મેટ્રો ફિયર

Published: 7th September, 2012 06:57 IST

અંધેરીમાં મેટ્રોના સ્લૅબ નીચેથી ચાલવા રાહદારીઓ તૈયાર નથી : મેટ્રો રેલના આ પટ્ટામાં થયેલા ઍક્સિડન્ટમાં ફાયરબ્રિગેડનો જવાન  ૧૦ મહિના પહેલાં ઘવાયો હોવા છતાં હજી સુધી સત્તાવાર રીતે કોઈ પગલાં લેવામાં નથી આવ્યાં

metro-pullમેઘના શાહ

મુંબઈના અંધેરી-કુર્લા રોડના લીલા ગેલિરિયા હોટેલ પાસે મેટ્રો રેલ પ્રોજેક્ટનો અન્ડર કન્સ્ટ્રકશન સ્ટેરકેસનો સ્લૅબ તૂટી જતાં એક વ્યક્તિનું મોત તથા ૧૬ લોકો જખમી થયા હતા. ઘાયલો પૈકી અંધેરીની સેવન હિલ્સ હૉસ્પિટલમાં ૬ મજૂરોને તથા જુહુની કૂપર હૉસ્પિટલમાં પાંચ તેમ જ સાકીનાકાની પૅરામાઉન્ટ હૉસ્પિટલમાં પાંચ મજૂરોને ઍડ્મિટ કરવામાં આવ્યા છે. ઘાયલોને હાથ, પગ તથા માથાના ભાગે તેમ જ મૂઢ માર પણ વાગ્યો હતો. ઘાયલોએ યોગ્ય સલામતીનો અભાવ, સ્લૅબ બનાવવામાં આવતી વખતે તેમાં  થયેલા ભેળસેળ તેમ જ ગ્રાઉન્ડ લેવલ પર સરખી રીતે કામ ન થતાં આ અકસ્માત થયો હોવાનું જણાય છે. આ કારણે હવે રાહદારીઓ મેટ્રોની નીચેથી ચાલતા ગભરાઈ રહ્યા છે.

અકસ્માતમાં મરણ પામનારનું નામ ઉમેશ સાહુ છે, જેની ઉંમર ૩૪ વર્ષ હતી. સૌથી ઉપર કામ કરતા હોવાથી સદ્નસીબે ગંભીર ઈજાથી બચી જનાર ૧૮ વર્ષના પુરુષોત્તમ સિંહાએ કહ્યું હતું કે ઉપરની બાજુએ થયેલા લીકેજ તેમ જ કૉન્ક્રીટ સ્લૅબમાં સરખી રીતે ન થયેલા મિશ્રણને કારણે આમ થયું છે. ૨૯ વર્ષના સૂરજમલ મ્હાત્રેને મંગળવારે સાંજે ફાયર-બ્રિગ્રેડ દ્વારા અહીં લાવવામાં આવ્યો. તેણે કહ્યું હતું કે અમે કંઈ સમજીએ એ પહેલાં તો સઘળી ઘટના બની ગઈ, ત્યાર બાદ મારા હાથે તથા પગે ભારે દુખાવો થાય છે. ૩૦ વર્ષના મનોજ સહાયને હાથે તથા પગે સામાન્ય ઈજાઓ થઈ છે. ૨૫ વર્ષના વિચિત્રા મોહંતીએ કહ્યું હતું કે અકસ્માત સમયે અમે સુરક્ષા માટેનાં કોઈ સાધનો નહોતાં પહેર્યા.

૩૦ વર્ષના શંકર સાંવરિયાએ કહ્યું હતું કે ‘હું મારું કામ કરી રહ્યો ત્યારે અચાનક ત્રણથી ચાર માણસોને મેં નીચે પડતા જોયા. ત્યાર બાદ હું પણ તેમના પૈકીનો એક બની ગયો.’

આ બાબત વિશે વધુ જાણકારી આપતાં સેવન હિલ્સ હૉસ્પિટલના ઈમર્જન્સી મેડિસીન અને પ્રોમા યુનિટના ડૉક્ટર સાગર ગાલવનકરે મિડ-ડે LOCALને કહ્યું હતું કે અમારી હૉસ્પિટલમાં ૬ જણને લાવવામાં આવ્યા હતા, એમાંથી એક લેબર હૉસ્પિટલમાં લાવતી વખતે રસ્તામાં જ મરી ગયો હતો અને ૩ જણની હાલત હૉસ્પિટલમાં લાવ્યા ત્યારે ખૂબ ક્રિટિકલ હતી, પણ હમણાં પાંચે જણ નૉર્મલ છે અને નેક્સ્ટ અઠવાડિયામાં તેમને ડિસ્ચાર્જ પણ મળી જશે. નાની-મોટી ઇન્જરી થઈ છે, પણ હવે તે લોકોની હેલ્થ સુધારા પર છે.

જ્યારે આ સ્લૅબ પડ્યો ત્યારે લીલા ગેલિરિયા હોટેલના લિફ્ટમૅન ગણેશ કડવેએ પોતે જોયેલા અકસ્માત વિશે વધુ જાણકારી આપતાં મિડ-ડે LOCALને કહ્યું હતું કે  હું ૪.૧૫ વાગ્યે ચા પીવા હોટેલની બહાર આવ્યો અને મેં ઉપર જોયું તો સ્લૅબ પડી રહ્યો હતો. હું મદદ માટે બૂમ પાડું એ પહેલાં તો નીચે બધા લેબરો તરફડતા હતા. એમાંથી બે જણને તો મેં ઉપાડીને અમારી હોટેલના ગેટ પાસે મૂક્યા. હું એકદમ ગભરાઈ ગયો હતો. શું કરવું મને કંઈ સમજ પડતી નહતી. બધા લેબરો તરફડી રહ્યા હતા. એ પછી તરત જ ઍમ્બ્યુલન્સ આવી અને તે લોકોને લઈ ગઈ. અમારી હોટેલની બહાર જ આ કામ ચાલી રહ્યું છે એટલે અમે રોજ જોતા પણ હતા કે આ લોકો આટલા વરસાદમાં પણ સ્લૅબ બનાવવાનું કામ કરતા હતા. કદાચ વરસાદમાં બનાવેલો સ્લૅબ કાચો રહી ગયો હશે અને એને લીધે આ ઘટના બની હશે.

એ રોડ પરથી એ જ સમયે પસાર થતા મહારાષ્ટ્ર નવનિર્માણ વિદ્યાર્થી સેનાના ઉપાધ્યક્ષ રોહન સાવંતે મિડ-ડે LOCALને કહ્યું હતું કે હું મારું કામ પતાવીને સ્ટેશન તરફ જઈ રહ્યો હતો અને મેં કોઈની બૂમો સાંભળી. એ પછી મેં પાછળ ફરીને જોયું તો ઉપરથી કંઈ પડ્યું હતું અને નીચે બધા માણસો બચાવ-બચાવ કરીને બૂમો પાડી રહ્યા હતા. પછી મને ખ્યાલ આવ્યો કે આ તો મેટ્રોનો સ્લૅબ પડી ગયો છે અને જે લોકો ઇન્જર્ડ થયા છે એ ૧૮ વર્ષથી ૩૦ વર્ષની ઉંમરના મેટ્રોનું કામ કરી રહેલા લેબરો છે. તે લોકોની હાલત ખૂબ ગંભીર હતી. શહેરના હેવી ડ્યુટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ રામભરોસે ચાલતા હોય એવો ઘાટ છે, કારણ કે છાશવારે કોઈ ને કોઈ અકસ્માતની ઘટનાઓ બનતી જ રહે છે. છેલ્લા બે દિવસથી વરસતા ધોધમાર વરસાદે સામાન્ય લોકોના હાલ-બેહાલ કરી દીધા હતા અને એ જ વરસાદ આ ગમખ્વાર અકસ્માત માટે જવાબદાર છે એવું આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારીઓનું માનવું છે. પગથિયાંઓ તેમ જ સ્લૅબને જોડવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે જ આ ઘટના બની હતી. ઇન્ટરનૅશનલ સ્ટૅન્ડર્ડ મુજબ આવાં કામો કરતાં અગાઉ લોખંડના થાંભલાઓ ઊભા કરી એની ફરતે જાળીઓ લગાવી યોગ્ય સુરક્ષા-સાધનોનો ઉપયોગ કરીને ત્યાર બાદ સિમેન્ટ ભરવાનું કામ કરવું જોઈએ. કોઈ પણ જાતની આગોતરી સલામતીના નિયમોને કોરાણે મૂકી આવા કામની પરવાનગી કોણે આપી એ એક તપાસનો વિષય છે. વળી, વરસાદને કારણે અસ્થાયી થાંભલા જેને આધારે ઊભા કરવામાં આવ્યા હતા એની ચકાસણી પણ કરવામાં નહોતી આવી. ખરેખર તો ભારે વરસાદ વખતે કૉન્ટ્રૅક્ટરે આ કામ બંધ કરવાની જરૂર હતી. વધુમાં અકસ્માત વખતે મજૂરોએ કોઈ સુરક્ષાનાં સાધનોનો પણ ઉપયોગ નહોતો કર્યો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK