ચિદમ્બરમ પુરાણ- યાદ રાખજો, કર્મ તમારો પીછો છોડતું નથી અને છોડશે પણ નહીં

Updated: Aug 23, 2019, 15:10 IST | મેરે દિલ મે આજ ક્યા હૈ-મનોજ જોશી | મુંબઈ

જ્યારે ચિદમ્બરમ દેશના ગૃહપ્રધાન હતા ત્યારે ગુજરાતમાં અમિત શાહને તેમણે ભારોભાર કનડગત કરી હતી. કંઈ બાકી નહોતું રાખ્યું.

પી. ચિદંબરમ
પી. ચિદંબરમ

બુધવાર રાતે ચિદમ્બરમને સીબીઆઇએ પોતાના કબજામાં લઈ લીધા. લાંબા સમયથી આ ગજગ્રાહ ચાલતો હતો અને બધા એવું માનતા હતા કે ચિદમ્બરમ પોતાનો કોઈક રસ્તો કાઢી લેશે. ધારણા ખોટી પણ નહોતી. દેશના એક સમયના ગૃહપ્રધાન, દેશના એક સમયના ફાઇનૅન્સ મિનિસ્ટર હતા તેઓ. બધી એજન્સી એક સમયે તેમના આદેશને માન આપીને ભાગદોડ કરતી અને તેમના ઑર્ડરનું પાલન કરતી અને એ પછી, આજે, અત્યારના સમયે ચિદમ્બરમે ભાગતા રહેવું પડે એ કેવી રીતે બની શકે.
ચિદમ્બરમ પર જે આરોપ છે એ આરોપને સીધા અને સરળ શબ્દોમાં સમજાવવાનું કામ સહેલું નથી અને છતાં જો કહેવું જ હોય તો કહી શકાય કે આ આખો હવાલાકાંડનો કેસ છે, જેમાં ચિદમ્બરમને સાચવી લેવા માટે ૩૦૦ કરોડ રૂપિયાથી વધારે રકમનું પેમેન્ટ થયું છે. ચિદમ્બરમે જેલમાં જવું પડે એવો ઘાટ અત્યારે સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. કર્મનું પરિણામ છે આ. એક સમય હતો જ્યારે ચિદમ્બરમ દેશના ગૃહપ્રધાન હતા ત્યારે ગુજરાતમાં અમિત શાહને તેમણે ભારોભાર કનડગત કરી હતી. કંઈ બાકી નહોતું રાખ્યું. સાવ ખોટા અને વાહિયાત કેસ અને ગુનાના આરોપસર અમિત શાહ પાછળ સીબીઆઇ પડી ગયું હતું અને સીબીઆઇ સામે અઢળક આરોપ થયા હતા, પણ એ સમયે આ જ ચિદમ્બરમે પ્રેસ-કૉન્ફરન્સ કરીને એવો ખુલાસો કર્યો હતો કે એજન્સી પાસે પોતાના પુરાવા હોય છે અને એજન્સી પોતાની કામગીરી સંપૂર્ણ સ્વતંત્રતા સાથે નિભાવે છે, એને ગૃહ મંત્રાલયનો કોઈ દોરીસંચાર નથી.
અને આજે, હવે?
હવે આ જ સાહેબે એવા આક્ષેપ કરવા પડે છે કે એજન્સીનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે, એજન્સી પાસેથી બીજેપી સરકાર પોતાનું ધાર્યું કરાવે છે. ભલા માણસ, જો એવું જ હતું તો તમે શું કરતા હતા અને તમે કેવી દિશામાં કામ કરતા હતા? અત્યારે એવું છે જ નહીં. અત્યારનો આ જે કેસ છે એ કેસ પણ કૉન્ગ્રેસ સરકાર દરમ્યાન અસ્તિત્વમાં આવેલો છે અને એક સમયના સ્ટાર ગ્રુપના સર્વેસર્વા એવા પીટર મુખરજી અને તેમનાં વાઇફ ઇન્દ્રાણી મુખરજીને કારણે આ કેસની ઇન્ક્વાયરી ખૂલી છે. ઇન્દ્રાણી મુખરજીની અરેસ્ટ તેની સગી દીકરીના મર્ડરકેસ માટે થઈ છે એ સહજ તમને યાદી માટે જણાવવાનું. ઇન્દ્રાણી મુખરજીની અરેસ્ટ પછી એવી પરિસ્થિતિનું નિર્માણ થયું કે તેનાં બધાં બૅન્ક-અકાઉન્ટ ચેક થયાં અને એ ચેક થયાં એટલે ખબર પડી કે ગોટાળાઓ ગંજાવર સ્તરે છે. ચેકિંગ ચાલતું હતું મર્ડરકેસનું અને એ મર્ડરકેસમાં તપાસ કરતાં આખી વાત બહાર આવી રાષ્ટ્રીય સ્તરના ફ્રૉડની, જેમાં પહેલાં ચિદમ્બરમના દીકરાનું અને પછી ખુદ ગબ્બરનું નામ પણ ખૂલ્યું અને આખા દેશમાં હાહાકાર મચી ગયો.
ભારતની સૌથી મોટી નબળાઈ જો કોઈ હોય તો એ છે કે અહીં ખૂન કરનારને કડક સજા થાય છે (એ થવી જ જોઈએ), પણ હજારો લોકોની બચત કે લાખો લોકોના ટૅક્સમાંથી આવેલી રાષ્ટ્રીય રકમ જમી જનારાઓને એવી ગંભીરતાથી જોવામાં નથી આવતા. ચિદમ્બરમે જો ગુનો કર્યો હોય તો એ ગુનો ઇન્દ્રાણી મુખરજીએ કરેલી તેની દીકરીની હત્યા કરતાં પણ વધારે ગંભીર છે, તેમણે રાષ્ટ્રીયતાનું ખૂન કર્યું છે, દેશના લાખો લોકોના વિશ્વાસનું ખૂન કર્યું છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK