમાં બીજી કોઈ સ્ત્રી નહોતી. મોડેથી ઘરે આવતા વિશ્વ‌જિત જમે નહીં, ફ્રૂટ્સ યા સૅલડ જેવું કંઈક ખાઈ લે એટલે રસોડું આટોપી છાયાબહેન એમના રૂમમાં જતાં રહે, બીજો નોકરવર્ગ પણ જંપી ગયો હોય. મોડે સુધી જાગવાની ટેવવાળો વિશ્વ‌જિત ક્યાં કોઈ ફાઈલમાં ડૂબ્યો હોય, યા પુસ્તકો ઉખેળતો હોય. એને ડિસ્ટર્બ કરવાનો નહીં.
પણ એ રાતે ગૅસની તકલીફમાં ફાકી લેવા રસોડામાં જવા છાયાબહેને દરવાજો ખોલતાં જે કંઈ કાને પડ્યું એ ખળભળાવી દેવા પૂરતું હતું.

‘મેં એક ખૂન કરાવ્યું વિરાટ, એનો એકમાત્ર પુરાવો તું છે, યાદ રાખ, એય હવે નહીં રહે!’

ફોન કટ કરતાં વિશ્વ‌જિતની નજર પોતાના પર પડે એ પહેલાં છાયાબહેન રૂમમાં પુરાઈ ગયાં. એની ગંધ વિશ્વ‌જિતને આજેય નથી!
***
છાયાબહેને કહેલો ઘટનાક્રમ સાંભળી અનાહત સ્તબ્ધ બન્યો.

‘ફરી ક્યારેક વિરાટનો ઉલ્લેખ મને સંભળાયો નહીં. વિશ્વ‌જિતને છંછેડવાની હામ ન થઈ. મારી પાસે પુરાવો પણ ક્યાં હતો? ઉંમર થતાં મેંય નોકરી છોડી. અહીં એક બેડરૂમનો ફલૅટ લીધો. બાજુવાળી સત્યવતી ને એની વિધવા મા જોડે ઘરવટ થઈ ગયેલી. જોકે આ ભેદ મેં કોઈને કહ્યો નથી, તનેય એટલા માટે જ કહ્યો અનાહત કે મા પ્રત્યે તને કટુતા ન રહે. દેવયાની ગમે તેવી તોય તારી મા.’

અનાહતની બુદ્ધિ બહેર મારી ગઈ. અજાણ્યો આદમી મોત બનીને આવ્યો હોવાની સત્યાને કલ્પના પણ નહીં હોય... એક ઘટના નવા જ પરિપ્રેક્ષ્યમાં ઊઘડી રહી હતી. ઘણા સંદર્ભો હવે સ્પષ્ટ હતા. સત્યાની હત્યાની તપાસનો વીંટો પૉલિટિકલ પ્રેશરે જ વાળી દેવાયો હોય, મેં કહેલી ગાથા પોલીસને સ્વીકારવામાં શું વાંધો હોય? નિર્દોષ હોવા છતાં મા મારા રોષનો ભોગ બની એની માફી વિશ્વ‌જિતે સ્મશાનમાં માગી હતી! ઓહ, કાશ મેં માને કંઈક કહેવાની તક આપી હોત! આજ સુધી સગી જનેતાને માર્યાનો રંજ નહોતો મને, પણ માએ ન કરેલા ગુનાની સજા દેવાનું પાપ મને પળ પળ ડંખતું રહેવાનું. સત્યાને મરાવનારો મુજરીમ છૂટો ફરે છે, રાષ્ટ્રપતિ બનવાની રેસમાં છે ને મારી બિચારી મા... અનાહતથી ધ્રુસકું નખાઈ ગયું. હંમેશાં વિશ્વ‌જિતની તરફેણ કરનારી મા મૃત્યુમાં પણ એને છાવરી ગઈ!

‘ઊભરો વહાવી લે, અનાહત, પણ પછી ભૂતકાળથીકોરો થઈ જીવનમાં આગળ વધજે હોં બેટા. જે થયું એ થયું.’ છાયાબહેન વારીવારીને કહેતાં રહ્યાં. એમની લાગણી, નમકહલાલી સ્પર્શતી હતી. અનાહતે એમને કે નાસ્તો લઈ આવેલી સત્યવતીને ભીતરના ભાવ વર્તાવા ન દીધા. છેવટે માસીને પગે લાગી, સત્યવતીને એમની ભલામણ કરી અનાહતે વિદાય લીધી ત્યારે ચિત્તમાં તો એ જ પડઘો ઊઠતો હતો કે મરતાં પહેલાં મારી સત્યાના ગુનેગારને હું સજા તો દેવાનો! 

***

‘વિશ્વ‌જિત હું વિરાટ. સત્યાના ખૂનનું રાઝ ગુપ્ત રાખવું હોય તો...’

‘વૉટ નૉનસેન્સ. એ વિરાટને તો વસઈની ખાડીમાં ડુબાડ્યે જનમો થઈ ગયા.’ બોલ્યા પછી જીભ કચરતા વિશ્વ‌જિતે ફોન પટક્યો, પણ સામે છેડે વિરાટ બનેલા અનાહત માટે આટલો પુરાવો કાફી હતો.

સવારે છાયાબહેનને ત્યાંથી નીકળ્યા પછી તેણે વિશ્વ‌જિતની ભાળ કાઢી. લકીલી એ મુંબઈમાં જ હતો. ફોન પર એનો સંપર્ક સાધી સત્યાના અપરાધી તરીકે ખાતરી મેળવ્યા પછી ફાઇનલ એક્ઝિટની તૈયારી કરવા માંડી. પોતાને સચ્ચાઈથી માહિતગાર કરવાનું ઋણ ફેડતો હોય એમ મિલકતનો થોડો ભાગ છાયાબહેનના નામે કર્યો, બાકીની મિલકત સત્યા-માના નામે દાનધરમમાં વપરાય એવી ગોઠવણ કરી.
- અને હવે

***
આ મેં શું કર્યું!

વિશ્વ‌જિત જાત પર ગિન્નાયા. વિરાટ બનનારા ઇમ્પૉસ્ટરને સામેથી કૉન્ટ્રૅક્ટ કિલિંગની માહિતી આપી દીધી?
ના, સત્યાને મારવાનો અફસોસ નહોતો...

અનાહતને સમજ ફૂટ્યા પછી અમારા ત્રણ વચ્ચેનો સંબંધ ગૂંચવાતો જ રહ્યો. અનાહતે કોર્ટે ચડી મારી ઇમેજને ચૅલેન્જ કરી, મીડિયા ટ્રાયલમાં મને વહેશી ચીતરવામાં આવ્યો. દેવીનીયે કેવી ફીરકી લેવાઈ. પાછો એ જીત્યો.

આ બધું ભુલાય એમ નહોતું. મોડે મોડે સૂઝ્યું કે કોઈ એને ચડાવતુ હશે? વૉચ ગોઠવતાં ધૅટ પાવૈયા સાથે એ લીવ ઇનમાં હોવાની સ્ફોટક માહિતી મળી. દેવયાનીને કહેતાં એય વીફરેલી - અનાહતે આ બધું માંડ્યું છે શું?

જોકે કિન્નરના સંબંધે અનાહત ફરી કંઈ આબરૂ ખરડાય એવું કરે એ પહેલાં સત્યાનું પત્તું સાફ કરી અનાહતનાં કાંડાં જ કાપી નાખવા જેવો ખેલ રાજકારણમાં અમે વિરોધીને નબળો પાડવા રોજ રમતા હોઈએ છીએ...

એ માટે પોતે વિરાટને સાધ્યો. એ દહાડે સવારથી વિરાટ મોકાની ફિરાકમાં હતો. અનાહતના ઘરેથી જુહુ જવા નીકળ્યા બાદ સેલ્સમૅનના સ્વાંગમાં ઘરે પહોંચી એણે સત્યાને પતાવી, એના થોડા સમયે દેવયાની પણ ત્યાં પહોંચેલી. સત્યાને મેં મરાવ્યાનું સમજી ચૂકેલી દેવયાની મને ફોન કરી ઠમકારે છે ત્યાં અનાહત આવી ચડે છે ને....

મારા કર્મની સજા દેવીએ પોતાના માથે લઈ લીધી એનો અફસોસ રહેવાનો. જોકે બાદમાં અનાહતની સાથે નિસ્બત નથી રાખી. દેવીને મારનારાનું મારે મોં પણ શું કામ જોવું?

આમાં હવે કહેવાતા ‘વિરાટ’નો ફોન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિઘ્નરૂપ તો નહિ બનેને! ફરી સત્યાકેસ ઉખેળવામાં અનાહતનો હાથ હશે? જાણવું તો જોઈએ.

એનો જોકે અવકાશ ન રહ્યો. પાર્ટીની ઑફિસમાં બેઠેલા વિશ્વ‌જિત મોબાઇલ સ્ક્રોલ કરે છે ત્યાં એણે દેખા દીધી.
‘હાય વિશ્વ‌જિત.’

અનાહતની ઓળખ પડતાં વિશ્વ‌જિતના અંતરમનમાં ખળભળાટ મચ્યો.

‘તને દીકરાની હેસિયતે મળવા નથી આવ્યો, સત્યાની હત્યા ગોઠવનારને સજા દેવા આવ્યો છું. જીવતાં રહેવું હોય તો ચૂપચાપ મારી સાથે ચાલ, નહીંતર મારા સૂટના ગજવામાં પિસ્તોલનું નાળચું તારી તરફ જ છે. અહીં જ તારું ઢીમ ઢાળતાં મને કોઈ રોકી નહીં શકે.’

આની ખાતરીએ અનાહતને અનુસર્યા વિના છૂટકો ન રહ્યો. ‘હું હમણાં આવ્યો’ જાણે કશું જ બન્યું ન હોય એમ સ્ટાફને કહી એ અનાહત સાથે નીકળ્યો. એની કારમાં ગોઠવાયો.

‘તારી બાજુમાં બિસલેરી બૉટલ પડી છે. ગટગટાવી જા.’

‘શું છે આમાં, ઝેર?’ એનો સાદ ફાટ્યો.

‘મેં કહ્યું ને મારે તને મારવો નથી. મોત કરતાં બદતર જિંદગી આપવી છે - પી.’

વિશ્વ‌જિતે બે ઘૂંટમાં બૉટલ પતાવી ને ઘેનવાળું પાણી પીધાની પાંચ મિનિટમાં એના નસકોરાં બોલવા માંડ્યાં.
અનાહતે કાર વિરાર તરફ હંકારી મૂકી.

***
ચોવીસ કલાક પછી વિશ્વ‌જિતને હોશ આવ્યા ત્યારે જાતને હૉસ્પિટલના બેડ પર ભાળી. સાથળના મૂળ વચ્ચે ભયંકર પેઇન થઈ રહ્યું હતું. એમની આંખોમાં ભય ટળવળ્યો - અનાહતે આ શું કર્યું! ક્યાંક મારું પુરુષાતન તો...

‘બહુ દયનીય હાલતમાં તમને કોઈ નવી મુંબઈના એક મકાન આગળ છોડી ગયેલું...’ વીવીઆઇપી પેશન્ટને હોશ આવ્યાનું જાણી દોડી આવેલા ડૉક્ટરે માહિતી આપી, ‘કોણે-કેમ કર્યું એ તો તમે જ કહી શકો, પણ કહેતાં અફસોસ થાય છે કે’ આધેડ વયના ડૉક્ટર થોથવાયા. ‘તમારા ટે‌‌્િસ્ટકલ્સ કાપી કોઈએ તમને પાવૈયા બનાવી દીધા છે.’

હેં. ‘હું તમને મોતથી વધુ બદતર જિંદગી આપીશ...’ અનાહતના શબ્દો પડઘાયા. અરે, એ ખડખડાટ હસતો મારી સામે મને દેખાય છે - તમને એક કિન્નરનો વાંધો હતોને, લો હવે તમે પોતે જ હીજડા બની ગયા! હવે રાષ્ટ્રના પતિ કઈ રીતે બનશો?’
નહીં નહીં! વિશ્વ‌જિતે રાડારાડ, રડારોળ કરી મૂકી. બીજે દિવસે અખબારની હેડલાઇન હતી -

કિન્નર બનાવાયેલા લોકપ્રિય નેતાનું ચિત્તભ્રમ!

***

અખબારનો હેવાલ વાંચી અનાહતે સંતુષ્ટિ અનુભવી. સત્યાની તિથિએ મરવાનું મુરત ભલે ન સચવાયું, એના અસલી ગુનેગારને સજા દીધાની સંતૃપ્તિ સાથે મરીશ હું. મારી સત્યા પાછળ, માને વિના વાંકે મારવાના પાપના પ્રાય‌શ્ચિત્તરૂપે..

અનાહત સોફા-ટિપાઈ વચ્ચે ગોઠવાયો. જાણે ત્યાં આડી પડેલી સત્યાને આલિંગતો હોય એમ જમણો હાથ સત્યા ફરતે વીંટાળી એણે ડાબા હાથે સોફા પર મૂકેલી છૂરી ઉઠાવી. એક ઘા થયો. લોહી વહ્યું. તરફડીને શરીર શાંત થયું, પણ એમાંથી છૂટેલો આત્મા આવા જ બીજા આત્મા સાથે ભળી ગયો. હવે ન અંગાર હતા, ન રાખ.

(સમાપ્ત)

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK