Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રસી લઈ ચૂકેલા આ ગુજરાતીઓ તમને કંઈક કહેવા માગે છે

રસી લઈ ચૂકેલા આ ગુજરાતીઓ તમને કંઈક કહેવા માગે છે

16 January, 2021 08:10 AM IST | Mumbai
Rohit Parikh, Urvi Shah Mestry

રસી લઈ ચૂકેલા આ ગુજરાતીઓ તમને કંઈક કહેવા માગે છે

ડૉ. પરેશ વેદ, જયેશ કટારિયા

ડૉ. પરેશ વેદ, જયેશ કટારિયા


આખા દેશમાં આજથી કોરોના-વૅક્સિન આપવાનું શરૂ થયું છે ત્યારે મિડ-ડેએ એવી બે વ્યક્તિ સાથે વાત કરી જેમણે એવા સમયે આ વૅક્સિન લીધી છે જ્યારે એની અસરકારકતા કે સાઇડ-ઇફેક્ટ વિશે જાતજાતની શંકા-કુશંકાઓ કરવામાં આવતી હતી. ઘાટકોપરના ડૉક્ટર પરેશ વેદ ભારત બાયોટેકે બનાવેલી કોવૅક્સિનના વૉલન્ટિયર છે, જ્યારે મુલુંડના જયેશ કટારિયા (ભાનુશાળી)એ સીરમ ઇન્સ્ટિટ્યૂટ નિર્મિત કોવિશીલ્ડ વૅક્સિનની ટ્રાયલમાં ભાગ લીધો હતો. આ બન્નેએ પોતાની જાતને ‌વૅક્સિન માટે કઈ રીતે તૈયાર કરી અને વૅ‌ક્સિનેશનનો તેમનો અનુભવ કેવો રહ્યો એ વાંચો તેમના જ શબ્દોમાં...

રાક્ષસને માર્યા જેવી ખુશી



રસીની ટ્રાયલ માટે જવાનો નિર્ણય સરળ નહોતો. જોકે એક પળ માટે એવું લાગ્યું કે મારી ડૉક્ટર તરીકે ફરજ છે. કોવિડના આ ભયાવહ સામે મારે કાંઈક તો કરવું જોઈએ. અનેક મનોમંથન પછી વિચાર્યું કે એક ડૉક્ટર તરીકે વૅક્સિનની અસરકારકતાને મારાથી વધુ સારો ન્યાય કોણ આપી શકશે? મારા જેવા ડૉક્ટરો જ વૅક્સિનની જાગરૂકતા માટે મહત્ત્વનો રોલ ભજવી શકે છે. આથી ચાર અઠવાડિયા પહેલાં મેં મુંબઈની એક સરકારી હૉસ્પિટલમાં રસી લેવાનો નિર્ણય કર્યો હતો.


રસીની પ્રક્રિયા ખૂબ સરળ છે. પહેલા દિવસે વૅક્સિનની ટ્રાયલ શરૂ કરતાં પહેલાં મને કાઉન્સેલિંગ માટે લઈ જવામાં આવ્યો હતો. ત્યાં મને વૅક્સિનની આખી પ્રક્રિયા અને એનામાં રહેલા જોખમ વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. ત્યાર પછી મારી ફિઝિકલ ફિટનેસ ચેક કરવામાં આવી હતી.

વૅક્સિનનો ડોઝ લેતાં પહેલાં જ મારી નજર સમક્ષ સોશ્યલ મીડિયા અને વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થયેલાં વૅક્સિનની આડઅસરનાં પરિણામો ઘૂમવા લાગ્યાં હતાં, પણ હું એ વિચારોને મગજમાંથી બહાર કાઢવામાં સફળ રહ્યો હતો. ડોઝ લેતાં પહેલાં મને ખબર પડી કે હું દેશની ત્રીજી વ્યક્તિ છું જે કોરોના-વૅક્સિન લઈ રહી છે. જોકે હું થોડી વાર માટે તો ગભરાઈ ગયો હતો. આખરે મને વૅક્સિન આપીને અડધા કલાકમાં જ ઘરે જવા દીધો હતો. એ સમયે મને કોઈ મોટા રાક્ષસને મારીને જીત મેળવી હોય એવું પ્રાઉડ ફીલ થયું હતું.


પહેલો ડોઝ લેતાં પહેલાં જ મને ચેતવણી આપવામાં આવી હતી કે થોડી ફ્લુની અસર થઈ શકે છે. તેઓએ મને થર્મોમીટર, સ્કેલ (ઇન્જેક્શનના અંતરને માપવા માટે)ની કિટ આપી હતી. મારાં લક્ષણોની નોંધ કરવા માટે લોગ-બુક અને સાથે જરૂર પડે તો ડૉક્ટરોનાં નામ અને હૉસ્પિટલનાં નામ સાથે ઇમર્જન્સીમાં લેવાની દવાઓ લખી આપી હતી.

પહેલા દિવસે કો‌વિડ-વૅક્સિન લીધા પછી ૬ કલાક સુધી મને તાવ અને શરીરનો દુખાવો રહ્યો હતો, જે પછીથી ગાયબ થઈ ગયો હતો. મને મારા રૂટીન કામમાં કોઈ તકલીફ પડી નહોતી. હું મારા ડાયાબિટીઝના ક્લિનિકમાં હંમેશની જેમ જતો-આવતો હતો.

લગભગ ત્રણ અઠવાડિયાં પછી મને બૂસ્ટર ડોઝ લેવાની સલાહ આપવામાં આવી હતી, જે ખૂબ અસહ્ય હતો. એ ડોઝ લીધા પછી મને તાવ અને શરીરનો દુખાવો લગભગ ૧૨થી ૧૬ કલાક રહ્યો હતો.

હવે મારો આખો કોર્સ પૂરો થયાને ચાર અઠવાડિયાં થઈ ગયાં છે. મારી તબિયત સારી છે. મેં મારી રાષ્ટ્રહિતની ફરજ પૂરી કરી છે. આજે હું જે આનંદ અને પરિપૂર્ણતાનો અનુભવ કરી રહ્યો છું એને માટે શબ્દો ખૂટી પડે છે. જોકે ખૂબ ઓછી રીતે પણ રાષ્ટ્રીય હેતુ માટે જે ફાળો આપ્યો છે એનો મને ગર્વ છે.

હું જાહેર જનતાને અનુરોધ કરું છું કે તમે પણ વૅક્સિન લઈને રાષ્ટ્ર પ્રત્યેની તમારી ફરજ પૂરી કરજો. આ રસી ખૂબ સલામત છે, ખૂબ અસરકારક છે અને એ લેવા માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી.

ડર કે આગે જીત હૈ

કોરોના વૅક્સિનની પ્રથમ અને બીજા તબક્કાની ટ્રાયલ લેવા માટે પૂરતા વૉલન્ટિયર્સ મળતા નહોતા. લોકોમાં એક ડર પણ હતો કે કોરોના-વૅક્સિનની કોઈ આડઅસર થશે તો? ત્યારે આવા બધા વિચારોને બાજુએ મૂકીને કોઈએ તો આગળ આવવું પડશે એવા વિચાર સાથે મેં સામે ચાલીને બધી ઇન્ક્વાયરી કરી અને કોરોના-વૅક્સિનની ટ્રાયલ માટે મેં મારું નામ પરેલની કેઈએમ હૉસ્પિટલમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા નિર્મિત ઑક્સફર્ડ કોરોના-વૅક્સિન કોવિશીલ્ડ મેં લીધી છે. સેકન્ડ ટ્રાયલમાં વૉલ‌ન્ટિયર બનવા બાબતે જ્યારે મેં મારા પરિવારને વાત કરી ત્યારે મને મારી પત્ની અને દીકરી તેમ જ મિત્રોનો પણ સારો મૉરલ સપોર્ટ મળ્યો હતો. ટ્રાયલ માટે મારું નામ રજિસ્ટર કરાવ્યા પછી હું દર ૧૫ દિવસે ફૉલોઅપ લેતો હતો. ત્યારે મને ડૉક્ટરે કહ્યું કે તમે હૉસ્પિટલમાં આવીને બધા રિપોર્ટ કરાવી લો. જો બધા રિપોર્ટ નૉર્મલ આવશે તો ટ્રાયલ માટે ૭ ઑક્ટોબરના પ્રથમ તબક્કામાં કોરોના-વૅક્સિનનો પ્રથમ ડોઝ આપીશું. બે દિવસમં મારા બધા રિપોર્ટ નૉર્મલ આવતાં મેં પ્રથમ ડોઝ લીધો હતો. ડોઝ લીધા બાદ મને કોઈ પણ પ્રકારની તકલીફ નહોતી થઈ. જોકે બે દિવસ સામાન્ય તાવ રહ્યો હતો અને થોડી વીકનેસ રહી હતી. બાકી કોઈ સાઇડ-ઇફેક્ટ નહોતી થઈ. ખાવા-પીવાનું બધું નૉર્મલ હતું. મને ડૉક્ટર્સનો સારો સપોર્ટ મળ્યો હતો. ડૉક્ટર્સ સામેથી મને ફોન કરીને બધું ફૉલોઅપ લેતા હતા અને મને જો કોઈ તકલીફ થાય તો ડૉક્ટરે મને ફોન-નંબર પણ આપ્યા હતા.

બીજા ડોઝ માટે મને એક્સાઇટમેન્ટ હતી અને થોડી ગડમથલ પણ હતી, પરંતુ મેં વિચાર્યું કે જો હું કોરોના-વૅક્સિન લઈશ અને એનાં પરિણામ સારાં આવ્યાં તો સમાજનું ભલું થશે અને ખરાબ આવ્યાં તો લોકો બચી શકશે. કોરોના-વૅક્સિનનો બીજો ડોઝ મેં ૪ નવેમ્બરે લીધો હતો. ત્યારે પણ મને સામાન્ય તાવ અને બે દિવસ ‌વીકનેસ લાગી હતી. પ્રથમ અને બીજા તબક્કાની ટ્રાયલ લીધા પછી અત્યારે મને કોઈ પ્રકારની તકલીફ નથી. હું એકદમ સ્વસ્થ છું. વૅક્સિન લીધા પછી પણ હું ઘરની બહાર નીકળતાં માસ્ક પહેરું છું. હાથને વારંવાર સૅનિટાઇઝ કરું છું તેમ જ સરકારે બનાવેલી બધી ગાઇડલાઇન્સને ફૉલો પણ કરું છું. હું લોકોને એ જ  કહેવા માગું છું કે જરાય ડર્યા વિના રસીકરણમાં ભાગ લો, કારણ કે ડર કે આગે જીત હૈ.

Whatsapp-channel Whatsapp-channel

16 January, 2021 08:10 AM IST | Mumbai | Rohit Parikh, Urvi Shah Mestry

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK