ગૌરવ તરફ એક ડગઃ આ જાડાપાડા શબ્દનો સાચો અર્થ સમજવાનો સમય આવી ગયો છે

Published: 8th July, 2019 14:33 IST | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી | મુંબઈ

આપણે ત્યાં વિભૂતિઓ પોતાની આત્મકથા લખે છે. લખે છે કે પછી લખાવે છે, પણ જરા વિચારો કે હોજરી પોતાની આત્મકથા લખે તો એમાં એ શું લખે અને એ લખેલું કેવું હોય? પોતાની ઉપર થતા એકેક બળાત્કાર અને અત્યાચારો વિશે એ લખે અને એ આત્મકથા ખરેખર હૃદયદ્રાવક બની જાય.

આપણે ત્યાં વિભૂતિઓ પોતાની આત્મકથા લખે છે. લખે છે કે પછી લખાવે છે, પણ જરા વિચારો કે હોજરી પોતાની આત્મકથા લખે તો એમાં એ શું લખે અને એ લખેલું કેવું હોય? પોતાની ઉપર થતા એકેક બળાત્કાર અને અત્યાચારો વિશે એ લખે અને એ આત્મકથા ખરેખર હૃદયદ્રાવક બની જાય. હોજરી બિચારી બચવા માગે છે, છૂટવા માગે છે પણ માણસ એનો છુટકારો કરવા રાજી જ નથી. એ તો એકધારો પોતાની હોજરીમાં ખોરાક ઓર્યા જ કરે છે, ઓર્યા જ કરે છે પણ ઓરવાની આ જે પ્રક્રિયા છે એ દરમ્યાન તે ભૂલી જાય છે કે આપણે કૅલરીની આયાત કરીએ છીએ, પણ એની એટલી નિકાસ નથી કરતા. આ જ તો કારણ છે આપણા મેદસ્વીપણાનું. ક્યારેક તો એવા ખાધોડકા લોકોને જોઈને ખરેખર ભગવાનનો આભાર માનવાનું મન થાય કે સારું છે કે તેણે વચ્ચે રાત બનાવી. રાતના સમયે તો આ મહાશયે નાછૂટકે શાંતિ રાખવી પડતી હશે.

હમણાં એક ડેન્ટ‌િસ્ટ મિત્ર સાથે વાત થતી હતી ત્યારે તેણે ચાવી-ચાવીને ખાવા વિશે એક સરસ વાત કહી. તેણે કહ્યું કે હોજરીને દાંત નથી હોતા. એ તો એની પાસે જે આવે છે એના પર જ પોતાનું કામ શરૂ કરે છે. જો ઇચ્છતા હો કે તમારી હોજરી સારી રહે અને જીવનકાળ દરમ્યાન સારી રીતે કામ કરે તો ચાવવાનું જે કામ દાંતને સોંપવામાં આવ્યું છે એની પાસેથી શ્રેષ્ઠ રીતે લેવું જોઈએ. જો એ કામમાં આળસ કરી ગયા તો માર્યા ઠાર. હોજરી પણ પોતાના કામમાં ઠાગાઠૈયા કરશે અને એણે ઠાગાઠૈયા જેવા ચાલુ કર્યા કે તમે ધંધે લાગી જશો. તમારા સ્વાસ્થ્યના માલિક તમે છો અને તમારે જ એ કામ કરવાનું છે. આજના સમયે માર્કેટમાં એક મોટો ફિટનેસ-કૉન્શિયસ વર્ગ ઊભો થયો છે. તે જાત-જાતના ફતવાઓ જાહેર કર્યા કરે છે. રોટલીમાં ઘી નહીં ચોપડવાનું. કૂવામાં ધરબાય ગયાં હોય એવાં ભજિયાં કે સમોસા ખાવાના છોડી દેવાના. ચામાં શુગર, ના બિલકુલ નહીં. મીઠાઈ તો ખાવાની જ નથી. અરે ભલા માણસ, આ બધું કરવાની સલાહ આપવાને બદલે કન્ટ્રોલની વાત સમજાવો અને સાથોસાથ ઘીને પચાવવાની સમજણ આપો.

બેઠાડું જીવન પછી જે શરીર વધે છે એની માટે ગુજરાતી સ‌ાહિત્યકારોએ ખૂબ સરસ શબ્દ બનાવ્યો છે જાડાપાડા. આ શબ્દને દરેક મેદસ્વીએ ધ્યાનથી વાંચવો અને કાનમાં પડઘા પડતા હોય એ રીતે એને સાંભળવો પણ ખરો. જાડાપાડા. જાડા એટલે તો સમજાઈ ગયું, પણ આ શબ્દમાં વપરાતા પાડા શબ્દનો અર્થ શું કાઢવાનો? સમજણ હોવી જોઈએ અને ધારો કે એનો અભાવ હોય તો એ અભાવને દૂર કરવાની અને આ શબ્દને સાચી રીતે સમજવાની પણ સમજણ કેળવવી પડે. પાડો એ માત્ર શરીરથી જાડો નથી હોતો, એ બુદ્ધ‌િથી પણ જાડો હોય છે. કોઈ વાત સમજતો જ નથી, કોઈનું કહ્યું માનતો પણ નથી અને સાચાખોટાનો ભેદ પણ જાણતો નથી. આ ભેદ આપણે ન સમજીએ એવા જાડા અને સાથોસાથ પાડા જેવા ન રહેવું જોઈએ. બુદ્ધ‌િ છે એનો ઉપયોગ કરો અને ગૌરવ તરફ ડગ માંડીને અરીસા સામે ઊભા રહો. જો તમને, તમે અરીસામાં જોવા ગમતા હો તો જગત આખું તમારા પ્રેમમાં પડશે; પણ જો તમને જ લાગતું હોય કે તમે જાડા છો તો યાદ રાખજો પેલો શબ્દ, જે ‌સાહિત્યકારોએ બનાવ્યો છે. તમે માત્ર જાડા નથી, તમે એવા પણ છો જ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK