દિવસ ત્રીજો : ચાલો માથાભારે રિક્ષાવાળાઓને સીધાદોર કરીએ

Published: 14th October, 2011 20:30 IST

મિડ-ડેએ માથાભારે રિક્ષાવાળાઓ સામે શરૂ કરેલા અભિયાન અંતર્ગત ત્રીજા દિવસે પણ રિપોર્ટર અને પોલીસે મળીને રિક્ષાવાળાઓની ખબર લીધી હતી. આ અભિયાનના કારણે બીજા દિવસથી જ રિક્ષાવાળાઓએ યોગ્ય કામગીરી બજાવવાનું શરૂ કરી દીધું હતું જેના પગલે ઘણા પ્રવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. આવો નજર કરીએ બીજા દિવસે આ અભિયાનમાં શું થયું.

 


રિપોર્ટર : ફૈસલ જી. ટંડેલ

જગ્યા : ચેમ્બુર સ્ટેશન

સમય : સવારે ૧૦થી બપોરના ૧૨

કાયદો ભંગ કરનાર : બે

પ્રવાસીઓનો અનુભવ : પૅસેન્જરોને ના પાડતા રિક્ષાચાલકોનાં લાઇસન્સ જપ્ત કરી લેવાની ટ્રાફિકપોલીસની ડ્રાઇવને લીધે છેલ્લા કેટલાક દિવસોમાં રિક્ષાચાલકોના અભિગમમાં પરિવર્તન આવ્યું છે. જોકે કેટલાક રિક્ષાચાલકો હજી ઉદ્ધત વર્તન કરે છે, પણ એનું પ્રમાણ સાવ ઘટી ગયું છે. ભવિષ્યમાં પણ આવાં કૅમ્પેન હાથ ધરવાં જોઈએ.

રિક્ષાચાલકોની સ્પષ્ટતા : પોલીસે મોટી સંખ્યામાં અમારાં લાઇસન્સ જપ્ત કરી લીધાં છે જેને કારણે અમને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ લાઇસન્સ પાછું મેળવતાં ઓછામાં ઓછા ત્રણ દિવસ લાગે છે અને આ સમય દરમ્યાન અમારે લાઇસન્સ વગર રિક્ષા ચલાવતી વખતે સતત ભયના ઓથાર નીચે રહેવું પડે છે.

 રિપોર્ટર : માલીવા રિબેલો

જગ્યા : ઘાટકોપર (વેસ્ટ) સ્ટેશન

સમય : સવારે ૯થી ૧૧

કાયદો ભંગ કરનાર : ૮

પ્રવાસીઓનો અનુભવ : આ કૅમ્પેન બહુ સારો પ્રયાસ સાબિત થયો છે. રિક્ષાચાલકો લાંબા સમયથી પ્રવાસીઓને પરેશાન કરી રહ્યા હતા. છેલ્લા બે દિવસથી ઘાટકોપર સ્ટેશનની પાસે ટ્રાફિકપોલીસ હોવાથી રિક્ષા સરળતાથી મળી જાય છે.

રિક્ષાચાલકોની સ્પષ્ટતા : પ્રવાસીઓ પરાણે રિક્ષામાં ઘૂસી જાય છે અને અમે ના પાડીએ તો ફરિયાદ કરવાની ધમકી આપે છે. સામા પક્ષે જો અમે તેમને લઈ જઈએ તો ટ્રાફિકપોલીસ સ્ટૅન્ડની બહારથી પૅસેન્જર લેવા બદલ દંડ ફટકારે છે જેને કારણે અમારો તો બન્ને બાજુથી મરો થાય છે. વળી અહીંથી મરોલ જવું બહુ અઘરું છે, કારણ કે રસ્તાઓ એકદમ બિસમાર છે. આ કારણે અમે ત્યાં જવાની ના પાડીએ છીએ. ત્યાં જવાથી રિક્ષાનો વાયર તૂટી જાય છે, પંક્ચર થાય છે અને પરિણામે અમારે ભારે નુકસાનનો સામનો કરવો પડે છે.

 

 

કેવી-કેવી બહાનાંબાજી?

સામાન્ય બહાનાં : કોઈએ મને પૂછ્યું જ નથી અને એટલે મેં હા કે ના પાડી નથી અને રિક્ષામાં ગૅસ જ નથી આ બે બહાનાં રિક્ષાચાલકો પોલીસ પકડે ત્યારે સામાન્ય રીતે આપતા હતા.

વિચિત્ર બહાનાં : એક રિક્ષાચાલકે મરોલ જવાની ના પાડતાં પોલીસે તેને પકડ્યો ત્યારે તેણે બહાનું કરતાં કહ્યું હતું કે મારા ગળાની નસ ખેંચાઈ ગઈ હતી એટલે હું એક્સરસાઇઝ કરતો હતો અને પ્રવાસીને લાગ્યું કે હું ના પાડી રહ્યો છું.

રિક્ષાચાલકોમાં આવી જાગૃતિ

‘મિડ-ડે’ના આ કૅમ્પેનને કારણે રિક્ષાચાલકોમાં પણ જાગૃતિનો સંચાર થયો હતો. જૉન અર્થાના નામનો કમ્પ્યુટર ઇજનેર લાઇનમાં ઊભા રહ્યા વગર રૉન્ગ સાઇડથી રિક્ષા પકડવાનો પ્રયાસ કરતો હતો ત્યારે રિક્ષાચાલકોએ તેને ટપાર્યો હતો. જૉન રિક્ષાચાલકોની આ જાગૃતિથી ખુશ થયો હતો અને કહ્યું હતું કે મારા આ વર્તનથી મને ભોંઠપ થઈ છે, પણ એ જાણીને આનંદ થયો છે કે પ્રવાસીઓ નિયમ તોડે છે ત્યારે પણ રિક્ષાચાલકો નિયમ પાળવાનો આગ્રહ રાખે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK